Categories
વાચન સમૃદ્ધિ

આદિવાસી

જે તે પ્રદેશના મૂળ વતનીઓ. આદિવાસીઓ દેશની સંસ્કૃતિના એક ભાગરૂપ છે. તેઓ મુખ્યત્વે પહાડો અને જંગલોમાં વસતા આવ્યા છે; તેથી તેમને ગિરિજનો, વનવાસી, વનફૂલ, આદિવાસી, ‘પ્રિમિટિવ્ઝ’ વગેરે નામોથી ઓળખવામાં આવ્યા છે. ભારત સરકારે અલ્પ કે ઓછા વિકસિત સમુદાયોની જે યાદી તૈયાર કરી હતી તેમાં તેમને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે; તેથી તેઓ ‘અનુસૂચિત જનજાતિ’ના કહેવાયા. દેશમાં જમ્મુ-કાશ્મીર અને પંજાબ સિવાય બધાં રાજ્યોમાં તેમની ઓછીવત્તી વસ્તી છે. દેશમાં આજે તેમની ૪૧૪ જેટલી જાતિઓ છે. ભારતના આદિવાસીઓને પોતાનો ધર્મ છે; જે પ્રકૃતિપૂજા, ગોત્રચિહ્ન, ગૂઢ આત્મવાદ, જાદુ, માનતા, મંત્ર-તંત્ર, ભગત-ભૂવા, ભૂત-પ્રેત, પિતૃપૂજા વગેરે પર આધારિત છે. પ્રકૃતિપૂજામાં તેઓ માને છે. ધરતી, પહાડ, ઝાડ, સૂર્ય, ચંદ્ર, વરસાદ વગેરેમાં તેઓ ગૂઢ શક્તિ હોવાનું માને છે. દુ:ખ, આફત, દુષ્કાળ, પૂર, વિનાશ, રોગચાળો, મરણ વગેરે પ્રકૃતિનાં તત્ત્વો નાખુશ થવાથી થાય છે એમ તેઓ માને છે; તેથી બલિ-ભોગ વગેરે દ્વારા તેમને ખુશ રાખવા પૂજા વગેરે કરે છે.

દેવતાની પૂજા કરતા આદિવાસીઓ   ભાંગોરિયા જાતિનું આદિવાસી નૃત્ય

મોટા ભાગના આદિવાસીઓને તેમના સમુદાયનાં સંચાલન અને નિયંત્રણ માટે તેમનાં પોતાનાં પરંપરાગત જ્ઞાતિપંચો હોય છે. આઝાદી પછી રાજકીય પક્ષો અને ચૂંટણીઓના પરિણામે રાજકીય સભાનતા અને હક્કોની સભાનતા તેઓમાં વધી છે. મિશનરીઓના સંપર્કના કારણે તેઓમાં ખ્રિસ્તીકરણ વધ્યું છે. પરિણામે ઈશુની માન્યતા, હિંદુ દેવ-દેવીઓની માન્યતાઓ, પૂજાવિધિ વગેરેમાં તેની અસર દેખાય છે. ગુજરાતના આદિવાસીઓ : ગુજરાત આદિવાસીઓની બહોળી વસ્તી ધરાવનારાં રાજ્યોમાંનું એક છે. ગુજરાતમાં દર સાત વ્યક્તિએ એક આદિવાસી છે. ઉત્તરે અંબાજીથી દક્ષિણના ઉમરગામ સુધીની સળંગ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આદિવાસીઓ વસે છે. તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય વિસ્તારોમાં છૂટીછવાઈ આદિવાસી વસ્તી જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આદિવાસી, પૃ. 105)

Categories
વાચન સમૃદ્ધિ

દાદરા અને નગરહવેલી

ગુજરાત રાજ્યના અગ્નિખૂણામાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 20° 05´ ઉ. અ. અને 73° 00´ પૂ. રે.. તે મહારાષ્ટ્રની સરહદ ઉપર આવેલો છે. અઢારમી સદીના અંતમાં આ પ્રદેશ પોર્ટુગીઝ સંસ્થાનનો ભાગ બન્યો હતો. 1954ની 2જી ઑગસ્ટથી આ પ્રદેશ સ્વતંત્ર બન્યો તથા 1961માં તેનું ભારતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું ત્યારથી તે અલગ અસ્તિત્વ ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે. સેલવાસા આ પ્રદેશનું વહીવટી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર છે. તે વલસાડ–નાશિક રોડ પર આવેલું છે. તેનો વિસ્તાર 491 ચોકિમી. જેટલો છે, જેમાં આદિવાસી પ્રજાનું પ્રમાણ સવિશેષ છે. આ પ્રદેશની વસ્તી 5,80,000 (2026, આશરે) છે. તેમાંથી 78.99% લોકો અનુસૂચિત જાતિના અને આશરે 1.97% લોકો અનુસૂચિત જનજાતિના છે. ત્યાંના આદિવાસીઓ મોટે ભાગે ગૃહઉદ્યોગો અને ખેતી દ્વારા આજીવિકા મેળવે છે. વારલી, દૂબળા, ધોડિયા અને ભીલ કોમની વસ્તી અહીં વિશેષ છે જે પોતાની ભાતીગળ લોકસંસ્કૃતિ મુજબ જીવન ગુજારે છે. આ પ્રદેશમાં ભીલી, ગુજરાતી અને હિંદી ભાષાઓ બોલાય છે.

આદિવાસી સંગ્રહાલય, સેલવાસા

તેના ઉત્તર–પૂર્વ તથા દક્ષિણ–પૂર્વ વિસ્તારો ડુંગરાળ તથા મધ્ય વિસ્તાર સપાટ છે. ત્યાંની જમીન ભેજવાળી તથા ફળદ્રૂપ છે. નગરહવેલી વિસ્તારમાં સાગનાં જંગલો છે. ત્યાંની કૃષિપેદાશોમાં ડાંગર, કઠોળ તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. ઑગસ્ટ, 1961 બાદ આ પ્રદેશને કેન્દ્રશાસિત વિસ્તારોના બધા લાભો મળતાં ગુજરાત અને મહારાષ્ટ્રના ઉદ્યોગપતિઓએ અહીં વિવિધ ઉદ્યોગો સ્થાપ્યા છે. સુંદર બાગ-બગીચા-ફુવારા અને પ્રાકૃતિક સૌંદર્યની કુદરતી ભેટને કારણે અનેક ફિલ્મોનું અહીં નિર્માણ થયું છે. રેલ-રસ્તાનો લાભ આ શહેરને મળેલો છે. વાપી અને ઉમરગામ જેવાં નજીકનાં શહેરો તેમજ સંજાણ અને નારગોલ જેવાં સાગરકિનારે આવેલાં વિહારધામોને કારણે પણ આ પ્રદેશનો વિકાસ થયો છે. સેલવાસાની ઉત્તરે દમણગંગા નદી વહે છે. સેલવાસામાં ઇન્દિરા પ્રિયદર્શિની ઉદ્યાન, તપોવન ઉદ્યાન અને આદિવાસી સંગ્રહાલય; જ્યારે દાદરામાં દમણગંગા સરોવર અને બાગબગીચા જોવાલાયક છે. કેન્દ્રસરકાર અને ગુજરાત સરકારની ઉદાર ઔદ્યોગિક નીતિને કારણે અહીં અનેક ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આત્મગોપન (Camouflage)

પર્યાવરણ સાથે એકરૂપતા સાધી જાતબચાવ કરવાની પ્રાણીઓની તરકીબ.

પ્રાણીજગતમાં ભક્ષકથી બચવું અને ભક્ષ્યને પકડવું એ સૌથી મોટી પ્રવૃત્તિ છે. આ માટે પ્રાણીઓ જાતજાતની તરકીબો કરતાં હોય છે. જાતબચાવ માટે પ્રાણીઓ પોતાના પરિસરમાં રંગરૂપથી ભળી જઈને, ભક્ષકની નજરથી બચવાની યુક્તિ અજમાવે છે. ઘણાં પ્રાણીઓ તેમના આકારની મદદથી આત્મગોપન કરે છે. ઘણાં જીવડાં સૂકી ડાળી જેવાં લાગે છે અને ઝાડની ડાળીમાં ભળી જાય છે. ઘણાં જીવડાં પાંદડાં જેવાં લાગે છે ને પાંદડાંમાં ભળી જાય છે. પતંગિયાં પણ તેમની નાજુક રંગબેરંગી પાંખોને લીધે ફૂલોમાં ભળી જઈ તેમના ભક્ષકની નજરથી બચી જાય છે. ઘણાં પ્રાણીઓના શરીર પરના ચટાપટા તેમને આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઊભા ઘાસમાં ઊભા ચટાપટાવાળો વાઘ સહેલાઈથી છુપાઈને રહી શકે છે અને હરણ જેવાં ઘાસ ચરતાં પ્રાણીઓ પર તે ત્રાટકી શકે છે.

તીડનું આત્મગોપન

હરણના શરીર પરની ટપકાં જેવી ભાત તેને પણ આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઝાડનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા તડકાની ટપકાં છાંયડાની ભાતમાં હરણના શરીરની ભાત ભળી જાય છે. વળી કેટલીક માછલીઓ તથા કાચિંડા જેવાં કેટલાંક પ્રાણીઓ તેમના પરિસર પ્રમાણે રંગો ધારણ કરી શકે છે. ઠંડા પ્રદેશમાં રહેતાં પ્રાણીઓને આસપાસના બરફમાં ભળી જવા માટે ધોળા વાળ મળેલા હોય છે. શિયાળો પૂરો થતાં સસલાં, રીંછ, શિયાળ પાછાં તેમના મૂળ કથ્થાઈ રંગનાં થઈ જાય છે. ચટાપટાવાળાં ઝિબ્રા ટોળામાં ઊભાં હોય ત્યારે સિંહ તેમાંથી કોઈ એક ચોક્કસ પ્રાણીને સ્પષ્ટ જોઈ શકતો નથી. ચટાપટાને લીધે આ પ્રાણીઓ જાણે એકબીજાંમાં ભળી જાય છે. આથી સિંહ કોઈ એક પ્રાણીનો પીછો કરી તેને પકડી શકતો નથી. ટિટોડી પોતાનાં ઈંડાં જમીન પર ખુલ્લામાં મૂકે છે એટલે ઈંડાં કાંકરા જેવા દેખાવનાં હોય છે. મરઘીનાં બચ્ચાં નાનાં હોય ત્યારે પીળાં હોય છે, જેથી જમીન પર રહેતાં બચ્ચાં તેમના પરિસરમાં ભળી જાય છે. મોટાં થતાં બચ્ચાં રંગબેરંગી પીંછાં ધારણ કરે છે. આ રીતે પ્રાણી પોતાના આકાર, રંગ, શરીરની ભાત વગેરેને લીધે પરિસરમાં ભળી જાય તેવી તરકીબ કરે છે. આને આત્મગોપન (છદ્માવરણ) કહે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1