Categories
વાચન સમૃદ્ધિ

સુવર્ણકળશની સમસ્યા

ભારતનો પ્રવાસ ખેડનાર પ્રથમ ચીની યાત્રી ફાહિયાન (જ. આશરે ઈ. 337, અ. ઈ. 422) ભારતના પ્રવાસે આવ્યા હતા એમના એ પ્રવાસ-વૃત્તાંતમાંથી ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિની વિગતો મળે છે. ફાહિયાને પોતાના પ્રવાસ-વર્ણનમાં લખ્યું છે કે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી, લોકો સંતોષી હતા અને એમને ન્યાયકચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડતી. યાત્રા કરનારાઓને ચોરનો ભય ન હતો અને સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. લોકો બહાર જાય, ત્યારે ઘર પર તાળું લગાડતા નહોતા. આવો ચીની પ્રવાસી ફાહિયાન એક વાર ફરતાં ફરતાં રાજદરબારમાં જઈ ચડ્યો અને જોયું તો બે ખેડૂતો વચ્ચે થયેલા ઝઘડાનો ન્યાય તોળવામાં આવતો હતો. ફાહિયાનને એ વાતની ઉત્સુકતા જાગી કે આવા સંતોષી અને શાંતિપ્રિય લોકો કઈ વાતમાં પરસ્પર સાથે ઝઘડતા હશે ? પહેલા ખેડૂતે રાજાને ફરિયાદ કરી કે આ બીજા ખેડૂતને એણે એનું ખેતર વેચ્યું હતું. એ ખેતરમાંથી માટી મળે, રાખ મળે કે સોનું મળે, એ બધાની માલિકી એની ગણાય. બન્યું એવું કે આ વેચેલા ખેતરમાંથી સોનું ભરેલો એક કળશ નીકળ્યો અને તે એ મને આપવા માગે છે, પણ હું એક વાર ખેતર વેચી દીધા પછી કઈ રીતે તે સ્વીકારી શકું? રાજાએ બીજા ખેડૂતને પૂછ્યું, ‘તમે તમારી વાત કરો.’ એણે કહ્યું, ‘અન્નદાતા, એની વાત સાચી છે. મેં એનું ખેતર ખરીદ્યું હતું; એ સિવાયની બાકીની ચીજો પર મારો કોઈ હક્ક ગણાય નહીં. આથી આ સુવર્ણથી ભરેલો કળશનો માલિક એ ગણાય.’ ચીની પ્રવાસી ફાહિયાન આ ઝઘડાનું કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. એને થયું કે લોકો અહીં સુવર્ણ લેવા માટે નહીં, પણ આપવા માટે ન્યાયકચેરીએ આવે છે. બંનેમાંથી એક પણ ખેડૂત આ સુવર્ણનો કળશ લેવા તૈયાર નહોતો અને રાજા પણ આવી અણહકની વસ્તુ કઈ રીતે સ્વીકારે ? આથી અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સુવર્ણ ગ્રામજનોને વહેંચી આપવું.

Categories
વાચન સમૃદ્ધિ

હવે એટલું બનશે !

ટૉમસ કૂપર અંગ્રેજી સાહિત્યના પ્રખર વિદ્વાન સંશોધક હતા. તેઓ અંગ્રેજીમાં શબ્દકોશ તૈયાર કરતા હતા અને લંડનમાં રહીને એમની આ સંશોધન-યાત્રા ચાલતી હતી. શબ્દકોશનું ભગીરથ કામ એકલે હાથે કરવું ઘણું મુશ્કેલ હતું, છતાં અપાર ખંત અને ચીવટથી આ કામ કરતા હતા. આઠ આઠ વર્ષના કઠોર પરિશ્રમ પછી અંગ્રેજી ભાષાના શબ્દકોશનો લગભગ બે તૃતીયાંશ ભાગ તૈયાર કર્યો. રાત-દિવસ ટૉમસ કૂપર પોતાના કામમાં ડૂબેલા રહેતા. બસ, એક જ ધૂન કે ક્યારે શબ્દકોશ પૂર્ણ કરું અને મારી માતૃભાષાને ચરણે ધરું. એક વાર ટૉમસ કૂપરનાં પત્નીએ એમને બજારમાંથી જરૂરી ચીજ-વસ્તુઓ લાવવાની યાદી આપી. ખાસ તાકીદ કરી કે સાંજે ઘેર પાછા ફરો ત્યારે આ બધું સાથે અવશ્ય લેતા આવજો. આમાંની એકે ચીજવસ્તુ ભૂલશો નહીં. સંશોધક ટૉમસ કૂપર તો એમના કામમાં ડૂબી ગયા. સાંજ પડી ગઈ, ઘેર પાછા ફરવાનો સમય થયો. પેલી યાદી જ યાદ નહોતી આવતી, ત્યારે ચીજ-વસ્તુઓ ખરીદવાની શી વાત ? આથી કશુંય લીધા વિના ટૉમસ કૂપરે એમના ઘરમાં પ્રવેશ કર્યો. એમને સાવ ખાલી હાથે જોઈને એમની પત્નીના ગુસ્સાનો પાર ન રહ્યો અને એણે ટેબલ પર પડેલી શબ્દકોશની બધી જ ફાઈલો લઈને સગડીમાં નાખી દીધી. ટૉમસ કૂપર આ જોઈને હસવા લાગ્યા. એમણે કહ્યું, ‘કંઈ વાંધો નહીં. સારું થયું કે તેં આ ફાઈલો સળગાવી દીધી. કારણ કે હું પોતે જ આ શબ્દકોશમાં હજી વધુ શુદ્ધિ-વૃદ્ધિ કરવા ચાહતો હતો. હા, હવે એટલું બનશે કે મારા કામને પૂર્ણ થતાં આઠ વર્ષથી વધુ સમય લાગશે.’ શબ્દકોશનું ધૈર્યભર્યું કાર્ય કરનાર ટૉમસ કૂપરની અપાર સહિષ્ણુતાએ એમને કાર્યસિદ્ધિ અપાવી !

Categories
વાચન સમૃદ્ધિ

સાગરનું પાણી ક્યાં ?

ગ્રીસમાં જૈન્થ્રસ નામનો એક અતિ ધનવાન વેપારી વસતો હતો. જૈન્થ્રસની અઢળક મિલકત જોઈને બહારથી ખુશ દેખાતા મિત્રો ભીતરમાં  એના પ્રત્યે પ્રબળ દ્વેષ ધરાવતા હતા અને તેઓ જૈન્થ્રસની અવમાનના કરવાની તક સદાય શોધતા જ હતા. ધનવાન જૈન્થ્રસની સૌથી મોટી મર્યાદા એ હતી કે મિત્રો સાથેની ચર્ચામાં એવા અતિ ઉત્સાહમાં કોઈ એવી બડાશભરી વાત કરતા કે જે એમને ખુદને મુશ્કેલીમાં મૂકી દેતી. એક વાર જૈન્થ્રસના મિત્રો એની પ્રસંશા કરતા હતા, ત્યારે જૈન્થ્રસે ગર્વભેર કહ્યું, ‘જો હું ઇચ્છું, તો ઊંચાં ઊંચાં મોજાંઓથી ભરેલો આખો સાગર પી જાઉં.’ મિત્રો તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા એટલે તરત એ બધાએ જૈન્થ્રસ સાથે શરત લગાવી અને જૈન્થ્રસે અતિ ઉત્સાહમાં કહી નાખ્યું, ‘જો ત્રણ મહિનાની અવધિમાં આખેઆખો સાગર પી જઈશ નહીં, તો હું જાતે અગ્નિસ્નાન કરીશ.’ એના મિત્રોએ તો આ સાંભળીને ખુશખુશાલ ચહેરે વિદાય લીધી; પરંતુ જૈન્થ્રસ એકલો પડ્યો, ત્યારે એને ખ્યાલ આવ્યો કે એનો બડાશ મારવાનો સ્વભાવ એને જ કેટલું બધું નુકસાન કરે છે ! હવે કરવું શું ? એ રાત-દિવસ ચિંતામાં ડૂબી ગયો. એણે જાણ્યું કે અહીં ઈસપ નામની બુદ્ધિશાળી વ્યક્તિ સરસ વાર્તાઓ રચે છે. એની પાસેથી પોતાની સમસ્યાનો ઉકેલ મળશે એમ માનીને જૈન્થ્રસ ગયો અને ઈસપે એને એના કાનમાં મુશ્કેલીનો ઉપાય કહ્યો. જૈન્થ્રસ ખુશ થતો થતો પાછો ગયો. ત્રણ મહિના પછી બધા દોસ્ત ભેગા મળ્યા અને ધનવાન જૈન્થ્રસને મળ્યા અને કહ્યું, ‘ચાલ, સાગરને પી જઈને બતાવ.’ જૈન્થ્રસે કહ્યું, ‘મિત્રો, મેં સાગરનું જળ પીવાનું કહ્યું હતું; પરંતુ જ્યારે હું સાગરનું પાણી પીવા એના કિનારે પહોંચ્યો, ત્યારે ખ્યાલ આવ્યો કે સાગરનું પાણી ક્યાં છે ? આમાં તો અનેક નાની-મોટી નદીઓ પોતપોતાનું પાણી નાખે છે. તમે પહેલાં નદીના પાણીને અલગ કરો, તો હું સમુદ્રનું જળ પી જઈશ.’ જૈન્થ્રસના ઉત્તરે મિત્રોને નિરુત્તર કરી નાખ્યા. પણ એ દિવસથી બડાશભરી વાત ક્યારેય નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી.