માનવીને સંકલ્પ જ સિદ્ધિ અપાવે છે, પરંતુ એ સંકલ્પને બદલે માન્યતાઓથી જીવન વ્યતીત કરવાનું વિશેષ પસંદ કરે છે. એની મોટા ભાગની માન્યતાઓનું પીઠબળ ગતાનુગતિકતા, ધાર્મિક ક્રિયાકાંડ કે સામાજિક વ્યવહાર હોય છે. એક સમયે અમુક વિશિષ્ટ સંજોગોમાં જાગેલી આવશ્યકતાને કારણે ધર્મ કે સમાજે પ્રચલિત કરેલી વિચારધારા કાળના પ્રવાહમાં જડ કે શુષ્ક માન્યતા બની જાય છે. આવી માન્યતાઓની પાછળ બધું જ હોય છે, પરંતુ અંત:કરણનું બળ હોતું નથી. એનું આચરણ કરવામાં આવે છે, ત્યારે એ આચરણનો અર્થ વિચારવામાં આવતો નથી. આવી માન્યતાઓ ક્યારેક જીવનને ઉપયોગી બને છે, પરંતુ સંકલ્પનું બળ ખૂટતું હોવાથી એમાં થનગનતો ઉત્સાહ, સતત સ્ફૂર્તિ અને પ્રબળ શક્તિનો અભાવ હોય છે. સંકલ્પ પાસે અવિરત ધગશ અને પ્રયત્નનો વિસ્ફોટ હોય છે. એને સિદ્ધિ કરવા નીકળેલી વ્યક્તિ પાસે ખુમારી અને ખુદ્દારી હોય છે. વળી એ સંકલ્પ સાથે કોઈ વિચાર કે ધ્યેય જોડાયેલું હોવાથી એ માન્યતા કરતાં વધુ સુદૃઢ હોય છે. માન્યતા આજે હોય અને કાલે આથમી પણ ગઈ હોય, આજે જેનું અનુસરણ કરતા હોઈએ તેની આવતી કાલે સદંતર ઉપેક્ષા પણ કરતા હોઈએ. આજે જે માન્યતાને અતિ મહત્ત્વની માનતા હોઈએ, તેને આવતી કાલે સાવ નિરર્થક પણ માનીએ, જ્યારે સંકલ્પ પાસે એક નિશ્ચિત લક્ષ્ય હોવાથી વ્યક્તિ એની સિદ્ધિને માટે નિશાન પ્રતિ છૂટેલા તીરની માફક અવિરત ઉદ્યમવંત રહે છે. માન્યતા પોતે આંકેલી મર્યાદાઓના બંધનમાં જીવવાનો મરણિયો પ્રયાસ કરે છે, જ્યારે સંકલ્પને કોઈ સીમારેખા હોતી નથી. ચીલાચાલુ માર્ગે ચાલતી માન્યતા કશું આપતી કે નવું સર્જતી નથી, જ્યારે સંકલ્પ એ મહાન કાર્યો અને અપૂર્વ સિદ્ધિઓનો જન્મદાતા બને છે.
કુમારપાળ દેસાઈ