જ. 25 ડિસેમ્બર, 1919 અ. 5 મે, 2006

સંગીતકાર, સંગીતદિગ્દર્શક, ફિલ્મનિર્માતા, લેખક અને કવિ નૌશાદ અલીનો જન્મ ઉત્તરપ્રદેશમાં આવેલા લખનઉ ખાતે મુન્શી વાહિદ અલીને ત્યાં થયો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે તેઓ પોતાનું નસીબ અજમાવવા મુંબઈ પહોંચી ગયા હતા. શરૂઆતના સંઘર્ષના દિવસોમાં તેમને ઉસ્તાદ મુસ્તાક હુસૈન ખાં, ઉસ્તાદ ઝંડે ખાં તેમજ પંડિત ખેમચંદ્ર પ્રકાશ જેવા ગુણવાન ગુરુઓનો સાથ મળ્યો હતો. નૌશાદ અલીને સ્વતંત્ર સંગીતકાર તરીકે ઈ. સ. 1940ના વર્ષમાં ‘પ્રેમનગર’ નામની ફિલ્મમાં સંગીત પીરસવાની તક મળી હતી. સંગીતકાર તરીકેની ઓળખાણ પ્રસ્થાપિત કરવાની તક એમને 1944માં રજૂ થયેલ ‘રતન’ નામના ચલચિત્રમાં મળી હતી. જેમાં જોહરાબાઈ આમ્બાલેવાલી, અમીરબાઈ કર્ણાટકી, કરણ દીવાન અને શ્યામ જેવા સ્વરકારોએ ગાયેલાં ગીતોને ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. આ ભવ્ય સફળતા પ્રાપ્ત કર્યા પછી નૌશાદે 35 જેટલી સિલ્વર જ્યૂબિલી હિટ, 12 ગોલ્ડન જ્યૂબિલી તેમજ ત્રણ ડાયમંડ જ્યૂબિલી ફિલ્મો આપી રૂપેરી પડદે ભવ્ય સફળતા મેળવી હતી. જેમાં ‘અંદાઝ’, ‘મધર ઇન્ડિયા’, ‘અનમોલ ઘડી’, ‘બૈજુ બાવરા’, ‘ઉડન ખટોલા’, ‘દીવાના’, ‘મુગલ-એ-આઝમ’, ‘દુલારી’, ‘લીડર’, ‘સંઘર્ષ’, ‘મેરે મહેબૂબ’, ‘દિલ દિયા દર્દ લિયા’, ‘રામ ઔર શ્યામ’, ‘ગંગા જમુના’, ‘આદમી’, ‘ગંવાર’, ‘સાથી’, ‘આઇના’ અને ‘ધર્મકાંટા’ જેવી યાદગાર ફિલ્મોનો સમાવેશ થાય છે. સિનેમાક્ષેત્રે અપાતા ખ્યાતનામ દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડથી 1981માં અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા પદ્મભૂષણ ઍવૉર્ડથી નૌશાદ અલીને 1991માં સન્માનિત કરવામાં આવ્યા હતા.
અશ્વિન આણદાણી


