Categories
વાચન સમૃદ્ધિ

સોપારી

એકદળી વર્ગની તાડના કુળની વનસ્પતિ, જેનું ફળ મુખવાસમાં વપરાય છે.

સોપારીનું મૂળ વતન મલેશિયા છે. જૂના સમયમાં તે વસઈ પાસે આવેલા સોપારા બંદરે ઊતરતી હતી, તેથી તેનું નામ ‘સોપારી’ પડ્યું છે. ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઇન્ડોનેશિયામાં પણ તે ઊગે છે. સોપારીનું વૃક્ષ પાતળું અને ૧૨થી ૧૮ મી. જેટલું ઊંચું હોય છે. તેનાં કેટલાંક વૃક્ષો તો ૩૦ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. તેના થડ પર વીંટી આકારનાં વલયો હોય છે. થડની ટોચ ઉપર ૧.૨થી ૧.૮ મી. લાંબાં પીંછાકાર પર્ણોનો મુકુટ હોય છે. તેને નર તથા માદા પુષ્પો આવે છે. માદા પુષ્પો નર પુષ્પો કરતાં મોટાં હોય છે. તેમાંથી ૪.૦થી ૫.૦ સેમી. લાંબું  અંડાકાર ફળ થાય છે. તે પાકે ત્યારે નારંગી કે સિંદૂરી લાલ રંગનું હોય છે. તે ફળ એક જ બીજ ધરાવે છે. આ બીજને સોપારી કહેવામાં આવે છે. સોપારી ૨થી ૪ સેમી. વ્યાસવાળી અને ભૂખરી બદામી હોય છે. તે અંદરથી રાતી-બદામી રેખાઓ અને સફેદ રંગની ગર્ભને પોષણ આપતી પેશી ધરાવે છે. આ પેશીને ભ્રૂણપોષ કહે છે.

સોપારીનું વૃક્ષ અને તેનું ફળ

સોપારીના વૃક્ષને ભેજવાળી ઉષ્ણ-કટિબંધીય આબોહવા જરૂરી છે. તે દરિયાની સપાટીથી ૧૦૦૦ મી.ની ઊંચાઈ સુધી ઊગે છે. તેને નાળિયેરીની વાડીમાં  તેમ જ એલચી ફળ મરી સાથે વાવવામાં આવે છે. એક ઝાડ પરથી દર વર્ષે ફળના બેથી ત્રણ સમૂહો ઉત્પન્ન થાય છે. પ્રત્યેક સમૂહમાં ૧૫૦થી ૨૫૦ ફળ હોય છે. મોટાં ફળો ધરાવતા સમૂહમાં ૫૦થી ૧૦૦ ફળો હોય છે. પ્રતિવર્ષ ૨૦૦થી ઓછાં ફળો આપતાં વૃક્ષોનો નિકાલ કરવામાં આવે છે. ક્ચી સોપારીમાંથી મુખવાસમાં વપરાતી જાતજાતની મસાલેદાર સોપારી બનાવાય છે. તેનો મુખવાસ તરીકે અલગ રીતે કે પાન સાથે ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઔદ્યોગિક અને ઔષધીય હેતુઓ માટે પણ ઉપયોગ થાય છે. સોપારી કૃમિનો નાશ કરે છે. તે ચામડીના રોગોમાં પણ ક્મ લાગે છે. તે પેઢાં મજબૂત બનાવે છે અને શ્વાસને તાજો રાખે છે. તેના આયુર્વેદમાં વિવિધ રોગોના ઇલાજ માટે અનેક ઉપયોગો દર્શાવ્યા છે. તેના કુમળા પાનનો શાકભાજી અને સલાડ તરીકે ઉપયોગ થાય છે. નાળિયેરીની જેમ સોપારીના વૃક્ષના બધા ભાગોનો ઉપયોગ થાય છે. તેનું ઊંચું સોટા જેવું થડ માંડવો બાંધવાના કામમાં આવે છે. તેમાંથી  નાના મછવા, તરાપા, પાણી કાઢવાનું દોરડું, લેખનની વસ્તુઓ, ફૂટપટ્ટીઓ, ટોપલીઓ, ચાલવા માટેની લાકડીઓ, હળના દાંડા, નાનાં ટેબલ વગેરે બને છે. સોપારીનો ઉપયોગ કાથો બનાવવામાં તથા રંગવાના કામમાં થાય છે. તેનાં પર્ણોમાંથી પ્યાલા અને થાળી બનાવવામાં આવે છે. આ ઉપરાંત ટ્રે, બૅગ અને પેટીઓ જેવી ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ પણ બનાવાય છે. પર્ણનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. તે શોભાની વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડાય છે. નાળિયેરીની જેમ સોપારી પણ પવિત્ર ફળ મનાય છે. તેનો પૂજામાં ઉપયોગ થાય છે. શુભ પ્રસંગે સોપારી વહેંચાય છે. સોપારીનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં રહેલું ટૅનિન મોંના કૅન્સરનું પ્રેરક બળ બની શકે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦

Categories
વાચન સમૃદ્ધિ

ડમરો

દ્વિદળી વર્ગમાં આવેલા લૅબિએટી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum basilicum Linn. Sweet Basil; સં. मुञारिकी सुरसा, वरवाळा; હિં. बाबुई तुलसी, गुलाल तुलसी, काली तुलसी, मरूआ; મ. मरवा, सब्जा, ગુ. ડમરો, મરવો; તે. ભૂતુલસી, રુદ્રજડા, વેપુડુપચ્છા; તા. તિરનિરુપચાઈ, કર્પૂરા તુલસી; ક. કામકસ્તૂરી, સજ્જાગીદા; ઊડિયા : ઢલાતુલસી, કપૂરકાન્તિ; કાશ્મીરી : નીઆજબો; પં. ફુરુન્જ મુશ્ક, બાબુરી, નીઆજબો. તે મધ્ય એશિયા અને વાયવ્ય ભારતની મૂલનિવાસી વનસ્પતિ છે અને ભારતના લગભગ બધા ભાગમાં ઉછેરવામાં આવે છે તેમજ કુદરતી રીતે પણ ઊગે છે. તે ૩૦થી ૯૦ સેમી. ઊંચી, લગભગ અરોમિલ (glabrous), બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સાદાં અને અંડાકાર કે ભાલાકાર હોય છે. પર્ણકિનારી દંતુરવાળી કે અખંડિત હોય છે. પર્ણો બંને સપાટીએ સુંવાળાં અને ગ્રંથિમય હોય છે. પુષ્પ નાનાં, સફેદ અથવા આછા જાંબલી રંગનાં અને અશાખિત કે શાખિત પુષ્પવિન્યાસમાં ચક્રાકાર રીતે ગોઠવાયેલાં હોય છે. બીજ કાળાં, ચળકતાં, નાનાં ઉપવલયજ (ellipsoid) અને ખાડાવાળાં હોય છે.

ડમરાની ઘણી જાતો છે. ઉછેરવામાં આવતી આ જાતિમાં બહુસ્વરૂપીયતા અને પરપરાગનયનને લીધે તેની ઘણી ઉપજાતિઓ અને જાતો જોવા મળે છે, જે વૃદ્ધિનું સ્વરૂપ, રુવાંટીની ઘટ્ટતા અને પ્રકાંડ, પર્ણ તથા પુષ્પના રંગ વગેરે લક્ષણોમાં ભિન્નતા દર્શાવે છે. આમાં કુંચિત (curly) પર્ણોની જાત ઉછેર માટે સૌથી અનુકૂળ છે. ફ્રાન્સમાં આ જાતનો ઉછેર થાય છે, જે વધુ પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતું તેલ આપે છે. ડમરાનું પ્રસર્જન (propagation) બીજ દ્વારા થાય છે. સુગંધિત છોડ તરીકે તેને બાગમાં ઉછેરવામાં આવે છે. બીજ વાવવા માટે સૌથી સારી ઋતુ ભારતના મેદાની પ્રદેશમાં ઑક્ટોબર-નવેમ્બર અને પર્વતીય પ્રદેશમાં માર્ચ-એપ્રિલ છે. નર્સરીમાં ઉછેરેલા રોપાની ફેરરોપણી બે હાર વચ્ચે ૩૦ સેમી. અને હારમાં છોડ વચ્ચે ૪૦ સેમી.નું અંતર રાખીને કરવામાં આવે છે. રોપણી બાદ ૨.૫થી ૩ માસમાં કાપણી માટે તે યોગ્ય થઈ જાય છે. એકથી વધારે વખત કાપણી લઈ શકાય છે. જમીનની નજીકથી છોડ કાપી લઈ સૂકવવામાં આવે છે અને  સૂકાં પર્ણ અને પુષ્પ ઉતારી લેવામાં આવે છે. કાનપુર ખાતે અખતરામાં બે કાપણીમાં ૬૮૦૦ કિલો જેટલું પર્ણ-પુષ્પનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે મળેલું છે. બંધારણ અને પ્રકાર : ડમરો લવિંગ જેવી સુગંધ ધરાવે છે. તેના તેલનાં બંધારણ અને લક્ષણ ભિન્ન પ્રદેશમાં જુદાં જુદાં હોય છે, તેમાંથી ચાર પ્રકારનાં તેલ પ્રાપ્ત થાય છે : (૧) યુરોપિયન પ્રકાર : યુરોપ અને અમેરિકામાં ઉછેરાતા ડમરામાંથી તેલ નિસ્યંદનથી મેળવાય છે. તેમાં મુખ્યત્વે મિથાઇલ ચેવીકોલ અને લિનાલૂલ હોય છે પણ કપૂર હોતું નથી. તે તેની સારી સુગંધને લીધે અત્યંત કીમતી છે. (૨) રીયુનિયન પ્રકાર : રીયુનિયન ટાપુ, કોમોરો, માડાગાસ્કર અને સીચિલીસ ટાપુઓમાં તેનું ઉત્પાદન થાય છે. તેમાં મિથાઇલ ચેવીકોલ અને કપૂર હોય છે. લિનાલૂલ હોતું નથી. યુરોપિયન પ્રકાર કરતાં ગુણવત્તા ઓછી હોય છે. (૩) મિથાઇલ સિનામેટ પ્રકાર : બલ્ગેરિયા, સિસિલી, ઇજિપ્ત, ભારત અને હાઇટીમાં ઉત્પન્ન થાય છે. તે મિથાઇલ ચેવીકોલ, લિનાલૂલ અને મૂલ્યવાન મિથાઇલ સિનામેટ ધરાવે છે. (૪) યુજેનૉલ પ્રકાર : જાવાસીચિલિસ, સામોઆ અને રશિયામાં ઉત્પન્ન થાય છે. તે મુખ્ય ઘટક તરીકે યુજેનૉલ ધરાવે છે. યુરોપિયન પ્રકારનું તેલ સુગંધ તરીકે મીઠાઈ, બિસ્કિટ, મસાલેદાર રસ, ટમેટા કેચઅપ, માવો, અથાણાં, સરકો, મસાલા ભરેલું માંસ, સુગંધિત પીણાં વગેરેમાં વપરાય છે. દંતમંજનના પાઉડર, પેસ્ટ, માલિશ માટેનાં તેલ અને સુગંધિત અત્તરો ખાસ કરીને જૂઈના અત્તરમાં તેમજ સાબુની બનાવટમાં વપરાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ડમરો, પૃ. ૪૫૯)

Categories
વાચન સમૃદ્ધિ

સેવાગ્રામ (સેગાઁવ)

વર્ધા પાસે મહાત્મા ગાંધીના આશ્રમને કારણે જાણીતું થયેલું ગામ.

સેવાગ્રામ વર્ધાથી ૮ કિમી. દૂર છે. ૧૯૩૦માં ગાંધીજીએ દાંડીકૂચ આરંભી ત્યારે પ્રતિજ્ઞા કરી કે સ્વરાજ્ય લીધા વિના પાછા ફરી અમદાવાદમાં પગ નહિ મૂકે. આ પછી તેમણે અસ્પૃશ્યતાનિવારણના કાર્યનો આરંભ કર્યો. તેમના અનુયાયી જમનાલાલ બજાજે તેમને વર્ધામાં રહેવા આમંત્રણ આપ્યું. ૧૯૩૪માં ગાંધીજી વર્ધા ગયા. ત્યાં થોડો સમય વસવાટ કર્યો, પરંતુ તેમને ગામડું પસંદ હતું એટલે જમનાલાલ બજાજ પાસેથી ૧ એકર જમીન લઈને સેગાંવ પસંદ કર્યું. ગામ બહુ પછાત હતું. વસ્તી મુખ્યત્વે હરિજનોની હતી. સ્વચ્છતા પણ ન જેવી હતી. વિદર્ભમાં બીજું સેગાઁવ હોવાથી ઘણી વાર ગાંધીજીની ટપાલ ત્યાં જતી, એટલે એમણે ‘સેગાઁવ’ને બદલે ‘સેવાગ્રામ’ નામ રાખ્યું. ૧૯૩૬માં ગાંધીજી આ આશ્રમમાં રહેવા ગયા અને ત્યાંથી સેવાયજ્ઞ આરંભ્યો.

વર્ધા આશ્રમમાં જ્યાં ગાંધીજી રહેતા તે કુટિર

ગાંધીજી જે ઝૂંપડીમાં રહેતા હતા તેને ‘બાપુ કુટી’ નામ આપ્યું હતું. ગાંધીજીનાં અનુયાયી મીરાંબહેન પણ અહીં વસતાં હતાં. તે વખતે મહાદેવભાઈ દેસાઈ જે કુટિરમાં રહેતા તેનું નામ પછીથી ‘મહાદેવ કુટી’ રાખવામાં આવ્યું. કિશોરલાલ મશરૂવાળા જે કુટિરમાં રહેતા હતા તે ‘કિશોર-નિવાસ’ નામથી અત્યારે ઓળખાય છે. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહ ને ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનની પૂર્વતૈયારી આ આશ્રમમાં થઈ હતી. આ નાના ગામમાં ગાંધીજીને મળવા વિશ્વના અનેક દેશોના આગેવાનો તથા મહાનુભાવો આવતા. ૧૯૪૨માં અમેરિકન પત્રકાર લૂઈ ફિશર આ આશ્રમમાં એક અઠવાડિયું રહ્યા હતા. બાપુ જેલમુક્તિ પછી ૧૯૪૪માં સેવાગ્રામ આશ્રમ આવ્યા હતા અને ૧૯૪૬માં ‘જમના કુટી’ને બાપુના આખરી નિવાસ તરીકે લાભ મળ્યો હતો. આજે પણ એ ‘આખરી નિવાસ’ તરીકે ઓળખાય છે. સેવાગ્રામના નિવાસીઓ માટે ગાંધીજીએ અગિયાર વ્રતનો આગ્રહ રાખ્યો હતો : સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મસમભાવ અને સ્વદેશી. બાપુ કુટી ખૂબ જ સાદગીપૂર્ણ હતી. બાપુ કુટીમાં માત્ર ચટાઈઓ પાથરેલી રહેતી. વાઇસરૉયના આગ્રહથી બાપુ માટે તેમાં ટેલિફોન મૂકવામાં આવેલો. મહાદેવભાઈ દેસાઈ, પ્યારેલાલજી અને રાજકુમારી અમૃતકૌર પણ અહીં રહેતાં. સામૂહિક ભોજનમાં ઘણી વાર બાપુ પોતે પણ પીરસતા. બાપુ એમના મેજ પર ત્રણ વાંદરાનું રમકડું રાખતા. રક્તપિત્તના રોગી પરચુરે શાસ્ત્રીજી માટે આશ્રમમાં એક કુટિર બાંધવામાં આવી હતી. બાપુ નિયમિત રીતે એમની સેવા માટે જતા. પ્રાર્થનાભૂમિમાં સવાર-સાંજ નિયમિત પ્રાર્થના થતી. બપોરના સમૂહકાંતણ થતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સેવાગ્રામ (સેગાઁવ), પૃ. ૪૨)