વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના જૂથમાંનું સ્વતંત્ર ગણરાજ્ય. 19O ઉ. અક્ષાંશ અને 70O 30’ પ. રેખાંશ પર આવેલું આ ગણરાજ્ય વેસ્ટ ઇન્ડીઝના હિસ્પાનિયોલા દ્વીપના 2/3 ભાગમાં તથા બિયેટ્રા, કૅટાલિના, સોને, ઓલ્ટોવિલો, કેટાલિનિટા તથા અન્ય નાના ટાપુઓ રૂપે આવેલું છે. તેનું ક્ષેત્રફળ 48,137 ચોકિમી. તથા તેની દરિયાકિનારાની લંબાઈ 912 કિમી. છે. તેની કુલ વસ્તી 1,15,32,000 (2025, આશરે) છે. આ દેશની રાજધાની સેંટો ડોમિન્ગો છે, જે ડોમિનિકન ગણતંત્રનું સૌથી મોટું શહેર છે. અહીંના મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે અને સ્પૅનિશ ભાષા બોલે છે. પેસો (peso) તેનું મુખ્ય ચલણ છે. આ ગણતંત્રની પૂર્વ બાજુએ મોના પૅસેજ, પશ્ચિમે હૈતી, ઉત્તરે આટલાન્ટિક મહાસાગર તથા દક્ષિણે કૅરિબિયન સાગર આવેલા છે. દ્વાર્ટી સૌથી ઊંચું (3175 મી.) શિખર છે અને તેમાં એનરિકિયો સરોવર આવેલું છે. દેશની ત્રણ નદીઓમાં થાકી ડેલ નોર્ટ, થાકી ડેલ સર અને યુના છે. આબોહવા : શિયાળામાં અહીંનું સરાસરી તાપમાન 18 O સે.થી 27 O સે. સુધી તથા ઉનાળામાં 23 O સે.થી 35 O સે. સુધી રહે છે. પૂર્વ ભાગમાં સરાસરી વાર્ષિક વરસાદ આશરે 1325 મિમી. પડે છે જ્યારે ઈશાનમાં આશરે 2050 મિમી. તથા પશ્ચિમે 4440 મિમી. વરસાદ પડે છે.

સેંટો ડોમિન્ગો શહેર
અહીંની 15,840 ચોકિમી. જમીન ખેતીને યોગ્ય છે. ખેતી પ્રજાનો મુખ્ય વ્યવસાય છે. સીબાઓની ખીણ ખેતીનું મુખ્ય કેન્દ્ર છે. ઉત્તર અને દક્ષિણ કિનારાના પ્રદેશોમાં મોટા પાયે શેરડી ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત કૉફી, કોકો, તમાકુ અને કેળાંનો પાક લેવામાં આવે છે. આ પેદાશોની નિકાસ પણ કરવામાં આવે છે. બટાટા, વટાણા, નારિયેળ, સંતરાં, અનનાસ અને મકાઈની ખેતી પણ થાય છે. પશુપાલનનો વિકાસ થયેલો નથી. મત્સ્યઉદ્યોગનો આંશિક વિકાસ થયો છે. મેહૉગની તથા અનનાસ આ પ્રદેશની વિશિષ્ટ વનસ્પતિ છે. લોખંડ, નિકલ, ચાંદી, સોનું, યુરેનિયમ, સીસું, જસત અને કલાઈ અહીંનાં ખનિજો છે. સંગેમરમર, ચિરોડી અને તાંબું પણ અહીં મળી આવે છે. બારાબોનાની નજીક આશરે 16 કિમી. લાંબો મીઠાનો પર્વત આવેલો છે. સાતથી ચૌદ વર્ષ સુધીની વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. સૅન્ટો ડોમિંગો વિશ્વવિદ્યાલય દેશની એકમાત્ર ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 68 % છે. દેશના પર્વતીય વિસ્તારમાં જંગલી સૂવર જોવા મળે છે. અનેક પ્રકારનાં કબૂતર, બતક વગેરે પક્ષીઓ તેમજ અમેરિકન મગર તથા રાજહંસ પણ જોવા મળે છે.
ગિરીશ ભટ્ટ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડોમિનિકન રિપબ્લિક, પૃ. 600 અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડોમિનિકન રિપબ્લિક/)


