Categories
વાચન સમૃદ્ધિ

પુષ્પાવલ્લી

જ. 3 જાન્યુઆરી, 1926 અ. 28 એપ્રિલ, 1991

તમિલ અને તેલુગુ ફિલ્મજગતનાં અભિનેત્રી પુષ્પાવલ્લીનો જન્મ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પેન્ટાપડુ ગામમાં થયો હતો. મૂળ નામ કંડાલા વેંકટ પુષ્પાવલ્લી તાયારમ્મા હતું, પરંતુ પુષ્પાવલ્લીના નામથી જ ફિલ્મજગતમાં જાણીતાં થયાં. ‘સંપૂર્ણ રામાયણ’ ચલચિત્રમાં બાળકલાકાર તરીકે બાળસીતાનું પાત્ર ભજવી, ફિલ્મી દુનિયામાં શ્રીગણેશ કર્યા. ત્યારપછી બાળકલાકાર તરીકે અન્ય ચિત્રોમાં પાત્ર ભજવ્યાં. કુટુંબ માટે કલાકાર તરીકે મળતું મહેનતાણું ખૂબ આવશ્યક હતું. સતત ફિલ્મી સેટો પર સમય વીતતાં ફક્ત પાયાનું શિક્ષણ જ મેળવી શક્યાં. 1940માં વકીલ આઈ. વી. રંગાચારી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જોકે લગ્ન વધુ ના ટક્યાં અને 1946માં તેઓ જુદાં થયાં. રંગાચારી સાથેનાં લગ્નથી તેમને બે સંતાન થયાં. બાળકલાકારમાંથી તેઓ અભિનેત્રી તરીકે ચલચિત્રોમાં પાત્ર ભજવવા માંડ્યાં. જોકે મુખ્ય અભિનેત્રી તરીકે તેમનાં ખૂબ ઓછાં ચલચિત્રો હતાં. મોટા ભાગે તેઓ સહાયક અભિનેત્રી તરીકેનું જ પાત્ર ભજવતાં. બધું થઈને તેમણે કુલ 20-25 તેલુગુ અને તમિલ ચલચિત્રો કર્યાં હતાં. તેઓને ક્યારેય પોતાના અભિનય માટે પ્રશંસા મળી ન હતી. તેમનું ખૂબ વખણાયેલું ચલચિત્ર હતું ‘બાલા નાગમ્મા’ (1942), જેમાં સહાયક અભિનેત્રી તરીકે ખૂબ પ્રસિદ્ધિ મળી હતી. 1947માં આવેલું ‘મીસ માલિની’ ક્રિટિક્સ દ્વારા વખાણાયેલું, પરંતુ બૉક્સઑફિસ પર નિષ્ફળ નીવડ્યું હતું. ‘મીસ માલિની’ ચલચિત્રથી તેઓ જેમિની ગણેશનના સંપર્કમાં આવ્યાં. ત્યારપછી પુષ્પાવલ્લી અને જેમિની ગણેશન સાથે રહેવા માંડ્યાં. બંને અગાઉથી પરણેલાં હોવાથી લગ્ન કરી શકે તેમ નહોતાં. જેમિની ગણેશનથી પુષ્પાવલ્લીને બે પુત્રીઓ થઈ. રેખા અને રાધા. રેખા એટલે હિન્દી ફિલ્મજગતની ખ્યાતનામ અભિનેત્રી. જેમિની ગણેશનને અભિનેતા તરીકે ખૂબ નામના મળી હતી. તેમણે ક્યારેય પણ રેખા અને તેની બહેન રાધાને પુત્રી તરીકે અપનાવ્યાં ન હતાં. ધીમે ધીમે તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. દીકરીઓના ઉછેર માટે તેમણે નાની નાની ફિલ્મોમાં સાધારણ પાત્રો ભજવવાનું ચાલુ રાખ્યું. ત્યારપછી પુષ્પાવલ્લીએ સિનેમૅટોગ્રાફર કે. પ્રકાશ સાથે લગ્ન કર્યાં અને પોતાનું નામ કે. પુષ્પાવલ્લી કર્યું. વધુ બે સંતાનોને જન્મ આપ્યો. પુત્રી રાધા લગ્ન કરીને અમેરિકામાં સ્થાયી છે. પુત્રી ધનલક્ષ્મીએ તેજ સપ્રુ સાથે લગ્ન કર્યાં છે જ્યારે પુત્ર ડાન્સર સેશુ 1991માં અવસાન પામ્યો હતો. 1991માં પુષ્પાવલ્લીનું ડાયાબીટિસના રોગના કારણે અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

અનંતરાય મ. રાવળ ‘શૌનક’

જ. 1 જાન્યુઆરી, 1912 અ. 18 નવેમ્બર, 1988

ગુજરાતી સાહિત્યના સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ અને સમતોલ વિવેચક તથા સંપાદક શ્રી અનંતરાય રાવળનો જન્મ અમરેલીમાં મણિશંકર રાવળને ત્યાં થયો હતો. તેઓ માત્ર બે વર્ષના હતા ત્યારે માતા ગુમાવી દીધેલી. તેમને દાદીએ ઉછેરેલાં. તેમનું વતન વળા (વલભીપુર) પણ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધેલું. ઈ. સ. 1928માં મૅટ્રિક અને 1932માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી સાથે બી.એ. થયા. યુનિવર્સિટીમાં પ્રથમ આવવા બદલ તેમને હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક મળેલું. ઈ. સ. 1934માં એમ.એ. પ્રથમ વર્ગ સાથે કર્યું. 1932થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. ઈ. સ. 1934ના ઑગસ્ટથી અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા અને ઈ. સ. 1959 સુધી ત્યાં જ કાર્ય કર્યું. 1959-60 દરમિયાન જામનગરની ડી. કે. વી. કૉલેજમાં આચાર્યપદે રહ્યા. ત્યારબાદ ગુજરાત રાજ્યના ભાષા-વિભાગમાં ભાષા-નિયામક તરીકે કાર્ય કર્યું. 1970માં ત્યાંથી નિવૃત્ત થયા બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1977ના એક વર્ષ માટે ભવનના નિયામક પણ થયેલા. ગોવર્ધનરામ ત્રિપાઠી અને ન્હાનાલાલ તેમના પ્રિય સર્જકો હતા. 1933 તેમની લેખનપ્રવૃત્તિનો આરંભ થયેલો. વિવેચન, અનુવાદ અને સંપાદન મળી તેમની પાસેથી 45 જેટલા ગ્રંથો મળ્યા છે. વિષયની સર્વગ્રાહી ચર્ચા અને મુદ્દાસર સઘન રજૂઆત તેમના વિવેચનની વિશેષતા છે. ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાળ’ એ તેમનો વિદ્યાર્થીઓને અને અધ્યાપકોને ઉપયોગી થાય તેવો અભ્યાસગ્રંથ છે. તેમની પાસેથી નવેક સંપાદનો અને બેત્રણ અનુવાદગ્રંથો મળ્યા છે. ર. વ. દેસાઈની ‘ગ્રામલક્ષ્મી’ નવલકથાનો તેમણે સંક્ષેપ કરેલો. તેમને તેમની સમગ્ર સાહિત્યની સેવાના સંદર્ભમાં ઈ. સ. 1955નો રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. આ ઉપરાંત દિલ્હી સાહિત્ય અકાદેમીનો પુરસ્કાર તથા નર્મદ ચંદ્રક પણ તેમને મળેલ. 1980માં વડોદરા ખાતે ગુ. સા. પરિષદના અધિવેશનના તેઓ પ્રમુખ હતા. તેમના અવસાન બાદ સ્મારક સમિતિ તરફથી વિવેચન ઍવૉર્ડ અને અધ્યાપક ઍવૉર્ડ અપાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

મહાવીર ત્યાગી

જ. 31 ડિસેમ્બર, 1899 અ. 22 મે, 1980

ઉત્તરપ્રદેશના અગ્રણી લોકનેતા, સ્વાતંત્ર્યસૈનિક, રચનાત્મક કાર્યકર મહાવીર ત્યાગીનો જન્મ ધબરસી, ઉત્તરપ્રદેશમાં થયો હતો. પિતાનું નામ શિવનાથસિંહ અને માતાનું નામ જાનકીદેવી હતું. તેમનો વ્યવસાય ખેતી હતો. પ્રાથમિક શિક્ષણ પોતાની ગામની શાળામાં લીધું અને માધ્યમિક શિક્ષણ લેવા મેરઠ ગયા. ત્યારબાદ તેઓ ભારતીય લશ્કરમાં જોડાયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાનના યુદ્ધક્ષેત્રે સેવા આપી. મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળ આવી સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા. તેથી તેમના પર લશ્કરના નિયમો મુજબ કોર્ટ માર્શલ કરવામાં આવ્યું. જેના પરિણામે લશ્કરની સેવાઓ દરમિયાન તેમની જે રકમ  સરકારમાં જમા હતી તે જપ્ત કરવામાં આવી હતી. તેઓ કૉંગ્રેસના સક્રિય, પાયાના અને કર્મઠ નેતા હતા. આઝાદીની લડતમાં ભાગ લેવા બદલ સાત વખત જેલવાસ ભોગવ્યો હતો. આઝાદી પહેલાં તેઓ ઉત્તરપ્રદેશની પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય હતા. લોકજાગૃતિ, લોકચેતનાનાં કાર્યોમાં તેમણે ઊંડો રસ લીધો હતો. શેરી સભાઓમાં બ્યૂગલ દ્વારા લોકોને એકત્ર કરતા તેથી બ્યૂગલવાળા ત્યાગી તરીકે જાણીતા થયા હતા. તેઓ ઉત્તરપ્રદેશમાં સુલતાન કે તાજ વગરના રાજાનું બિરુદ પણ પામ્યા હતા. 1927થી અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિના સભ્ય રહ્યા હતા. 1947-48 દરમિયાન ફાટી નીકળેલાં કોમી રમખાણો દરમિયાન શાંતિ જાળવવા તથા રમખાણોના ભોગ બનેલા લોકોની સેવા કરવા સારુ તેમણે ‘ત્યાગી પોલીસ’ની રચના કરી હતી. 1937થી 1947 સુધી ઉત્તરપ્રદેશ ધારાસભાના સભ્ય હતા. 1951માં કેન્દ્રીય મંત્રીપરિષદમાં રેવન્યૂ અને ખર્ચ ખાતાના પ્રધાન તરીકે જોડાયા હતા. 1953થી 1957 સુધી કેન્દ્રના સંરક્ષણપ્રધાન તરીકે ફરજો બજાવી હતી. 1957થી 1959 દરમિયાન સીધા કરવેરા વહીવટ અંગેની સમિતિના ચૅરમૅન તરીકે તથા 1962થી 1964 દરમિયાન જાહેર હિસાબ સમિતિના ચૅરમૅન તરીકે કામગીરી બજાવી હતી. ત્યારબાદ તેઓ પુનર્વસવાટ ખાતાના કૅબિનેટ કક્ષાના પ્રધાન બન્યા હતા. તાશ્કંદ સમજૂતીના વિરોધમાં 1966માં કેન્દ્રીય કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું. 1967માં પોસ્ટ અને ટેલિગ્રાફ ટેરિફ સમિતિના ચૅરમૅન તથા 1968-69 દરમિયાન પાંચમા નાણાપંચના અધ્યક્ષપદે રહ્યા હતા. 1970માં તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. તેમનાં સ્વાતંત્ર્યસંગ્રામનાં સંસ્મરણો હિન્દી ભાષામાં ‘મેરી કૌન સુનેગા’ તથા ‘વે ક્રાન્તિ કે દિન’ પુસ્તકમાં આલેખ્યાં છે.