Categories
વાચન સમૃદ્ધિ

ગોવિંદ વલ્લભ પંત

જ. ૧૦ સપ્ટેમ્બર, ૧૮૮૭ અ. ૭ માર્ચ, ૧૯૬૧

ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના અઠંગ લડવૈયા, રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, ઉત્તરપ્રદેશના પૂર્વ- મુખ્યમંત્રી અને પૂર્વકેન્દ્રીય ગૃહમંત્રી ગોવિંદ વલ્લભ પંતના પૂર્વજો દસમી સદીમાં મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ઉત્તરપ્રદેશમાં સ્થાયી થયા હતા. બાળપણથી  તેમના પર પરદાદા અને મામાનો ખૂબ પ્રભાવ હતો. તેમણે મૅટ્રિક સુધીનું શિક્ષણ અલમોડા ખાતે લીધું હતું. ભણવામાં શરૂઆતથી જ એમની કારકિર્દી તેજસ્વી હતી. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા બાદ તેમણે ત્યાંથી જ કાયદાશાસ્ત્રની પદવી પ્રાપ્ત કરી હતી અને લમ્સડેન સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અલમોડા, રાણીખેત અને કાશીપુર ખાતે વકીલાતમાં નોંધપાત્ર નામના મેળવનાર પંતે વિખ્યાત ‘કાકોરી કાવતરા’ કેસમાં વકીલોની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. કુમાઉ પ્રદેશના વિશિષ્ટ પ્રશ્નોને વાચા આપવા માટે તેમણે ‘શક્તિ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ૧૯૧૨માં સ્વરાજ પક્ષના સભ્ય તરીકે તેઓ ઉત્તરપ્રદેશની વિધાન પરિષદમાં ચૂંટાયા અને પોતાની વક્તૃત્વશક્તિના પ્રભાવથી ગૃહમાં પક્ષના નેતા તરીકે નિમાયા હતા. ‘ભારત છોડો’ ચળવળમાં તેમની નોંધપાત્ર હિસ્સેદારી હોવાથી તેમણે જેલવાસ પણ વેઠ્યો હતો. આઝાદી પૂર્વેની વિવિધ રાજકીય બેઠકો અને ઉચ્ચસ્તરની મંત્રણાઓમાં તેમણે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની સાથે રહી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બંધારણસભાના સભ્ય તરીકે તેમણે મૂળભૂત અધિકારોનાં પ્રકરણ લખવામાં વિશેષ ફાળો આપ્યો હતો. ૧૯૪૬થી ૧૯૫૪ સુધી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે રહ્યા બાદ પંડિત જવાહરલાલ નહેરુના આગ્રહથી જાન્યુઆરી, ૧૯૫૫માં કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રથમ ખાતા વિનાના પ્રધાન અને ત્યારબાદ ગૃહમંત્રીપદે જવાબદારી સંભાળી હતી. જમીનદારી પ્રથા, વેશ્યાવૃત્તિ અને સ્ત્રીઓના વેપાર જેવાં આર્થિક અને સામાજિક દૂષણો ડામવા માટે તેમજ સર્વધર્મસમભાવ અને વ્યસનમુક્તિ માટે જીવનપર્યંત કાર્યો કર્યાં. માનવતાવાદી ગુણોથી વિભૂષિત પંતજી અજાતશત્રુ હતા. દેશ પ્રત્યેની તેમની સેવાઓની કદર રૂપે ૨૬ જાન્યુઆરી, ૧૯૭૫ના રોજ તેમને મરણોપરાંત ‘ભારતરત્ન’થી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

કૅપ્ટન વિક્રમ બત્રા

જ. ૯ સપ્ટેમ્બર, ૧૯૭૪ અ. ૭ જુલાઈ, ૧૯૯૯

શેર શાહ’ અને ‘કારગિલના સિંહ’ તરીકે ઓળખાતા કૅપ્ટન વિક્રમ બત્રાનો જન્મ હિમાચલ પ્રદેશના પાલમપુરમાં થયો હતો. પિતા ગિરધારીલાલ પ્રાધ્યાપક અને માતા કમલકાંતા શિક્ષિકા. પિતા પાસેથી દેશભક્તોની વાર્તાઓ સાંભળીને તેમનામાં દેશપ્રેમનાં બીજ રોપાયાં. તેમની શાળા પાલમપુર મિલિટરી કૅન્ટોનમેન્ટમાં આવેલી હતી. આથી લશ્કરના જવાનોની શિસ્તની તેમના પર ગાઢ અસર પડી. શાળેય શિક્ષણ પૂર્ણ કરી ચંડીગઢની દયાનંદ ઍંગ્લો-વૈદિક કૉલેજમાં દાખલ થયા. એન.સી.સી.ના શ્રેષ્ઠ કૅડેટ તરીકે તેમણે પ્રજાસત્તાકદિનની પરેડમાં ભાગ લીધો હતો. લશ્કરમાં જોડાવાની ઇચ્છાથી તેમણે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ પરીક્ષા આપી. આ દરમિયાન તેમને હૉંગકૉંગમાં મર્ચન્ટ નેવીમાં નોકરી મળી, પરંતુ ભારતીય લશ્કરમાં જોડાવાની ઇચ્છા હોવાથી તેમણે તે નકારી કાઢી. તેઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેમની ભારતીય સેનાની ૧૩મી જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સ બટાલિયનમાં લેફ્ટનન્ટ તરીકે નિમણૂક થઈ. પહેલી જૂન, ૧૯૯૯ના રોજ તેમને તેમની ટુકડી સાથે કારગિલ યુદ્ધમાં મોકલવામાં આવ્યા. પૉઇન્ટ ૫૧૪૦ શિખર પર કબજો કરી બેઠેલા પાકિસ્તાની ઘૂસણખોરોને હાંકી કાઢવાનું મિશન તેમને મળ્યું. તેમણે ટુકડીનું નેતૃત્વ કર્યું અને શિખર પર બેઠેલા દુશ્મનો પર હુમલો કર્યો. વહેલી સવારે ૪:૩૦ વાગ્યે તેમણે સાંકેતિક ભાષામાં ‘યે દિલ માંગે મોર !’ કહી જીતની જાહેરાત કરી. આપણા પક્ષે એક પણ જાનહાનિ થયા વિના ૧૩ જેટલા સૈનિકોને ખતમ કરવામાં આવ્યા. તેમના આ પરાક્રમ બદલ તેમને કૅપ્ટનનો હોદ્દો આપવામાં આવ્યો. એ પછી પૉઇન્ટ ૪૮૭૫ શિખર પર કબજો કરી બેઠેલા દુશ્મનોને હાંકી કાઢવાનું કામ તેમની ડેલ્ટા કંપનીને સોંપવામાં આવ્યું. કપરા ચઢાણવાળા પર્વત પર એમની ટુકડી ગઈ. ખડકો પાછળ સંતાયેલા દુશ્મનોએ ગોળીબાર કર્યો. સાથીદાર યશ પાલને બચાવવા દોડ્યા એ જ સમયે દુશ્મનની ગોળી તેમની છાતીમાં વાગી. એ સાથે જ ફેંકાયેલો ગ્રૅનેડ ફાટતાં વિક્રમ બત્રા શહીદ થયા. ભીષણ જંગના અંતે સાત જુલાઈએ પૉઇન્ટ ૪૮૭૫ પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાયો, પરંતુ બત્રા તે જોવા માટે જીવિત ન હતા. વિક્રમ બત્રાના વિરલ પરાક્રમ બદલ ભારત સરકારે ૧૫ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મરણોત્તર પરમવીરચક્ર એનાયત કર્યો. ‘LOC : કારગિલ’ અને ‘શેર શાહ’ ફિલ્મોમાં તેમની બહાદુરી દર્શાવવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

હેમુ ગઢવી

જ. ૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૬૫

ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુ ગઢવીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા, માતાનું નામ બાલુબા અને પત્નીનું નામ હરિબા હતું. લોકગીત અને ભજનનો તેમને બાળપણથી જ શોખ હતો, તેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિપ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાના પગારે જોડાયા હતા. જેમાં તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભૂમિકા ભજવીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તે દરમિયાન તેમણે ‘ગામડું મુજને પ્યારું ગોકુળ’ પ્રથમ ગીત ગાયું હતું. જામનગર શહેરમાં ભજવાયેલ ‘રાણકદેવી’ નાટકમાં તેમની રાણકદેવીની ભૂમિકાથી પ્રભાવિત થઈને ‘રાણકદેવી’ ચલચિત્રના નિર્માતાએ છેક મુંબઈથી આવીને બાળ-કલાકાર હેમુ ગઢવીને નવાજ્યા હતા. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટક ભજવવામાં ઉપયોગ કરતા હતા. તેમણે છેક ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યું હતું. હેમુ ગઢવી ૧૯૫૫માં તાનપુરા કલાકાર તરીકે રાજકોટ આકાશવાણીમાં જોડાયા હતા. ૧૯૬૫ સુધીના તેમના દસ વર્ષના આકાશવાણીના કાર્યકાળમાં તેમણે ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા ‘કાગ’નાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને ગુજરાતના ઘર ઘર સુધી ગુંજતું કર્યું હતું. એચ.એમ.વી. કંપનીએ હેમુ ગઢવીની ‘અમે મહિયારા રે, ‘શિવાજીનું હાલરડું’ અને ‘મોરબીની વાણિયણ’ જેવી રેકર્ડ બહાર પાડી હતી. જે આજપર્યંત લોકોનાં માનસપટ ઉપર છવાયેલી રહી છે. આ ઉપરાંત તેમણે ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જેવાં યાદગાર નાટકો કર્યાં હતાં. હેમુ ગઢવીને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર, ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર, ‘કસુંબીનો રંગ’ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ પાર્શ્વગાયનના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં એક જાહેર માર્ગને હેમુ ગઢવી માર્ગ અને એક ઑડિટોરિયમને હેમુ ગઢવી હૉલ નામ આપવામાં આવ્યું છે. માત્ર ૩૬ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પુત્ર બિહારીભાઈએ તેમનો વારસો સુપેરે જાળવ્યો છે.