જ. 9 એપ્રિલ, 1942 અ. 19 મે, 2007

પ્રખ્યાત વાયોલિનવાદક, સંગીતકાર અને સંગીતદિગ્દર્શક લક્ષ્મીનારાયણ વૈદ્યનાથન કર્ણાટકી, હિન્દુસ્તાની અને પાશ્ચાત્ય એમ ત્રણેય સંગીત પ્રણાલિકાઓમાં કામ કરનારા સંગીતકાર તરીકે પ્રસિદ્ધ છે. પિતા વી. લક્ષ્મીનારાયણ અને માતા સીતાલક્ષ્મી બંને કુશળ સંગીતકાર હતાં. તેઓ પ્રખ્યાત વાયોલિનવાદક એલ. શંકર અને એલ. સુબ્રમણ્યમના મોટા ભાઈ હતા. તેમણે પ્રારંભમાં તેમના પિતા પાસે સંગીતનો અભ્યાસ કર્યો હતો.
લક્ષ્મીનારાયણ વૈદ્યનાથને આઠ વર્ષની ઉંમરે પહેલો વાયોલિનવાદનનો કાર્યક્રમ આપ્યો હતો. તેમણે વિવિધ ભાષાઓની ૧૭૦થી વધુ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. કમલ હસન અભિનીત મૂક ફિલ્મ ‘પેસુમ પદમ’ તેમના પાર્શ્વસંગીતને કારણે લોકપ્રિય બની હતી. તેમણે જી. કે. વેંકટેશના સહાયક સંગીતનિર્દેશક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ‘શોભરાજ ફિલ્મ માટે સંગીત આપી મલયાળમ ફિલ્મઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમણે આખું જીવન ફિલ્મસંગીતની દુનિયામાં વિતાવ્યું. તેમને ભારતીય શાસ્ત્રીય સંગીત અને પશ્ચિમી સંગીતનું ઊંડું જ્ઞાન હતું. આથી તેમની રચનાઓ અદ્યતન લાગતી હતી. તેમણે મૅન્ડોલીન, વાયોલિન, વાંસળી અને વિવિધ લોકવાદ્યોનાં મિશ્રણવાળી રચનાઓ કરી. તેમણે સી. અશ્વથ સાથે કામ કર્યું અને અશ્વથ-વૈદી નામથી ઘણી કન્નડ ફિલ્મો માટે સંગીત આપ્યું. તેમણે આર. કે. નારાયણની ‘માલગુડી ડેઝ’ ધારાવાહિકની શીર્ષક-ધૂન ‘થાના ના નાના’ બનાવી હતી, જે અત્યંત લોકપ્રિય બની હતી. તેમની સંગીતયાત્રાને અનેક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તમિળનાડુ સરકારે ફિલ્મ અને સંગીતના ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપવા બદલ કલાઈમામણિ ઍવૉર્ડથી તેમને સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ