Categories
વાચન સમૃદ્ધિ

મારી હારથી આનંદ

ફિલ્મોના મહાન અભિનેતા, સર્જક અને દિગ્દર્શક ચાર્લી ચૅપ્લિને પાંત્રીસ જેટલી ટૂંકી સ્લેપસ્ટિક કૉમેડીમાં પોતાની અભિનયક્ષમતા દાખવી અને એમની કારકિર્દીનાં ત્રીસ વર્ષમાં એમણે કરેલી મોટા ભાગની કૉમેડી ફિલ્મોમાં રસ્તે રઝળતા રખડું(ટ્રમ્પ)નું રમૂજી પાત્ર ભજવ્યું અને તે સતત વિકસતું રહ્યું. લઘરવઘર વસ્ત્રપરિધાન, બહાદુરી સાથે ડરપોકપણાનું સંમિશ્રણ, જુસ્સાભર્યો સ્વતંત્ર મિજાજ, અસંગત ગણાતું વરણાગિયાપણું, નારીરક્ષક હોવાની લાક્ષણિકતા સાથે ડોકાઈ જતી નારીપીડનવૃત્તિ અને એ બધાની સાથે ચૅપ્લિનની આગવી હાજરબુદ્ધિ. એને પરિણામે આ પાત્ર અત્યંત સફળ થયું. આ પાત્રએ આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એનાં ગીતો રચાવા લાગ્યાં. એની બાળરમતો યોજાતી અને રખડુની લાક્ષણિકતા ધરાવતી નાની નાની પ્રતિકૃતિ પૂતળા રૂપે એક ડૉલરમાં બજારમાં વેચાતી મળતી હતી. આ પાત્રની લાક્ષણિકતાએ સઘળા સાંસ્કૃતિક ભેદો ઓગાળી નાખ્યા હતા. આમ 1914માં ‘કિડ ઓટો રેસ ઇન વેનિસ’માં આપેલા રખડું વરણાગિયાના પ્રતીક પાત્રનો 1940માં ‘ધ ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મથી અંત આવ્યો. એક વાર ચાર્લી ચૅપ્લિનના આ રખડુ વરણાગિયાના પાત્રનું અનુકરણ કરવાની જર્મનીના એક શહેરમાં સ્પર્ધા યોજાઈ. જુદા જુદા અદાકારોએ આ રખડુ વરણાગિયાના અભિનયની નકલ કરવાનો પ્રયત્ન કર્યો. આવી સ્પર્ધાનું બોર્ડ વાંચીને ચાર્લી ચૅપ્લિને પણ એમાં ભાગ લીધો અને એમણે ચાર્લી ચૅપ્લિન જેવા અભિનય કરતા અદાકારોની વચ્ચે ઝુકાવ્યું. સ્પર્ધાનું આંચકાજનક પરિણામ આવ્યું અને સાચા ચાર્લી ચૅપ્લિનનો નકલ કરવાની સ્પર્ધામાં પરાજય થયો ! એક બીજો અદાકાર આ સ્પર્ધા જીતી ગયો. ત્યારે ચૅપ્લિને કહ્યું, ‘મારા દેખાવ અને અભિનયની નકલ બધા કરી શકે, પરંતુ અભિનયના મારા અંદાજની અને મારી બુદ્ધિની નહીં. મને મારી હારથી આનંદ થયો, કારણ કે હું સાચો ચૅપ્લિન છું, બે નંબરી નહીં.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જિંદગી યાત્રા બનતી નથી !

પ્રવાસે નીકળેલો માનવી ડગલે ને પગલે કેટલી બધી સાવચેતી અને અગમચેતીથી વર્તતો હોય છે ! પોતાના સામાન પર એની સતત ચાંપતી દેખરેખ હોય છે અને જરૂર પડે એની આસપાસ પરિવારજનોનો કડક જાપતો ગોઠવે છે. પ્રવાસ દરમિયાન કોઈ અન્ય પ્રવાસી પર ગુસ્સો કરવાની પરિસ્થિતિ જાગે, તો એ મનોમન ગુસ્સો દબાવી રાખતો હોય છે. વિચારતો હોય છે કે આના ગેરવર્તનને સાંખી લેવું સારું, પરંતુ પ્રવાસમાં કોઈનીય સાથે ઝઘડો કરવો એ પોસાય નહીં. પ્રવાસમાં ભોજનની બરાબર તકેદારી રાખે છે અને જે સ્ટેશને ઊતરવાનું હોય, એ સ્ટેશન આવતાં પહેલાં વહેલાસર સામાન બરાબર બાંધીને તૈયારી કરતો હોય છે. વળી સ્ટેશન પર સામાન ઉતારે ત્યારે છેલ્લે છેલ્લે એ પણ જોઈ લેતો હોય છે કે ડબ્બામાં પોતે કશું ભૂલી ગયો તો નથી ને ! આપણે પ્રવાસમાં જે તકેદારી રાખીએ છીએ એવી તકેદારી આપણા જીવન પરત્વે રાખીએ છીએ ખરા ? જીવનમાં એટલો બધો સામાન એકઠો કરીએ છીએ કે ચીજ-વસ્તુઓના ખડકલા નીચે માનવીનું જીવન દબાઈ-કચડાઈ જાય છે. પ્રત્યેક પળ પોતાના સામાન પર નજર રાખનાર જિંદગીનો ઘણો સમય વ્યર્થ બરબાદ કરી નાખે છે. પ્રવાસમાં એ પોતાનો ગુસ્સો ડામી દેતો હોય છે, પરંતુ ઘર-સંસારની બાબતમાં એવું ધૈર્ય બતાવતો હોય છે ખરો ? ભોજન જેટલી તકેદારીથી ચિત્તને સમૃદ્ધ કરવા માટે તકેદારી રાખે છે ખરો ? ડબ્બામાં કોઈ સામાન બચ્યો નથી એ જુએ છે, પણ પોતાના હૃદયના કોઈ ખૂણે દુર્વૃત્તિનો કચરો પડ્યો હોય તો  એની પરવા કરતો નથી. જિંદગીને યાત્રા ગણવામાં આવે છે, પરંતુ જિંદગી યાત્રા જેવી ત્યારે જ બને કે જ્યારે એમાં આવી જાગૃતિ હોય. આવું ન બને તો એ હેતુવિહીન, વ્યર્થ રખડપટ્ટી બનીને રહી જાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

દેવું ચૂકવી દીધું

અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકન સામાન્ય માનવીની વાસ્તવિક સ્થિતિને બરાબર પારખતા હતા. તેઓ સ્વયં એક નિરક્ષર અને ગરીબ છોકરામાંથી આપબળે આગળ વધીને અમેરિકાના પ્રમુખ બન્યા હતા. વળી એક વાર નહીં, પણ બે વાર પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એમનું જીવન નિરંતર યુદ્ધ જેવું પસાર થયું. એ સમયે અમેરિકામાં ચાર ચાર વર્ષ સુધી દક્ષિણ અને ઉત્તરનાં લશ્કરો વચ્ચે આંતરવિગ્રહ ચાલ્યો અને એ સમયે પ્રમુખ અબ્રાહમ લિંકનને આ કાંટાળો તાજ પોતાના શિરે ધારણ કરવો પડ્યો. એક વાર સૈન્યનું નિરીક્ષણ કરવા આવેલા અબ્રાહમ લિંકન સમક્ષ વિલિયન સ્કોટ નામના યુવાનને હાજર કરવામાં આવ્યો. એના પર એવો આરોપ હતો કે એ ચોકી કરવાને સ્થળે ઊંઘી ગયો હતો અને તેથી તેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી. લિંકનના કરુણાભર્યા હૃદયને આવું ક્યાંથી પસંદ પડે ? એટલે એમણે એ યુવાનને કહ્યું, ‘તું મારું બિલ ચૂકવી આપીશ, તો તને ઠાર કરવામાં નહીં આવે.’ આ વાત સાંભળીને સૈનિક વિલિયમ સ્કોટ વિચારમાં પડી ગયો. એણે કહ્યું, ‘હું મારી સઘળી મિલકત ગિરવે મૂકીને આપને વધારેમાં વધારે છસો ડૉલર આપી શકું તેમ છું.’ ત્યારે લિંકને હસીને કહ્યું, ‘ના, તારે તારું દેવું સૈનિક તરીકેની તારી ફરજ બજાવીને ચૂકવવું પડશે.’ આ વાતને છ મહિના વીતી ગયા અને એક ખૂંખાર લડાઈમાં લિંકનના સૈનિકો નદી ઓળંગતા હતા, ત્યારે ઘણા સૈનિકોને તરતાં આવડતું નહોતું. વિલિયમ સ્કોટ તરવાનું જાણતો હતો, તેથી એણે જાનના જોખમે છ સૈનિકોને નદીની પાર ઉતાર્યા. એ સાતમા સૈનિકને તરતો તરતો નદીપાર લાવતો હતો, ત્યાં દુશ્મનની ગોળી એના માથા પર વાગી અને એણે જળસમાધિ લીધી. લિંકન પાસેથી મૃત્યુદંડમાંથી ક્ષમા પામેલા વિલિયમ સ્કોટે પોતાનું બલિદાન આપીને પ્રમુખનું દેવું ચૂકવ્યું !