પ્રત્યક્ષ દેખાતો અને સામી વ્યક્તિને વાગતો અહંકાર એ સ્પષ્ટ ને પારદર્શક અહંકાર છે, જ્યારે બીજો અહંકાર એ વ્યક્તિના ભીરતમાં પેદા થતો ગુપ્ત અહંકાર છે. પ્રત્યક્ષ અહંકાર એટલા અર્થમાં સારો ગણાય કે સામી વ્યક્તિને એનો ખ્યાલ આવે છે. ગુપ્ત અહંકાર એનાથી વધુ ભયાવહ ગણાય કે જેનો વ્યક્તિને સ્વયં અણસાર પણ આવતો નથી. એક અહંકાર એવો છે કે જેમાં વ્યક્તિ પોતાનાં રૂપ, ધન કે સત્તાનો અહંકાર કરતી હોય છે, જ્યારે બીજો અહંકાર એવો હોય છે કે એ વ્યક્તિને એમ લાગે કે એ ધન છોડીને ત્યાગી થઈ છે. એને એમ થાય કે એ આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચી છે અથવા તો એણે સાધનાથી અમુક સિદ્ધિ મેળવી છે. પહેલા પ્રકારના અહંકારમાં માનવીની મૂઢતા છે. જ્યારે બીજા પ્રકારના અહંકારમાં એને એની મૂઢતાનો ખ્યાલ પણ હોતો નથી. પહેલી મૂઢતા ઠેર ઠેર જોવા મળશે. બીજી મૂઢતા ક્યાંક જ નજરે પડશે, પરંતુ પહેલી મૂઢતાનો ઇલાજ આસાન છે, જેમાં રોગ નજરોનજર છે; પરંતુ બીજી મૂઢતાનો – અહંકારનો – ઉપચાર મુશ્કેલ છે, કારણ કે એમાં બીમારને સ્વયં પોતાની બીમારીનો ખ્યાલ નથી. એને પરિણામે એના હૃદયમાં એ અહંકાર વધુ ને વધુ ફૂલતો-ફાલતો જાય છે અને દૃઢ આસન જમાવી દે છે. પ્રગટપણે જોવા મળતો અહંકાર સારો એ માટે કે એમાં અહંકારીના અહમનું પ્રાગટ્ય થઈ જાય છે. એનું વિવેચન થાય છે. અન્યને એનો અનુભવ પણ થાય છે. ગુપ્ત અહંકાર અહંકારીના હૃદયમાં સતત ઘૂંટાયા કરે છે અને એ ઘૂંટાયેલો અહંકાર સ્પષ્ટ રૂપે પ્રગટ થવાને બદલે દ્વેષ, કટુતા, તોછડાઈ કે વેરભાવમાં પ્રગટ થતો હોય છે. આ અહંકાર અહંકારીને માટે ઘાતક બને છે.
કુમારપાળ દેસાઈ
