Categories
વાચન સમૃદ્ધિ

રામ જેઠમલાની

જ. ૧૪ સપ્ટેમ્બર, ૧૯૨૩ અ. ૮ સપ્ટેમ્બર, ૨૦૧૯

સુપ્રસિદ્ધ ભારતીય વકીલ અને રાજનીતિજ્ઞ રામ જેઠમલાનીનો જન્મ બ્રિટિશ ભારતના શિકારપુર શહેરમાં (જે હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલ છે) થયો હતો. તેમનું મૂળ નામ રામમૂલચન્દ જેઠમલાની હતું પણ બાળપણમાં રામ નામથી બોલાવતા હોવાથી આગળ જતાં પણ તે જ નામથી મશહૂર થયા. શિક્ષણમાં તેજસ્વી હોવાથી બે-બે ધોરણો એકસાથે પાસ કરી ૧૩ વર્ષની વયે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી લીધી હતી. ૧૭ વર્ષની વયે એલએલ.બી.ની ઉપાધિ પણ મેળવી લીધી પણ તે સમયે ૨૧ વર્ષની ઉંમરે જ વકીલાત કરી શકાય તેવો નિયમ હતો. આમ છતાં ખાસ વિશેષ પ્રસ્તાવ પાસ કરી તેમને ૧૮ વર્ષની ઉંમરે વકીલાત કરવાની રજા આપવામાં આવી હતી. ત્યારબાદ કરાંચીની એસ. સી. સાહની કૉલેજમાંથી તેમણે એલએલ.એમ.ની ઉપાધિ મેળવી હતી. ૧૯૫૪માં તેઓએ મુંબઈની ગવર્નમેન્ટ લૉ કૉલેજમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. આ ઉપરાંત અમેરિકાના મિશિગન રાજ્યના ડેટ્રોઇટ શહેરમાં ‘વેઈન સ્ટેટ યુનિવર્સિટી’માં ‘કમ્પેરીટિવ લૉ’ના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ એક સારા રાજકારણી હોવાના નાતે છઠ્ઠી અને સાતમી લોકસભામાં મુંબઈમાંથી જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓએ અટલબિહારી બાજપાયીની સરકારમાં કેન્દ્રીય કાયદામંત્રી, શહેરી વિકાસમંત્રી અને ન્યાયમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો પણ એક વિવાદાસ્પદ કથનને લીધે મતભેદ થયા. ૨૦૦૪માં લખનઉની લોકસભા માટે તેઓ વાજપેયીની સામે ચૂંટણી લડ્યા હતા પણ તેમની હાર થઈ હતી. ૧૯૯૬માં તેઓ ‘ઇન્ટરનેશનલ બાર ઍસોસિયેશનના સભ્ય બન્યા હતા. ત્યારબાદ ૭મી મે, ૨૦૧૦માં તેમને સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ભાજપમાં પાછા ફર્યા.  તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત હતા. તેમણે ઘણાં બધાં પુસ્તકો લખ્યાં છે. જેમાં ‘બીગ ઇગોઝ, સ્મોલ મૅન’, ‘કોન્ફ્લિક્ટ ઑફ લૉઝ’ (૧૯૫૫), ‘કોન્સિયન્સ ઑફ અ મેવરીક’, ‘જસ્ટિસ : સોવિયેટ સ્ટાઇલ’, ‘મેવરીક : અનચેન્જડ્, અનરીપેન્ટન્ટ’. આ ઉપરાંત બીજા લેખકોના સહયોગમાં પણ તેમણે બીજાં પુસ્તકો લખ્યાં છે. તેમના ન્યાયશાસ્ત્રના પ્રદાન માટે તેમને ‘ઇન્ટરનેશનલ જ્યૂરિસ્ટ ઍવૉર્ડ’,  ‘૧૯૭૭ – હ્યુમન રાઇટ્સ ઍવૉર્ડ બાય વર્લ્ડ પીસ થ્રૂ લૉ’ એનાયત થયા છે.

Categories
વાચન સમૃદ્ધિ

અર્થી બંધાય, તે પહેલાં જીવનનો અર્થ પામીએ !

રસ્તા પરથી પસાર થતી નનામી જોતાં વિચાર આવે કે નનામી પર એક વ્યક્તિ સૂતી છે અને તમે જાગો છો. એ ચિર નિદ્રામાં છે અને તમે  સતત જાગ્રત અવસ્થામાં ચાલો છો. આ જગત પરથી એની વિદાય નિશ્ચિત છે અને હજુ તમારી વિદાય ક્યારે છે તે અનિશ્ચિત છે, પરંતુ તમારી નિશ્ચિત વિદાય આવે તે પહેલાં આ અનિશ્ચિત જીવનનો સાર્થક ઉપયોગ કરવાની તમારી પાસે તક છે, આથી જ પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ એ તમારે માટે એક પડકાર છે અને તત્કાળ જાગ્રત થવાનો સંદેશ છે. એ નનામી પર સૂતેલા માણસ વિશે કોઈ એમ કહેશે કે ‘એ બિચારો ચાલ્યો ગયો’, તમે હજી એવા ‘બિચારા’ થયા નથી, પરંતુ જો સમયસર જીવનનો અર્થ સમજ્યા નહીં, તો તમે પણ ‘બિચારા’ બનીને વિદાય પામશો. એનો અર્થ જ એ કે અર્થી બંધાય તે પહેલાં જીવનનો અર્થ જાણી લેવો જોઈએ, નહીં તો મહાઅનર્થ થઈ જશે. રસ્તા પરથી પસાર થતી નનામી તમને સવાલ કરે છે કે તમે નામી છો કે બદનામી છો ? નામી છો તો નનામી પર વિદાય લેવી સાર્થક છે અને બદનામી છો, તો તમારી નનામી નિરર્થક છે, કારણ કે જેનું મૃત્યુ નિરર્થક એનું જીવન અર્થહીન. આખરે તો મૃત્યુ એ જીવનમાં ગાળેલા અને ગણેલા ગણિતના આંકડાઓનો અંતિમ સરવાળો છે. સ્મશાનયાત્રા એ માનવીને માટે અંતરયાત્રા બને છે. યાત્રા ઊર્ધ્વીકરણ માટે હોય છે. વ્યક્તિ જેમ જેમ યાત્રા કરતી જાય તેમ તેમ ભીતરથી ઊર્ધ્વીકરણ સાધતી જાય છે. આથી બને છે એવું કે સ્મશાને સહુ કોઈ જાય છે, સ્મશાનયાત્રામાં કોઈ જતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

મેજર રામાસ્વામી પરમેશ્વરન

જ. ૧૩ સપ્ટેમ્બર, ૧૯૪૬ અ. ૨૫ નવેમ્બર, ૧૯૮૭

‘પેરી સાબ’ના હુલામણા નામે જાણીતા મેજર રામાસ્વામી પરમેશ્વરનનો જન્મ મુંબઈમાં તમિળ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા કે. એસ. રામાસ્વામી અને માતા જાનકી. તેમણે ૧૯૬૩માં સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી (SIES) હાઈસ્કૂલમાંથી શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૬૮માં SIES કૉલેજમાંથી વિજ્ઞાન વિષયમાં સ્નાતક થયા. પછી તેઓ ચેન્નાઈની ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીમાં જોડાયા અને ૧૯૭૨માં પાસ થયા. ૧૫મી મહાર રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ૮ વર્ષ સેવા આપી. તેઓ ૧૯૭૪માં લેફ્ટનન્ટ, ૧૯૭૯માં કૅપ્ટન અને ૧૯૮૪માં મેજર બન્યા. શ્રીલંકામાં ‘ઑપરેશન પવન’ માટે આઠમી મહાર બટાલિયનમાં તેમને શ્રીલંકા મોકલવામાં આવ્યા. ૨૪ નવેમ્બર, ૧૯૮૭ના રોજ રામાસ્વામીને બાતમી મળી કે કંતારોદાઈ ગામના ધર્મલિંગમને ત્યાં હથિયારો આવવાનાં છે. તેમણે કૅપ્ટન ડી. આર. શર્માને દસ જવાનો સાથે મોકલ્યા. રસ્તામાં મંદિર પાસે પહોંચતાં જ ટુકડી પર ગોળીબાર શરૂ થયો. આગળ વધવાનું શક્ય ન બનતાં રામાસ્વામી વીસ જવાનો સાથે કંતારોદાઈ પહોંચ્યા. ધર્મલિંગમના ઘરમાંથી કશું ન મળ્યું. પાછા ફરતી વખતે તમિળ ટાઇગર્સે તેમના પર હુમલો કર્યો. પોતાના સૈનિકોને બચાવવા તેમણે દસ સૈનિકોને સાથે લઈ દુશ્મનોને ઘેરવાની યોજના બનાવી. પોતાની સલામતીની ચિંતા કર્યા વગર તેઓ પેટથી ઘસડાઈને નાળિયેરીના બગીચા તરફ આગળ વધ્યા. એક ગોળી તેમના ડાબા કાંડા પર વાગી. તેમનો ડાબો હાથ લગભગ કપાઈ ગયો. તેમણે જમણા હાથથી ગોળીબાર ચાલુ રાખ્યો. તેમણે એક તમિળ ટાઇગરની રાઇફલ છીનવી તેને ગોળી મારી અને લડવાનું ચાલુ રાખ્યું. એ વખતે હેવી મોટર ગનની ગોળીઓ તેમની છાતીમાં વાગી. તેઓ સાથીદારોને દોરવણી આપતાં આપતાં વીરગતિ પામ્યા. બહાદુરી અને નિષ્ઠાપૂર્વક પોતાના સાથીદારોની જિંદગી બચાવવાના કાર્ય બદલ ભારત સરકારે લશ્કરના સર્વોચ્ચ સન્માન પરમવીરચક્ર(મરણોત્તર)થી તેમને નવાજ્યા. આર્મી વેલ્ફેર હાઉસિંગ ઑર્ગેનાઇઝેશન(AWHO)એ ૧૯૯૮માં તેમની યાદમાં ચેન્નાઈમાં આર્કોટ રોડ પરથી એક વસાહતનું નામ AWHO પરમેશ્વરન વિહાર રાખ્યું છે.