Categories
વાચન સમૃદ્ધિ

ઑટો વૉન બિસ્માર્ક

જ. 1 એપ્રિલ, 1815 અ. 30 જુલાઈ, 1897

જર્મન સામ્રાજ્યના સર્જક, પ્રથમ ચાન્સેલર અને તે સમયના પ્રશિયાના વડાપ્રધાન બિસ્માર્કનો જન્મ શોનહોઝન, પ્રશિયામાં થયો હતો. તેઓ પ્રશિયાના જમીનદારના પુત્ર હતા. તેમણે ગોટિંગન અને બર્લિન યુનિવર્સિટીમાંથી શિક્ષણ લીધું હતું. 1847માં પ્રશિયાની ધારાસભાના સભ્ય બન્યા. 1859માં તેમને પ્રશિયાના એલચી તરીકે રશિયા તથા તે પછી 1862માં ફ્રાન્સ મોકલવામાં આવ્યા. એ જ વર્ષે તેઓ પ્રશિયાના વડાપ્રધાન બન્યા. તેઓ કુશળ રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી હતા. તેમણે વર્તમાનપત્રો પર નિયંત્રણો મૂક્યાં. વિરોધીઓને દબાવી દીધા. તે પછીના દાયકામાં ત્રણ યુદ્ધો દ્વારા જર્મનીનું એકીકરણ કર્યું. જર્મન રાજ્યોને એકત્રિત કરી જર્મન સંઘની રચના કરી હતી. પ્રશિયાનો રાજા વિલિયમ પહેલો જર્મન સંઘનો સમ્રાટ બન્યો અને બિસ્માર્ક તેમના પ્રથમ ચાન્સેલર બન્યા. તેમણે પોતાની ગૃહનીતિ અને વિદેશનીતિ દ્વારા જર્મનીને યુરોપની મહાસત્તા બનાવી. તેમણે મજબૂત કેન્દ્રીય વ્યવસ્થાની સ્થાપના કરી રેલવે, તાર, ટપાલ, બૅન્કો, ટેલિફોન વગેરે કેન્દ્ર સરકાર હસ્તક રાખ્યાં. તેમનો જર્મન સંસ્કૃતિના રક્ષણ માટે કૅથલિકો સાથેનો સંઘર્ષ ‘સંસ્કૃતિના રક્ષણ માટેનો સંઘર્ષ’ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. 1872માં તેમણે ઑસ્ટ્રિયા, રશિયા અને જર્મનીના ત્રણ સમ્રાટોને એકત્રિત કરી ત્રણ સમ્રાટોના સંઘની રચના કરી. તેમણે ઇંગ્લૅન્ડ સાથે સંધિ ન કરવા છતાં મિત્રતા જાળવી હતી. તેમની અનેક સિદ્ધિઓ દ્વારા તેઓ તેમના સમયના મહાન રાજનીતિજ્ઞ ગણાયા. તેમની નીતિ સંધિઓ દ્વારા યુરોપમાં સમતુલા જાળવી રાખવાની, ફ્રાન્સને એકલું પાડવાની તથા જર્મનીનું સંરક્ષણ કરવાની હતી. કૈસર વિલિયમ પહેલાના અવસાન બાદ તેના પુત્ર વિલિયમ બીજા સાથે બિસ્માર્કને અનેક મતભેદો થયા. આમ પણ બિસ્માર્કની નીતિઓથી પાદરીઓ અને ઉદારમતવાદીઓ ત્રસ્ત હતા. વૃદ્ધ બિસ્માર્કે 20 માર્ચ, 1890ના રોજ રાજીનામું આપતાં એક ઝળહળતી કારકિર્દીનો અંત આવ્યો. આ પછી બિસ્માર્કને લ્યુમેનબર્ગના ડ્યૂકની અને ફિલ્ડમાર્શલની પદવીઓથી સન્માનવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આનંદીબાઈ જોષી

જ. 31 માર્ચ, 1865 અ. 26 ફેબ્રુઆરી, 1887

ભારતનાં પ્રથમ મહિલાતબીબ જેમણે 1886ની સાલમાં અમેરિકા જઈને ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરી. તેમનો જન્મ મુંબઈ નજીકના કલ્યાણ ગામે ગણપતરામ જોષીને ત્યાં થયો હતો. નવ વર્ષની કુમળી વયે તેમનાં લગ્ન ગોપાળરાવ સાથે કરવામાં આવ્યાં હતાં. પતિ એક સામાન્ય કારકુન હતા. પત્નીની બુદ્ધિપ્રતિભા જોઈને તેમણે આનંદીને શિક્ષણ અપાવવાનો નિર્ધાર કર્યો. તેમના આ નિર્ણય સામે ઘણો વિરોધ થયો, પરંતુ ગોપાળરાવ અને આનંદીબાઈ સમાજ સામે અડીખમ રહ્યાં. તેમણે અનેક વિરોધનો, અપમાનનો સામનો કરવો પડ્યો. આનંદીબાઈ ઘરની બહાર નીકળે એટલે લોકો તેના પર કચરો ફેંકે, હડધૂત કરે. શાળા જવા માટે આનંદીને ટાંગામાં ખ્રિસ્તી ગોરી મેડમના પગ પાસે બેસવું પડે. ખ્રિસ્તી પાસે ભણીને આનંદીએ જાણે હિંદુ ધર્મનું સત્યાનાશ વાળ્યું હોય તેવું લોકો માનતા. આમ અનેક મુશ્કેલીઓ અને પજવણી સાથે આનંદીબાઈએ શિક્ષણ પૂરું કર્યું. આનંદીબાઈને ડૉક્ટર બની રોગગ્રસ્તોની સેવા કરવાની ઝંખના હતી. પતિ ગોપાળરાવને લાગ્યું કે રૂઢિચુસ્ત સમાજમાં આનંદીબાઈ ભારતમાં તો નહીં જ ભણી શકે. આથી તેમણે આનંદીબાઈને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું. તે સમયે પુરુષો માટે પણ પરદેશગમન સમાજને સ્વીકાર્ય નહોતું.   ત્યારે ફક્ત 17 વર્ષની વયે ચુસ્ત બ્રાહ્મણ સમાજની સ્ત્રીને એકલા અમેરિકા જઈ ડૉક્ટર બનવાનું બીડું પતિએ ઝડપ્યું. આનંદીબાઈ પણ પોતાના નિર્ણયમાં અફર રહ્યાં. આ સમાચારે સમગ્ર મહારાષ્ટ્રમાં ખળભળાટ મચાવી મૂક્યો. પણ આનંદીબાઈ તેમના નિર્ણયમાં અફર રહ્યાં. અવરોધ અને વિરોધ વચ્ચે તેઓએ 1883ની સાલમાં સ્ટીમરમાં અમેરિકા જવા પ્રયાણ કર્યું. પેન્સિલવેનિયાની વિમેન્સ કૉલેજમાં તેમણે શિક્ષણ શરૂ કર્યું. અપોષણ, પૈસાની તંગી અને તાપણાની ધૂણી શ્વાસમાં જવાથી તેમને શારીરિક તકલીફો થવા લાગી. આનંદીબાઈએ 1886માં 11મી માર્ચે ડૉક્ટરની ડિગ્રી હાંસલ કરી અને ભારતનાં પ્રથમ મહિલાડૉક્ટર બનવાનું માન મેળવ્યું. અતિ શ્રમ, અપોષણ તથા અસ્વાસ્થ્યપ્રદ વાતાવરણમાં આનંદીબાઈ ટી. બી.નો શિકાર બન્યાં. માત્ર 22 વર્ષની ઉંમરમાં આનંદીબાઈનું નિધન થયું. ન્યૂયૉર્કમાં આનંદીબાઈની પ્રતિમા મૂકવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સ્વામી યોગાનંદ

જ. 30 માર્ચ, 1861 અ. 28 માર્ચ, 1899

રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને રામકૃષ્ણ મિશનના પ્રથમ ઉપપ્રમુખ સ્વામી યોગાનંદનો જન્મ દક્ષિણેશ્વર નજીક થયો હતો. તેમનું નામ યોગીન્દ્રનાથ રૉય ચૌધરી હતું. તેઓ બાળપણથી જ ધ્યાન અને પૂજામાં વ્યસ્ત રહેતા હતા. તેઓ 17 વર્ષના હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસને મળ્યા. રામકૃષ્ણએ તેમનામાં રહેલા આધ્યાત્મિક ભાવને જાણ્યો અને અવારનવાર આવવા માટે કહ્યું. ભક્તિ તરફ વળવાને કારણે યોગીન્દ્રનાથના અભ્યાસ પર અસર થઈ. આથી માતાપિતાને ચિંતા  થવા લાગી. પરિવારને આર્થિક ટેકો થાય એ માટે તેઓ નોકરીની શોધમાં કાનપુર ગયા. ત્યાં તેઓ એકાંતમાં રહેવાનું પસંદ કરતા હતા. પરિવારજનોએ તેમનાં લગ્ન કરવાનું નક્કી કર્યું જેથી તેઓ જવાબદાર બને અને મન સંસારમાં પરોવાય. અનિચ્છા છતાં માતાપિતાના આગ્રહથી લગ્ન કરવાં પડ્યાં. લગ્ન પછી યોગીન્દ્રનાથ રામકૃષ્ણને મળ્યા. તેમણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવા દક્ષિણેશ્વર જવાનું શરૂ કર્યું. તેઓ મોટા ભાગનો સમય રામકૃષ્ણ સાથે વિતાવવા લાગ્યા. રામકૃષ્ણના અવસાન પછી તેઓ શારદાદેવી સાથે વૃંદાવન ગયા. ત્યાં તેમને કલાબાબુના કુંજમાં દીક્ષા આપવામાં આવી. તેઓ શારદાદેવીના પ્રથમ શિષ્ય બન્યા. એક વર્ષ પછી કૉલકાતા આવ્યા. તેઓ સ્વામી બ્રહ્માનંદ સાથે પુરી ગયા પછી 1888થી 1899 સુધી કૉલકાતામાં જુદાં જુદાં સ્થળોએ રહ્યા અને શારદાદેવીની સંભાળ રાખી. શારદાદેવી તેમને પ્રેમથી ‘છેલે યોગેન’ કહેતાં. તેમણે 1887માં સ્વામી વિવેકાનંદના નેતૃત્વમાં અન્ય શિષ્યબંધુઓ સાથે મઠનું વ્રત લીધું અને સ્વામી યોગાનંદ નામ ધારણ કર્યું. 1891માં વારાણસી ગયા. ત્યાં કઠોર જીવન જીવ્યા. તેમનું સ્વાસ્થ્ય બગડતાં બારાનગર મઠમાં આવ્યા. તેઓ પેટની બીમારીથી પીડાતા હતા. તેઓ બલરામ બોઝના ઘરે રહ્યા. તેઓ દક્ષિણેશ્વર મંદિરમાં રામકૃષ્ણના જન્મદિવસની જાહેર ઉજવણીનું મોટા પાયે આયોજન કરનારી પ્રથમ વ્યક્તિ હતા. 1897માં સ્વામી વિવેકાનંદ કૉલકાતા આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1897માં રામકૃષ્ણ મિશનની સ્થાપના થયા પછી તેમને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા.