Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. સુમંતભાઈ મહેતા

જ. ૧ જુલાઈ, ૧૮૭૭ અ. ૧૫ ડિસેમ્બર, ૧૯૬૮

શ્રી સુમંતભાઈ મહેતાનો જન્મ સૂરતના પ્રગતિશીલ નાગરબ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતાનું નામ ડૉ. બટુકરામ શોભારામ મહેતા. માતાનું નામ ડાહીગૌરી. પિતા બટુકરામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત ડૉક્ટર હતા. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરા તથા મુંબઈમાં લીધું. ત્યારબાદ મુંબઈની મેડિકલ કૉલેજમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરી, વધુ અભ્યાસ અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ૧૯૦૧માં તેમણે વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી એમ.બી.સીએચ.બી.ની ડિગ્રી મેળવી. પિતાના અવસાન બાદ તેઓ વડોદરાના મહારાજાના ડૉક્ટર અને રાજ્યના સૅનિટરી કમિશનર બન્યા. ૧૮૯૮માં તેમનાં લગ્ન સુધારક પરિવારની પુત્રી શારદાબહેન સાથે થયાં. શારદાબહેન પણ વિદુષી હતાં અને પતિ સાથે જાહેરજીવનમાં ભાગ લેતાં હતાં. સુમંતભાઈએ ૧૯૧૦-૧૯૧૧ દરમિયાન વડોદરાના મહારાજા સાથે અનેક દેશોનો પ્રવાસ કરેલો. તેમને વાંચનનો ખૂબ શોખ હતો. રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ઉંમર ખય્યામના તથા બૌદ્ધ અને ઇસ્લામ ધર્મના ગ્રંથોનું તેમણે વાંચન કરેલું, જેણે તેમના ઉપર ગાઢ પ્રભાવ પાડ્યો હતો. કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં તેઓ પાશ્ચાત્ય ઢબનું જીવન જીવતા હતા, પણ પાછળથી તેમાં પરિવર્તન થયું. ૧૯૦૬માં કૉલકાતા ખાતે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની બેઠકમાં તેમણે હાજરી આપી અને ગોપાલ કૃષ્ણ ગોખલેથી પ્રભાવિત થયા. તેમણે આજીવન ખાદી પહેરવા માંડી અને પોતાની જરૂરિયાતો ઘટાડી. તેઓ સ્પષ્ટવક્તા હતા અને અનેક ક્ષેત્રે સુધારાના હિમાયતી હતા. ૧૯૨૧ સુધી તેઓ વડોદરા રાજ્યની સેવામાં ચાલુ હતા. ૧૯૨૨થી ૧૯૫૫ સુધી વિવિધ સામાજિક, રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય હતા. તેમણે સાબરમતી, વીસાપુર અને નાશિક જેલમાં જુદી જુદી લડતોમાં કુલ પાંચ વરસની જેલ ભોગવી હતી. ૧૯૩૨થી ૧૯૩૫ સુધી ‘યુગધર્મ’ માસિકનું સંપાદન કરતા હતા. ‘સમાજદર્પણ’ નામના ગ્રંથમાં તેમણે તેમનાં જીવનસંભારણાં રજૂ કર્યાં છે. તેઓ એક સ્વાતંત્ર્યસૈનિક, જાહેર કાર્યકર અને સમાજસુધારક તરીકે પ્રતિષ્ઠિત છે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રશાંતચંદ્ર મહાલનોબિસ

જ. ૨૯ જૂન, ૧૮૯૩ અ. ૨૮ જૂન, ૧૯૭૨

ભારતીય અર્થતંત્ર તથા વિજ્ઞાનને આગવો આકાર આપનાર પ્રશાંતચંદ્ર ભૌતિકવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી તેમજ ખ્યાતનામ આંકડાશાસ્ત્રી હતા. તેમણે શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ કૉલકાતામાં લીધું હતું. ૧૯૧૫માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે કાર્યનો આરંભ કર્યો. ૧૯૧૫થી ૧૯૨૨ સુધી પ્રાધ્યાપક તરીકે, ૧૯૨૨થી ૧૯૪૮ સુધી તે વિભાગના અધ્યક્ષ અને તે જ કૉલેજના આચાર્ય તરીકે કામગીરી બજાવી. આ સાથે તેઓએ અધ્યક્ષ તરીકેની સેવાઓ પણ આ જ યુનિવર્સિટીમાં આપી. ૧૯૪૫થી ૧૯૪૮ સુધી તેઓએ બંગાળની સરકારના આંકડાશાસ્ત્રના સલાહકાર તરીકે કામ કર્યું. ૧૯૪૯માં ભારત સરકારના આંકડાશાસ્ત્રના સલાહકાર તરીકે નિમણૂક થઈ. તેમણે કૉલકાતા ખાતે ૧૯૩૧માં ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ(ISI)ની સ્થાપના કરી. આ સંસ્થાએ આંકડાશાસ્ત્રના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. તે પછી ભારતમાં આવાં ઘણાં કેન્દ્રો અસ્તિત્વમાં આવ્યાં. પ્રશાંતચંદ્રે ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના સચિવ અને નિદર્શક તરીકે રહીને તેનો વિકાસ કર્યો. ભારતને આર્થિક આયોજનના ક્ષેત્રે સાચી સફળતાઓ માટેનો માર્ગ ચીંધ્યો. ૧૯૪૮ પછી તેઓ કલકત્તા યુનિવર્સિટીના સન્માનનીય પ્રાધ્યાપક અને ૧૯૫૫થી ૧૯૬૫ સુધી તેમણે આયોજન પંચના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. યુનાઇટેડ નૅશન્સના આંકડાશાસ્ત્રીય પંચના સભ્ય અને ૧૯૫૪થી ૧૯૫૮ દરમિયાન તેના અધ્યક્ષ તરીકે કામ કર્યું. ૧૯૫૦માં  ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના પ્રમુખ અને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના પણ પ્રમુખ થયા. ૧૯૫૨માં બૅંગકૉક ખાતે મળેલી  આંકડાશાસ્ત્રીઓની પરિષદના પ્રમુખ થયા. ભારતમાં પ્રસિદ્ધ એવા આંકડાશાસ્ત્રના સામયિક ‘સાંખ્ય’ના સ્થાપક અને સંપાદક તરીકે આજીવન સેવા આપી. બીજા વિશ્વયુદ્ધ પછી હોમીભાભા તથા ભટનાગરની જેમ તેઓએ પણ ભારતીય અર્થતંત્રને આગવી રીતે આકાર આપ્યો. ૨૦૦૭થી ૨૯ જૂનને નૅશનલ સ્ટૅટિસ્ટિક્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. તેમની શતાબ્દી નિમિત્તે ભારત સરકારે ટપાલટિકિટ બહાર પાડી હતી. ૧૯૬૮માં તેમને પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રૉય ગિલક્રિસ્ટ

જ. ૨૮ જૂન, ૧૯૩૪ અ. ૧૮ જુલાઈ, ૨૦૦૧

શેરડીનાં ખેતરોમાં રમીને ક્રિકેટનો પ્રારંભ કરનાર રૉય ગિલક્રિસ્ટ જહાજી કંપનીમાં નોકરી કરતો હતો અને વેસ્ટ ઇન્ડીઝના કિંગસ્ટનમાં ખેલાતી બિકોન કપ સ્પર્ધામાં ખેલતો હતો. એ પછી જમૈકાના યુવકોની ટીમમાં પસંદ થયો અને ‘સ્પૉર્ટ્સમૅન ઑફ ધ ઇયર’ બન્યો. વેસ્ટ ઇન્ડીઝની આંતરટાપુઓની સ્પર્ધામાં જમૈકા તરફથી ચાર વખત રમ્યા બાદ તરત જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલવાની તક મળી. ૧૯૫૭ના ઇંગ્લૅન્ડના પહેલા પ્રવાસમાં એની ઝડપી ગોલંદાજીને વિશેષ સફળતા મળી નહીં, પરંતુ એ સમયે ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના ગ્રેવનીને એવા ઝડપી દડાથી આઉટ કર્યો કે સ્ટમ્પના બે ટુકડા થઈ ગયા. રૉય ગિલક્રિસ્ટને બૅટ્સમૅનના શરીર પર વાગે તે રીતે ‘બીમર’ નાખવાનો શોખ હતો. આવા દડા નાખીને એ બૅટ્સમૅનનો આત્મવિશ્વાસ સમૂળગો નષ્ટ કરી નાખતો અને એથીયે વિશેષ એને ઘાયલ કરતો. વેસ્ટ ઇન્ડીઝના સુકાનીઓએ એને આવા દડા નાખવા નહીં, એવી ખાસ ચેતવણી આપી હતી. ૧૯૫૮-૫૯માં ભારતના પ્રવાસે આવેલો વેસ્ટ ઇન્ડીઝનો સુકાની ગેરી એલેક્ઝાન્ડર પણ આનાથી નારાજ હતો. ઘણી વાર તો બૉલિંગ કરવાની રેખાથી ચારેક ડગલાં આગળ વધીને બૅટ્સમૅનના શરીર પર દડો વીંઝતો હતો. નાગપુરની ચોથી ટેસ્ટમાં ભારતીય ખેલાડી એ.જી. ક્રિપાલસિંઘને પીચ પર ખૂબ આગળ વધીને ‘બીમર’ નાખ્યો અને ક્રિપાલસિંઘની પાઘડી પડી ગઈ અને એને માથામાં પુષ્કળ વાગ્યું. એ પછીની નૉર્થ ઝોનની મૅચમાં પણ ગિલક્રિસ્ટે આવો બીમર નાખવાની આદત છોડી નહીં અને સ્વર્ણજિતસિંઘ નામના ખેલાડી સામે એણે સતત બીમર નાખવા માંડ્યા. આ સ્વર્ણજિત અને વેસ્ટ ઇન્ડીઝના સુકાની ગેરી એલેક્ઝાન્ડર કેમ્બ્રિજમાં સહાધ્યાયી હતા. લંચ સમયે એલેક્ઝાન્ડરે ગિલક્રિસ્ટને બેસાડી રાખ્યો અને રિઝર્વ ખેલાડીને મેદાન પર આવવા કહ્યું. એ પછી બીજા ખેલાડીઓ પાકિસ્તાનના પ્રવાસે ગયા, ત્યારે સુકાની એલેક્ઝાન્ડરે એને કહ્યું કે, ‘તમે ફ્લાઇટ પકડીને પાછા જાવ’ અને આ ઘટના પછી રૉય ગિલક્રિસ્ટની કારકિર્દીનો અંત આવ્યો. ક્રિકેટની કામયાબી કરતાં ગિલક્રિસ્ટ એના હિંસક વર્તન અને ક્રોધી સ્વભાવને કારણે વધારે જાણીતો બન્યો હતો. એણે ૧૩ ટેસ્ટમાં ૩,૨૨૭ દડામાં ૨૬ રનની સરેરાશથી ૫૭ વિકેટ લીધી અને ૫૫ રનમાં ૬ વિકેટ એ એનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો. જ્યારે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એણે ૪૨ મૅચમાં ૮,૩૯૧ દડા નાખીને ૨૬ રનની સરેરાશની ૧૬૭ વિકેટ ઝડપી હતી.