Categories
વાચન સમૃદ્ધિ

કે. આસિફ

જ. 14 જૂન, 1924 અ. 9 માર્ચ, 1971

ભારતીય સિનેમાજગતના દિગ્ગજ નિર્માતા, નિર્દેશક તથા પટકથા લેખક કે. આસિફનો જન્મ ઇટાવા, ઉત્તરપ્રદેશમાં થયો હતો.  તેમનું બાળપણ ઉત્તરપ્રદેશમાં વીત્યું. પારાવાર ગરીબી તથા શિક્ષણ અલભ્ય હોવાને કારણે માત્ર આઠમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો. મામા નઝીર સાથે મુંબઈ ભાગી છૂટ્યા અને ફિલ્મજગતમાં કારકિર્દી શરૂ કરી. માત્ર વીસ વર્ષની વયે સૌપ્રથમ ફિલ્મ ‘ફૂલ’નું સર્જન કર્યું. જે મલ્ટિસ્ટાર ફિલ્મ હતી. એ જમાનામાં આ પ્રયોગ જમાનાથી ઘણો આગળ હતો. 1951માં ફિલ્મ ‘હલચલ’નું નિર્માણ તથા નિર્દેશન કર્યું. ત્યારબાદ 1960માં હિન્દી ફિલ્મજગતની સીમાચિહ્ન ફિલ્મ ‘મુગલ-એ-આઝમ’ બનાવી. જેનું નિર્માણકાર્ય ચૌદ વર્ષ સુધી ચાલ્યું હતું. ફિલ્મની ભવ્યતા અને ગુણવત્તા બાબતે કે. આસિફ જરા પણ સમાધાન કરવા માંગતા ન હતા. તેમની ફિલ્મ ‘સસ્તા ખૂન મહેંગા પાની’ 1974માં એમના અવસાન બાદ પ્રસારિત થઈ. ફિલ્મ ‘લવ ઍન્ડ ગોડ’ના નિર્માણ દરમિયાન 1971માં હૃદયરોગના હુમલામાં એમનું અવસાન થયું જે 1986માં પ્રસારિત કરવામાં આવી હતી. અંગત જીવનમાં કે. આસિફ ચાર વખત લગ્નગ્રંથિથી જોડાયા હતા. પ્રથમ પત્ની સાથેના લગ્નમાં એમને છ સંતાનો હતાં. માત્ર સુડતાલીસ વર્ષની આયુમાં ગણતરીની ફિલ્મોનું સર્જન કર્યા છતાં એકમાત્ર ‘મુગલ-એ-આઝમ’ના સર્જને એમને અમર ફિલ્મસર્જકની નામના અપાવી. કે. આસિફ કહેતા હતા કે, ‘મુગલ-એ-આઝમ’ એ માત્ર ફિલ્મ નથી, મારું ખ્વાબ (સ્વપ્ન) છે. મારી જીદ છે. કલા માટેની ઘેલછા અને જોયેલું સ્વપ્ન પૂરું કરવાની કલાનિષ્ઠાએ કે. આસિફને ભાવકોના હૃદયમાં અમર સ્થાન અપાવ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રેમ ધવન

જ. 13 જૂન 1923 અ. 7 મે, 2001

દેશભક્તિનાં ગીતો માટે જાણીતા પ્રેમ ધવનનો જન્મ હરિયાણા રાજ્યના અંબાલામાં થયો હતો. તેમણે કૉલેજનો અભ્યાસ લાહોરમાં પૂર્ણ કર્યો. આ સમય દરમિયાન તેઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ગતિવિધિઓ સાથે સકિય હતા. 1946માં ખ્વાજા ખુર્શીદ અન્વરના સહાયક તરીકે તેમણે ‘આજ ઔર કલ’ ફિલ્મમાં કામ શરૂ કર્યું, પણ પછી ભાગલાના કારણે તેઓ મુંબઈ આવીને ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન સાથે જોડાયા. અહીં તેમણે પ્રખ્યાત શાસ્ત્રીય સંગીતકાર રવિશંકર પાસે શાસ્ત્રીય સંગીત શીખવાની તક ઝડપી લીધી. ‘ધરતી કે લાલ’ ગીતકાર તરીકે તેમની પ્રથમ ફિલ્મ રહી. તેમણે ‘તરાના’, ‘કાબુલીવાલા’, ‘આસમાન’, ‘પૂરબ ઔર પશ્ચિમ’ વગેરે જેવી ફિલ્મો માટે ગીતો લખ્યાં. ‘શહીદ’ (1965) ફિલ્મમાં મનોજકુમારના અભિનય સાથે પ્રેમ ધવન દ્વારા લિખિત અને સંગીત સર્જિત ગીતોએ ખૂબ રંગ જમાવ્યો. ‘એ વતન એ વતન’ અને ‘મેરા રંગ દે બસંતી ચોલા’ જેવાં ગીતોને ખૂબ લોકપ્રિયતા સાંપડી. ‘પવિત્ર પાપી’ (1970) અને ‘નાનક દુઃખિયા સબ સંસાર’માં તેમની સંગીતકાર તરીકેની પ્રતિભા ઝળકી ઊઠી. સંગીતકાર અને ગીતકાર તરીકેની બેવડી કારકિર્દી ઉપરાંત તેમણે ‘લાજવાબ’ (1950) અને ‘ગૂંજ ઉઠી શહનાઈ’(1959)માં અભિનય કર્યો. ‘નયા દૌર’ (1957) અને અન્ય સાતેક ફિલ્મોમાં તેમણે નૃત્યદિગ્દર્શક તરીકે પણ કામ કર્યું. ગીતકાર તરીકે તમિલ ફિલ્મ ‘અપૂર્વ સગોધરાગલ’(1989)ની હિન્દી આવૃત્તિ ‘અપ્પુ રાજા’ તેમની અંતિમ ફિલ્મ રહી. હિન્દી સિનેમામાં લગભગ ચાર દાયકા જેટલો કાર્યકાળ ધરાવતા આ કલાકારને ભારત સરકાર તરફથી 1970માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1971માં શ્રેષ્ઠ ગીતો માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.