જ. ૧૨ જુલાઈ, ૧૯૧૫ અ. ૧૩ એપ્રિલ, ૧૯૯૯

સંપાદક, વિવેચક અને પત્રકાર તરીકે જાણીતા કૃષ્ણવીર દીક્ષિતનો જન્મ સૂરતમાં થયો હતો. તેમના પિતાનું નામ ત્રૈલોક્યનારાયણ અને માતાનું નામ સૂર્યવદનગૌરી હતું. તેઓ ‘કૃ. દી.’ અને ‘પરંતપ’થી જાણીતા હતા. તેમણે સૂરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાંથી ૧૯૪૫માં બી.એ.ની ડિગ્રી મેળવી. તે પહેલાં તેઓએ સૂરત સુધરાઈનાં વિવિધ ખાતાંઓમાં કામગીરી કરેલી. ૧૯૩૬થી ૧૯૪૦ દરમિયાન સૂરતમાં શ્રી વિઠ્ઠલદાસ ઠાકોરદાસ હિંદુ ગુરુકુળમાં શિક્ષક રહ્યા. ત્યારબાદ ૧૯૪૫થી ૧૯૭૬ સુધી ‘જન્મભૂમિ’ દૈનિકમાં વૃત્તસંપાદક તરીકે કાર્ય કર્યું. માટુંગાની વિમેન્સ કૉલેજ અને એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે સાતેક વર્ષ પત્રકારત્વ વિભાગમાં કામ કર્યું. તેમણે ૧૯૪૮થી ‘જન્મભૂમિ’માં સમાચારસંપાદક અને સાહિત્યવિભાગ ‘કલમ અને કિતાબ’ના સંપાદક તરીકે પણ કામ કર્યું હતું અને સાથે સાથે ૧૯૫૪થી સૂરતથી નીકળતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં ‘અક્ષરની આરાધના’ કૉલમનું મૃત્યુપર્યંત સંપાદન કર્યું. પુસ્તકોનાં અવલોકનો અને વૃત્તાંતનિવેદનની અપૂર્વ કામગીરી કરી. તેમની પાસેથી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત ‘સ્વામી આનંદ’ની પુસ્તિકા મળે છે. ‘જ્યાં જ્યાં નજર પડે મારી’ તથા ‘હીરાને પત્રો’નું સુંદર સંપાદન કર્યું છે. આ ઉપરાંત કૃષ્ણવીર દીક્ષિતે ‘આહલાદ’, ‘કથાદીપ, ‘પરિચય પુસ્તિકાનાં પચીસ વર્ષ’, ‘ભાવન’, ‘રંગવિહાર’, ‘લહર’, ‘સંપ્રાપ્તિ’, ‘સંસ્પર્શ’ જેવાં પુસ્તકોનું લેખન અને સંપાદન કર્યું છે.
અશ્વિન આણદાણી