Categories
વાચન સમૃદ્ધિ

જોસેફ નાઇસફોર નીસ

જ. 7 માર્ચ, 1765 અ. 3 જુલાઈ, 1833

છબીકલાના અગ્રણી ફ્રેન્ચ સંશોધક જોસેફ નાઇસફોર નીસનો જન્મ ફ્રાંસના સાધનસંપન્ન કુટુંબમાં થયો હતો. નાદુરસ્ત તબિયતને કારણે લશ્કરમાંથી ફારેગ થયા પછી વતન ચૅલૉન-સર-સૅઑનમાં કાયમી વસવાટ સ્વીકારી અંતકાળ સુધી શોધખોળમાં વ્યસ્ત રહેલા. 1807માં તેમના ભાઈ કલૉદની મદદથી પ્રાણવાયુ સાથે અન્ય વાયુના મિશ્રણથી આંતરિક દહનથી ચાલતું એન્જિન બનાવ્યું. તેનું નામ પાયરેલોફેર આપ્યું. ઉપરાંત તેમણે પિસ્ટન અને સિલિંડરની રચનાની શોધ કરી. 1813માં તે વખતની છાપકામની નવી નવી ટૅકનિક અંગેના પ્રયોગોમાં તે વ્યસ્ત થઈ ગયા. કોઈ પણ લખાણનું સ્વયં બિંબ મળી આવે તે શોધી કાઢવા તેમણે અનેક પ્રયોગો કર્યા. તેમણે મિશ્ર ધાતુના પતરા ઉપર હળવા છતાં પ્રકાશગ્રાહી પદાર્થોનું અસ્તર ચડાવી તે ઉપર કોતરાયેલા અક્ષરોની પ્રતિકૃતિ તડકામાં ઊપસી આવે તેમ કર્યું. 1816ના એપ્રિલમાં ફોટોગ્રાફી માટે નવા પ્રયોગો કરી હીલિયોગ્રાફીની શોધ કરી. આ એક પ્રકારના કૅમેરા સાથેનું સાધન હતું. પછી તો ફોટો પાડવા માટે પ્રકાશની તત્કાળ અસર ઝીલનારો કાગળ બનાવવા અને પ્રકાશની મદદથી તેના પર કોઈ પણ પદાર્થનું પ્રતિબિંબ અંકિત થાય તે માટે ભિન્ન ભિન્ન પદાર્થો પર તેમણે અનેક પ્રયોગો કર્યા. 1822માં તેમને આ પ્રયોગમાં સફળતા મળી. 1826માં કૅમેરાનો ઉપયોગ કરી પોતાની પ્રયોગશાળામાં બારી બહાર દેખાતા એક દૃશ્યને પ્યૂટર પ્લૅટ પર આબેહૂબ ઝીલ્યું. આમાંથી કોતરેલા પતરા કે શિલા પરથી આકૃતિને છાપવાની કલા વિકસતી ગઈ. આમ નીચે પ્રાકૃતિક દૃશ્યોને પ્રકાશની મદદથી હૂબહૂ પ્રતિબિંબિત કરી બતાવ્યાં; એટલું જ નહિ, પરંતુ સાથે સાથે સ્વયંસંચાલિત કાગળ પર ફરી વાર નીપજતાં પ્રતિબિંબની શોધ પણ કરી. જોકે પોતાની શોધખોળ સંપૂર્ણ સિદ્ધિને વરે તે પહેલાં નીસનું અવસાન થયું. પરંતુ તેમણે કરેલા પ્રયોગો વધુ ઊંડાણપૂર્વક ચાલુ રાખતાં ડેગ્વેર કાળક્રમે સફળ થયા. તેમણે પ્રતિબિંબને ઝીલવા માટેનો સમય અતિશય ટૂંકાવી નાખ્યો. આમ હીલિયોગ્રાફીની શોધના મૂળ જનક નીસ ગણાય છે. જોકે નીસનું નમ પશ્ચાદ્ભૂમિમાં ઠેલાઈ ગયું છે અને ડેગ્વેરનું નામ મોખરે રહ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

માઇકેલૅન્જેલો

જ. 6 માર્ચ, 1475 અ. 18 ફેબ્રુઆરી, 1564

યુરોપના મહાન શિલ્પી, સ્થપતિ, ચિત્રકાર અને કવિ. તેમનું સ્થાન રેનેસાં કાળના કલાના ટોચના ત્રણ કલાકારોમાં – લિયૉનાર્દો દ વિન્ચી અને રફાયેલની સાથે છે. તેમના પિતાનું નામ લોદોવિકો દ લિયૉનાર્દો બઓનરાતી સિમોની અને માતાનું નામ ફાન્ચેસકા હતું. તેઓ જ્યાં જન્મ્યા એ નગરનું નામ બદલીને હવે ‘કૅપ્રિસ માઇકેલૅન્જો’ કરવામાં આવ્યું છે. તેઓ આજીવન અપરિણીત રહ્યા. ઈ. સ. 1475માં તેઓ ફ્લૉરેન્સમાં વસ્યા હતા. ઈ. સ. 1488માં તેઓ ચિત્રકાર ડોમેનિકો ઘીર્લાન્દાયોના શિષ્ય બન્યા, પરંતુ શિલ્પ પ્રત્યેના લગાવને કારણે તેઓ શિલ્પી બૅર્ટોલ્દો દ જિયોવાનીના શિષ્ય બન્યા. તેઓ ફ્લૉરેન્સના ધનાઢ્ય મૅડિચી કુટુંબના ઘરમાં જ રહ્યા. ‘મેડોના ઑવ્ ધ સ્ટેર્સ’ અને ‘બેટલ ઑવ્ ધ સેન્ટૉર્સ’ નામનાં શિલ્પો આ સમયની તેમની મહત્ત્વની કૃતિઓ ગણાય છે. તેમનાં બીજાં અગત્યનાં શિલ્પોમાં ‘સ્લીપિંગ ક્યૂપિડ’, ‘પિપેતા’, ‘ડેવિડ’ વગેરે છે. રોમમાં સિસ્ટાઇન ચેપલની છત ચીતરવાનો પ્રોજેક્ટ હાથ પર લીધો. આ કામ તેઓએ એકલે હાથે ચાર વર્ષે પૂરું કર્યું. તેઓ લશ્કરના મૅજિસ્ટ્રેટ તથા ફ્લૉરેન્સના ગવર્નર નિમાયા. 1535ની સાલમાં તેઓને રોમના પોપ ત્રીજાએ વૅટિકેનના સત્તાવાર શિલ્પી, ચિત્રકાર અને સ્થપતિ તરીકે નીમ્યા. તેમણે ચેપલની છત ઉપર ‘ધ લાસ્ટ જજમેન્ટ’ (ફ્રેસ્કો) ચીતર્યું. જીવનના અંતકાળમાં સ્થાપત્ય તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર બન્યું. જીવનના અંતકાળે શિલ્પો ‘ડિસેન્ટ ફ્રોમ ધ ક્રૉસ’, ‘પેલેસ્ટ્રિના પિયેતા’ અને ‘રોન્દેનિની પિયત’ શિલ્પ ખૂબ ધ્યાનાકર્ષક બન્યાં છે. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમનાં કાવ્યો ‘આધ્યાત્મિક આત્મકથા’ના નામે પ્રસિદ્ધિ પામ્યાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

ગંગુબાઈ હંગલ

જ. 5 માર્ચ, 1913 અ. 21 જુલાઈ, 2009

‘ખયાલ’ ગાયકીનાં મહારથી ગંગુબાઈનો જન્મ ધારવાડ, કર્ણાટકમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિકુરાવ નાડિગર અને માતાનું નામ અંબાબાઈ. ગંગુબાઈ શાળાના પ્રાથમિક શિક્ષણ બાદ હિંદુસ્તાની સંગીતના અભ્યાસ અર્થે કુટુંબ સાથે હુબલી સ્થિર થયાં. તેમનાં માતા કર્ણાટકી સંગીતનાં જાણકાર હતાં એટલે સંગીત તેમની રગેરગમાં ધબકતું હતું. 13 વર્ષની ઉંમરે તેઓ કિન્નરી(વીણા જેવું વાદ્ય)વાદક શ્રી કૃષ્ણાચાર્ય હલ્ગર પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. બાળપણની આર્થિક સંકડામણો વચ્ચે પણ તેમણે સંઘર્ષ કરીને માત્ર પોતાના માટે જ નહીં, પણ અન્ય સ્ત્રીઓ માટે પણ શાસ્ત્રીય સંગીતનાં દ્વાર ખોલ્યાં. તેમણે શ્રી દત્તોપંત દેસાઈ અને કિરાના ઘરાનાના મહાન ગાયક પંડિત સવાઈ ગંધર્વ પાસે તાલીમ લીધી હતી. સંગીતની સાધના કરવા તેઓ ટ્રેનમાં લાંબું અંતર કાપીને ગુરુ પાસે પહોંચતાં.  તેમનો અવાજ એક સર્જરી પછી ઘેરો બની ગયો હતો અને એ જ અવાજે તેમને અન્ય સ્ત્રીગાયિકાઓથી અલગ તારવ્યાં. સામાજિક ભેદભાવની રેખાઓને અવગણી તેઓ હંમેશાં શુદ્ધ શાસ્ત્રીય સંગીતને વળગી રહ્યાં. તેમણે ભારતભરમાં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો કર્યા. 1945 સુધી ઑલ ઇન્ડિયા રેડિયો પર પણ ગાયું. શરૂઆતમાં તેઓ ભજન, ઠૂમરી ગાનપ્રકારો ગાતાં, પણ પછીથી તેમણે ખયાલ ગાયન અને રાગદારી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાં સંગીતનાં પ્રોફેસર તરીકે માનદ સેવા આપી. તેમને કર્ણાટક સંગીત નૃત્ય એકૅડેમી ઍવૉર્ડ ઉપરાંત પદ્મભૂષણ (1971), પદ્મવિભૂષણ (2002) અને બીજા અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં. 2014માં ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડેલી. આજે પણ કર્ણાટક રાજ્યની ગંગુબાઈ હંગલ મ્યુઝિક ઍન્ડ પર્ફૉર્મિંગ આર્ટસ યુનિવર્સિટી ગુરુ-શિષ્ય પરંપરાથી શીખવવા કટિબદ્ધ છે.