તાંબામાંથી વિવિધ સાધનો કે આકારો બનાવવા માટે ઉપયોગમા લેવાતી વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી ભારતમાં તામ્ર કે તાંબામાંથી ફરસી, કુહાડી તથા છરાનાં પાનાં, કરવતો, તીર તથા ભાલાનાં ફળાં, પરશુ તેમજ માપપટ્ટીઓ, શારડીઓ, છીણી, ટાંકણાં, મોચીના સોયા, નાકાવાળી સોયો, સાંકળો તથા ખીલા તેમજ બંગડીઓ, બુટ્ટીઓ, આંટાવાળી વીંટીઓ અને ચમચા, અરીસા, વાસણો તેમજ વિવિધ પશુ તથા માનવઆકૃતિઓ બનાવાતી. આ માટે તાંબું ગાળવાની, ઓગાળવાની અને તેમાંથી ઘાટ ઘડવાની વિવિધ પદ્ધતિઓ વપરાતી. ઈ. સ. પૂ. 3000થી ઈ. સ. પૂ. 2000ના સિંધુ સંસ્કૃતિના તથા તેની આગળની પ્રાકસિંધુ સંસ્કૃતિમાં તાંબાનો ઉપયોગ સારા પ્રમાણમાં થતો હતો. સિંધુ સંસ્કૃતિના સમયમાં તાંબું ગળાતું નહીં. તેના તૈયાર ગઠ્ઠા (In gots) રાજસ્થાન તથા ઈરાનના સુસામાંથી આયાત થતા; પરંતુ રાજસ્થાન, આંધ્ર અને કર્ણાટકમાં ચાલ્કોપાઇરાઇટ તથા મૅલેચાઇટની તાંબાની કાચી ધાતુને ખોદીને ત્યાં જ સ્થળ પાસે જ તાંબું ગાળવામાં આવતું. ધાતુનો મેલ છૂટો પાડવા કાચી ધાતુ સાથે કવાર્ટ્ઝાઇટ કે મૅંગેનીઝનો પાઉડર ભેળવીને તેને ગોળાકાર છીછરા ખાડામાં કોલસા ભરીને અતિ ઊંચા તાપમાને તાંબું છૂટું પાડવામાં આવતું. હવા માટે આવા ભઠ્ઠાની ધારે માટીની પકવેલી નળીઓ ગોઠવાતી. ઘણી વાર કોલસા સાથે કાચી ધાતુનો જમીન ઉપર સીધો ઢગલો કરીને તેને ગારાથી છાંદી દેવામાં આવતો. ઉપર નાનું મોઢું રાખવામાં આવતું તથા હવા આપવા ઢગલાના તળિયાની ધારે માટીની પકવેલી ભૂંગળીઓ ગોઠવાતી. તાંબું ગાળવા માટે 800° સે. થી 1100° સે. તાપમાન જરૂરી હતું. જો તે ન જળવાય તો તાંબામાં લોખંડ, જસત, આરસેનિક, સીસું જેવી અશુદ્ધિઓ રહી જતી. તાંબું ગાળતી વખતે નીકળતા મેલને ત્યાં જ ફેંકી દેવામાં આવતો. લોથલ તથા મોહેં-જો-દરોના આવા ગઠ્ઠામાં આવી અશુદ્ધિઓ નહિવત્ હતી.

તાંબામાથી બનાવેલી વસ્તુઓ
ગાળેલા તાંબામાંથી અશુદ્ધિઓ દૂર કરવા તથા તેમાંથી જરૂરી ચીજો બનાવવા તાંબાને ફરી ઓગાળવામાં આવતું. આ માટે જમીનમાં ગોળાકાર, નળાકાર કે નાસપાતી આકારના નાના છીછરા ખાડા ખોદીને તેની અંદરના ભાગે ગારો લિપાતો. ભઠ્ઠામાં કોલસા ભરી માટીના પકવેલા વાટકા, કુલડાં, નાળચાવાળાં કુલડાં કે બહારથી પાંખો કરેલી પહોળા મોઢાવાળી માટીની કોઠીઓમાં તાંબાને ઓગાળાતું. તાંબાને હલાવવા અને કુલડાને બહાર કાઢવા લાકડાના દાંડિયા વપરાતા.
સુમનબહેન પંડ્યા
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તામ્ર તકનીકી, પૃ. 795 અથવા જુઓ https://gujarativishwakosh.org/તામ્ર-તકનીકી/)


