Categories
વાચન સમૃદ્ધિ

અપુચ્છ વાનરો (Apes)

પ્રાણીજગતમાં માણસ સાથે સૌથી વધારે સામ્ય ધરાવતાં પ્રાણીઓ. મનુષ્યની જેમ અપુચ્છ વાનર બુદ્ધિશાળી હોય છે. તેઓ સમૂહમાં રહે છે અને લાંબું જીવે છે. અપુચ્છ વાનરના બે પ્રકારો છે : એક પ્રકારમાં ગોરીલા, ચિમ્પાન્ઝી તથા ઉરાંગઉટાન અને બીજા પ્રકારમાં ગિબન્સ અને સિયામાંગ છે. ગોરીલાનું નિવાસસ્થાન આફ્રિકા છે. તે કૉંગો નદીના ખીણપ્રદેશનું વતની છે. તે ડુંગરાળ અને આસપાસના જળપ્રદેશવાળા વિસ્તારોમાં વસે છે. ચિમ્પાન્ઝી આફ્રિકાના બહુવર્ષાળુ વનોમાં વાસ કરનાર ચપળ અને બુદ્ધિશાળી પ્રાણી છે; જ્યારે ઉરાંગઉટાન, ગિબન્સ તથા સિયામાંગ બોર્નિયો તથા સુમાત્રાનાં વર્ષાવનોમાં રહે છે. આ પ્રાણીઓના વસવાટના પ્રદેશો પર માનવીની ખલેલ થયા કરે છે. આથી ઇન્ડોનેશિયા તેમજ મલેશિયા દેશોએ આ પ્રાણીઓને રક્ષિત પ્રાણી તરીકે જાહેર કર્યાં છે.

ઉરાંગઉટાન

માણસની જેમ આ વાનર બાહ્ય પુચ્છ વગરના હોય છે. માણસ જેવું શરીર ધરાવે છે. તેમને ૩૨ દાંત અને તીવ્ર દૃષ્ટિ હોય છે. બીજાં સસ્તન પ્રાણીઓ રંગ પારખી નથી શકતાં, જ્યારે અપુચ્છ વાનરો રંગોમાં ભેદ જોઈ શકે છે. તેમના શરીર પર ઘણા વાળ હોય છે. માદા વાનર સામાન્ય રીતે એક જ બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાને મા છાતીએ વળગાડીને ફરે છે. બચ્ચું માનું દૂધ પીએ છે અને તેની પાસેથી શીખવાનું શીખે છે. તેઓ લાકડીનો ઉપયોગ કરી રાફડામાંથી ઊધઈ બહાર કાઢી તેને ખાઈ જાય છે. બચ્ચું ૪ વર્ષ જેવડું થાય પછી જ માદા બીજું બચ્ચું લાવે છે. અપુચ્છ વાનર મોટા ભાગે ફળો અને પાંદડાં ખાય છે. કોઈક વાર જીવડાં પણ ખાય છે. સવારે વહેલા ઊઠી જંગલમાં ફરીને ખોરાક મેળવે છે, બપોરે જમીન પર આરામ કરે છે, જ્યારે રાત્રે તેઓ ઝાડની ઉપર મોટો માળો બનાવી તેમાં સૂઈ જાય છે. વરસાદ તેમને ગમતો નથી. ઘણી વાર ઝાડનાં મોટાં પાંદડાંની આડશ કરી વરસાદથી બચે છે. તેઓ ગીચ જંગલોમાં વસે છે. અપુચ્છ વાનરના હાથ માનવની સરખામણીમાં લાંબા અને મજબૂત હોય છે. તેમના પગ ટૂંકા અને નબળા હોય છે. તેઓ ઝાડ પર ચઢી જાય છે અને ડાળી પર ઝૂલા પણ ખાય છે. ચારેય પગનો ઉપયોગ કરીને ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અપુચ્છ વાનરો, પૃ. 25)

Categories
વાચન સમૃદ્ધિ

અનાજ

ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જવ, ઓટ, જુવાર જેવી તૃણ(ઘાસ)કુળની વનસ્પતિઓના દાણા. માનવ-ઇતિહાસમાં આ વનસ્પતિઓ સૌથી અગત્યનો પાક ગણાય છે. શરૂઆતમાં આ વનસ્પતિઓ કુદરતી રીતે જંગલી ઘાસસ્વરૂપે ઊગતી હતી. હજારો વર્ષ પહેલાં તેની ખોરાક તરીકેની ઉપયોગિતા સમજાતાં આદિમાનવે તેની વ્યવસ્થિત રીતે ખેતી કરવાની શરૂઆત કરી. આદિમાનવે તેનાં અવલોકનોના આધારે આ પાકોમાં સુધારણા કરવા માંડી; જેના કારણે કૃષિવિદ્યા (agriculture) નામની વિજ્ઞાનની શાખાનો ઉદય થયો. અનાજના દાણા વિજ્ઞાનની દૃષ્ટિએ ધાન્યફળ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયથી ધાન્યોનો બીજા પાક કરતાં ખોરાક તરીકે વધારે ઉપયોગ થાય છે. તેના ખોરાક તરીકે ઘણા ફાયદા છે. તેમાં કાર્બોદિત પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે પોષક છે. અનાજના દાણામાં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકાય છે. તેમજ લાંબા અંતર સુધી તેની હેરફેર પણ કરી શકાય છે.

અનાજ

વિશ્વમાં તથા ભારતમાં ડાંગરનો વાવેતર વિસ્તાર વધારે છે. ડાંગરમાંથી મળતા ચોખાનો ઉપયોગ રાંધવામાં અને મમરા-પૌંઆ જેવી બનાવટમાં થાય છે. આ ઉપરાંત ચોખા કાઢી લીધા પછી તેના છોડનો ઉપયોગ ઢોરના ચારા તરીકે અને પૂંઠા, કાગળ વગેરે બનાવવામાં થાય છે. ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરેનો સામાન્ય રીતે દળીને તેનો લોટ બનાવી તેમાંથી રોટલા, રોટલી, ભાખરી, પૂરી, બ્રેડ, બિસ્કિટ વગેરે બનાવવામાં આવે છે. ઘઉંના લોટમાંથી શીરો, લાડુ, લાપસી, સેવ વગેરે પણ બનાવાય છે. અનાજના આથવણ દ્વારા દારૂ (બિયર અને વ્હિસ્કી) જેવાં પીણાં બનાવવામાં આવે છે. સામો, મોરૈયો, કોદરા, નાગલી વગેરે અન્ય ધાન્યપાકોનો ઉપયોગ ગ્રામલોકો તથા આદિવાસીઓ વધારે કરે છે. હાલમાં સ્વાસ્થ્ય માટે તેની ઉપયોગિતા ધ્યાનમાં આવવાથી અન્ય લોકો પણ પોતાના આહારમાં તેનો ઉપયોગ કરે છે. અનાજના મુખ્ય પ્રકારો ને તેમના ઉત્પાદક દેશો-પ્રદેશો – ઘઉં : સમશીતોષ્ણ કટિબંધના દેશોનો આ પાક છે. ભારતમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહારનાં રાજ્યો તેનું ઉત્પાદન વધુ કરે છે. વિશ્વમાં યુ.એસ., ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, મેક્સિકો, કૅનેડા, યુક્રેન, ફ્રાન્સ અને રશિયાના ઘઉં આગળ પડતું સ્થાન ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, અનાજ, પૃ. 22)

Categories
વાચન સમૃદ્ધિ

ત્રિચુર (ત્રિશુર)

ભારતના કેરળ રાજ્યના 14 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને જિલ્લામથક તે 10° 52´ ઉ. અ. અને 76° 21´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે પલક્કડ અને મલ્લાપ્પુરમ્, દક્ષિણે અર્નાકુલમ્ અને ઈડુક્કી, પૂર્વે કોઈમ્બતુર જ્યારે પશ્ચિમે અરબસાગર અને પશ્ચિમ ઘાટ સીમા બનાવે છે. ઐતિહાસિક મલબાર કિનારાનો થોડો ભાગ પણ આવેલો છે. આ જિલ્લાની કુરુવન્નુર નદીની શાખાઓ પેરિયાર, ચલાકુડી અને કુરુવન્નુર તેમજ પોન્નાની નદી મુખ્ય નદીઓ છે. અથીરાપિલ્લી (Athirappilly) જળધોધ(ઊંચાઈ આશરે 30 મીટર)ની વિશાળતા અને સૌંદર્યને કારણે ‘ભારતનો નાયગરા’ કહેવામાં આવે છે. આ જિલ્લાનો વિસ્તાર 3,032 ચો.કિમી. છે, જ્યારે વસ્તી આશરે 32,80,000 (2025) છે. જિલ્લાને વહીવટી દૃષ્ટિએ 7 તાલુકામાં વિભાજિત કરેલ છે. સાક્ષરતાનું પ્રમાણ 95.32% છે.

અથીરાપિલ્લી (Athirappilly) જળધોધ

અહીંની આબોહવા ઉષ્ણકટિબંધીય ભેજવાળી છે. માર્ચથી મે માસ ઉનાળાની ઋતુ અનુભવાય છે. વરસાદની માત્રા 3000 મિમી. જેટલી રહે છે. આ જિલ્લામાં આવેલાં જંગલો નિત્ય લીલાં અને ભેજવાળાં પાનખર જંગલોનું મિશ્રિત સ્વરૂપ છે. અહીં ભેજનું પ્રમાણ 80% કરતાં વધુ છે. વાંસનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ સરગવો, આમલી, રોઝવુડ, કદમ, કુસુમ, ભારતીય ચેસ્ટનટ જેવાં વૃક્ષો અધિક છે. ફળાઉ વૃક્ષોમાં ફણસ, કેરી, નાળિયેરી, સોપારી જ્યારે બાગાયતી ખેતીમાં રબર, ચા, કૉફી, મરી, લવિંગ, ઇલાયચી વગેરે છે. અહીં ખેતી લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે. જમીનનો રંગ કાળો, ભૂરો કે લાલ રંગનો હોય છે. આ જમીનમાં પોટાશ, ફૉસ્ફરસ તત્ત્વોની ઊણપ હોય છે. આવી જમીનમાં રબર, ચા, કૉફી, મસાલા, ફળો, શાકભાજીની ખેતી ‘બાગાયતી ખેતી’ સ્વરૂપે લેવાય છે. ખાદ્યાન્ત તરીકે ડાંગર, જવ, ઘઉં મુખ્ય છે. જ્યારે કપાસ, તમાકુ, નાળિયેરીની ખેતી જોવા મળે છે. અહીં પાવરલૂમ ઇન્ડસ્ટ્રીઝ અને કાપડ બનાવવાની મિલો આવેલી છે. કાથી અને નળિયાં બનાવવાના નાનામોટા ઉદ્યોગો આવેલા છે. આ સિવાય દવાઓ, રંગ બનાવવાના એકમો આવેલા છે. કેરળ રાજ્યમાં સૌપ્રથમ કૉફી બનાવવાનો પ્લાન્ટ 1957માં અહીં સ્થપાયો હતો. પુન્તાથુર કોટા હાથી અભયારણ્ય, પેરસી બંધ, પેચી-વાઝાની વન્ય અભયારણ્ય, પુનમાલા બંધ, પેરુવનમાલાની ટેકરી, વાઝાની બંધ, સ્નેહાથીરમ રેતીપટ, ચીમોની બંધ, કુડાલ મનીકયામ મંદિર, ત્રિચુર પ્રાણીસંગ્રહાલય વગેરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિચુર (ત્રિશુર), પૃ. 45 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિચુર/)