પ્રત્યેક ધારાસભા કે વિધાનસભા-ગૃહના સંચાલક મુખ્ય પદાધિકારી –અધ્યક્ષ. ભારતમાં સંસદનાં ગૃહો તેમ જ રાજ્યોનાં ધારાગૃહોના મુખ્ય સંચાલનના વ્યવસ્થાપનની જવાબદારી તેઓ અદા કરે છે. સ્પીકર(અધ્યક્ષ)-પદનો ઉદગમ ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટમાં ઈ. સ. ૧૩૭૭માં થયો હતો. ટૉમસ હંગરફર્ડ આમસભાના પ્રથમ સ્પીકર થયા. તે ‘સ્પીકર’ કહેવાયા, કારણ કે સૈકાઓ પહેલાં તે રાજા પાસે જતા અને રાજાનો સંદેશો ગૃહના સભ્યોને કહેતા તેમ ગૃહના નિર્ણયની જાણ તેઓ રાજાને કરતા.

ભારતની લોકસભાના પહેલા અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર, લોકસભા-ગૃહ, દિલ્હી
લોકસભા કે વિધાનસભાના ૩ સ્તંભો મનાય છે : ૧. સ્પીકર (અયક્ષ), ૨. વડાપ્રધાન/મુખ્યપ્રધાન અને ૩. વિરોધપક્ષના નેતા. સ્પીકરનું સ્થાન વિશિષ્ટ જવાબદારીવાળું હોય છે. તેની ગેરહાજરીમાં ધારાગૃહનું સંચાલન કરનાર ઉપાધ્યક્ષ કહેવાય છે. ધારાસભા પોતાના સભ્યોમાંથી બહુમતીના ધોરણે અધ્યક્ષ તેમ જ ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. બંને સ્થાનની મુદત જે તે ધારાગૃહની મુદત પર્યંતની હોય છે. એક પ્રણાલી અનુસાર જો સ્પીકરના હોદ્દાધારી પદાધિકારી નવી ચૂંટણી વખતે ઉમેદવારી કરે તો તેની સામે અન્ય કોઈ પક્ષ ઉમેદવાર ઊભા રાખતા નથી અને તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. લોકસભા કે વિધાનસભાનું વિસર્જન થાય ત્યારે સ્પીકરે (અધ્યક્ષે) પોતાનું પદ ખાલી કરવાનું રહેતું નથી. નવી લોકસભા કે વિધાનસભાનું પ્રથમ સત્ર આરંભાય ત્યાં સુધી સ્પીકરનું પદ ચાલુ રહે છે; તેમ છતાં સ્પીકરને રાજીનામું આપવું હોય તો તે ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષને રાજીનામું આપવું હોય તો તે સ્પીકરને રાજીનામું આપી છૂટા થઈ શકે છે. લોકસભા કે રાજ્યોમાં વિધાનસભાના સ્પીકર કે ઉપાધ્યક્ષને તેમના સ્થાનેથી દૂર કરવાનો પ્રસ્તાવ બહુમતીથી મંજૂર થાય તો દૂર કરી શકાય છે. સ્પીકરની મુખ્ય ફરજ ગૃહનું સંચાલન કરવાની છે. આ સંચાલન દેશના બંધારણ, રાજ્યની વિધાનસભાના નિયમો તેમ જ સંસદીય પ્રણાલી મુજબ કરવાનું હોય છે. તેઓ ગૃહના વડા છે, પ્રથમ પ્રતિનિધિ છે તે સાથે તેના સેવક છે. ગૃહમાં વ્યવસ્થા જાળવવી તે તેમનું કર્તવ્ય છે. અંદાજપત્ર, વિધેયકોની ચર્ચા, તેમની મંજૂરી-નામંજૂરી, મત લેવા તેમ જ પ્રસ્તાવોની રજૂઆત તથા ચર્ચા – આ બધું તેમના નિયંત્રણ હેઠળ રહે છે. ભારતમાં લોકસભાના પ્રથમ સ્પીકર શ્રી ગણેશ વાસુદેવ માવળંકર હતા. સ્પીકર-પદની ગરિમા, માનમરતબો જળવાય તે જોવાની રાજ્યની, પ્રજાની તેમ જ પ્રત્યેક ગૃહના સભ્યની ફરજ છે.
અમલા પરીખ
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્પીકર (અધ્યક્ષ), પૃ. ૮૦)


