Categories
વાચન સમૃદ્ધિ

જોહાનિસબર્ગ

દક્ષિણ આફ્રિકાનું મોટામાં મોટું નગર, ભૌગોલિક સ્થાન ૨૬° ૧૨´ દ. અ. અને ૨૮° ૦૫´ પૂ. રે.. સમૃદ્ધ ઔદ્યોગિક કેન્દ્ર. સોનાની ખાણો પર આધારિત ઉદ્યોગોનું મથક. તે ટ્રાન્સવાલ પ્રાંતના દક્ષિણે, સોનાનો જથ્થો ધરાવતી ટેકરીઓની હાર વચ્ચે, સમુદ્ર સપાટીથી ૧,૭૫૬ મી. ઊંચાઈ પર વસેલું છે. તેનું ક્ષેત્રફળ ૪૪૩ ચોકિમી. અને મહાનગરની વસ્તી ૪૮,૦૩,૨૬૨ (૨૦૨૨) છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સોનાની ખાણોની શોધ થતાં ત્યાં વસવાટ શરૂ થયો. ૧૮૮૬માં તેને નગરનો દરજ્જો પ્રાપ્ત થયો. તે ડરબનથી ૪૮૩ કિમી., કેપટાઉનથી ૧,૨૮૭ કિમી. તથા પ્રિટોરિયાથી ૧૬૦ કિમી. અંતરે આવેલું છે. દક્ષિણ આફ્રિકાના અતિ ગીચ વસ્તીવાળા પ્રદેશમાં વિકસ્યું છે. દક્ષિણ આફ્રિકાની ભૂતપૂર્વ સરકારની રંગભેદનીતિ મુજબ આ નગર શ્વેત અને અશ્વેત લોકોના અલાયદા વસવાટો વચ્ચે વિભક્ત થયેલું છે; દા. ત., નગરના ઉત્તર તરફના વિસ્તારમાં શ્વેત વસ્તી ધરાવતાં પરાં તો દક્ષિણ તરફના વિસ્તારમાં સોવેટો, નાન્સફિલ્ડ અને લેનાશિયા જેવા અશ્વેત લોકોના વસવાટો પથરાયેલા છે.

શહેરની આબોહવા ૧૦ સે. અને ૨૦ સે. તાપમાન વચ્ચે રહે છે. તથા વાર્ષિક સરેરાશ વરસાદ ૭૬૦ મિમી. પડે છે. નગરની બાજુમાં સોનાની ખાણો હોવાથી તેના પર આધારિત ખાણ-ઉદ્યોગનો ત્યાં વિકાસ થયો છે તથા વિશ્વની તેને લગતી મોટામાં મોટી પેઢીઓ ત્યાં આવેલી છે. ઉપરાંત દક્ષિણ આફ્રિકાની મોટામાં મોટી ઔદ્યોગિક અને નાણાકીય પેઢીઓનાં મુખ્ય મથકો ત્યાં કેન્દ્રિત થયેલાં છે. શૅરબજાર ત્યાં ધીકતો ધંધો કરે છે. સોનાના ઉત્પાદન ઉપરાંત ઔદ્યોગિક હીરા (industrial diamonds), યુરેનિયમ, ખાણ-ઉદ્યોગનાં ઉપકરણો, સ્વચાલિત વાહનોના છૂટા ભાગ, ટ્રાન્ઝિસ્ટર, વીજળી તથા વાહનવ્યવહારનાં સાધનો, રસાયણો, ઇજનેરી અને છાપકામની વસ્તુઓ અને ખાદ્યપ્રક્રમણના એકમો નગરમાં વિકસ્યા છે.

પર્યટનની દૃષ્ટિએ નગરમાં જોવાલાયક બાંધકામોમાં ૨૩૦ મી. ઊંચાઈ ધરાવતા બે મિનાર (જેમાં એક રેડિયો તથા બીજો ટેલિફોનનો મિનાર છે), (૫૦ માળનું વિશાળ મકાન) જેમાં જુદાં જુદાં કાર્યાલયો છે; મોટું રેલમથક, નાટ્યગૃહો, કલાકેન્દ્ર, વસ્તુસંગ્રહાલય, સર્પ-ઉદ્યાન, પ્રાણીસંગ્રહાલય તથા પક્ષીઓ માટેનું અભયારણ્ય ઉલ્લેખનીય છે.

નગરમાં વિટવૉટર્સરૅન્ડ યુનિવર્સિટી (સ્થાપના ૧૯૦૩), રૅન્ડ આફ્રિકન યુનિવર્સિટી (સ્થાપના ૧૯૬૬), શિક્ષણની તાલીમ માટેની કૉલેજો, સાઉથ આફ્રિકા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅડિકલ રિસર્ચ તથા ૧૯૦૩માં સ્થપાયેલ ટૅકનિકલ કૉલેજ છે. તે સિવાય અન્ય વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓનો પણ વિકાસ થયેલો છે.

આ નગર દક્ષિણ આફ્રિકાનાં મહત્ત્વનાં બધાં જ નગરો સાથે રસ્તાઓ, રેલવે તથા વિમાની સેવાઓથી જોડાયેલું છે. તેનું આંતરરાષ્ટ્રીય વિમાનમથક ૨૪ કિમી. અંતરે છે.

પ્રારંભમાં આ નગર ટ્રાન્સવાલનો ભાગ હતો; પરંતુ ૧૮૯૯-૧૯૦૨ દરમિયાન થયેલા દક્ષિણ આફ્રિકાના યુદ્ધ પછી તેના પર બ્રિટિશ શાસન લાદવામાં આવ્યું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાતપુડાપર્વતમાળા

ભારતના મધ્ય ભાગમાં પૂર્વ-પશ્ચિમ પથરાયેલી પર્વતમાળા.

તે 22 27’ ઉ. અ. અને 76 22´ પૂ. રેખાંશની આજુબાજુ વિસ્તરેલી છે. ‘સાતપુડા’ શબ્દનો અર્થ ‘સાત ગેડ’ (seven folds) થાય છે, જે આ હારમાળામાં રહેલી અનેક સમાંતર ડુંગરધારોનો ઉલ્લેખ કરે છે. પૂર્વમાં અમરકંટકથી તેનો આરંભ થાય છે. પશ્ચિમે દક્ષિણ ગુજરાતમાં તે પ્રવેશે છે. તે નર્મદા ખીણની દક્ષિણે અને તાપી ખીણની ઉત્તરે પથરાયેલી છે. તે આ બંને નદીઓ વચ્ચે જળવિભાજક બની રહે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં તેનો પ્રસ્તાર છે. પશ્ચિમે રાજપીપળાની ટેકરીઓ સ્વરૂપે તે પશ્ચિમ ઘાટ (સહ્યાદ્રિ) સુધી લંબાઈ છે. અહીં અસીરગઢનો પહાડી કિલ્લો આવેલો છે.

સાતપુડા પર્વતમાળા

સાતપુડા પર્વતમાળાની લંબાઈ આશરે 900 કિમી. છે. તેની સરાસરી ઊંચાઈ 750 મી. જેટલી છે. 1200 મી.ની ઊંચાઈવાળાં શિખરો ધરાવતી આ હારમાળામાં મહાદેવ-ટેકરીઓ, મૈકલ ટેકરીઓ તથા છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થાય છે. આ ટેકરીઓ સાતપુડા હારમાળાની પૂર્વ તરફ વિસ્તરેલી છે. તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય હારમાળાનો કેટલોક ભાગ પણ ક્યારેક તેમાં ગણાય છે. મધ્યપ્રદેશમાં આવેલું પચમઢી એ ‘સાતપુડાની રાણી’ તરીકે જાણીતું બનેલું ગિરિમથક છે.

સાતપુડા ટેકરીઓનો પૂર્વ તેમ જ પશ્ચિમ બાજુનો મોટો ભાગ સ્તરબદ્ધ લાવા પ્રવાહોવાળા બેસાલ્ટ ખડકોથી બનેલો છે. આ લાવાપ્રવાહોથી બનેલા ખડકોનાં આવરણ ઉપરાંત તેનો મધ્ય ભાગ ગ્રૅનાઇટના જેવાં લક્ષણોવાળા ખડકોથી તથા રૂપાંતરિત ખડકોથી બનેલો છે. તેમની ઉપર ગોંડવાના રચનાના રેતીખડકો રહેલા છે. સાતપુડાના કેટલાક ભાગો ગેડીકરણ તેમ જ ઊર્ધ્વગમનના પુરાવા રજૂ કરે છે. આર્થિક દૃષ્ટિએ તો આ હારમાળાનો ભાગ સમૃદ્ધ નથી, પરંતુ તેના અગ્નિભાગમાં મૅંગેનીઝ અને ખનિજકોલસાના જથ્થાનું ખનનકાર્ય થાય છે. ઉચ્ચપ્રદેશીય વિભાગ જંગલોથી છવાયેલો છે. પશ્ચિમ ભાગમાં સાગનાં મૂલ્યવાન વૃક્ષો આવેલાં છે. મહાદેવ-ટેકરીઓમાંથી વહેતી વૈનગંગા અને પેંચ નદીખીણોમાં થોડા પ્રમાણમાં ખેતી થાય છે. ઊંચી ટેકરીઓવાળા ગોંડ ટેકરી વિભાગમાંની આદિવાસી પ્રજા ઝૂમ (સ્થળાંતરિત) ખેતી કરે છે. અહીંની ખીણોમાં થઈને જબલપુર-મુંબઈ સડક અને રેલમાર્ગ જાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-૯-માંથી

Categories
વાચન સમૃદ્ધિ

જૉર્ડન

અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન  ૩૧° ઉ. અ. અને ૩૬° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો છે. તેની ઉત્તરે સીરિયા, પૂર્વે ઇરાક તથા સાઉદી અરેબિયા, દક્ષિણે સાઉદી અરેબિયા તથા પશ્ચિમે ઇઝરાયલ દેશો આવેલા છે. તેનો કુલ વિસ્તાર ૮૯,૨૮૭ ચોકિમી. છે. તેનું સર્વોચ્ચ બિંદુ સમુદ્રસપાટીથી ૧,૭૫૪ મી. ઊંચાઈ પર છે, તો લઘુતમ બિંદુ સમુદ્રસપાટીથી ૩૯૬ મીટર નીચું છે. તેની કુલ વસ્તી ૧,૧૪,૮૪,૦૦૦ (૨૦૨૩, આશરે) તથા વસ્તીની ગીચતા ૩૫ પ્રતિ ચોકિમી. છે. કુલ વસ્તીના ૬૮% લોકો શહેરી વિસ્તારમાં તથા ૩૨% લોકો ગ્રામ વિસ્તારમાં વસે છે. દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ૭૭% છે. કુલ વસ્તીમાં ૯૫% સુન્ની મુસલમાનો છે. કુલ વસ્તીમાંના ૫૫% લોકો મૂળ દેશવાસીઓ છે અને બાકીના પૅલેસ્ટાઇન પ્રદેશમાંથી આવેલા છે. ૧૦% વસ્તી શરણાર્થી શિબિરોમાં વસે છે. અરબી એ રાષ્ટ્રભાષા છે, જોકે અંગ્રેજી ભાષાનો દેશમાં બહોળો ઉપયોગ થાય છે. એક જમાનામાં આ દેશ ટ્રાન્સજૉર્ડન નામથી ઓળખાતો હતો. ઇસ્લામ રાજ્યનો અધિકૃત ધર્મ છે.

અલ અકાબા બંદર                                         મૃત સરોવર

જૉર્ડન નદીની પૂર્વે ૫૫ કિમી. અંતરે આવેલું અમાન તેનું પાટનગર અને દેશનું મોટામાં મોટું નગર છે. અકાબાના અખાત પર આવેલું અકાબા એકમાત્ર બંદર છે. દેશની પશ્ચિમ તરફની સરહદ જેરૂસલેમ નગરમાંથી પસાર થતી હતી.

૧૯૬૭ પહેલાંના તેના કુલ વિસ્તારમાંથી માત્ર ૧૦% ખેતીલાયક છે, ૭૫% રણથી છવાયેલ છે અને ૧% વિસ્તાર જંગલ હેઠળ છે. જૉર્ડન નદીના પૂર્વ કિનારા પરનો પ્રદેશ, તેના પૂર્વ તરફનો રણપ્રદેશ, પશ્ચિમી કિનારા તરફનો પ્રદેશ તથા જૉર્ડનની ખીણનો પ્રદેશ એ ૪ જૉર્ડનના મુખ્ય ભૌગોલિક કે ભૂપૃષ્ઠ વિભાગ ગણાય છે. તેના પૂર્વ કિનારા પરનો મેદાની પ્રદેશ પૂર્વ તરફ ઢળતો જાય છે. આ પ્રદેશની દક્ષિણ તરફની ઊંચાઈ આશરે ૧,૭૫૦ મી. જેટલી છે અને તેમાં ૧,૭૫૪ મી. ઊંચાઈ ધરાવતું જેબેલ રામ્મ શિખર આવેલું છે. જૉર્ડન નદીના પશ્ચિમ કિનારા તરફનો પ્રદેશ પૅલેસ્ટાઇનના ઉચ્ચ પ્રદેશથી વ્યાપ્ત છે. આ પ્રદેશને પૂર્વ તરફના મેદાની વિસ્તારથી જુદા પાડતો પ્રદેશ જૉર્ડન નદીની સમતલ ખીણનો પ્રદેશ છે. ખીણોથી છવાયેલો આ પ્રદેશ વિશાળ ફાટખીણ(ધ ગ્રેટ રિફ્ટ વૅલી)નો ભાગ છે. વિશ્વનું સૌથી વધુ ખારા પાણીનું સરોવર (૨૪૦% ક્ષારતા) આ ખીણપ્રદેશના સૌથી નીચાણવાળા ભાગમાં આવેલું છે અને તે ‘મૃત સરોવર’ના નામથી ઓળખાય છે. તે પૃથ્વીતલનો સૌથી નીચો ભાગ પણ છે. જૉર્ડનનો સૌથી મોટો ભૂભાગ ટ્રાન્સજૉર્ડન પઠારનો સર્વોચ્ચ મેદાની પ્રદેશ છે.

દેશની આયાતોમાં ખાદ્ય પદાર્થો, યંત્રો, ખનિજ-તેલ તથા વાહનવ્યવહારનાં સાધનો મુખ્ય છે, નિકાસમાં ફૉસ્ફેટ, શાકભાજી તથા ફળફળાદિનો સમાવેશ થાય છે. દેશનો મોટા ભાગનો વિદેશવ્યાપાર સાઉદી અરેબિયા, ઇરાક, અમેરિકા, બ્રિટન, જર્મની, ઇટાલી, જાપાન અને ભારત સાથે થાય છે. વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ક્ષેત્રે જૉર્ડને નોંધપાત્ર પ્રગતિ કરી છે. તેના પડોશી દેશો સાથે તે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે. તેનું એકમાત્ર બંદર અલ અકાબા અદ્યતન સગવડો ધરાવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જૉર્ડન, પૃ. 35)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી