જળાશય પાસે રહેતું મોટા કદનું આકર્ષક પક્ષી. સુરખાબ લાંબી ડોક, લાંબા પગ, લાલ વાંકી ચાંચ અને સફેદ તથા ગુલાબી પાંખોવાળું, આગવી છટા ધરાવતું પક્ષી છે. તે છીછરાં પાણીવાળા કાદવિયા પ્રદેશમાં વસે છે. સુરખાબ સ્થળાંતર કરતું પક્ષી છે. તેઓ ગુજરાતના કચ્છના મોટા રણમાં સમૂહમાં વસવાટ કરતાં હોય છે. આથી આ પક્ષીને ગુજરાતના રાજ્ય-પક્ષીનું સન્માન મળ્યું છે. આ પક્ષી હંજ નામે પણ ઓળખાય છે. સુરખાબ વિશ્વમાં ઘણા ભાગોમાં વસે છે. તે તળાવ તથા કાદવવાળા જમીન-વિસ્તારમાં તેમ જ દરિયાકિનારે રહે છે. તેની પાંચ જાતિઓ (species) જોવા મળે છે. સુરખાબ ૯૦થી ૧૫૦ સેમી. ઊંચું હોય છે. તેની પાંખનાં પીંછાં ઘેરા લાલથી માંડીને આછા ગુલાબી રંગનાં હોય છે. કોઈક પક્ષી અપવાદ રૂપે કાળાં પીંછાં પણ ધરાવતું હોય છે. સુરખાબની ચાંચમાં સૂક્ષ્મ વાળ જેવા દાંતિયાવાળા કાંસકા જેવી રચના હોય છે, જેના વડે સુરખાબ કાદવમાંથી ખોરાક શોધી કાઢે છે અને ગળણી જેવી રચનાને કારણે તેમાંથી રેતી અને કાદવ ગળાઈ જાય છે અને મુખમાં પ્રવેશ કરતાં નથી. સુરખાબ પાણીમાં વસતા નાના જિંગા, નાની માછલીઓ અને શેવાળ ખાય છે. તેના પગની આંગળીઓ જળચર પક્ષીની જેમ ચામડીથી જોડાયેલી હોય છે. આ પક્ષી વધારે સમય પાણીમાં વિતાવે છે સુરખાબ તીવ્ર વેગથી ઊડે છે. ઊડતી વખતે ડોક અને ચાંચ આગળ તરફ લંબાવે છે અને પગ પાછળ તરફ આકાશમાં V આકારની રચના કરી તે ઊડે છે.

સુરખાબ (ફ્લૅમિંગો), કચ્છ
સુરખાબ વસાહતમાં હજારોની સંખ્યામાં વસે છે. ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરી ગુજરાતમાં ઠેકઠેકાણે તે આવે છે. કાદવવાળા પ્રદેશમાં, નદીઓના મુખપ્રદેશોમાં, ખાડીઓ અને જળાશયોમાં ચોમાસા પછી તે ટોળામાં આવે છે. માદા સુરખાબ કાદવવાળી જમીન પર ૧૫થી ૩૦ સેમી. ઊંચા શંકુ આકારના રેતીના ઢૂવા બનાવે છે. તેમાં એક કે બે ઈંડાં મૂકે છે. ૩૦ દિવસ સુધી નર અને માદા ઈંડાંને સેવે છે. બચ્ચાં જન્મ બાદ આશરે પાંચ દિવસ પછી માળામાંથી બહાર આવે છે, નાનાં ટોળાં બનાવે છે. માદા તથા નર પક્ષી બચ્ચાંને તેમની હોજરીમાંથી કાઢેલું પ્રવાહી પિવડાવી મોટાં કરે છે. બે અઠવાડિયાં પછી બચ્ચાં પોતાની મેળે ખોરાક શોધી લે છે. સુરખાબ ૧૫થી ૨૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે. થોડા સમય પછી સુરખાબ સ્થળાંતર કરી તેમના વતન પહોંચી જાય છે. ભારતમાં આવતાં સુરખાબ ગ્રેટર ફ્લૅમિંગો પેટાજાતિનાં હોય છે.
અંજના ભગવતી
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી


