Categories
વાચન સમૃદ્ધિ

સાગરનું પાણી ક્યાં ?

ગ્રીસમાં જૈન્થ્રસ નામનો એક અતિ ધનવાન વેપારી વસતો હતો. જૈન્થ્રસની અઢળક મિલકત જોઈને બહારથી ખુશ દેખાતા મિત્રો ભીતરમાં  એના પ્રત્યે પ્રબળ દ્વેષ ધરાવતા હતા અને તેઓ જૈન્થ્રસની અવમાનના કરવાની તક સદાય શોધતા જ હતા. ધનવાન જૈન્થ્રસની સૌથી મોટી મર્યાદા એ હતી કે મિત્રો સાથેની ચર્ચામાં એવા અતિ ઉત્સાહમાં કોઈ એવી બડાશભરી વાત કરતા કે જે એમને ખુદને મુશ્કેલીમાં મૂકી દેતી. એક વાર જૈન્થ્રસના મિત્રો એની પ્રસંશા કરતા હતા, ત્યારે જૈન્થ્રસે ગર્વભેર કહ્યું, ‘જો હું ઇચ્છું, તો ઊંચાં ઊંચાં મોજાંઓથી ભરેલો આખો સાગર પી જાઉં.’ મિત્રો તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા એટલે તરત એ બધાએ જૈન્થ્રસ સાથે શરત લગાવી અને જૈન્થ્રસે અતિ ઉત્સાહમાં કહી નાખ્યું, ‘જો ત્રણ મહિનાની અવધિમાં આખેઆખો સાગર પી જઈશ નહીં, તો હું જાતે અગ્નિસ્નાન કરીશ.’ એના મિત્રોએ તો આ સાંભળીને ખુશખુશાલ ચહેરે વિદાય લીધી; પરંતુ જૈન્થ્રસ એકલો પડ્યો, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એનો બડાશ મારવાનો સ્વભાવ એને જ કેટલું બધું નુકસાન કરે છે ! હવે કરવું શું ? એ રાત-દિવસ ચિંતામાં ડૂબી ગયો. એણે જાણ્યું કે અહીં ઈસપ નામની બુદ્ધિશાળી વ્યક્તિ સરસ વાર્તાઓ રચે છે. એની પાસેથી પોતાની સમસ્યાનો ઉકેલ મળશે એમ માનીને જૈન્થ્રસ ગયો અને ઈસપે એને એના કાનમાં મુશ્કેલીનો ઉપાય કહ્યો. જૈન્થ્રસ ખુશ થતો થતો પાછો ગયો. ત્રણ મહિના પછી બધા દોસ્ત ભેગા મળ્યા અને ધનવાન જૈન્થ્રસને મળ્યા અને કહ્યું, ‘ચાલ, સાગરને પી જઈને બતાવ.’ જૈન્થ્રસે કહ્યું, ‘મિત્રો, મેં સાગરનું જળ પીવાનું કહ્યું હતું; પરંતુ જ્યારે હું સાગરનું પાણી પીવા એના કિનારે પહોંચ્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે સાગરનું પાણી ક્યાં છે ? આમાં તો અનેક નાની-મોટી નદીઓ પોતપોતાનું પાણી નાખે છે. તમે પહેલાં નદીના પાણીને અલગ કરો, તો હું સમુદ્રનું જળ પી જઈશ.’ જૈન્થ્રસના ઉત્તરે મિત્રોને નિરુત્તર કરી નાખ્યા. પણ એ દિવસથી બડાશભરી વાત ક્યારેય નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.

Categories
વાચન સમૃદ્ધિ

નૃત્યની પિકાસો

નાનકડી મારથાના પિતા દિવ્યાંગ દર્દીઓના ફિઝિયૉથૅરપિસ્ટ હતા. તેઓ દિવ્યાંગોને વ્યાયામ અને જુદી જુદી કસરતો શીખવતા હતા. મારથાને એના પિતા પાસેથી વ્યાયામ અને નૃત્યનો વારસો મળ્યો, પરંતુ મારથાની સામે સૌથી મોટો અવરોધ એ હતો કે એ ખ્રિસ્તી ધર્મના જે પંથની અનુયાયી હતી, તે પંથમાં નૃત્ય કરવાની મનાઈ હતી. મારથાની રગેરગમાં નૃત્યની કલા દોડતી હતી. એ પોતાની જાતને કઈ રીતે પ્રતિબંધને કારણે અટકાવી શકે ? અવરોધને ફગાવીને એણે નૃત્યકલા શીખવતી એક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને એ પછી ટેડ શૉનની સાથે રહીને એણે વ્યવસાયી નૃત્ય કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. મારથાએ અથાગ પરિશ્રમ કર્યો અને ઈ. સ. 1926માં ‘મારથા ગ્રાહમ ડાન્સ કંપની’ની સ્થાપના કરી. એના નૃત્યના પ્રયોગો સતત ખ્યાતિ મેળવતા ગયા અને એની મૌલિક નૃત્યકળાને સહુએ વધાવી લીધી. મારથાએ પોતાના નૃત્યમાં અધ્યાત્મ અને ભાવને જોડી દીધા અને પાશ્ચાત્ય નૃત્યશૈલીને એક નવી દિશા આપી. એથીય વિશેષ એણે નૃત્યની કેટલીય શૈલીઓ વિકસિત કરી. ફ્રન્ટિયર, એપ્લાચેન, સ્પ્રિંગ જેવી નૃત્યકળાઓને એમાં સામેલ કરી. સમય જતાં મારથાની આ નવીન શૈલી આદર પામતી ગઈ અને નૃત્ય-વિશેષજ્ઞો પણ આ શૈલીઓને અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ માનતા હતા. મારથા સિત્તેર વર્ષ સુધી નૃત્ય કરતી રહી અને નૃત્ય શીખવતી રહી. અમેરિકાના પ્રમુખના નિવાસસ્થાન ‘વ્હાઇટ હાઉસ’માં નૃત્ય કરવાનો અવસર મેળવનારી એ પહેલી નૃત્યાંગના બની. એણે સર્જેલી નૃત્યની મૌલિકતાને કારણે એને ‘નૃત્યની પિકાસો’ કહેવામાં આવી. આમ અવરોધોથી અટક્યા વિના મારથા હિંમતભેર નૃત્યકલામાં પારંગત બની અને પોતાની લગન અને મહેનતથી સાબિત કરી આપ્યું કે આ જગતમાં કશું અસંભિવત નથી. મારથાને અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યાં તેમજ એની નૃત્યશૈલી એ આધુનિક નૃત્યશૈલી તરીકે સ્થાન પામી.

Categories
વાચન સમૃદ્ધિ

આત્મવિશ્વાસને સહારે

ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) ક્રોધી સ્વભાવ ધરાવતો હતો. નાની નાની વાતમાં એ અત્યંત ગુસ્સે થઈ જતો અને એ વ્યક્તિને આકરી સજા ફરમાવતો હતો. એક વાર ઇંગ્લૅન્ડનો રાજા જ્યોર્જ (તૃતીય) બીમાર પડ્યો. એના ક્રોધી સ્વભાવને લીધે નગરનો એકે ડૉક્ટર એની ચિકિત્સા કરવા રાજી નહોતો. સૌને ભય હતો કે એની ચિકિત્સા કરવા જતાં એને સહેજે પીડા થાય, તો એ ડૉક્ટરને આકરામાં આકરી સજા ફરમાવે. આવા ગુસ્સાવાળા રાજાથી તો દૂર જ સારા, એમ વિચારીને શહેરનો કોઈ ડૉક્ટર તૈયાર થયો નહીં; પરંતુ ગામડામાં રહેતા એક ડૉક્ટરે હિંમત કરી અને એ રાજા જ્યોર્જનો ઉપચાર કરવા લાગ્યો. રાજા જ્યોર્જ બેભાન બની ગયો હતો. એ સમયે એના રોગનું નિદાન કરવા માટે આ ડૉક્ટરે એનું લોહી લીધું. થોડા સમય બાદ રાજા સ્વસ્થ થયો; પરંતુ જ્યારે એને ખબર પડી કે આ ડૉક્ટરે એના શરીરમાંથી પરીક્ષણ કરવા માટે લોહી લીધું હતું, ત્યારે એ ગુસ્સાથી લાલચોળ થઈને બોલ્યો, ‘મારી રજા વિના મારું લોહી લીધું કેમ ? કોણે તને રાજાનું ખાનદાની લોહી લેવાનો આવો અધિકાર આપ્યો ? તારા આવા અવિનયી કૃત્યની તારે સજા ભોગવવી જ પડશે.’ ડૉક્ટરે કહ્યું, ‘આપ મને જરૂર સજા કરો; પરંતુ મારે એટલું જ કહેવાનું કે જે સમયે મેં આપનું લોહી લીધું, ત્યારે આપ બેહોશ હોવાથી મને રજા આપવાની સ્થિતિમાં નહોતા.’ ઉત્તર સાંભળતાં રાજાનો ક્રોધ શાંત થઈ ગયો અને આ ચિકિત્સકને પોતાના અંગત ચિકિત્સક તરીકે નિયુક્ત કર્યો. અન્ય ડૉક્ટરોએ આ ડૉક્ટરને પૂછ્યું કે આવા મહાક્રોધી રાજાનો ઉપચાર કરવાનું બીડું એણે કેમ ઝડપ્યું, ત્યારે આ ડૉક્ટરે જવાબ આપ્યો, ‘મારો આત્મવિશ્વાસ જ મને અહીં સુધી લઈ આવ્યો હતો. જે લોકો જોખમ વહોરીને આત્મવિશ્વાસની સાથે પોતાનું કામ કરવા પ્રયત્ન કરે છે, એને અવશ્ય સફળતા સાંપડે છે.’