Categories
વાચન સમૃદ્ધિ

સિંધુ-ગંગાનાં મેદાનો (Indo-Gangetic Plains)

સિંધુ-ગંગા તથા તેમની સહાયક નદીઓના કાંપથી બનેલાં, વિશાળ વિસ્તાર આવરી લેતાં મેદાનો.

તે પશ્ચિમે સિંધુના ત્રિકોણપ્રદેશથી શરૂ થઈને ઉત્તરે ઉત્તરાખંડ સુધી વિસ્તરીને પૂર્વ તરફ ગંગા-બ્રહ્મપુત્રના ત્રિકોણપ્રદેશ સુધી પથરાયેલાં છે. તેમની ઉત્તર કિનારી હિમાલયની દક્ષિણ ધાર હેઠળ અને દક્ષિણ કિનારી વિંધ્ય પર્વતોના ઢોળાવ હેઠળ દબાયેલી છે. સિંધનો મોટો ભાગ, ઉત્તર રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને પૂર્વોત્તર રાજ્યોના ઉત્તર વિભાગને આવરી લેતાં આ મેદાનોનું ક્ષેત્રફળ ૭,૭૭,૦૦૦ ચોકિમી. જેટલું છે. પહોળાઈમાં તે પશ્ચિમ ભાગમાં વધુમાં વધુ ૫૦૦ કિમી.થી માંડીને ૧૫૦ કિમી. કરતાં ઓછી પહોળાઈ સુધી બદલાતાં રહે છે. તેમનો તળભાગ સમતળ નથી, પરંતુ ઊંચાણ-નીચાણ ધરાવે છે, તળના સ્થળદૃશ્યનો ઢોળાવ ઉત્તરતરફી છે. તળભાગમાં બે ડુંગરધારો દટાયેલી છે : એક, દિલ્હી-હરદ્વાર વચ્ચે અરવલ્લીની વિસ્તરણ દિશામાં, બીજી, દિલ્હીથી સૉલ્ટ-રેન્જ સુધી વાયવ્ય દિશા તરફ પંજાબના કાંપ હેઠળ રહેલી છે. કાંપની ઊંડાઈ ઉત્તર સીમા તરફ આશરે ૪,૬૦૦ મીટરની જ્યારે દક્ષિણ ધાર નજીક સ્થળભેદે ૧૦૦ મીટરથી ૪૦૦ મીટર જેટલી હોવાનું જણાયું છે; કાંપની મહત્તમ ઊંડાઈ દિલ્હી અને રાજમહાલ ટેકરીઓ વચ્ચે છે, જ્યારે રાજસ્થાન અને રાજમહાલ વચ્ચે કાંપનિક્ષેપો છીછરા છે.

સિંધુ-ગંગાનાં મેદાનોનો એક ભાગ

ઉત્પત્તિ-સ્થિતિ : દ્વીપકલ્પીય ભારત અને હિમાલય વચ્ચે રહેલા આ ત્રીજા પ્રાકૃતિક વિભાગની ઉત્પત્તિ હિમાલયના ઉત્થાનના મુખ્ય ત્રણ (કુલ પાંચ) તબક્કાઓ સાથે સંકળાયેલી છે, ઉત્થાનના તબક્કાઓની સાથે સાથે સંતુલન-જાળવણી અર્થે તે ગર્ત સ્વરૂપે ક્રમશ: દબાતો ગયેલો છે. ગર્તસ્વરૂપી આ થાળું (trough) ત્યારબાદ, નદીઓના કાંપથી પુરાતું ગયેલું છે અને વર્તમાન સ્થિતિ પ્રાપ્ત કરેલી છે, આજે પણ જમાવટની ક્રિયા ચાલુ છે. કાંપ ઠલવાતો જાય છે, ઘસાતો જાય છે, ધોવાણ થતું જાય છે અને બંને તરફના સમુદ્રોના તળ પર પણ કાંપની જમાવટની ક્રિયા ચાલુ છે. ઐતિહાસિક અને કૃષિવિષયક દૃષ્ટિએ તે મહત્ત્વનો વિસ્તાર હોવા છતાં ભૂસ્તરીય દૃષ્ટિએ તેનું ખાસ મહત્ત્વ નથી. ભારતના લાંબા ભૂસ્તરીય ઇતિહાસના સંદર્ભમાં તે હજી હમણાં બનેલી ઘટના ગણાય છે. ભૂસ્તરવિદોમાં આ મેદાનની ઉત્પત્તિની રચનાત્મક આકારિકી માટે બે મત પ્રવર્તે છે: એક મત મુજબ, તે હિમાલયની દક્ષિણે તૈયાર થયેલું  અગ્ર ઊંડાણ (foredeep) છે; જ્યારે બીજા મત મુજબ, તે ફાટખીણ (rift valley) પ્રકારનું રચનાત્મક લક્ષણ છે. તેની બંને બાજુ બે સમાંતર સ્તરભંગો આવેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંધુ-ગંગાનાં મેદાનો, પૃ. ૨૦9)

Categories
વાચન સમૃદ્ધિ

ટોકિયો

જાપાનનું પાટનગર. તે વિશ્વનું સૌથી મોટું વધુ ગીચ વસ્તી ધરાવતાં મહાનગરો પૈકીનું એક છે. દેશના હોન્શુ નામક મુખ્ય ટાપુના પૂર્વ કિનારાના મેદાની વિસ્તારના મધ્યમાં ટોકિયો વાન ઉપસાગરને કાંઠે આશરે ૩૫° ૪૦´ ઉ. અક્ષાંશવૃત્ત અને ૧૩૯° ૪૫´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. મહાનગરની વસ્તી ૩.૭ કરોડ અને શહેરની વસ્તી ૧,૪૨,૫૪,૦૦૦ છે (૨૦૨૫, આશરે), વિસ્તાર ૨૧૮૭ ચોકિમી. છે. તે સમુદ્રની સપાટીથી ૨૪ મી. ઊંચાઈ પર છે. તેનું તાપમાન જાન્યુઆરીમાં ૫.૮° અને જુલાઈમાં ૨૫.૪° સે રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ ૧૪૬૭ મિમી. પડે છે. જાપાનના કુલ વિસ્તારમાં આ નગરનો વિસ્તાર માત્ર ૦.૫% જમીન, કુલ વસ્તીમાં ૧૦% વસ્તી તથા કુલ આર્થિક લેવડદેવડમાં ૪૦% હિસ્સો ધરાવે છે.

ટોકિયોનું એક દૃશ્ય

ટોકિયો કાન્ટોનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે, જ્યાં સુમિદા નદી વહે છે. વળી આ મેદાનો નહેરોની વિસ્તૃત જાળ ધરાવે છે. ટોકિયોની આસપાસ હરિયાળાં ખેતરો અને પર્વતીય ગામડાં નજરે પડે છે. યોકોહામા તેનું દરિયાઈ બંદર છે. આમ છતાં સુમિદા નદીના મુખ પાસે પણ એક માનવસર્જિત બંદર છે. અહીંથી લોખંડ, પોલાદ, યંત્રસામગ્રી અને રસાયણોની નિકાસ સારા પ્રમાણમાં થાય છે. ટોકિયો પોતાની રેલ-સેવા ધરાવે છે. તેનો નીચાણવાળો ભાગ અને નજીકનું હેનેડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આ રેલ-સેવાથી સંકળાયેલાં છે. વળી, ટોકિયો અને ઓસાકા વચ્ચે વિશ્વની અત્યંત ઝડપી ટ્રેનો પૈકીની ‘હિકારી’ નામની રેલગાડી દોડે છે, જેની ઝડપ કલાકે ૪૮૦ કિમી. જેટલી છે. ટોકિયો અને તેની આસપાસનાં ઉપનગરો વૈવિધ્યસભર અનેક ઔદ્યોગિક સંકુલો ધરાવે છે. અહીં જહાજ-બાંધકામ, યંત્રસામગ્રી, ધાતુકામ, છાપકામ અને પ્રકાશનકાર્ય, ખાદ્યચીજોનું પ્રક્રમણ, ખનિજતેલ-શુદ્ધીકરણ અને પેટ્રો-રસાયણો, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો, મોટરવાહનો, લોખંડ-પોલાદ, રસાયણો, કૅમેરા તથા અન્ય દૃશ્ય-શ્રાવ્ય ઉપકરણો, ફર્નિચર, ચામડાની ચીજવસ્તુઓ, વિવિધ શ્રેણીબદ્ધ વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગો મુખ્ય છે. ટોકિયો વિવિધ પ્રકારનાં સંગ્રહસ્થાનો, ૨૦૦ કરતાં પણ વધુ બાગ-બગીચા તથા અનેક જોવાલાયક સ્થળો ધરાવે છે. તે પૈકી ટોકિયો નગરના મધ્યભાગમાં આવેલા બાગમાં સમ્રાટ મેઇજી તથા તેમની પત્નીનાં સ્મારકો અને સંગ્રહસ્થાન છે. આ ઉપરાંત આ નગર અનેક પ્રાચીન મંદિરો ધરાવે છે. ટોકિયો ટાવર (૧૯૫૮), એ ધાતુના બનેલા વિશ્વના સૌથી ઊંચા ટાવરો પૈકીનો એક છે, જેમાં દુકાનો, રેસ્ટોરાં અને વિજ્ઞાનસંગ્રહાલય છે. ઇદેમિત્સુ કલા-સંગ્રહાલયમાં જાપાની કલાકારીગરીના નમૂના રાખવામાં આવ્યા છે. ટોકિયોનું ખરીદી તથા આનંદપ્રમોદનું કેન્દ્ર ગિન્ઝા છે. મારુનૉચી ક્વાર્ટર તેનું ધંધાકીય પ્રતિષ્ઠાન છે. આ ઉપરાંત મધ્ય ટોકિયોથી આશરે ૧૦ કિમી. અગ્નિદિશામાં ટોકિયો વાન ઉપસાગરની ઉત્તરમાં ‘ટોકિયો ડિઝનીલૅન્ડ’ આવેલ છે. આ સિવાય ટોકિયો એ વિશ્વનું પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર છે. તે ટોકિયો યુનિવર્સિટી (૧૮૭૭) અને ૧૦૦ જેટલી કૉલેજો ધરાવે છે. ૧૯૨૩ના ભયંકર ધરતીકંપ અને અગ્નિતાંડવ પછીથી ઝડપથી પુન: બંધાયેલા અને બીજા વિશ્વયુદ્ધના ભારે બૉમ્બમારા પછી પુનર્જીવિત થયેલા ટોકિયોને પૃથ્વીના ગોળા પરનું અત્યંત આધુનિક નગર કહી શકાય. અહીં અવારનવાર ભૂકંપ થતા રહે છે. આ શહેર બારમી સદીમાં કાન્ટો પ્રદેશમાં સ્થપાયું, તે સમયે તે ‘એદો’ કે ‘યેદો’ નામની ગ્રામીણ વસાહત રૂપે હતું. આ પ્રદેશના એક લશ્કરી અધિકારીએ બારમી સદીમાં અહીં એક કિલ્લો બાંધ્યો. ૧૪૫૬માં ઓટા ડોકાને તેના પર વ્યાપક સમારકામ કર્યું અને ત્યારપછીના સમયમાં આ વસાહત વિકસિત થઈને પ્રાંતીય પાટનગર બની. ૧૮૬૮માં જાપાનના પાટનગર તરીકે તેની વરણી થતાં તેનું નવું નામ ‘ટોકિયો’ રાખવામાં આવ્યું. તે પહેલાં જાપાનનું પાટનગર ક્યોટો હતું. હાલના ટોકિયો મહાનગરના ૨૩ ભૌગોલિક પેટાવિભાગો છે, તે ઉપરાંત સાઇટામા, ચિબા તથા કનીગાવાના ભૌગોલિક વિભાગોનો પણ તેમાં સમાવેશ કરવામાં આવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સિંધુ (નદી)

દક્ષિણ એશિયાની વિપુલ જળસ્રોત ધરાવતી નદી.

દુનિયાની સૌથી લાંબી નદીઓ પૈકીની એક. લંબાઈ ૨,૮૯૭ કિમી.. કુલ સ્રાવવિસ્તાર ૧૧,૬૫,૫૦૦ ચોકિમી.. તે માનસરોવર નજીકના લાંગા સરોવરના ૪,૮૭૫ મીટર ઊંચાઈ ધરાવતા ઉત્તર ભાગમાંથી નીકળે છે. અહીંથી તે વાયવ્ય તરફ ૩૨૦ કિમી. જેટલું અંતર કાપી; અગ્નિ દિશા તરફનો વળાંક લઈ, લદ્દાખના પાટનગર લેહથી ૨૦ કિમી. અંતરેથી પસાર થાય છે. અહીં તેને ઝાસ્કર નદી મળે છે. ત્યારબાદ ત્યાંથી ૨૪૦ કિમી. સુધી વહે છે. ત્યાં તેના જમણા કાંઠે શ્યોક, શિગાર, હુંઝા, ગિલગિટ, અસ્તોર વગેરે નદીઓ પણ મળે છે.

સિંધુ નદી

કાશ્મીરની પશ્ચિમ સરહદના વટાવ્યા પછી તે પાકિસ્તાનમાં પ્રવેશે છે. અહીં નંગા પર્વતની હારમાળામાં આ નદીએ ૩,૦૦૦ મીટર ઊંડું અને ૨૦થી ૨૫ કિમી. પહોળું કોતર કોરી કાઢેલું છે. અહીં તેણે ૧,૫૦૦ મીટર જેટલો ઢાળ તૈયાર કર્યો છે. અટક પાસે તેને કાબુલ નદી મળે છે તથા પશ્ચિમ તરફથી આવતી ઝોબ, સાંગાર, રાકની, કુર્રમ, ટોચી અને ગોમલ જેવી નાની નદીઓ મળે છે. અહીંના ૬૦૦ મીટર ઊંચાઈવાળા પ્રદેશમાં તેના પર સર્વપ્રથમ રેલમાર્ગ-સડકમાર્ગ ધરાવતો પુલ આવેલો છે. અહીંથી તે પશ્ચિમ તરફ ફંટાય છે. ત્યારબાદ કાલાબાઘ નજીક પાકિસ્તાનના પંજાબમાં પ્રવેશે છે, ત્યાં તેને પૂર્વ કાંઠે જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ નદીઓ એક પછી એક મળતી જાય છે, ત્યાર બાદ તે ઓછા વરસાદવાળા પ્રદેશમાંથી પસાર થતી હોવા છતાં તેને પાંચ નદીઓનો પુરવઠો મળતો હોવાથી વિશાળ પટવાળી બની રહે છે. ત્યારબાદ કાંપ અને રેતીના થર પથરાતા જતા હોવાથી તેનો પ્રવાહ-વેગ ઘટતો જાય છે અને મેદાની સ્વરૂપ રચાતું જાય છે. જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે પૂર્વ કિનારા તરફ કાંપજમાવટ થતી રહે છે અને વહનમાર્ગ બદલાતો જાય છે. સક્કર, ખૈરપુર અને હૈદરાબાદ વટાવ્યા પછી કરાંચીથી અગ્નિકોણમાં આવેલા ટટ્ટા પાસે તે પંજાકારે વહેંચાઈને આશરે ૩,૦૦૦ ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લેતા અસમતળ ત્રિકોણપ્રદેશમાં ફેરવાઈ જાય છે. છેવટે તે અરબી સમુદ્રમાં ઠલવાય છે. મુખત્રિકોણના બંને છેડા વચ્ચેની લંબાઈ આશરે ૨૦૮ કિમી. જેટલી બની રહે છે. ભરતી વખતે નદીનાળામાં પાછાં પડતાં પાણી અંતરિયાળ ભાગ તરફ ૮ કિમી.થી ૩૨ કિમી. સુધી ફેલાય છે.

જળજથ્થો – કાંપજથ્થો : સિંધુ નદી દર વર્ષે સરેરાશ આશરે ૧૧૧ અબજ ઘનમીટર જળજથ્થો સમુદ્રમાં ઠાલવે છે. એ જ રીતે તેમાં ઉપરવાસમાંથી આવતું ઘનદ્રવ્ય જે હૈદરાબાદની દક્ષિણે ઠલવાય છે, તેનો અંદાજ દરરોજનો ૧૦ લાખ ટન જેટલો મુકાયેલો છે. વસવાટ : ૪,૦૦૦ વર્ષ અગાઉની મોહેં-જો-દડોની સંસ્કૃતિ આ નદીને કાંઠે વિકસી હતી. તેથી તેના ‘સિંધુ’ નામ પરથી ‘હિંદુ’ શબ્દ આવેલો છે. તેના કાંઠા પર આજે કરાંચી, હૈદરાબાદ, કોટરી, સેહવાન સક્કર, ડેરા ગાઝીખાન, ડેરા ઇસ્માઇલખાન, મુલતાન અને અટક જેવાં શહેરો વસેલાં છે. કરાંચી તે પૈકીનું મોટું શહેર, વેપારીમથક અને કુદરતી બારું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંધુ (નદી),
પૃ. ૨૦૮)