Categories
વાચન સમૃદ્ધિ

ત્રિંકોમાલી

શ્રીલંકાનું પૂર્વ પ્રાંતનું જિલ્લામથક અને મહત્ત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 8° 34´ ઉ. અ. અને 81° 14´ પૂ. રે.. વિસ્તાર : 2727 ચોકિમી.. વસ્તી : 1,09,000 જેટલી (2026, આશરે) છે. તે કોલંબોથી ઈશાન ખૂણે 230 કિમી. દૂર આવેલું છે. તેનું પ્રાચીન નામ ગોકન્ના છે. તેનું બારું ત્રિંકોમાલીના ઉપસાગર ઉપર આવેલા દ્વીપકલ્પ ઉપર છે. અગાઉ તે કોડ્ડિયાર તરીકે જાણીતું હતું. તેનો અર્થ નદીના ઉપસાગર ઉપરનો કિલ્લો છે. ત્રિંકોમાલીનું બારું દુનિયાનાં ઉત્તમ કુદરતી બારાં પૈકીનું એક છે. તે 8° ઉ. અ. નજીક હોવાથી ઉનાળા અને શિયાળાના તાપમાનમાં બહુ ઓછો તફાવત રહે છે. બારે માસ હવા ભેજવાળી અને ગરમ રહે છે. તેમ છતાં સમુદ્રના સામીપ્યને લીધે આબોહવા સમધાત રહે છે. નૈઋત્ય અને ઈશાની મોસમી પવનો ઉનાળા અને શિયાળામાં આશરે 1000 મિમી. વરસાદ આપે છે. કિનારાના પ્રદેશમાં નાળિયેરીનાં વૃક્ષો છે, જ્યારે સપાટ પ્રદેશમાં ડાંગરનો પાક બે વખત લેવાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે, જ્યારે મચ્છીમારી ગૌણ વ્યવસાય છે. મોતી આપતી ઑઇસ્ટર માછલી અહીં ક્વચિત્ જોવા મળે છે.

ત્રિંકોમાલીનું વિહંગાવલોકન

ત્રિંકોમાલી રેલવેનું ટર્મિનસ છે અને લંકાનાં અગત્યનાં શહેરો સાથે રેલ તથા માર્ગો દ્વારા જોડાયેલું છે. 1960થી કોલંબો ખાતે સ્ટીમરની ભારે અવરજવર રહેતી હોવાથી અને લાંબો વખત સ્ટીમરને બારા બહાર રાહ જોવી પડતી હોવાથી ત્રિંકોમાલી ખાતે માલસામાનની ચડઊતર અગાઉ કરતાં વધી છે. અહીં વિમાની મથક પણ છે. ચાની નિકાસ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે, ચામડાં તથા સૂકી માછલીની નિકાસ થોડા પ્રમાણમાં થાય છે. પ્રાચીન કાળમાં ઇન્ડો-આર્યન આગંતુકોની પ્રમુખ વસાહત અહીં હતી. ઈ. સ. પૂ. 543થી તામિલ લોકો અહીં વસે છે. તેમણે દ્વીપકલ્પને છેડે 1000 સ્તંભોવાળું મંદિર બાંધ્યું હતું. પોર્ટુગીઝો અહીં સૌપ્રથમ સોળમી સદીમાં આવ્યા હતા. ઈ. સ. 1622માં આ મંદિરનો તેમણે નાશ કર્યો હતો અને તેના સ્થાને તેના પથ્થરોથી કિલ્લો બાંધ્યો હતો. 1639માં પોર્ટુગીઝોને હરાવીને ડચો અહીં આવ્યા હતા. તેમણે 1676માં ફૉર્ટ ફેડરિક બાંધ્યો હતો. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે અઢારમી સદી દરમિયાન ભારતના કોરોમાંડલ કિનારા ઉપર પ્રભુત્વ જમાવવા માટે અનેક યુદ્ધો થયાં હતાં. અંગ્રેજોએ 1795માં ત્રિંકોમાલી ડચો પાસેથી જીતી લીધું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942માં સિંગાપોરના પતન પછી અહીં ગ્રેટ બ્રિટને નૌકામથક સ્થાપ્યું હતું અને મ્યાનમાર અને મલાયામાંનાં જાપાનનાં લશ્કરી મથકો ઉપર યુ.એસ.નાં યુદ્ધવિમાનો અહીંથી હુમલો કરતાં હતાં. 1948માં શ્રીલંકા સ્વતંત્ર થયું છતાં આ લશ્કરી મથક બ્રિટનની હકૂમત નીચે તે અંગે થયેલા સંરક્ષણકરાર મુજબ 1957 સુધી રહ્યું હતું. સંરક્ષણકરાર રદ કરીને શ્રીલંકાની સરકારે આ મથકનો કબજો લીધો (1957).

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9

Categories
વાચન સમૃદ્ધિ

ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા)

ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં ત્રાવણકોરના રાજા રામ વર્માએ તે સમયે ભારત ખાતેના બ્રિટનના રાજકીય પ્રતિનિધિ રેસિડન્ટ જનરલ સ્ટુઅર્ટ ફ્રેઝરના સૂચનથી ૧૮૩૬માં ત્રિવેન્દ્રમમાં સ્થાપેલી ખગોલીય વેધશાળા. આ વેધશાળા ‘ત્રાવણકોર ઑબ્ઝર્વેટરી’ તરીકે ઓળખાય છે. આ વેધશાળાની ઇમારતનો નકશો તૈયાર કરવાની અને એના બાંધકામની જવાબદારી ચેન્નાઈના એક ઇજનેર કૅપ્ટન હૉર્સલેને સોંપવામાં આવી અને ૧૮૩૭માં એ તૈયાર થઈ ગયા પછી એના પ્રથમ નિયામક તરીકે રાજાએ જ્હૉન કાલ્ડેકૉટ નામના ખગોળશાસ્ત્રીની નિમણૂક કરી. કાલ્ડેકૉટ આ અગાઉ એલેપી બંદર ખાતે ત્રાવણકોર સરકારના વ્યાપારિક આડતિયા તરીકેની ફરજ બજાવતા હતા. કાલ્ડેકૉટને ખગોળ ઉપરાંત હવામાનના અભ્યાસમાં પણ એટલો જ રસ હતો. ત્રિવેન્દ્રમ ખાતે આવી બેવડી કામગીરી બજાવતી વેધશાળા સ્થાપવાનો મૂળ વિચાર એનો જ હતો અને ફ્રેઝરને આની અગત્ય પણ એણે જ સમજાવી હતી.

ત્રિવેન્દ્રમ વેધશાળા (રેખાચિત્ર)

કાલ્ડેકૉટનો જન્મ કયા વર્ષે થયો અને મૃત્યુ કયા વર્ષે થયું એ અંગે ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક સંદર્ભ અનુસાર એનો જન્મ ૧૮૧૩માં અને અવસાન ૧૮૪૭માં થયું. જ્યારે બીજા સંદર્ભ અનુસાર એનું જન્મવર્ષ ૧૮૦૦ છે, જ્યારે મૃત્યુવર્ષ ૧૮૪૯ છે. પરંતુ, એણે બજાવેલી કામગીરી અને એનો કાલાનુક્રમ જોતાં એનો જીવનકાળ સન ૧૮૦૦થી ૧૮૪૯ વધુ બંધબેસતો આવે છે. આ વેધશાળા જુલાઈ ૧૮૩૭થી કામ કરતી થઈ અને આરંભનાં મોટા ભાગનાં નિરીક્ષણો કાલ્ડેકૉટે પોતાની પાસેનાં ઉપકરણોની મદદથી કર્યાં; પરંતુ ત્રાવણકોરના રાજા નવું નવું જાણવાના શોખીન હોવાથી અને વિજ્ઞાનમાં પોતાનો દેશ યુરોપનાં રાષ્ટ્રો સાથે કદમ મિલાવી શકે તેવી તીવ્ર ઇચ્છા ધરાવતા હોવાથી વેધશાળાને આધુનિક ઉપકરણોથી સજ્જ કરવાનો નિર્ણય લેવાયો. પરિણામે વેધશાળા ચાલુ થયા પછી થોડા જ સમય બાદ કાલ્ડેકૉટને જરૂરી ઉપકરણોની ખરીદી કરવા યુરોપ મોકલવામાં આવ્યા. ૧૮૪૧માં એ પાછા ફર્યા અને પોતાની સાથે ખગોળ ઉપરાંત હવામાન અને ચુંબકીય અભ્યાસ માટેનાં જરૂરી સાધનો પણ લેતા આવ્યા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, ત્રિવેન્દ્રમ વેધશાળા (તિરુવનંતપુરમ્ વેધશાળા), પૃ. 74 અથવા જુઓ https://gujarativishwakosh.org/ત્રિવેન્દ્રમ વેધશાળા/)

Categories
વાચન સમૃદ્ધિ

અફઘાનિસ્તાન

દક્ષિણ મધ્ય એશિયામાં આવેલો પહાડી દેશ.

તેની ઉત્તરે ઉઝબેકિસ્તાન, ઈશાને તઝાકિસ્તાન, પૂર્વ અને ઈશાને ચીન, પૂર્વ દક્ષિણ પાકિસ્તાન, પશ્ચિમે ઈરાન અને વાયવ્યે તુર્કમેનિસ્તાન આવેલા છે. તેને દરિયાકિનારો નથી. પાકિસ્તાન અને ભારત લદ્દાખ પ્રદેશની સીમા અને અફઘાનિસ્તાનની સીમા ભારત સાથે જોડાયેલી છે. આમ તે પાંચ દેશોની ભૂમિસીમાથી ઘેરાયેલો છે. અફઘાનિસ્તાન ત્રણ પ્રકારનું ભૂપૃષ્ઠ ધરાવે છે. લોખંડ, તાંબું, સીસું અને જસત અહીંનાં મુખ્ય ખનિજો છે. ઉત્તરના સપાટ પ્રદેશોમાં ખેતીનો વ્યવસાય વિકસેલો છે. ઘઉં, ડાંગર, મકાઈ, જવ અને કપાસ અહીંના મુખ્ય પાકો છે. નૈઋત્યનો ઉચ્ચપ્રદેશ રણવિસ્તાર ધરાવે છે. અહીં ઉનાળામાં ધૂળની આંધી થાય છે. મધ્યમાં ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, જે હિમાલય પર્વતમાળાના ભાગ રૂપે છે. તેમાં હિંદુકુશ અને સુલેમાન પર્વતમાળાનો પણ સમાવેશ થાય છે. એમાં ખૈબરઘાટ આવેલો છે. પ્રાચીન સમયમાં સિકંદરે આ માર્ગેથી આક્રમણ કર્યું હતું. ૧,૬૦૦ કિમી. લાંબી અમુદરિયા નદી હિમાલયમાંથી નીકળી અરબી સમુદ્રને મળે છે. કાબુલ નદીના ખીણવિસ્તારમાં વિવિધ જાતનાં વૃક્ષો ઊગે છે.

હજરત અલી મઝાર શરીફબલ્ખ- અફઘાનિસ્તાન

રાજધાની કાબુલમાં ગુરુ ગોરખનાથનું પ્રખ્યાત મંદિર છે. શહેરની મધ્યમાંથી કાબુલ નદી પસાર થાય છે. તેની આસપાસ લીલીછમ ખીણો આવેલી છે. નગરની બહાર બાલાહસાર નામે કિલ્લો આવેલો છે. કાબુલ ઉપરાંત કંદહાર, હૈરાત, અઝર-એ-શરીફ મુખ્ય શહેરો છે. અહીં લગભગ બધા જ લોકો ઇસ્લામ ધર્મ પાળે છે, તે પૈકી ૯૦ % સુન્ની અને ૧૫ % શિયા મુસ્લિમો તથા ૦.૩ % અન્ય લોકો વસે છે. અડધા ઉપરાંત પ્રજા પશ્તોન તથા બાકીના લોકો તાદઝિક, ઉઝબેક, દારી, તુર્કમેની, ઉર્દૂ, આરબીક, બલોચી, નૂરીસ્તાની, પશાઈ, હઝારા તથા અંગ્રેજી ભાષા બોલે છે. અહીંની ગાલીચા અને તાંબાનાં વાસણો પરની હસ્તકળા વિશ્વવિખ્યાત છે. અફઘાનિસ્તાનની સૌથી મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ તે ખેતી અને પશુપાલન છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, અફઘાનિસ્તાન, પૃ. 27)