Categories
વાચન સમૃદ્ધિ

સી. કે. નાગરાજ રાવ

જ. 12 જૂન, 1915 અ. 10 એપ્રિલ, 1998

ચલ્લાકેરે કૃષ્ણમૂર્તિ રાવ નાગરાજ રાવનો જન્મ ચિત્રદુર્ગ જિલ્લાના ચલ્લાકેરેમાં સી. એસ. કૃષ્ણમૂર્તિ રાવ અને શ્રીમતી પુટ્ટમ્માને ત્યાં થયો હતો. તેઓ લેખક, નાટ્યકાર, રંગમંચ કલાકાર, દિગ્દર્શક, પત્રકાર અને સામાજિક કાર્યકર હતા. તેમણે કન્નડ ભાષામાં સાહિત્ય પીરસ્યું હતું. તેમનું બાળપણ ભારતનાં વિવિધ શહેરોમાં વીત્યું હતું. તેમને કર્ણાટકના સમૃદ્ધ કલા અને સાંસ્કૃતિક વારસામાં ઊંડો રસ હતો. ગાંધીજી સાથેની મુલાકાતે તેમનામાં ભારતની સ્વતંત્રતા અને જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે ભક્તિ જગાવી હતી. તેમની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત તેમની એક દલિત સંગીતપ્રેમી વિશેની તેમની ટૂંકી વાર્તા ‘કાડુમલ્લિગે’ માટે શાળા સ્પર્ધા જીતી ત્યારથી થઈ. ત્યારબાદ તેમણે કન્નડ પુસ્તકપ્રિન્ટર અને પ્રકાશક સત્યશોધન પુસ્તક ભંડાર સાથે કામ કર્યું. તેમના કાકા શ્રીનિવાસ રાવના માર્ગદર્શન હેઠળ તેમને કર્ણાટકના અગ્રણી લેખકો અને સાહિત્યકારો સાથે ભળવાની તક મળી હતી. તેમણે કન્નડ સાહિત્ય પરિષદના સચિવ તરીકે પણ જવાબદારીઓ સંભાળી હતી. સી. કે. નાગરાજ રાવના વ્યાપક સંશોધનને કારણે તેમણે ઘણા સંશોધનપત્રો પ્રકાશિત કર્યા હતા. તેમના સંશોધનપુસ્તક ‘કવિ લક્ષ્મીશાન કલા મટ્ટુ સ્થલા’ને કર્ણાટક સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર મળ્યો હતો. તેમણે ચાલુક્ય, ગંગા અને હોયસાલા રાજવંશો પર પણ ઘણા સંશોધનપત્રો લખ્યા હતા. જે જર્નલો અને અખબારોમાં પ્રકાશિત થયા હતા. 1983માં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા તેમની મહાન કૃતિ ‘પટ્ટમહાદેવી શાંતલાદેવી’ને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ જ કૃતિને 1978માં કર્ણાટક સાહિત્ય અકાદમી દ્વારા ‘શ્રેષ્ઠ સર્જનાત્મક સાહિત્યિક કૃતિ’ પુરસ્કાર મળ્યો હતો. તેમણે બૅંગાલુરુમાં યુનાઇટેડ આર્ટિસ્ટ્સ નામનું પોતાનું મંડળ બનાવ્યું હતું. તેમણે ટી. પી. કૈલાસમ્, કપ્પલી વેંકટપ્પાગૌડા પુટ્ટપ્પા અને અન્ય જાણીતા કન્નડ નાટ્યકારોનાં નાટકોનું દિગ્દર્શન કર્યું હતું. તેઓ તેમના સમયના શ્રેષ્ઠ મેક-અપ કલાકારોમાંના એક તરીકે ઓળખાયા હતા. તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો, બૅંગાલુરુ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ મિથિક સોસાયટી સાથે પણ જોડાયેલા હતા. તેમણે કર્ણાટક લેખકાર સંઘની સ્થાપના કરી હતી અને ‘કાવ્યરામ’ નામના માસિક સાથે કામ કર્યું હતું. તેઓ લેખકોના વિશ્વવ્યાપી સંગઠન પી. ઈ. એન.ના સભ્ય હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રાણલાલ દેવકરણ નાનજી 

જ. 11 જૂન, 1894 અ. 22 જુલાઈ, 1956

જાણીતા ઉદ્યોગપતિ, બૅન્કર અને દાતા પ્રાણલાલ નાનજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ શેઠ દેવકરણ નાનજીના બીજા પુત્ર હતા. 1911માં જયવતીબહેન સાથે લગ્ન. તેઓ મુંબઈમાં આવેલી દેવકરણ નાનજી બૅન્કિંગ કંપની, દેવકરણ નાનજી વીમા કંપની અને દેવકરણ નાનજી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સ્થાપક હતા. દેવકરણ નાનજીના પરિવાર દ્વારા દેવકરણ નાનજી બૅન્કિંગ કંપનીની સ્થાપના 26 મે, 1938ના રોજ કરવામાં આવી, જે ડિસેમ્બર, 1939થી ‘દેના બૅન્ક’ તરીકે જાણીતી બની. 1 એપ્રિલ, 2019થી દેના બૅન્કને બૅન્ક ઑફ બરોડામાં સમાવવામાં આવી. તેમના નેતૃત્વ હેઠળ 1946માં ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનની સ્થાપના કરવામાં આવી. તેમણે 1944-45 અને 1952-53માં ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરના પ્રમુખ તરીકે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. તેઓ સારા ફોટોગ્રાફર હતા. 1941-42 દરમિયાન તેઓ ફોટોગ્રાફિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાના પ્રમુખપદે રહ્યા હતા. સ્વદેશી ચળવળને વેગ આપવા તેમણે સ્વદેશી લીગ ટ્રસ્ટની સ્થાપના કરી. તેમને પોરબંદર રાજ્યના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ભારતીય વિદ્યાભવનની શૈક્ષણિક સંસ્થાઓના સહસ્થાપક હતા. તેમણે કરેલાં કાર્યો બદલ પોરબંદર રાજ્ય દ્વારા રાજભૂષણ પદવીથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બ્રિટિશ ઇન્ડિયન ગવર્નમેન્ટ દ્વારા તેમને બૉમ્બે સિટી માટે જસ્ટિસ ઑવ્ ધ પીસ અને માનદ પ્રેસિડેન્સી મૅજિસ્ટ્રેટ બનાવવામાં આવ્યા હતા. 1977માં ભારતીય વિદ્યાભવનની ધ ભવન્સ કૉલેજ ઑવ્ કૉમ્યુનિકેશન ઍન્ડ મૅનેજમેન્ટનું નામ ‘ભવન્સ પ્રાણલાલ દેવકરણ નાનજી કૉલેજ ઑવ્ માસ કૉમ્યુનિકેશન’ કરવામાં આવ્યું છે. તેમની યાદમાં ‘પ્રાણલાલ દેવકરણ નાનજી પુરસ્કાર’ આપવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

પોનકા કનકમ્મા

જ.  10 જૂન, 1892 અ. 15 સપ્ટેમ્બર, 1963

સામાજિક કાર્યકર્તા અને સ્વતંત્રતાસેનાની પોનકા કનકમ્માનો જન્મ નેલ્લોરમાં થયો હતો. તેમનું જીવન દૃઢતા, સંકલ્પ અને ન્યાયની અતૂટ શોધનું જીવતુંજાગતું ઉદાહરણ છે. તેઓ એક સમૃદ્ધ જમીનદારનાં પુત્રી હતાં. તેમનાં લગ્ન ફક્ત આઠ વર્ષની વયે તેમના મામા સુબ્બારાવ રેડ્ડી સાથે કરવામાં આવ્યાં. પતિ રૂઢિવાદી હોવાને કારણે શાળામાં જઈ અભ્યાસ કરવાની અનુમતિ ન મળી. આથી કોઈ પણ પ્રકારનું ઔપચારિક શિક્ષણ પ્રાપ્ત કરી ન શક્યાં, પરંતુ અસાધારણ બુદ્ધિમત્તા ધરાવતાં કનકમ્મા જ્ઞાન મેળવવાની તીવ્ર જિજ્ઞાસા ધરાવતાં હોવાથી જાતે જ સ્વશિક્ષિત બન્યાં. તેઓ તેલુગુ, હિંદી અને સંસ્કૃત ભાષામાં પારંગત બન્યાં. 1916થી 1919 સુધી થોડો સમય ક્રાંતિકારી રાજનીતિના પ્રભાવમાં રહ્યાં. ત્યારબાદ ગાંધીજીનાં અનુયાયી બન્યાં. તેમણે પેન્ના નદીને કિનારે નેલ્લોરથી લગભગ 8 માઈલ દૂર પલ્લીપાડુ ગામમાં 13 એકર જમીન ખરીદી અને તેમના ક્રાંતિકારી મિત્રોને હથિયાર છુપાવવા તથા અન્ય પ્રવૃત્તિઓ માટે સોંપી દીધી. તેમણે સ્થાપેલા પિનાકિની સત્યાગ્રહ આશ્રમનું ગાંધીજીએ 7 એપ્રિલ, 1921માં ઉદ્ઘાટન કર્યું હતું. કનકમ્માએ વંદે માતરમ્ આંદોલન, અસહયોગ આંદોલન તથા મીઠાના સત્યાગ્રહમાં સક્રિય ભાગ લીધો હતો. તે માટે તેમણે બે વર્ષ કઠોર કારાવાસ ભોગવ્યો હતો. 1923માં તેમણે કન્યાઓ માટે ‘કસ્તૂરી વિદ્યાલયમ્’ની સ્થાપના કરી. નેલ્લોર પાસે પોટલાપુડી ગામમાં ‘સુજના રંજની સમાજમ્’ અને ‘વિવેકાનંદ ગ્રંથાલય’ની સ્થાપના કરી. તેમણે હરિજનો અને ગરીબોના ઉત્કર્ષ માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો. તેઓ નેલ્લોર કૉંગ્રેસ કમિટીનાં પ્રથમ અધ્યક્ષ હતાં. તેઓ એક કવયિત્રી પણ હતાં. તેમણે રમણ મહર્ષિ પર કેટલીક દાર્શનિક કવિતાઓ લખી છે. તેમણે ભગવદ્ગીતાનો સાર તેલુગુમાં ‘જ્ઞાન નેત્રમ્’ નામે અનુવાદિત કર્યો હતો. તેમણે તેલુગુ સાપ્તાહિક પત્રિકા ‘જમીન રાયતુ’ પ્રકાશિત કરી હતી. તેમણે સામાજિક માપદંડોને પડકારીને સમાજના કલ્યાણ તથા ભારતના સ્વતંત્રતાસંગ્રામમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. આ માટે તેમને ગૃહલક્ષ્મી સ્વર્ણકંકનમ્ જેવા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.