જ. 15 ડિસેમ્બર, 1905 અ. 11 ઑગસ્ટ, 1970

ઇરાવતીનો જન્મ બ્રહ્મદેશમાં પિતા શ્રી. જી. એસ. કરમાકરને ત્યાં થયો હતો. મૂળ મહારાષ્ટ્રના પણ બ્રહ્મદેશમાં પિતા એન્જિનિયર તરીકે કામ કરતા હતા. બ્રહ્મદેશમાં આવેલ નદીના નામ પરથી દીકરીનું નામ ઇરાવતી પાડ્યું હતું. ઇરાવતીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બ્રહ્મદેશમાં લીધું, ત્યારબાદ તેઓ ભારત આવ્યાં અને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં દર્શનશાસ્ત્રના વિષય સાથે 1926માં સ્નાતકની ઉપાધિ મેળવી. તે સમયે ઉચ્ચશિક્ષણ લેતી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હતી. ઇરાવતીને ભણવાની લગન ખૂબ હોવાથી તેઓ અભ્યાસમાં આગળ વધતાં ગયાં. ઈ. સ. 1928માં તેમણે સમાજશાસ્ત્રમાં એમ.એ.ની ઉપાધિ મેળવી. 1930માં તેમણે બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી માનવશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી મેળવી તેઓ ભારત પાછાં આવ્યાં. પુણેની ફર્ગ્યુસન કૉલેજના એ સમયના આચાર્ય દિનકર કર્વે સાથે તેમનાં લગ્ન થયાં. પુણેની ડેક્કન કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયનાં તેઓ પ્રાધ્યાપિકા હતાં. લગ્ન પછી તેમણે અધ્યાપનનું કાર્ય ચાલુ રાખ્યું. તેમને સ્ત્રીકેળવણીમાં ખૂબ જ રસ હતો. દેશમાં વધારે સ્ત્રીઓ અભ્યાસ, અધ્યાપન અને સંશોધનના કાર્યમાં ઊંડો રસ લે તેવું તે ઇચ્છતાં હતાં. તેઓએ ‘મહાભારત’નો અભ્યાસ કરી તેના ઉપર એક શોધપૂર્ણ ગ્રંથ ‘યુગાન્ત’ લખ્યો, જેને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. આ ઉપરાંત તેઓએ ‘ધ ચિતપાવન બ્રાધિનસ્ – એન એથનિક સ્ટડી’ વિષય પર થીસિસ લખ્યો હતો. શૈક્ષણિક કારકિર્દી તથા સંશોધનના કાર્યની સાથે તેમણે પત્ની, ગૃહિણી અને માતાની ભૂમિકા પણ સારી રીતે નિભાવી હતી. ઇરાવતીએ અંગ્રેજીમાં ‘કિનશિપ ઑર્ગેનાઇઝેશન ઇન ઇન્ડિયા’ તથા ‘હિન્દુ સોસાયટી એન ઇન્ટરપ્રિટેશન’ તથા મરાઠીમાં ‘પરિપૂર્તિ’, ‘ભોવરા’, ‘આમસી સંસ્કૃતિ’, ‘ગંગાજલ’ જેવી રચનાઓ કરી છે.
અંજના ભગવતી


