Categories
વાચન સમૃદ્ધિ

મણિબહેન પટેલ

જ. 3 એપ્રિલ, 1903 અ. 26 માર્ચ, 1990

ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલનાં પુત્રી મણિબહેનનો જન્મ કરમસદમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બોરસદની પ્રાથમિક શાળામાં થયું. પછી મુંબઈની ક્વીન મેરી હાઈસ્કૂલ અને કૉન્વેન્ટમાં અભ્યાસ કર્યો. વલ્લભભાઈ વિદેશથી આવી અમદાવાદમાં સ્થાયી થયા. મણિબહેનને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં મૂકવામાં આવ્યાં. 1920માં અસહકારના આંદોલનને લીધે શાળા છોડી, પરંતુ ફરીથી ગૂજરાત વિદ્યાપીઠમાંથી ભાષાવિશારદ થયાં તેમજ વિનીત પરીક્ષા પાસ કરી. સત્યાગ્રહ આશ્રમમાં રહેતાં હતાં ત્યારે કાંતવા-પીંજવાની સ્પર્ધાઓમાં ઇનામો મેળવ્યાં હતાં. પિતાની સાથે સ્વતંત્રતાની લડતમાં જોડાયાં. તેમણે અસહકારના આંદોલન તેમજ મીઠા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેઓ ઘણી વખત જેલમાં રહ્યાં હતાં. 1942માં યરવડા સેન્ટ્રલ જેલમાં કેદ રાખવામાં આવ્યાં હતાં. 1930થી પિતાના અંગત સચિવ તરીકે કામ કર્યું. રસોઈ અને સફાઈથી લઈને વલ્લભભાઈની મિટિંગો અને પત્રવ્યવહાર સુધીનાં બધા કામો તેમણે કર્યાં. વલ્લભભાઈ મણિબહેને કાંતેલ ખાદીમાંથી બનેલાં વસ્ત્રો પહેરતા. તેમનું જીવન સાદગીસભર હતું. તેઓ હંમેશાં ત્રીજા વર્ગમાં મુસાફરી કરતાં. તેઓ 1952માં દક્ષિણ ખેડાની અને 1957માં આણંદની બેઠક પરથી લોકસભામાં ચૂંટાયાં. 1962માં આણંદની બેઠક પરથી હાર્યાં. એ પછી 1973માં સાબરકાંઠાની અને 1977માં મહેસાણાની બેઠક પરથી લોકસભાનાં સભ્ય ચૂંટાયાં. 1964થી 1970 સુધી રાજ્યસભાનાં સભ્ય હતાં. તેઓ 1954થી 1964 સુધી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ હતાં. તેઓ કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની સંચાલક સમિતિનાં સભ્ય તેમજ ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડનાં સભ્ય હતાં. તેઓ ગૂજરાત વિદ્યાપીઠ, બારડોલી સ્વરાજ આશ્રમ ટ્રસ્ટ, મહાદેવ દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી હતાં. તેમણે ‘કસ્તૂરબા : વાણી અને વિચાર’ તથા ‘બોરસદ સત્યાગ્રહ’ પુસ્તકો લખ્યાં છે. ‘મણિબહેનને પત્રો’ તથા ‘સરદાર વલ્લભભાઈ પટેલને પત્રો’ સંપાદિત ગ્રંથો આપ્યા છે. આ ઉપરાંત ‘સરદાર્સ કૉરસ્પૉન્ડન્સ’(10 ગ્રંથો)નું સંપાદન કર્યું છે. એમનું પુસ્તક ‘ઇન્સાઇડ સ્ટોરી ઑવ્ સરદાર પટેલ : ધ ડાયરી ઑવ્ મણિબહેન પટેલ 1936-50’ ખાસ ઉલ્લેખનીય છે.

Categories
વાચન સમૃદ્ધિ

જયા દેસાઈ

જ. 2 એપ્રિલ, 1933 અ. 23 ડિસેમ્બર, 2010

ગુજરાત મૂળનાં બ્રિટનનાં પ્રખ્યાત મજૂર સંગઠન નેતા જયાબહેનનો જન્મ આણંદ જિલ્લાના ધર્મજ ગામમાં થયો હતો. 22 વર્ષની ઉંમરે સૂર્યકાંત સાથે લગ્ન થયાં. 1956માં પૂર્વ આફ્રિકાના તાન્ઝાનિયામાં ગયાં. ત્યાંથી 1967માં બ્રિટનમાં આવ્યાં. તેમણે બ્રિટનમાં સીવણ મશીન કામદાર તરીકે કાર્ય કર્યું, પછી ગ્રુનવિક ફિલ્મ પ્રોસેસિંગ લૅબોરેટરીમાં જોડાયાં. અહીં એશિયન મહિલાઓની સંખ્યા વધુ હતી. તેમને ઓછો પગાર આપી વધુ કામ કરાવવામાં આવતું. ભારે વજન ઊંચકવા જેવાં કામ પણ મહિલાઓએ કરવાં પડતાં. રેસ્ટરૂમમાં જવા માટે પણ પરવાનગી લેવી પડતી. ફરજિયાત ઓવરટાઇમ કરાવવામાં આવતો. 20 ઑગસ્ટ, 1976ના રોજ જયાબહેનને ઑવરટાઇમ કરવાની સૂચના આપવામાં આવી. અગાઉથી જાણ કરી ન હોવાથી તેમણે ના પાડી અને પુત્ર સુનિલ સાથે નીકળી ગયાં. મૅનેજર સાથે બોલાચાલી થતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે આ ફૅક્ટરી નથી, પ્રાણીસંગ્રહાલય છે. અહીં કેટલાક વાંદરાઓ છે જે તમારે ઇશારે નાચે છે. બાકીના સિંહ છે. અમે સિંહ છીએ. કામદારોમાં વાત ફેલાતાં થોડા દિવસોમાં બીજા કામદારો પણ વિરોધમાં જોડાયા. ગ્રુનવિકમાં યુનિયનને મંજૂરી નહોતી. જયાબહેનનો પુત્ર સુનિલ મજૂર પક્ષના આગેવાનને મળ્યો. તેમણે એપેક્સ યુનિયનનો સંપર્ક કરાવ્યો. આથી કામદારોને હડતાળનો પગાર મળ્યો. એક વર્ષ પૂરું થતાં સુધીમાં 20,000થી વધુ લોકો સમર્થનમાં આવ્યા. હડતાળના સમાધાન માટે ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી. તેણે હડતાળને વાજબી ગણાવી. ફૅક્ટરીના માલિકે ન માન્યું. યુનિયનોએ પણ પીછેહઠ કરી. આથી હડતાળ સમેટવી પડી. એ પછી જયાબહેને બીજે નોકરી કરી. ત્યારબાદ હૅરો કૉલેજમાં અધ્યાપન કર્યું. 60 વર્ષની ઉંમરે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી. 14 ડિસેમ્બર, 2016ના રોજ ‘બીબીસી રેડિયો ફોર’ના વુમન્સ અવર દ્વારા 2016ના પાવર લિસ્ટમાં જયાબહેનનો સમાવેશ કરવામાં આવ્યો. ડેવિડ મેન્સેલે જયાબહેનનું પૉર્ટ્રેટ બનાવ્યું હતું. જે નૅશનલ પૉર્ટ્રેટ ગૅલરી, લંડને ખરીદ્યું. હડતાળ પર આધારિત નાટક ‘વી આર ધ લાયન્સ મિસ્ટર મૅનેજર’ ટાઉનસેન્ડ થિયેટર દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેમના કાર્ય વિશે એક કૉમિક સ્ટ્રિપ બનાવવામાં આવી. જયાબહેન અને ગ્રુનવિક હડતાળ અંગેની ડૉક્યુમેન્ટરી યૂ-ટ્યૂબ પર 7 ફેબ્રુઆરી, 2021ના રોજ ‘સ્ટ્રાઇકર્સ ઇન સારીસ’ પ્રસારિત કરવામાં આવી. 2007માં તેમને GMB જનરલ ટ્રેડ યુનિયન દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનવામાં આવ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

ઑટો વૉન બિસ્માર્ક

જ. 1 એપ્રિલ, 1815 અ. 30 જુલાઈ, 1897

જર્મન સામ્રાજ્યના સર્જક, પ્રથમ ચાન્સેલર અને તે સમયના પ્રશિયાના વડાપ્રધાન બિસ્માર્કનો જન્મ શોનહોઝન, પ્રશિયામાં થયો હતો. તેઓ પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. તેમણે ગોટિંગન અને બર્લિન યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું હતું. 1847માં પ્રશિયાની ધારાસભાના સભ્ય બન્યા. 1859માં તેમને પ્રશિયાના એલચી તરીકે રશિયા તથા તે પછી 1862માં ફ્રાન્સ મોકલવામાં આવ્યા. એ જ વર્ષે તેઓ પ્રશિયાના વડાપ્રધાન બન્યા. તેઓ કુશળ રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી હતા. તેમણે વર્તમાનપત્રો પર નિયંત્રણો મૂક્યાં. વિરોધીઓને દબાવી દીધા. તે પછીના દાયકામાં ત્રણ યુદ્ધો દ્વારા જર્મનીનું એકીકરણ કર્યું. જર્મન રાજ્યોને એકત્રિત કરી જર્મન સંઘની રચના કરી હતી. પ્રશિયાનો રાજા વિલિયમ પહેલો જર્મન સંઘનો સમ્રાટ બન્યો અને બિસ્માર્ક તેમના પ્રથમ ચાન્સેલર બન્યા. તેમણે પોતાની ગૃહનીતિ અને વિદેશનીતિ દ્વારા જર્મનીને યુરોપની મહાસત્તા બનાવી. તેમણે મજબૂત કેન્દ્રીય વ્યવસ્થાની સ્થાપના કરી રેલવે, તાર, ટપાલ, બૅન્કો, ટેલિફોન વગેરે કેન્દ્ર સરકાર હસ્તક રાખ્યાં. તેમનો જર્મન સંસ્કૃતિના રક્ષણ માટે કૅથલિકો સાથેનો સંઘર્ષ ‘સંસ્કૃતિના રક્ષણ માટેનો સંઘર્ષ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. 1872માં તેમણે ઑસ્ટ્રિયા, રશિયા અને જર્મનીના ત્રણ સમ્રાટોને એકત્રિત કરી ત્રણ સમ્રાટોના સંઘની રચના કરી. તેમણે ઇંગ્લૅન્ડ સાથે સંધિ ન કરવા છતાં મિત્રતા જાળવી હતી. તેમની અનેક સિદ્ધિઓ દ્વારા તેઓ તેમના સમયના મહાન રાજનીતિજ્ઞ ગણાયા. તેમની નીતિ સંધિઓ દ્વારા યુરોપમાં સમતુલા જાળવી રાખવાની, ફ્રાન્સને એકલું પાડવાની તથા જર્મનીનું સંરક્ષણ કરવાની હતી. કૈસર વિલિયમ પહેલાના અવસાન બાદ તેના પુત્ર વિલિયમ બીજા સાથે બિસ્માર્કને અનેક મતભેદો થયા. આમ પણ બિસ્માર્કની નીતિઓથી પાદરીઓ અને ઉદારમતવાદીઓ ત્રસ્ત હતા. વૃદ્ધ બિસ્માર્કે 20 માર્ચ, 1890ના રોજ રાજીનામું આપતાં એક ઝળહળતી કારકિર્દીનો અંત આવ્યો. આ પછી બિસ્માર્કને લ્યુમેનબર્ગના ડ્યૂકની અને ફિલ્ડમાર્શલની પદવીઓથી સન્માનવામાં આવ્યા હતા.