માનવમાત્ર સમાન


અમેરિકાના માનવતાવાદી પ્રમુખ અબ્રાહમ લિંકને (ઈ. સ. ૧૮૦૯થી ઈ. સ. ૧૮૬૫) અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન અદભુત સાહસ અને અપ્રતિમ હિંમત બતાવી. આ સમયે ઉત્તરના લશ્કરને ભવ્ય વિજય મળ્યો અને રણભૂમિ પર જ્યાં સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા એ રાષ્ટ્રીય કબ્રસ્તાનને સ્મારક-સ્થળ તરીકે ખુલ્લું મૂકવા માટે એક સમારંભ યોજવામાં આવ્યો. ઉત્તરના લોકોના વિજયની લાગણીને વ્યક્ત કરવા માટે એડવર્ડ એવરેટ નામના દેશના છટાદાર વક્તાને મુખ્ય વક્તવ્ય માટે નિમંત્રણ આપવામાં આવ્યું અને એમણે સતત બે કલાક સુધી પોતાની છટાદાર શૈલીમાં ભાષણ આપ્યું. એ પછી સહુએ પ્રમુખ અબ્રાહમ લિંકનને પ્રસંગોચિત બે શબ્દો કહેવા માટે વિનંતી કરી, ત્યારે લિંકને કહ્યું કે, ‘‘અમેરિકાની સ્વાધીનતાના પાયામાં ‘ઈશ્વરે મનુષ્યમાત્રને સમાન પેદા કર્યા છે,’ એ સૂત્રનું પારખું કરવા મહાન આંતરવિગ્રહ ખેલાઈ ગયો અને એમાં અનેક લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી. પરિણામે એમની આહુતિથી જ આ ભૂમિ પ્રતિષ્ઠિત થયેલી છે. એને પુનિત કરવા કે કીર્તિવંત કરવા આપણે સમર્થ નથી. આપણે તો માત્ર એમણે જે કાર્ય આગળ ધપાવ્યું, તેને પાર પાડવા માટે પ્રયત્ન કરીએ અને તેને માટે આપણી જાતનું સમર્પણ કરીએ. જેને કારણે પ્રજાની, પ્રજા મારફત ચાલતી અને પ્રજા કાજે ચાલતી સરકાર આ પૃથ્વી પરથી કદી નાશ ન પામે.’’ અબ્રાહમ લિંકનના આ બે મિનિટના વક્તવ્યને સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા અને પછી પ્રમુખ લિંકનને મુખ્ય વક્તા એડવર્ડ એવરેટે અભિનંદન આપતાં કહ્યું, ‘મેં જે બે કલાકમાં કહ્યું, એથી વિશેષ તમે બે મિનિટમાં કહ્યું.’

કુમારપાળ દેસાઈ

મૃત્યુ સમયે અજાણી વ્યક્તિ


યમરાજ લાગે છે ====================

ભય પાસે લગીરે શક્તિ નથી. ભયભીત સ્વયં ભયને શક્તિમાન બનાવે છે. ભયને વાગોળી વાગોળીને એ પુષ્ટ કરે છે. ભય એ વ્યક્તિ પરનું કોઈ બાહૃા આક્રમણ નથી, પરંતુ વ્યક્તિના સ્વયંના નિમંત્રણને કારણે એ એના મનભુવનનો અતિથિ બને છે અને પછી માલિક બની જાય છે. ભયની ‘સવારી’ જોવા જેવી છે. પહેલાં વ્યક્તિમાં ભય જાગે કે આ કાર્ય સિદ્ધ થશે કે નહીં અને પછી જો એ ભયવશ થઈ જાય તો એ કાર્ય કરી શકતી નથી. પહેલાં ભય લાગે કે મારો વેપાર ચોપટ તો નહીં થઈ જાય ને ! અને ધીરે ધીરે એનો એ ભય વ્યાપારની રીતરસમોમાં પણ વ્યાપી વળશે. હું બીમાર પડી જઈશ તો શું થશે ? એવો ભય સતત સેવનાર વ્યક્તિ બીમાર પડે છે અને કદાચ એમાંથી ઊગરી જાય તોપણ એનું મન તો રોગગ્રસ્ત બની રહે છે ! કેટલાક ભય વ્યક્તિ સામે ચાલીને ઊભા કરે છે, જેમ કે આ પ્રવાસમાં જઈશ અને અણધાર્યું મૃત્યુ થશે તો ! વિમાન આકાશમાંથી એકાએક તૂટી પડશે તો ? બુઢાપામાં કોઈ ખૂબ પીડાકારી રોગ લાગુ પડશે તો ! ભયનો આવો પ્રવેશ થતાં વ્યક્તિ નિષ્ક્રિય બની જાય છે. પહેલાં મન ભયમાં ડૂબે છે, પછી બુદ્ધિ. એ બુદ્ધિ ભયને બહેકાવતી રહે છે. એની ઇચ્છાશક્તિ ધીરે ધીરે નિર્બળ કરતી રહે છે અને વ્યક્તિનાં અંગો શિથિલ થઈ જાય છે. જેમ જેમ વ્યક્તિ પોતાના ભયને વ્યક્ત કરતી જાય તેમ તેમ એનું મન નકારાત્મક બનતું જાય છે અને પહેલાં બારી વાટે પ્રવેશેલો ભય મનનાં સઘળાં બારણાંઓ પોતાને માટે ખોલી દે છે. રૂઢ માન્યતા, સમય-સંદર્ભ ગુમાવી બેઠેલા રિવાજો, વિચારશૂન્ય ગતાનુગતિકતા અને જડ ઘાલી ગયેલી અંધશ્રદ્ધા ભયનાં પૌષ્ટિક તત્ત્વો છે. એને વૃક્ષમાં ભૂત દેખાય, ઘરમાં પ્રેત ભમતું નજરે પડે અને અવસાન સમયે અજ્ઞાત વ્યક્તિ યમરાજ લાગે છે.

કુમારપાળ દેસાઈ

જે પરસેવે ન્હાય


અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે ચાર ચાર વખત પસંદગી પામનાર અલ સ્મિથનું બાળપણ એવી કારમી ગરીબીમાં વીત્યું હતું કે એમના પિતા અવસાન પામ્યા ત્યારે એની પાસે કૉફિનના પણ પૈસા નહોતા. એમની માતા છત્રીના કારખાનામાં રોજ દસ દસ કલાક કામ કરતી હતી અને એ પછી ઘેર આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીજું પરચૂરણ કામ કર્યા કરતી. અલ સ્મિથ પોતાની પ્રારંભની જિંદગીમાંથી એક જ પાઠ શીખ્યા કે જિંદગી એ ગરીબી કે સંઘર્ષ નથી, પરંતુ આકરી મહેનત છે. સમય જતાં એ રાજકારણમાં પ્રવેશ્યા અને ન્યૂયૉર્ક સ્ટેટની ધારાસભાના સભ્ય બન્યા. રાજકીય બાબતો અંગે એમને કશું સમજાતું નહીં, પરંતુ ખૂબ લાંબાં અને મુશ્કેલ બિલોને એ ઘણો સમય કાઢીને વાંચ્યા કરતા.  એ સ્ટેટ બૅંક કમિશનના સભ્ય બન્યા, ત્યારે કોઈ બૅંકમાં એમનું ખાતું નહોતું ! પરંતુ મહેનત કરીને એમણે બૅંકના કામકાજની સઘળી માહિતી મેળવી. એ દિવસના સોળ સોળ કલાક કામ કરતા હતા અને પોતાના એ વિષયના અજાણપણાને જાણપણામાં ફેરવી નાખતા હતા. એમણે એવી મહેનત કરી કે દેશના રાજકારણમાં એ અતિ મહત્ત્વની વ્યક્તિ બની ગયા અને ન્યૂયૉર્ક ટાઇમ્સે ‘ન્યૂયૉર્કના સૌથી વધુ પ્યારા અને લાડીલા નેતા’ તરીકે એમની પ્રશંસા કરી. ૧૮૨૮માં અમેરિકાની ડેમૉક્રૅટિક પાર્ટીએ અલ સ્મિથને પોતાના પ્રમુખપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. જેને હાઈસ્કૂલમાં ભણવા મળ્યું નહોતું, એવા અલ સ્મિથને એમના અથાગ પરિશ્રમને પરિણામે મેળવેલી સિદ્ધિઓને કારણે અમેરિકાની કોલંબિયા અને હાર્વર્ડ જેવી મહત્ત્વની છ છ યુનિવર્સિટીઓએ માનદ પદવીઓ એનાયત કરી હતી.

કુમારપાળ દેસાઈ