સસ્તન વર્ગનાં ઑર્ટિયોડેક્ટિલા (સમખુરવાળી) શ્રેણીના જિરાફિડી કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Giraffa camelopardalis. જિરાફને જમીન પરના સૌથી ઊંચા પ્રાણી તરીકે વર્ણવી શકાય. તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે ૫.૫ મી. કરતાં વધારે હોય છે. આગલા પગ સહેજ લાંબા હોવાને કારણે તેની પીઠ પાછળના ભાગ તરફ ઢળતી હોય છે. જોકે આ પ્રકારની રચના શરીરની સમતુલા જાળવવા અગત્યની છે. આમ તો શરીરની સમતુલા જાળવવા માટે પાણી પીવાનું હોય ત્યારે તે આગલા પગને પાર્શ્વ બાજુએથી એકબીજાથી દૂર ખસેડે છે. લાંબી ડોક ઊંચાં વૃક્ષોની ડાળી પરથી પાંદડાં ખાવા ટેવાયેલી હોય છે. જૂજ વૃક્ષો હોય તેવા ઘાસવાળા સપાટ પ્રદેશમાં મુખ્યત્વે ઊગતા બાવળનાં પાન ખાઈને જીવન ગુજારે છે. તેની પૂંછડી રુવાંટીવાળી હોય છે જ્યારે ડોકના આગળના ભાગમાં યાળ જેવા કેશ ધરાવે છે. જિરાફના માથાની ટોચે ચામડી વડે ઢંકાયેલાં બે નાનાં શિંગડાં છે, જ્યારે ત્રીજું શિંગડું આંખોની વચ્ચેના ભાગમાં આવેલું છે. જિરાફની ચામડી પીળાશ પડતી હોય છે. તેની ઉપર લીલાશ પડતાં બદામી રંગનાં ટપકાં અને ભૌમિતિક આકૃતિઓ જોવા મળે છે.

જિરાફ ટોળામાં રહે છે, જેમાં માદાની સંખ્યા વધારે હોય છે. એકાદ પુખ્ત નર અને નર બચ્ચાં આ ટોળામાં રહેતાં હોય છે. વૃદ્ધ નર સાવ એકલો રહે છે. જિરાફ મુખ્યત્વે પૂર્વ આફ્રિકાના કેન્યાના સવાના ઘાસનાં મેદાનોમાં જોવા મળે છે. ઉત્તરમાં તે સહરાના દક્ષિણ ભાગ સુધી વિસ્તરેલા હોય છે. દક્ષિણનાં જિરાફ દેખાવમાં ઉત્તરનાં જિરાફ કરતાં સહેજ ભિન્ન હોય છે. માનવના પર્યાવરણિક હસ્તક્ષેપને લીધે જિરાફની સંખ્યા સાવ ઘટી ગઈ છે. જિરાફ વાગોળનારું (ruminant) પ્રાણી છે. તેના લાંબા હોઠ અને લાંબી કમાન જેવી વળતી જીભ ઊંચા ઝાડ પર આવેલાં પાંદડાંને કરડી ખાવાની ક્ષમતા ધરાવે છે. જિરાફની નજર, ઘ્રાણસંવેદના અને શ્રવણશક્તિ તેજ હોય છે. હિંસક પ્રાણીઓમાં માત્ર સિંહ જિરાફનો શિકાર કરી શકે છે. તે લાત મારીને રક્ષણાત્મક પદ્ધતિ અપનાવે છે અને આશરે ૫૦ કિમી.ની ઝડપથી દોડી શકે છે. નર જિરાફ સામસામા લડે છે અને માથાં ભટકાવે છે. જિરાફનો અવાજ ભાગ્યે જ સંભળાય છે. તે ધીમો ઊંડો આહ જેવો અવાજ કાઢી શકે છે. માદા ૧૪થી ૧૫ માસની સગર્ભાવસ્થા બાદ એક બચ્ચાને જન્મ આપે છે. નવજાત શિશુ ૨ મી. ઊંચું હોય છે. જિરાફ આશરે ૨૦ વર્ષ સુધી જીવે છે.
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી
રા. ય. ગુપ્તે