Categories
વાચન સમૃદ્ધિ

હરસિદ્ધભાઈ દિવેટિયા

જ. ૧૭ ફેબ્રુઆરી, ૧૮૮૬ અ. ૩ ઑગસ્ટ, ૧૯૬૮

ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તેમજ મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિપદે રહી ચૂકેલા હરસિદ્ધભાઈ દિવેટિયાનો જન્મ અમદાવાદના વડનગરા નાગર પરિવારમાં થયો હતો. તેમના પિતામહ છોટાભાઈ પર્શિયન ભાષાના ઊંડા અભ્યાસી હતા. તેમના પિતા વજુભાઈ કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટના પ્રથમ ભારતીય મદદનીશ હતા. તેમનો સમસ્ત પરિવાર પોરબંદર પાસે આવેલા હરસિદ્ધ માતાજીની ભક્તિના રંગે રંગાયેલો હોવાથી પિતાએ તેમનું નામ હરસિદ્ધ પાડ્યું હતું. હરસિદ્ધભાઈ દિવેટિયાએ ગુજરાત કૉલેજમાં ભણીને ૧૯૦૬માં તર્કશાસ્ત્ર અને નૈતિક તત્ત્વજ્ઞાન સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૦૮માં તેઓએ એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ સ્થાન સાથે અને ૧૯૦૯માં તેઓએ એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૧૦થી ૧૯૧૨ સુધી સંયુક્ત પ્રાંત(યુ.પી.)ની બરેલી કૉલેજમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ ૧૯૧૨થી ૧૯૩૩ સુધી મુંબઈની વડી અદાલતમાં પ્રખર ધારાશાસ્ત્રી તરીકે નામના પ્રાપ્ત કરી હતી. ૧૯૩૩થી ૧૯૪૬ દરમિયાન તેઓએ મુંબઈની વડી અદાલતના માનનીય ન્યાયમૂર્તિ તરીકે સેવા આપી હતી. ૧૯૪૮થી ૧૯૫૧ દરમિયાન સૌરાષ્ટ્રના નવા રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ તરીકે પણ કામગીરી બજાવી હતી. ૧૯૪૯થી ૧૯૫૭ દરમિયાન પ્રથમ કુલપતિ તરીકે દિવેટિયાસાહેબે પરીક્ષાના માધ્યમમાં અંગ્રેજીને બદલે માતૃભાષા ગુજરાતીને પ્રતિષ્ઠિત કરીને દેશભરની યુનિવર્સિટીઓને નેતૃત્વ પૂરું પાડ્યું છે. ગુજરાત યુનિવર્સિટી પરિસરમાં આવેલ વિશાળ પુસ્તકાલય, બૉય્ઝ અને ગર્લ્સ હૉસ્ટેલ, ઓપન-ઍર થિયેટર, અતિથિગૃહ, કર્મચારીઓનાં નિવાસસ્થાન તેમજ વિદ્યાર્થીકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ તેમના કાર્યકાળમાં થઈ હતી. હરસિદ્ધભાઈ પાસેથી આપણને ‘મનોવિજ્ઞાન’, ‘લેખસંચય’ અને ‘નરિંસહ અને મીરાંનાં ભજનો’ જેવા ગ્રંથો પ્રાપ્ત થયા છે. ‘What Life Has Taught Me’ એ એમનો સ્વતંત્ર અભ્યાસલેખ છે. આ સિવાય ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ અને ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષનો હોદ્દો પણ તેમણે શોભાવ્યો હતો.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

માધવરાવ પહેલા

જ. ૧૬ ફેબ્રુઆરી, ૧૭૪૫ અ. ૧૮ નવેમ્બર, ૧૭૭૨

પેશ્વા બાલાજી બાજીરાવના વચેટ પુત્ર માધવરાવ મરાઠા શાસકોમાં ઉત્તમ વહીવટકર્તા, સમર્થ સેનાપતિ અને મહાન પેશ્વા હતા. તેઓને રાજવંશી કુટુંબોને અનુરૂપ શિક્ષણ અને તાલીમ પ્રાપ્ત થયાં હતાં. નાની ઉંમરથી રાજનીતિ અને રાજકારણની બાબતોમાં રસ લેવાનું તેમણે શરૂ કર્યું હતું. આઠ વર્ષની વયે રમાબાઈ સાથે લગ્ન થયું હતું. માધવરાવને કોઈ સંતાન ન હતું, આથી તેમના અનુગામી તરીકે નાના ભાઈ નારાયણરાવને તેઓએ પસંદ કર્યા હતા. તેમનાં માતા ગોપિકાબાઈએ માધવરાવને રાજકારભાર અને નીતિનિયમો સંબંધી માર્ગદર્શન આપ્યું હતું. પિતાનું મૃત્યુ થતાં માત્ર ૧૬ વર્ષની વયે માધવરાવે વહીવટ સંભાળ્યો હતો. ૧૭૬૧માં નિઝામઅલી સાથે પુણે પાસેના યુદ્ધમાં નિઝામઅલીનો પરાજય થયો. હૈદરઅલી સાથેના યુદ્ધમાં હૈદરનો પરાજય થયો. માધવરાવે ઉત્તરમાં મરાઠી સત્તાને પુન: સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. પેશ્વા માધવરાવે સરકારી અધિકારીઓને ભ્રષ્ટાચાર અને લાંચ-રુશવતની બદીથી દૂર રહેવાની કડક સૂચનાઓ આપી હતી. ભારરૂપ કરવેરાઓ નાબૂદ કરી તેનું માળખું સરળ કર્યું. વહીવટી તંત્રમાં નિષ્કલંક, પ્રામાણિક તથા કાર્યદક્ષ અધિકારીઓ અને કર્મચારીઓને નિયુક્ત કર્યા. ન્યાયતંત્રને નિષ્પક્ષ અને કડક બનાવ્યું. પેશ્વા માધવરાવ ઉત્તમ ચારિત્ર્ય, હૃદયની વિશાળતા, ઊંડી સમજશક્તિ અને ઝડપી નિર્ણયો લેવાની શક્તિ ધરાવતા હતા. પ્રજાનું વધુ કલ્યાણ થાય તે જોવાની તેમની તમન્ના હતી. ૧૧ વર્ષની રાજકીય અને લશ્કરી કારકિર્દી દરમિયાન નીડરતા અને નિખાલસતાથી ફરજો અને જવાબદારી તેઓએ અદા કરી. સતત આંતરિક સંઘર્ષો અને અવિરત યુદ્ધોમાં વ્યસ્ત હોવાથી તેઓને ક્ષયરોગ લાગુ પડ્યો, ૨૭ વર્ષની વયે માધવરાવની તબિયત બગડી. મૃત્યુ પહેલાં હૈદરની  શરણાગતિની વાત તથા ઉત્તરની સફળ કામગીરીના સુખદ સમાચાર સાંભળી શાંતિથી પ્રાણ છોડ્યો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

કિશોરીલાલ ગોસ્વામી

જ. ૧૫ ફેબ્રુઆરી, ૧૮૬૫ અ. ૨૯ મે, ૧૯૩૩

હિંદી સાહિત્યના પ્રતિભાશાળી સર્જક કિશોરીલાલ ગોસ્વામીનો જન્મ બનારસમાં થયો હતો. તેમનું સમગ્ર શિક્ષણ કાશીમાં થયું હતું. હિંદી સાહિત્યમાં તેમની ગણના પ્રથમ મૌલિક વાર્તાકાર તરીકે થાય છે. તેઓ ઐતિહાસિક ભાવનાવાળી અને વાસ્તવિક નવલકથાઓના સર્જક હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને ગૌરવ હતું. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રનાં ગુરુ કૃષ્ણા ચૈતન્ય કિશોરીલાલનાં માતામહ થાય, તેથી ભારતેન્દુ સાથેના સાહિત્યકારો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. તેમણે સામાજિક, રહસ્યપ્રધાન તેમજ જાસૂસી નવલકથાઓ પણ લખી હતી. તેમણે કુલ ૬૫ નવલકથાઓ, ૩ વાર્તાસંગ્રહો આપ્યાં છે. તેઓ સરસ્વતી મૅગેઝિનના સંપાદકમંડળમાં રહ્યા હતા અને ‘ઉપન્યાસ’નું સંપાદન પણ સંભાળ્યું હતું. જેમાં તેમની મોટા ભાગની નવલકથાઓ પ્રગટ થઈ હતી. ‘ચૌપાટ ચપટ’ અને ‘મયંકમંજરી’ તેમનાં શૃંગારિક નાટકો છે, જ્યારે ‘બાલપ્રભાકર ચંદ્રિકા’, ‘ઇન્દુમતી’ અને ‘ગુલબહાર’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની વાસ્તવલક્ષી નવલકથાઓમાં ‘પ્રણયિની પરિણય’, ‘ત્રિવેણી’, ‘સ્વર્ગીય કુસુમ’, ‘લીલાવતી’, ‘ચપલા’, ‘ચંદ્રિકા વાજડાઉં ચંપાકલિ’, ‘ચંદ્રાવલિ’, ‘તરુણ તપસ્વિની’, ‘ઇન્દુમતી વનવિહંગિની’, ‘પુનર્જન્મ’, ‘માધવી માધવ’ અને ‘અંગુડી કા નગીના’નો સમાવેશ થાય છે. ‘હૃદય હરિણી’, ‘લવંગલતા’, ‘ગુલબહાર કા આદર્શ ભારતી પ્રેમ’, ‘કનકકુસુમ’, ‘હિરાબાઈ’, ‘સુલતાના’, ‘મલ્લિકાદેવી’, ‘લખનઉ કી કબ્ર’ વગેરે તેમની ઐતિહાસિક ભાવનાપ્રધાન નવલકથાઓ છે. તેમની રહસ્યપ્રધાન નવલકથાઓમાં ‘નૌલખા હાર’ અને ‘ખૂની ઓરત કા સાત ખૂન’નો સમાવેશ થાય છે.

અમલા પરીખ