Categories
વાચન સમૃદ્ધિ

પ્રજાનો વિશ્વાસ

ચીનના વિખ્યાત ફિલસૂફ અને શિક્ષક એવા કૉન્ફ્યૂશિયસે (ઈ. સ. પૂ. ૫૫૧થી ઈ. સ. પૂ. ૪૭૯) પોતાના દેશને વ્યવહારુ ડહાપણની સમજ આપી. ચીનમાં વ્યાપક લોકાદર મેળવનાર આ ચિંતકે એની સંસ્કૃતિ પર ગાઢ પ્રભાવ પાડ્યો. બાવીસમા વર્ષે પોતાના ઘરમાં સ્થાપેલી પાઠશાળામાં પ્રાચીન સાહિત્ય, રાજનીતિ, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવતા હતા. કૉન્ફ્યૂશિયસ રાજકારણમાં પણ રસ લેતા હતા અને રાજકીય નેતા પણ હતા. એક વાર એમના એક શિષ્યએ પૂછ્યું, ‘ઉત્તમ સરકાર કોને કહેવાય ?’ કૉન્ફ્યૂશિયસે ઉત્તમ સરકાર માટે ત્રણ બાબતો મહત્ત્વની ગણાવી અને કહ્યું, ‘જે સરકાર લોકોને ભોજન અને શસ્ત્રો પૂરાં પાડી શકે અને લોકોનો વિશ્વાસ જીતી શકે તેને ઉત્તમ સરકાર કહેવાય.’ શિષ્ય વિચારમાં પડ્યો. સરકારે પ્રજાને જરૂરી અન્ન આપવું જોઈએ, શસ્ત્રો દ્વારા એનું સંરક્ષણ કરવું જોઈએ અને લોકવિશ્વાસ સંપાદન કરવો જોઈએ, પણ શિષ્યએ પૂછ્યું, ‘આ ત્રણમાંથી કોઈ એક બાબત છોડી દેવી હોય તો કઈ છોડી દેવી ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘શસ્ત્રસરંજામ.’ વળી શિષ્યએ પ્રશ્ન કર્યો, ‘અને બે ચીજ વગર ચલાવવાનું હોય તો ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘અન્ન. ભોજન વિના લોકો ભૂખે ટળવળીને મરી જાય છે.’ શિષ્યએ વળી પ્રશ્ન કર્યો, ‘તો શું ભોજન અને સંરક્ષણ કરતાં પણ ઉત્તમ સરકારને માટે લોકવિશ્વાસ મહત્ત્વનો છે ?’ કૉન્ફ્યૂશિયસે કહ્યું, ‘જે પ્રજા પોતાની સરકારમાં વિશ્વાસ ગુમાવી બેસે, તે તો ભોજન કરવા છતાં મરેલી જ છે.

Categories
વાચન સમૃદ્ધિ

સેવાની ક્ષણોમાં સદા વસંતનો વાસ છે

જીવનની ધન્ય ક્ષણનું સ્મરણ કરીએ ત્યારે ચિત્ત પર એકાએક સાંપડેલી સિદ્ધિએ આપેલો આનંદ તરી આવશે. કલ્પનાતીત રીતે એકાએક સાંપડેલી સંપત્તિની પ્રાપ્તિનું સ્મરણ ચિત્તમાં ઊછળી આવશે. જે વસ્તુની પ્રાપ્તિ માટે રાત-દિવસ ઝંખના સેવી હોય તે સાંપડતાં એ સમયે આવેલા અંતરના ઊભરાનું સ્મરણ થશે. પ્રિય વ્યક્તિ પામવાના પુરુષાર્થની સફળતાનો ઉમળકો મીઠી લિજ્જત આપશે, પરંતુ સંપત્તિ, સિદ્ધિ કે પ્રિય વ્યક્તિની પ્રાપ્તિનો આનંદ એ એક ક્ષણે ઊછળતા મહાસાગર જેવો જરૂર લાગ્યો હશે, પણ એ આનંદસાગરમાંય દુ:ખની થોડી ખારાશ તો રહેલી જ હતી. એ સિદ્ધિઓની પડખે મર્યાદા હસતી હતી અને અપાર આનંદના પડખે ઊંડી વેદના પડેલી હતી. જીવનની કઈ ક્ષણોએ નિર્ભેળ આનંદ આપ્યો એની ખોજ કરીએ તો એ એવી ક્ષણો કે જ્યારે માનવીએ પોતાને માટે નહીં, પણ બીજાને માટે કશુંક કર્યું હોય. પોતાના જીવનની સ્વકેન્દ્રી ક્ષણોના સ્મરણમાં સમય જતાં પાનખર આવે છે, પણ પરમાર્થની ક્ષણોની લીલીછમ વસંત તો જીવનભર છવાયેલી રહે છે. પોતાની જાતના સુખ માટે ગાળેલો સમય એ સમય સમાપ્ત થતાં જ સુખની સમાપ્તિમાં પરિણમે છે. પોતાના સુખ માટે કરેલો પરિશ્રમ એ જરૂર ઉત્સાહવર્ધક હોય છે, પણ સદૈવ આનંદદાયક હોતો નથી. વ્યક્તિ જ્યારે બીજાને આપે છે ત્યારે એ સ્વયં પામતી હોય છે. માણસ પોતે પોતાના સુખનો વિચાર કરે તે પોતાના દેહ, મન કે પરિવાર સુધી સીમિત રહેતો હોય છે. બીજાના સુખનો વિચાર કરે તો તે એના આત્મામાં આનંદની અનુભૂતિ જગાવે છે. સ્વાર્થથી કદી સંતોષ સાંપડતો નથી. પરમાર્થ સદા સંતોષ આપે છે. જેમણે જીવનમાં પરમાર્થ સેવ્યો છે એમને સદાય જીવનનો સંતોષ પ્રાપ્ત થયો છે. કોઈ સેવાભાવીને જોશો ત્યારે ક્યારેક એમના ચહેરા પર ઉકળાટ, અસંતોષ કે અજંપો જોવા નહીં મળે. એમના મુખની રેખાઓમાંથી સંતોષનો ઉત્સાહ ફૂટતો હશે.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રજાપ્રેમની પાઠશાળા

યુવાન અબ્રાહમ લિંકને ૧૭મા વર્ષે મજૂરી કરવાની શરૂ કરી. દોડવામાં, કૂદવામાં, વજન ઉપાડવામાં કે લાકડાં ચીરવા માટે કુહાડી ચલાવવામાં લિંકનની કોઈ સ્પર્ધા કરી શકે તેમ નહોતું. એણે એક મોટા રૂમાલમાં થોડાંઘણાં કપડાં બાંધી લાકડીને છેડે એ પોટલી લટકાવી, લાકડી ખભા પર ટેકવીને ૧૮૩૫માં પિતાનું ઘર છોડ્યું. એ સીધો ન્યૂ સાલેમ પહોંચ્યો અને ડૅન્ટન ઑફ્ટ નામના ખેડૂતની દુકાનમાં વેચાણ કરવાનું અને હિસાબ રાખવાનું કામ કરવા લાગ્યો. કુહાડી ચલાવનાર, હળ હાંકનાર અને ખેતરમાં મજૂરી કરનાર લિંકનને માટે આ કામ તદ્દન નવું હતું, પરંતુ એ ઉત્સાહભેર કામ કરવા લાગ્યો અને ગ્રાહકોને પ્રેમથી આવકારતો. બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ – બધાને પ્રામાણિકપણે તોલીને માલ આપવા લાગ્યો. એની પ્રામાણિકતા માત્ર વિચારમાં જ નહીં, પણ આચારમાં જોવા મળી. અબ્રાહમ લિંકનના મિલનસાર સ્વભાવને કારણે એની દુકાને ઘરાકી વધવા લાગી. જે કોઈ ગ્રાહક આવે એને માત્ર ઉમળકાથી આવકારે, એટલું જ નહીં, બલ્કે એની સાથે આત્મીયતાનો તંતુ બાંધી દેતો. કોઈને અખબાર વાંચીને સંભળાવતો, તો કોઈની સાથે દેશના રાજકારણની વાતો કરતો. કોઈને રમૂજી ટુચકા કહીને ગમ્મત કરતો. તેથી બનતું એવું કે ઑફ્ટની આ દુકાન ગામલોકોને માટે ચોરો બની ગઈ. ચીજવસ્તુ લેવા કે વેચવા તો આવતા, પરંતુ એની સાથે અબ્રાહમ લિંકન પાસેથી ગામગપાટા સાંભળવાની આશા રાખતા અને આજકાલ બનતી ઘટનાઓની જાણકારી મેળવતા. લિંકન સહુની વાતો પ્રેમથી સાંભળતો, એમનાં સુખદુ:ખની કહાની સાંભળીને એમની સાથે સહાનુભૂતિ દાખવતો અને કોઈને જરૂર હોય તો મદદ પણ કરતો. આવો લિંકન લોકોનો પ્રીતિપાત્ર બની ગયો. ઑફ્ટની આ દુકાન અબ્રાહમ લિંકનને માટે પ્રજાપ્રેમ પ્રાપ્ત કરવાની પાઠશાળા બની રહી.