Categories
વાચન સમૃદ્ધિ

આર્યસમાજ

વેદોની સર્વોપરીતામાં અતૂટ શ્રદ્ધા રાખતી, ધાર્મિક-સામાજિક સુધારણાની પ્રવૃત્તિ કરતી સ્વામી દયાનંદ સરસ્વતીએ સ્થાપેલ સંસ્થા. ૧૯મી સદીમાં ભારતીય સમાજમાંથી કેટલીક બદીઓ દૂર કરવા બે પ્રકારની પ્રવૃત્તિઓ થઈ. તેમાંની કેટલીક પશ્ચિમની સંસ્કૃતિથી તો કેટલીક ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત હતી. દયાનંદ સરસ્વતીએ પોતાના ગુરુ વિરજાનંદના આદેશ મુજબ હિંદુ ધર્મમાં પ્રવેશેલાં અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવવા ૧૦ એપ્રિલ, ૧૮૭૫માં મુંબઈમાં આ સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિનાં મૂળ તત્ત્વોને પુનર્જીવિત કરવાનો હેતુ હતો. થોડાં વર્ષ બાદ લાહોરને તેનું વડું મથક બનાવેલું. દયાનંદ સરસ્વતી એક ઈશ્વરમાં માનતા; પરંતુ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેઓ ગૌરક્ષા અને ગૌવધ પ્રતિબંધની તરફેણમાં હતા. આર્યસમાજના મુખ્ય ગ્રંથ ‘સત્યાર્થપ્રકાશ’માં દયાનંદે આર્યસમાજના સિદ્ધાંતોની ચર્ચા કરી છે. તેમના મતે વેદોનું અધ્યયન જ સાચું અધ્યયન છે અને વૈદિક ધર્મ બધા માટે મુક્ત હોવો જોઈએ. ‘વેદ તરફ પાછા વળો’ એ તેમનું સૂત્ર હતું.

આ સંસ્થાનો મુખ્ય આદર્શ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ ભારતનું પુનરુત્થાન કરીને એકતા સાધવાનો હતો. આર્યસમાજની કદાચ સૌથી વધુ નોંધપાત્ર સેવાઓ સામાજિક સુધારણા અને શિક્ષણનો ફેલાવો કરવામાં રહેલી છે. અસ્પૃશ્યતા અને જ્ઞાતિબંધનોનું નિવારણ, બાળલગ્નનિષેધ, વિધવા-પુનર્લગ્ન, સ્ત્રી-શિક્ષણ, દુષ્કાળરાહત જેવાં ક્ષેત્રોમાં તેમની સેવાઓ ગણનાપાત્ર રહી છે. આ સંસ્થાએ ખાસ કરીને ઉત્તર ભારતમાં અનેક સ્થળે શાળા, કૉલેજ, ગુરુકુળ-પાઠશાળા, વિધવાશ્રમ, અનાથાશ્રમ વગેરેની સ્થાપના કરી. આમાંનું કાંગડીનું ગુરુકુળ ખૂબ જાણીતું છે. ભારત બહાર પણ આ સંસ્થાની પ્રવૃત્તિ વિસ્તરી હતી. તેમાં બ્રહ્મદેશ, થાઇલૅન્ડ, મલેશિયા, ત્રિનિદાદ તથા આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં તેમણે કરેલ પ્રવૃત્તિ વિશેષ ઉલ્લેખનીય છે. આર્યસમાજની ચળવળે હિંદુઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જગાડેલાં. જે હિંદુઓએ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હોય કે તેમને સ્વીકારવાની ફરજ પાડવામાં આવી હોય તેવાઓને હિંદુ ધર્મમાં પાછા લાવવાની ‘શુદ્ધિ’-ચળવળ એ આર્યસમાજની વિશિષ્ટ કામગીરી રહી છે. આર્યસમાજની ચળવળનાં મૂળ પંજાબમાં અને ઉત્તરપ્રદેશમાં વધુ ઊંડાં ગયાં. આર્યસમાજ રાષ્ટ્રીય લડતમાં હંમેશાં મોખરે રહ્યો. સ્વામી શ્રદ્ધાનંદ, લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ તેમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1માંથી

Categories
વાચન સમૃદ્ધિ

દિબ્રુગઢ

અસામ રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો. તે 3,381 ચોકિમી. વિસ્તારને આવરે છે. જિલ્લાની ઉત્તર-પશ્ચિમ સીમા પર વહેતી બ્રહ્મપુત્ર નદીને લોહિત, દિબ્રુ અને બુઢી દિહિંગ નદીઓ મળે છે. આ નદીઓના કાંપથી આ જિલ્લામાં મેદાનોની રચના થઈ છે. આ મેદાનો આશરે 100 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ડુંગરાળ ટેકરીઓ પર જંગલો છવાયેલાં છે. મેદાનોમાં ડાંગર, શેરડી, તેલીબિયાં અને બટાટા જેવા પાકોની અને ડુંગરાળ ઢોળાવો પર ચાની ખેતી થાય છે. દિબ્રુગઢ નગર બ્રહ્મપુત્ર નદીના ઉપલા ખીણપ્રદેશમાં બ્રહ્મપુત્ર અને દિબ્રુ નદીના સંગમ પર વસેલું છે. સમુદ્રસપાટીથી તે આશરે 105 મીટરની ઊંચાઈએ લગભગ 27° 29´ ઉ. અ. અને 94° 54´ પૂ. રે. પર આવેલું છે.

નદીકાંઠે આવેલું હોવાથી તેને બ્રહ્મપુત્ર નદીના જળમાર્ગની સુવિધાઓ મળેલી છે. આસામનાં મહત્ત્વનાં વ્યાપારી કેન્દ્રોમાં તેની ગણના થાય છે. અહીંથી જળમાર્ગે ચોખા અને ચાની નિકાસ થાય છે.

જિલ્લાની અને શહેરની વસ્તી આશરે 15.10 લાખ અને 2.0 લાખ જેટલી છે (2026). દિબ્રુગઢ નગરનું દૈનિક સરેરાશ લઘુતમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 18.7° સે. તથા 27.7° સે. હોય છે. વળી ત્યાંના વાર્ષિક વરસાદનું પ્રમાણ 2,759 મિમી. જેટલું રહે છે. શહેરમાં ચા-પ્રોસેસિંગ, લોખંડ અને પોલાદની ચીજવસ્તુઓ, ઍલ્યુમિનિયમનાં વાસણો, સાઇકલના છૂટા ભાગ, સિગારેટ તથા ચાના બગીચાને ઉપયોગી ઓજારો બનાવવાને લગતી ઔદ્યોગિક પ્રવૃત્તિ વિકસી છે. ઉપરાંત અહીં ચોખા અને ખાદ્યતેલનો મિલ-ઉદ્યોગ ઉપરાંત કુટિર-ઉદ્યોગો છે. દિબ્રુગઢ યુનિવર્સિટી(1965)નું તે મુખ્ય મથક છે. આસામની તબીબી કૉલેજ, કૃષિ-વિદ્યાપીઠ તેમજ વિનયન, વિજ્ઞાન અને વાણિજ્ય-કૉલેજો તેની સાથે સંલગ્ન છે. તે રાજ્યના અન્ય ભાગો સાથે સંકળાયેલું છે. રેલ અને રાષ્ટ્રીય ધોરી માર્ગો છે. બ્રહ્મપુત્ર નદીને સમાંતર ધોરી માર્ગ આ નગરમાંથી પસાર થાય છે. ‘મોહનબારી’ નામે ઓળખાતું હવાઈ મથક ત્યાં આવેલું છે. તે ભૂમિમાર્ગે તથા હવાઈ માર્ગે આસામનાં ગુવાહાટી અને દીમાપુર તથા પશ્ચિમ બંગાળના કૉલકાતા તથા દેશનાં અન્ય નગરો સાથે સંકળાયેલું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દિબ્રુગઢ, પૃ. 379 અથવા જુઓ https://gujarativishwakosh.org/દિબ્રુગઢ/)

Categories
વાચન સમૃદ્ધિ

આર્જેન્ટિના

દક્ષિણ અમેરિકાનો વિસ્તારની દૃષ્ટિએ બીજા ક્રમે આવતો દેશ. તે ૨૨°થી ૫૫° દ. અ. અને ૫૬° ૩૦´થી ૭૩° ૩૦´ પ. રે.ની વચ્ચેનો આશરે ૨૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ દેશ દક્ષિણ અમેરિકામાં આટલાન્ટિક મહાસાગરને કિનારે વસેલ છે. તેની સરહદે ચિલી, બોલિવિયા, પરાગ્વે, ઉરુગ્વે અને બ્રાઝિલ જેવા દેશો આવેલા છે. ‘આર્જેન્ટિના’ એટલે ‘ચાંદીનો પ્રદેશ’ (land of silver). તેથી સ્પૅનિશ સંશોધકોએ તે પ્રદેશનું નામ ‘આર્જેન્ટિના’ પાડ્યું હતું. તેમને આ પ્રદેશમાં ચાંદી મળવાની આશા હતી; પરંતુ તેમને નિરાશા સાંપડી હતી. પશ્ચિમમાં ઍન્ડિઝ પર્વતમાળા આર્જેન્ટિનાને ચિલીથી જુદું પાડે છે. ઍન્ડિઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર એકોન્કાગુઆ (૬,૯૫૯ મી.) છે. અહીંની મુખ્ય નદીઓ રિયો ડી લાપ્લાટા, રિયો નિગ્રો, કૉલોરાડો, બર્મેજો અને પારાના છે. ઍન્ડિઝના પર્વતો ખનિજોની બાબતમાં સમૃદ્ધ છે. દક્ષિણમાં આવેલું પેટાગોનિયા અર્ધરણ છે, જ્યાં તેલનો વિપુલ જથ્થો ભૂગર્ભમાં છે.

પારાના નદીનાં સપાટ મેદાનોનો પ્રદેશ ખેતીની દૃષ્ટિએ દુનિયામાં સૌથી વધુ ઉત્પાદક પ્રદેશોમાંનો એક છે. અહીંના મુખ્ય પાકો ઘઉં, કપાસ, ડાંગર, શેરડી અને સોયાબીન છે. આર્જેન્ટિનાની કુલ વસ્તી 4.60 કરોડ (2026, આશરે) જેટલી છે. આર્જેન્ટિનાની સૌથી માનીતી રમત ફૂટબૉલ છે. મેરાડોના જેવા પ્રખ્યાત ફૂટબૉલ-ખેલાડીઓ આર્જેન્ટિનાએ ભેટ આપેલા છે. ત્યાંનું ટૅન્ગો (tango) સંગીત વિશ્વમાં પ્રસિદ્ધ છે. ૬થી ૧૪ વર્ષનાં બાળકો માટે શિક્ષણ મફત અને ફરજિયાત છે. દેશની રાજધાની બ્યુએનોસ એરિસ છે. અહીં મોટા મોટા મૉલ, ભૂગર્ભ (સબવે) ટ્રેન, સુંદર ઇમારતો, સરકારી કચેરીઓ આવેલાં છે. પાલેર્મો પાર્ક જોવાલાયક છે. ટીટ્રો કોલૉન અહીંનું જાણીતું ઑપેરા-હાઉસ છે. આ ઉપરાંત કોર્દોબા, રોસારિયો અને લા પ્લાટા મોટાં શહેરો છે. નૉવેલ વાપ્પી આર્જેન્ટિનાનું જાણીતું સરોવર છે. આર્જેન્ટિના અને બ્રાઝિલની સરહદે આવેલો ઇગ્વાસૂ (Iguazu) ધોધ જોવાલાયક છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આર્જેન્ટિના, પૃ. 123)