જ. ૨૯ ઑક્ટોબર, ૧૭૩૯ અ. ૬ ડિસેમ્બર, ૧૮૦૬
ઓડિશા રાજ્યમાં જન્મેલા જયકૃષ્ણ ભારતીય સ્વતંત્રતાઆંદોલનની એક મુખ્ય વ્યક્તિ અને અંગ્રેજો વિરુદ્ધ સંગ્રામમાં ભારતના સૌપ્રથમ શહીદ હતા. ખુર્દા રાજ્યના દરબારમાં તેઓ રાજા ગજપતિ મુકુંદદેવ દ્વિતીયના કમાન્ડર-ઇન-ચીફ, શાહી પૂજારી તથા વહીવટદાર હતા. તેઓએ પોતાનું જીવન રાજ્યની સેવામાં જ વ્યતીત કરેલું અને આજીવન લગ્ન કર્યાં ન હતાં. ૧૭૭૯ની સાલમાં ખુર્દા રાજ્ય અને જાનૂજી ભોસલે વચ્ચે યુદ્ધ થયું. તે સમયે સેનાના નાયક નરસિંહ રાજગુરુ હતા. તેઓ યુદ્ધમાં માર્યા ગયા એટલે જય રાજગુરુને પ્રશાસનના અને ખુર્દાની સેનાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આમ પિતાની જવાબદારી પુત્રએ લીધી.
સૌપ્રથમ ઘૂસણખોરોની સામે વિદ્રોહ કરવાનો સમય આવ્યો. કમજોર પ્રશાસનનો ફાયદો ઉઠાવાતાં ખુર્દાના લોકો પર બર્ગિયોના હુમલા વધવા માંડ્યા. આ પરિસ્થિતિ જયકૃષ્ણ માટે અસહ્ય હતી. તેઓએ સૈનિકોની શક્તિને વ્યક્તિગત રીતે પ્રોત્સાહન આપ્યું. ગામના યુવાનોને પણ સંગઠિત કરી યુદ્ધની તાલીમ આપી. હથિયાર અને તોપગોળા (બારૂત) બનાવતાં શિખવાડ્યાં. આમ ઘૂસણખોરોની સામે લડવા માટેની યોજના બનાવી. ૧૭૫૭માં મુખ્ય સમસ્યા શરૂ થઈ. અંગ્રેજોએ પ્લાસીની લડાઈ જીતીને ઓડિશાના બંગાળ, બિહાર અને મેદિનાપુર પ્રાંતો કબજે કરી લીધા. ૧૭૬૫માં તેઓએ હૈદરાબાદના નિઝામ તથા પારસીઓ પાસેથી આંધ્રપ્રદેશના એક વિશાળ ક્ષેત્ર પર કબજો કરી લીધો. તેમણે ખુર્દામાં એક કિલ્લો બનાવ્યો. ગંજમ અને મેદિનાપુરની વચ્ચે પરિવહન માટે રસ્તો પણ બનાવ્યો. ૧૭૯૮માં ખુર્દા પર હુમલો કર્યો, પણ જયકૃષ્ણે તેમને સફળ થવા ન દીધો. જયકૃષ્ણએ અંગ્રેજોને આપણા દેશમાંથી પાછા ધકેલવાના ઇરાદાથી સેનાને વ્યવસ્થિત કરી અને હિંમતથી બધાં પરગણાં પર કબજો કર્યો. છેવટે અંગ્રેજો અને ખુર્દાની સેના વચ્ચે ઐતિહાસિક યુદ્ધ શરૂ થયું. લડાઈ લાંબી ચાલી અને જયકૃષ્ણને ગિરફતાર કર્યા, બારાબતી કિલ્લામાં લઈ ગયા. તેમના પર કેસ ચલાવ્યો અને છેવટે ફાંસી આપી. એવું મનાય છે કે ઇતિહાસમાં અંગ્રેજોની વિરુદ્ધ ભારતની તેઓ પહેલી વ્યક્તિ હતા જેને મૃત્યુદંડ આપવામાં આવેલો.
અંજના ભગવતી