Categories
વાચન સમૃદ્ધિ

રાવુરી ભારદ્વાજ

જ. 5 જુલાઈ, 1927 અ. 18 ઑક્ટોબર, 2013

જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા, તેલુગુ નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર, કવિ અને વિવેચક રાવુરી ભારદ્વાજનો જન્મ કૃષ્ણા જિલ્લાના મોગુલુરુ ગામમાં થયો હતો. તેમણે ગુંટૂર જિલ્લાના પોતાના વતન તાડીકોન્ડા ગામમાં સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ નાની-મોટી નોકરી કરી અને ઑલ ઇન્ડિયા રેડિયોમાં પણ કામ કર્યું હતું. ચૌદ વર્ષની ઉંમરે ઘર છોડી તેઓ ગામના બીજા લોકો સાથે રહેવા લાગ્યા અને ક્યારેક ખેત-મજૂર તરીકે તો ક્યારેક કોઈ બાંધકામ કરતી જગ્યાએ મજૂર તરીકે કામ કરવા લાગ્યા. આ બધા અનુભવો તેમણે પોતાની વાર્તાઓમાં પણ વણી લીધા. તેમણે વધુ અભ્યાસ ન કર્યો હોવા છતાં તેમણે કરેલી રચનાઓ બી.એ., એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતી. તેમને વિશિષ્ટ પ્રદાન બદલ આંધ્ર, નાગાર્જુન, વિજ્ઞાન અને જવાહરલાલ નહેરુ ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટીઓ તરફથી માનદ ડૉક્ટરેટ ઉપાધિ પણ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમને 1968માં સ્થાપના સમયના ‘ધ ગોપીચંદ લિટરરી ઍવૉર્ડ’ વિજેતા તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું.  તેમને બે વખત રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1983માં કેન્દ્ર સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. તેમને 1987માં ધ રાજલક્ષ્મી ઍવૉર્ડ  અને 2009માં લોક નાયક ફાઉન્ડેશનનો સાહિત્ય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલા. વળી સૌથી શિરમોર એવો દેશનો સૌથી શ્રેષ્ઠ ગણાતો જ્ઞાનપીઠ ઍવૉર્ડ 2012માં અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે 37 ટૂંકી વાર્તાઓ, 17 નવલકથાઓ, ચાર  નાટકો અને પાંચ રેડિયો માટે વાચિક-નાટકો લખ્યાં છે. બાળ-સાહિત્યમાં પણ તેમનું પ્રદાન છે. ‘પાકુડુ રાલ્લુ’ અને બીજી રચના ‘જીવન સમારમ’ વધુ જાણીતી છે. તેમની ટૂંકી વાર્તાઓ વિવિધ કેન્દ્રીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનૂદિત થયેલ છે. પાત્રચિત્રણની પ્રમાણભૂતતા અને પ્રભાવક શૈલીથી તેમનાં રેખાચિત્રો તેલુગુમાં મહત્ત્વનું પ્રદાન ગણાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાયરસ પલોનજી મિસ્ત્રી

જ. 4 જુલાઈ, 1968 અ. 4 સપ્ટેમ્બર, 2022

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચૅરમૅન સાયરસ મિસ્ત્રીનો જન્મ મુંબઈમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ ભારતીય અબજોપતિ અને બાંધકામ ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર હતા. મિસ્ત્રીનું શિક્ષણ દક્ષિણ મુંબઈની પ્રતિષ્ઠિત કૅથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાં થયું હતું. તેમણે ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં અભ્યાસ કર્યો અને 1990માં લંડન યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. બાદમાં તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને 1996માં લંડન યુનિવર્સિટીમાંથી મૅનેજમેન્ટમાં ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ માસ્ટર્સ કર્યું હતું. મિસ્ત્રી 1991માં ફૅમિલી કન્સ્ટ્રક્શન કંપની શાપૂરજી પલોનજી ઍન્ડ કંપની લિમિટેડમાં ડિરેક્ટર તરીકે જોડાયા. 2000માં શાપૂરજી પલોનજી ગ્રૂપ દ્વારા તેના સંપાદન પછીનાં વર્ષોમાં સંઘર્ષ કરી રહેલા એફકોન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાયાપલટનો શ્રેય તેમને જાય છે. બાદમાં તેઓ ટાટા સન્સ અને ટાટા ગ્રૂપના ચૅરમૅન બન્યા. 2013માં મિસ્ત્રીને ટાટા સન્સના ચૅરમૅન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓ ટાટા ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટાટા પાવર, ટાટા ટેલિસર્વિસીસ, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ગ્લોબલ બેવરેજીસ અને ટાટા કેમિકલ્સ સહિતની તમામ મોટી ટાટા કંપનીઓના ચૅરમૅન પણ હતા. ટાટા સન્સ બોર્ડે ઑક્ટોબર, 2016માં મિસ્ત્રીને ટાટા સન્સના ચૅરમૅનપદેથી દૂર કરવા માટે મતદાન કર્યું હતું. ભૂતપૂર્વ ચૅરમૅન રતન ટાટા ત્યારબાદ વચગાળાના ચૅરમૅન તરીકે પાછા ફર્યા હતા અને થોડા મહિના પછી નટરાજન ચંદ્રશેખરનને નવા ચૅરમૅન નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે ડિસેમ્બર, 2019માં નૅશનલ કંપની લો એપલેટ ટ્રિબ્યુનલે ચંદ્રશેખરનની નિમણૂક ગેરકાયદેસર જાહેર કરી અને મિસ્ત્રીને પુનઃ સ્થાપિત કર્યા. જોકે સુપ્રીમ કોર્ટે તેમની બરતરફીને યથાવત રાખી હતી. તેમના પિતા પલોનજી મિસ્ત્રીના અવસાન બાદ મિસ્ત્રી અને પંડોલે પરિવાર પ્રાર્થના કરવા ઉદવાડા ખાતે ઈરાનશાહ આતશ બહેરામની મુલાકાતે ગયા હતા. ઉદવાડાથી મુંબઈ પરત ફરતી વખતે તેમની મર્સિડિઝ બેન્ઝ ગાડીને અકસ્માત થતા, સીટ બૅલ્ટ પહેર્યા વગર પાછલી સીટ ઉપર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પંડોલેનું ગંભીર ઈજાઓના કારણે મૃત્યુ થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

રામચંદ્ર દત્તાત્રેય રાનડે

જ. 3 જુલાઈ, 1886 અ. 6 જૂન, 1957

ભારતીય દર્શનશાસ્ત્રી તથા સંસ્કૃતના વિદ્વાન રામચંદ્ર રાનડેનો જન્મ કર્ણાટકના બગલકોટ જિલ્લાના જમખંડીમાં થયો હતો. તેઓ 1903માં ડેકન કૉલેજમાં દાખલ થયા અને 1907માં સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1911માં ફર્ગ્યુસન કૉલેજમાં અંગ્રેજી ભાષાના ટ્યૂટર તરીકે કાર્ય કર્યું. અહીં પ્રાધ્યાપક વુડહાઉસના પરિચયમાં આવતા દર્શનશાસ્ત્રમાં જિજ્ઞાસા ઉત્પન્ન થતાં 1914માં દર્શનશાસ્ત્ર સાથે એમ.એ.ની પ્રથમ શ્રેણીમાં ઉપાધિ મેળવી ચાન્સેલર સુવર્ણપદક મેળવ્યો. તેઓ ફર્ગ્યુસન કૉલેજમાં જ તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ત્યારબાદ સાંગલીની વિલિંગ્ડન કૉલેજમાં અધ્યાપનનું કાર્ય કર્યું. 1924માં કૉલેજમાંથી ત્યાગપત્ર આપી પુણેની ‘અધ્યાત્મ જીવન’ સંસ્થામાં ‘ઉપનિષદોનું તત્ત્વજ્ઞાન’ નામના ગ્રંથની રચના કરી. સાથે સાથે તેમણે ‘અધ્યાત્મ વિદ્યાપીઠ’ની સ્થાપના કરી અને ભારતીય દર્શનના વિસ્તૃત કોશનો ઇતિહાસ પ્રકાશિત કરવાની યોજના ઘડી. તેમાં ત્રણ ખંડો પ્રકાશિત થયા –  અ કન્સ્ટ્રક્ટિવ સર્વે ઑફ ઉપનિષદીક ફિલૉસૉફી (1926), હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન ફિલૉસૉફી : ક્રિયેટિવ પિરિયડ (1927) અને ફિલૉસૉફિકલ ઍન્ડ અધર એસેઝ : પાર્ટ-1 (1956). આ ઉપરાંત તેમણે મરાઠી ભાષામાં જ્ઞાનેશ્વર વચનામૃત, સંતવચનામૃત, તુકારામ વચનામૃત, રામદાસ વચનામૃત, એકનાથ વચનામૃત, મિસ્ટિસીઝમ ઇન કર્નાટક, ધ ભગવતગીતા એઝ અ ફિલૉસૉફી ઑફ ગોડ રિયલાઇઝેશન થોટ વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે પોતાના દાર્શનિક વિચારો કેટલાક નિબંધો અને પત્રિકાઓ દ્વારા પ્રકાશિત કર્યા હતા. 1922થી 1927 સુધી કર્ણાટકના બીજાપુર પાસે નિંબાલમાં રહી તેમણે અનેક દાર્શનિક ગ્રંથોનું નિર્માણ કર્યું અને નિંબાલમાં અધ્યાત્મ વિદ્યાપીઠની સ્થાપના પણ કરી. તેઓ 1927માં અલાહાબાદ યુનિવર્સિટીના દર્શન વિભાગમાં અધ્યક્ષ તથા પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા હતા. ત્યારબાદ વાઇસ ચાન્સેલર પણ બન્યા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી 26 ઑક્ટોબર, 1947માં સાંગલીમાં અધ્યાત્મ મંદિરની સ્થાપના કરી.