Categories
વાચન સમૃદ્ધિ

ટોકેલો

દક્ષિણ પૅસિફિક મહાસાગરના મધ્ય ભાગમાં આવેલો ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : ૯° ૦૦´
દ. અ. અને ૧૭૧° ૪૫´ પ. રે.. તે પશ્ચિમ સામોઆથી ઉત્તરે ૫૦૦ કિમી. અને હવાઈ ટાપુઓથી નૈર્ઋત્યે ૩૮૪૦ કિમી. દૂર આવેલો છે. આ પરવાળાના ટાપુઓમાં અટાફુ, ફાકાઓફુ અને નુકુનોનો સમાવેશ થાય છે. તેનું કુલ ક્ષેત્રફળ ૧૨ ચોકિમી. છે. સૌથી મોટા ટાપુ ફાકાઓફુનું ક્ષેત્રફળ ૫.૩ ચોકિમી. છે. આ ટાપુઓની આસપાસ ઘણા નાના ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ સમુદ્રની સપાટીથી ૩થી ૫ મી. જેટલા ઊંચા છે. ટાપુના વચ્ચેના ભાગમાં છીછરું સરોવર છે અને તેની ફરતે કિનારે જમીન આવી છે, જે પરવાળાના ખડકોની બનેલી હોઈ ખૂબ જ છિદ્રાળુ છે. અહીં સરાસરી તાપમાન ૨૮° સે. રહે છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન ૨૫૦૦ મિમી. વરસાદ પડે છે. ક્યારેક આ ટાપુઓ ‘ટાઇફૂન’ વાવાઝોડાનો ભોગ બને છે. અહીં ગીચ જંગલો આવેલાં છે. અહીં નારિયેળી અને પેન્ડેનસ જેવાં ૪૦ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. ઉંદર, ખિસકોલી, ભુંડ, મરઘાં, દરિયાઈ પક્ષીઓ તથા સ્થળાંતર કરીને આવતાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે.

નૃત્ય કરતી બહેનો

લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને મચ્છીમારી છે. નારિયેળ, ટારો, બ્રેડ, ફ્રૂટ, પપૈયાં, કેળાં વગેરે મુખ્ય પાકો છે. છીછરાં સરોવરો અને સમુદ્રમાં માછીમારી કરવામાં આવે છે. તરાપા તથા ઘરના બાંધકામ માટે તૌઅન્વે વૃક્ષનું ખાસ વાવેતર કરાય છે. કોપરાં પીલવાની મિલ અને તરાપા બાંધવાના ઉદ્યોગો ઉપરાંત લાકડાનું કોતરકામ, ટોપા (hats), સાદડીઓ, બૅગથેલીઓ બનાવવાના ગૃહઉદ્યોગો વિકસ્યા છે. અહીંની મુખ્ય નિકાસ કોપરાની છે. ટાપુઓનો આસપાસનો સમુદ્ર છીછરો અને ખડકોવાળો છે તેથી વહાણ કે સ્ટીમર ઊંડા પાણીમાં થોભે છે અને હોડી મારફત માલની ચડઊતર થાય છે. ૧૯૮૨થી
સી-પ્લેન આવે છે. ટાપુના મોટા ભાગના લોકો સામોઆના લોકોને મળતા પૉલિનીશિયન છે. તેમની ભાષા અને સંસ્કૃતિ સમાન છે. કુલ વસ્તી ૨૬૦૦ (૨૦૨૫, આશરે)ના ૯૮% લોકો ખ્રિસ્તી છે. લોકો અન્યત્ર સ્થળાંતર કરે છે. વહીવટની ભાષા ટોકેલો ભાષા છે, પણ અંગ્રેજી ભાષાનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. ૧૭૬૫માં કોમોડોર જ્હૉન બાયરને આ ટાપુની શોધ કરી હતી. ૧૮૪૧માં યુ.એસ. દ્વારા ત્યાંની ભાષા તથા રીતિરિવાજને લગતું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૮૬૩માં રોગચાળો ફેલાતાં તથા પેરૂના ચાંચિયાઓએ  લોકોને  ગુલામ તરીકે પકડી જતાં ત્યાંની વસ્તી ૨૦૦ જેટલી થઈ ગઈ હતી. ૧૮૭૭માં બ્રિટને આ પ્રદેશ ફીજીના હાઈકમિશનર નીચે મૂક્યો હતો. ૧૮૮૯માં તે રક્ષિત પ્રદેશ જાહેર થયો હતો. ૧૯૧૬થી ગિલ્બર્ટ અને એલિસ ટાપુના ભાગ તરીકે બ્રિટિશ તાજનું તે સંસ્થાન બન્યું હતું. ૧૯૨૫માં તે ન્યૂઝીલૅન્ડની દેખરેખ નીચે મુકાયું અને ૧૯૪૮થી તે ન્યૂઝીલૅન્ડનો વિધિસરનો ભાગ બનેલ છે. દરેક ટાપુનો વહીવટ ૪૫ સભ્યોની બનેલી કાઉન્સિલની સહાયથી કમિશનર દ્વારા કરવામાં આવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સિંહ

બિલાડીના કુળનું જગપ્રસિદ્ધ શિકારી સસ્તન પ્રાણી.

સિંહનું વૈજ્ઞાનિક નામ Panthera Leo, persica છે. સસ્તન વર્ગનું આ પ્રાણી ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે. વાઘ, દીપડો, ચિત્તા જેવાં પ્રાણીઓમાં સિંહનું સ્થાન મોખરાનું માનવામાં આવે છે. આ પ્રાણીનો દેહ મજબૂત, ખડતલ, સ્નાયુમય અને શક્તિશાળી હોય છે. નર અને માદાની ત્વચા બદામી, સોનેરી રંગની હોય છે. નરને કેશવાળી હોવાથી તે વધુ પ્રભાવશાળી લાગે છે. આને લીધે નર માદાથી અલગ પડે છે. સિંહનું કદ વાઘથી થોડું નાનું હોય છે. સિંહને ઘણા લોકો આળસુ પ્રાણી ગણે છે, પરંતુ સિંહ નિશાચર પ્રાણી છે તેથી દિવસે ગરમીમાં મોટા ભાગે આરામ કરતો હોય છે એટલે તે આળસુ લાગે છે. ખરેખર તે ઉમદા સ્વભાવનું પ્રાણી છે. સિંહનું કુદરતી રહેઠાણ સવાના પ્રકારનું ઘાસિયું જંગલ, સૂકું કંટકવન કે પાનખરનું ઝાંખરાંયુક્ત જંગલ છે. સિંહ ગુજરાતમાં સાસણગીરના જંગલમાં વાસ કરે છે. આ સિવાય હાલમાં ભારતમાં બીજી કોઈ જગ્યાએ સિંહ વસતા નથી. વિશ્વમાં આફ્રિકા ખંડના ઘણા દેશોમાં સિંહ વસે છે.

સિંહનું જીવન મનુષ્યની જેમ સામાજિક હોઈ ઘણું રસપ્રદ છે. તે ૧૦થી ૪૦ની સંખ્યામાં જૂથમાં રહે છે. તેમાં ૪થી ૫ નર, ૧૫થી ૨૦ જેટલી માદાઓ અને બાકીનાં બચ્ચાં હોય છે. પુખ્ત પ્રભાવી નર એ ટોળાનો નાયક હોય છે. ઘણી વાર નર સિંહ બીજા જૂથના સરદારને મારી ટોળાનો સરદાર બની જાય છે, આ સમયે જૂથમાં આવેલાં બીજાં નર બચ્ચાંને પણ તે મારી નાંખે છે. સિંહણો જીવનપર્યંત એક જ જૂથમાં રહે છે. વાઘ, ચિત્તો, દીપડો વગેરે આ કુળનાં બીજાં પ્રાણીઓ જૂથમાં રહેતાં નથી. આફ્રિકાનાં જંગલમાં જંગલી ભેંસ, વાઇલ્ડ બીસ્ટ જેવાં મોટાં પ્રાણીઓ હોવાથી તેમના શિકાર કરવા એકથી વધુ સિંહોની જરૂર પડે છે; તેથી ત્યાં સિંહોનાં મોટાં જૂથ હોય છે; જ્યારે ગીરમાં તેમનો મુખ્ય શિકાર ચીતળ હોવાથી જૂથમાં એક નર સિંહ જ રહે છે. સિંહણો બે કે ત્રણની સંખ્યામાં શિકારનો પીછો કરી, શિકાર કરે છે. તેઓની દોડવાની ઝડપ ચિત્તા કે વાઘ કરતાં ઓછી હોય છે અને લાંબા અંતર સુધી ભક્ષ્યનો પીછો તેઓ કરી શકતા નથી, પરંતુ શિકાર હાથવેંત આવતાં તેના ઉપર એકદમ તૂટી પડે છે. આકાશમાં ઊડતાં ગીધ, સમડી વગેરેના અને વાંદરાના અવાજોને આધારે તે પોતાનો શિકાર શોધી લે છે. શિકાર કરવાનો સમય સાંજ કે રાત્રિનો હોય છે. સિંહણો સાથે મળી શિકાર કરે અને સિંહ સૌપહેલાં તેને આરોગે પછી માદા અને બચ્ચાંનો વારો આવે છે. સિંહની ગર્જના લાક્ષણિક હોય છે. જંગલમાં સિંહની ડણક દૂર દૂર સુધી સંભળાય છે. ગર્જના કરતા સિંહ માથું જમીન તરફ રાખે છે અને તેથી તેનો શિકાર કે ભક્ષ્ય થનાર પ્રાણીઓ સિંહનું સ્થાન જાણી શકતાં નથી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંહ, પૃ. ૨11)

Categories
વાચન સમૃદ્ધિ

ટોકિયો મુકદ્દમો

બીજા વિશ્વયુદ્ધના અંતે જાપાનના યુદ્ધ-ગુનેગારો સામે ચલાવવામાં આવેલો ખટલો. જર્મનીના યુદ્ધ-ગુનેગારો સામે ન્યૂરેમ્બર્ગમાં ચલાવવામાં આવેલા મુકદ્દમાના સિદ્ધાંતોને અનુસરીને આ મુકદ્દમો ચલાવવામાં  આવ્યો હતો. દૂર પૂર્વ માટેની આંતરરાષ્ટ્રીય મિલિટરી ટ્રિબ્યૂનલના ચાર્ટરે યુદ્ધ પરત્વેના ગુનાઓને ત્રણ વિભાગમાં વહેંચ્યા હતા : (૧) શાંતિ વિરુદ્ધના ગુનાઓ, (૨) રૂઢિગત યુદ્ધના ગુનાઓ અને (૩) માનવતા વિરુદ્ધના ગુનાઓ. આ ગુનામાં કાવતરાનો ગુનો પણ સામેલ કરવામાં આવ્યો હતો. આ મુકદ્દમામાં અગિયાર રાજ્યોએ ૨૮ આરોપીઓ વિરુદ્ધ જુદાં જુદાં તહોમતનામાં મૂક્યાં હતાં; દા. ત., પૂર્વ એશિયા, મંચૂરિયા અને ચીન સામેના ગેરકાયદે યુદ્ધમાં અને કાવતરામાં સામેલગીરી, જર્મની અને ઇટાલી સાથે કાવતરામાં સામેલગીરી, ફરિયાદી રાજ્યોની પ્રજાનાં ખૂન, સામાન્ય આંતરરાષ્ટ્રીય કાયદો અને સંધિકરારોની વિરુદ્ધમાં સશસ્ત્ર હુમલાઓ, યુદ્ધના કેદીઓ પ્રત્યે અમાનવીય વર્તન તથા અન્ય રૂઢિગત યુદ્ધ-ગુનાઓ.

તા. ૪-૬-૧૯૪૬ના રોજ શરૂ થયેલા આ મુકદ્દમાનો ચુકાદો તા. ૪-૧૧-૧૯૪૮ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. ઉપર્યુક્ત મુકદ્દમાના ન્યાયપંચના એક સભ્ય ભારતના ડૉ. રાધાવિનોદ પાલે અન્ય ન્યાયાધીશો કરતાં વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. તેમણે ઠરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાને વિધેયાત્મક નિયમ ગણવાની અને યુદ્ધને આંતરરાષ્ટ્રીય ગુનો ગણવાની પૅરિસ સંધિને કોઈ સત્તા ન હતી. તેમણે વધુમાં ઠરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાવતરું એ ગુનો બનતું નથી અને કાવતરાનો આક્ષેપ સાબિત થતો નથી. જે ગુનાઓ માટે આરોપીઓ વિરુદ્ધ કામ ચલાવવામાં આવ્યું છે તે ગુનાઓ આરોપીઓએ કરેલા નથી એવી મતલબનો ચુકાદો તેમણે આપ્યો હતો. ન્યૂરેમ્બર્ગ મુકદ્દમા અને આ મુકદ્દમામાં દર્શાવેલા ગુનાઓમાં તાત્ત્વિક રીતે કોઈ ખાસ તફાવત દેખાતો નથી. રૂઢિગત આંતરરાષ્ટ્રીય કાયદો વિજેતાને આવા યુદ્ધના ગુનેગારો સામે કામ ચલાવવાની તથા તેમને શિક્ષા કરવાની પરવાનગી આપે છે. વિજેતા દેશ પરાજિત દેશના યુદ્ધ-ગુનેગારોને વિજેતા દેશને શરણે મોકલવા ફરજ પાડી શકે છે; એટલું જ નહિ; પરંતુ વિજેતા રાજ્ય પરાજિત રાજ્ય ઉપર તેમની શરતો પણ લાદી શકે છે. પરાજિત રાજ્યને વિજેતા રાજ્યે લાદેલી શરતોનો અમલ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. ટોકિયોની મિલિટરી ટ્રિબ્યૂનલ મિત્રરાજ્યોએ નક્કી કરેલા કાયદા પ્રમાણે વ્યક્તિઓ વિરુદ્ધ મુકદ્દમા ચલાવતી હતી, નહિ કે બંધારણીય રીતે રચેલા કાયદા હેઠળ. જે કાયદો પરાજિત  રાજ્ય અને તેના વિવિધ આરોપીઓ વિરુદ્ધ લાદવામાં આવ્યો હતો તે હેઠળ આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો. જ્યારે બીજું વિશ્વયુદ્ધ (૧૯૩૯-૪૫) ફાટી નીકળ્યું ત્યારે ૧૯૩૯ના આંતરરાષ્ટ્રીય કાયદાના ચાર્ટર હેઠળ જે કેટલાક ગુનાઓ વર્ણવાયેલા હતા તે શિક્ષાપાત્ર હતા, પરંતુ કેટલાક એવા ગુનાઓ પણ હતા જે આ ચાર્ટર હેઠળ શિક્ષાપાત્ર ગણવામાં આવ્યા ન હતા. જેમની સામે આ મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો તેમણે નૈતિકતાના સ્થાપિત સિદ્ધાંતોની વિરુદ્ધમાં કેટલાંક કૃત્યો કર્યાં હતાં. તેથી આવા ગુનાઓ યોજનાર વ્યક્તિઓને શિક્ષા કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદામાં નૈતિકતાના સિદ્ધાંતો દાખલ કરવાનો વિજેતાઓને હક હતો. મુકદ્દમો ચલાવનાર ટ્રિબ્યૂનલે જાપાનના પ્રધાનમંત્રી તથા લશ્કરના વડા જનરલ ટોજો (૧૮૮૪-૧૯૪૮) અને અન્ય મુખ્ય યુદ્ધ-ગુનેગારોને ફાંસીની સજા ફરમાવી હતી. જાપાનના તે વખતના સમ્રાટ હિરોહિટો(૧૯૦૧-૧૯૮૯)એ લશ્કરના વડાઓના નિર્ણયો અને કૃત્યો સામે મૌન સેવ્યું હતું અને એ રીતે તેમના પર યુદ્ધમાં પરોક્ષ સંડોવણીનો આક્ષેપ મૂકી શકાયો હોત; પરંતુ ૧૯૪૫માં મિત્રરાષ્ટ્રો સામે જાપાનની શરણાગતિ સ્વીકારવામાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી હતી તે બાબત ધ્યાનમાં લઈને ટોકિયો મુકદ્દમામાં ગુનેગારોની યાદીમાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા હતા.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી