જ. 31 ઑક્ટોબર, 1919 અ. 18 જાન્યુઆરી, 2000

મિલ-ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિ, દાનવીર, સમાજસેવક, સ્ત્રીકેળવણીના હિમાયતી અજાતશત્રુ જયકૃષ્ણભાઈનો જન્મ કૉલકાતામાં થયો હતો. પિતા હરિવલ્લભદાસ અને માતા મહાલક્ષ્મીબહેન. 1926માં પિતાની સાથે અમદાવાદ આવ્યા. 18 વર્ષની વયે પિતાના વ્યવસાયમાં જોડાયા અને કુશળ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી. તેમણે શ્રી અંબિકા ગ્રૂપના નામે પાંચ ટેક્સટાઇલ મિલોનું સંચાલન કર્યું. તેઓ 31 વર્ષની વયે દરિયાપુર મતવિસ્તારમાંથી ચૂંટણી જીતી મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્ય બન્યા. એ પછી 42 વર્ષની ઉંમરે 4 મે, 1961થી 4 મે, 1965 સુધી અમદાવાદના મેયર બની સમાજસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. તેમણે કૉર્પોરેશનની સમિતિઓમાં વિરોધપક્ષના સભ્યોને પ્રતિનિધિત્વ અપાવી એક નવી પરંપરા શરૂ કરી. તીર્થધામ વિકાસ, કેળવણી અને આરોગ્યક્ષેત્રે તેમણે મહત્ત્વનાં કાર્યો કર્યાં. તેઓ 1961થી બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ચાન્સેલર અને 1963થી પ્રમુખ રહ્યા. તેમણે એચ. કે. આર્ટસ અને એચ. કે. કૉમર્સ કૉલેજનું સંચાલન કર્યું. મહીપતરામ રૂપરામ આશ્રમમાં 47 વર્ષ સુધી ચૅરમૅન તરીકે કાર્ય કર્યું. તેમણે અટિરાની ગવર્નિંગ કાઉન્સિલમાં 28 વર્ષ અને વહીવટી સભાના પ્રમુખ તરીકે 8 વર્ષ કાર્ય કર્યું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીના આરંભે 38 વર્ષ સુધી ઉપપ્રમુખ અને પછીથી પ્રમુખ બન્યા. નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનની ગવર્નિંગ કાઉન્સિલમાં 38 વર્ષ રહ્યા. તેમણે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપનીના ચૅરમૅન, અપંગ માનવ મંડળ, અંધજન માનવ મંડળ, ઇન્ડો-જાપાન ફ્રૅન્ડશિપ ઍસોસિયેશન, ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન તેમજ અમદાવાદ મિલ-માલિક મંડળના પ્રમુખ તરીકે નોંધપાત્ર સેવા આપી. કૅન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનામાં અને મોટેરાનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં ફાળો આપ્યો હતો. તેઓ 27 એપ્રિલ, 1995થી અવસાન સુધી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેમને જાપાનના પ્રતિષ્ઠિત ‘ધી ઑર્ડર ઑફ ધ રાઇઝિંગ સન’ ઍવૉર્ડ, રાજીવ ગાંધી ગોલ્ડમેડલ અને સમાજરત્નના ઇલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અનિલ રાવલ


