Categories
વાચન સમૃદ્ધિ

‘હું’ને હંમેશાં મૃત્યુ ડરામણું લાગે છે

અહંકાર અને અવસાન વચ્ચે ગાઢ દોસ્તી છે. બંનેનો સંબંધ ‘હું’ સાથે છે અને બંને વ્યક્તિના જીવન પર એટલાં જ પ્રભાવક હોય છે. આ ‘હું’ને કારણે અહંકારી માનવી પોતાના માન અને તાનમાં જીવે છે અને આ ‘હું’ને કારણે મૃત્યુગામી માનવી સતત ‘હું’ના મૃત્યુના ભયમાં જીવે છે. ‘આ મેં કર્યું, અથવા તો ‘જો હું ન હોત તો આ થાત નહીં’ એમ કહેનારી અહંકારી વ્યક્તિનો ‘હું’ સતત મોટો થાય છે, પછી એ ‘હું’ જ એની પાસે પોષણ માગે છે અને એટલે જ એના પ્રત્યે કામમાં કે એની દરેક વાતમાં એનો ‘હું’ જ મૂરખ બનીને આગળ રહે છે. આવી જ રીતે ‘હું મૃત્યુ પામીશ’ એમ વ્યક્તિ માનતી હોય છે. હકીકતમાં એની જીવનયાત્રા તો સતત ચાલતી હોય છે, છતાં એને એના ‘હું’ના મૃત્યુનો ભય છે. એ અવસાનને જ જીવનનો અંત માની બેઠી છે અને તેથી જ એના ‘હું’ને મારી નાખનારું મૃત્યુ એને ડરામણું અને ભયાવહ લાગે છે. ‘હું’ જાય તો જીવનમાંથી અહંકાર જાય છે. ‘હું’ ઓગળી જાય તો મૃત્યુનો ભય ચાલ્યો જાય અને એવું થાય તો વ્યક્તિ પોતાના જીવનની ધારાને સમજી શકે છે. અહંકાર જીવનમાં દીવાલો બાંધે અને પછી એ દીવાલોમાં જ અહંકારી કેદ બની જાય છે. આસપાસની ચારે દીવાલોમાં પોતાનું એકચક્રી સામ્રાજ્ય ઊભું કરીને અહંકારનું પોષણ કરે છે. એનો અહંકાર વસતો હોય છે એના હૃદયમાં; પરંતુ પ્રગટ થતો હોય છે એની વાણી, ચેષ્ટા, વર્તન અને વિચારમાં. આવા અહંકારી પાસે માત્ર પોતાની આંખો હોય છે. બીજાની નજરે જોવાની દૃષ્ટિ એને મળી હોતી નથી.

Categories
વાચન સમૃદ્ધિ

મહેતા, યશોધર નર્મદાશંકર

જ. ૨૪ ઑગસ્ટ, ૧૯૦૯ અ. ૨૯ જૂન, ૧૯૮૯

ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે ૧૯૩૨માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. ૧૯૪૦માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારનાં જુદાં જુદાં કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા. તેમણે લખેલાં નાટકોનાં પુસ્તકોમાં ‘રણછોડલાલ અને બીજાં નાટકો’ (૧૯૪૭), ‘મંબો જંબો’ (૧૯૫૧), ‘ઘેલો બબલ’ (૧૯૫૨) અને ‘સમર્પણ’ (૧૯૫૭) ઉલ્લેખનીય છે. ‘રણછોડલાલ’ અમદાવાદને ઔદ્યોગિક નગર બનાવનાર ઉદ્યોગપતિ રણછોડલાલના જીવનને આલેખતું ચરિત્રલક્ષી નાટક છે. ‘મંબો જંબો’ અને ‘ઘેલો બબલ’ પ્રહસનો છે, તો ‘સમર્પણ’ રેડિયોનાટક છે. ‘સરી જતી રેતી’ ભાગ ૧-૨ (૧૯૫૦, ૧૯૫૨), ‘મહારાત્રિ’ (૧૯૫૪), ‘વહી જતી જેલમ‘ (૧૯૫૫), ‘તુંગનાથ (૧૯૫૭), ‘સંધ્યારાગ (૧૯૬૩), ‘મહમદ ગઝની’ (૧૯૬૬) તેમણે લખેલી નવલકથા છે. ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનાં નેવું વર્ષના ગુજરાતના જાહેર સાંસ્કૃતિક જીવનને આલેખતી ચાર ભાગમાં લખાયેલી નવલકથા ‘નેવું વર્ષ’ (૧૯૭૪-૧૯૮૩) ઉલ્લેખનીય કૃતિ છે. ચરિત્રોનાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે; જેમ કે, ‘કીમિયાગરો’ (૧૯૫૧), ‘પ્રેમગંગા’ (૧૯૫૪) અને ‘રસનંદા’ (૧૯૫૪) વગેરે. ‘શ્રી નંદા’ (૧૯૫૮) અને ‘૪૪ રાત્રિઓ’ (૧૯૬૦) પ્રવાસવર્ણનનાં; ‘સરી જતી કલમ’ (૧૯૫૪), ‘યશોધારા’ (૧૯૫૬), ‘શિવસદનનું સ્નેહકારણ’ (૧૯૫૯) હળવા નિબંધનાં પુસ્તકો; ‘નદીઓ-નગરો’ (૧૯૫૦) રેડિયો-વાર્તાલાપોનું પુસ્તક છે. અધ્યાત્મના અનુભવો ‘અગમનિગમ‘ (૧૯૫૯), ‘શૂન્યતા અને શાંતિ’ (૧૯૬૨), ‘ઋષિઓનું સ્વરાજ્ય’ (૧૯૬૭), ‘શ્રદ્ધાની રાત્રિ’ (૧૯૬૯), ‘આનંદધારા’ (૧૯૬૯), ‘સાક્ષાત્કારને રસ્તે’ (૧૯૭૨), ‘શ્રદ્ધા અને અનુભૂતિ’ (૧૯૭૫) અને ‘સમાપ્તિ’ (૧૯૭૭)માં સમાયેલા છે. ‘ભાવિના ભેદ’ (૧૯૫૪), ‘ભાવિના ગગનમાં’ (૧૯૬૬), ‘ભાવિના મર્મ’ (૧૯૭૮) વગેરે ગ્રંથો તેમની જ્યોતિષ વિષયની પારંગતતાના દ્યોતક છે. તેમના વિદ્વાન પિતા શ્રી નર્મદાશંકર મહેતા વિશેના ‘નર્મદાશંકર મહેતા સ્મારક ગ્રંથ’(૧૯૬૮)ના સંપાદનમાં અન્ય સાથે તેમનો પણ ફાળો રહ્યો છે. અંગ્રેજીમાં પણ તેમના કેટલાક ગ્રંથો પ્રકાશિત થયા હતા. ૧૯૪૬માં તેમને ‘કુમાર ચંદ્રક’ પ્રાપ્ત થયેલો. તેમનું હૃદયરોગથી અવસાન થયેલું.

Categories
વાચન સમૃદ્ધિ

ટ્રૅમ્પ (પરિવહન)

બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે દરિયાઈ મુસાફરીને લાયક સુસજ્જ જહાજ આવી પહોંચશે તેવી ખાતરી જહાજમાલિક આપે છે અને સામે પક્ષે ઠરાવેલી સંખ્યાના દિવસમાં માલજહાજમાં એક બંદરેથી ચડાવવામાં તથા બીજા બંદરે ઉતારવામાં અને તેમાં કસૂર થાય તો વિલંબ-શુલ્ક (demurrage) ભરવામાં આવશે તેવી કબૂલાત જહાજ ભાડે રાખનાર આપે છે. સમય કરારપદ્ધતિમાં નિર્દિષ્ટ સમય માટે જહાજ ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરાર કરતાં સમય કરારપદ્ધતિ વધારે પ્રચલિત છે અને તેલવાહક જહાજ (tanker) અને અતિકાય તેલવાહક જહાજ (very large crude carriers – VLCC)ની બાબતમાં તો તે સર્વસામાન્ય છે. ટ્રૅમ્પને ભાડે મેળવી આપવાનું કામ જહાજી આડતિયા કે દલાલ કરતા હોય છે.

અતિકાય તેલવાહક જહાજ

ટ્રૅમ્પથી વિરુદ્ધ પ્રકારના જહાજને નિયમિત સેવા-જહાજ (liner) કહે છે. તે વર્ગીકૃત (scheduled) સમુદ્રમાર્ગ ઉપર આવતુંજતું હોય છે. સ્થાપિત થયેલા દરેક માર્ગ ઉપર ઘણી કંપનીઓનાં નિયમિત સેવા-જહાજ ફરતાં હોય છે અને તેમની વચ્ચે નૂર-યુદ્ધ (freight war) ન થાય તે હેતુથી જહાજમાલિકોની પરિષદ આવા દરેક સ્થાપિત માર્ગ ઉપરના પરિવહનનું નૂર નક્કી કરતી હોય છે. કપાસ, ઘઉં અને ખાંડ જેવા ઋતુ અનુસાર તૈયાર થતા કૃષિપાકોના વિપુલ જથ્થાને આખા વર્ષમાંથી ફક્ત ચોક્કસ સમયે પરિવહન કરવાના તથા ઇંગ્લૅન્ડ જેવા કેટલાક દેશોમાંથી ખનિજકોલસાને મોટા પાયા ઉપર દક્ષિણ અમેરિકા જેવા ખંડમાં  પરિવહન કરવાના પ્રસંગ ઊભા થાય છે ત્યારે આવા અતિ વિશાળ કાર્યને નિયમિત સેવા-જહાજ પહોંચી વળી શકતાં નથી. તે સમયે ટ્રૅમ્પ પૂરક સેવા પૂરી પાડે છે. વિશ્વ વ્યાપારમાં ટ્રૅમ્પની જરૂરિયાત બહુ-આયામી (multi-dimensional) પ્રકારની હોવાથી નિયમિત સેવા-જહાજની આવકની સરખામણીમાં ટ્રૅમ્પની આવક તીવ્ર ચઢાવ-ઉતારવાળી હોય છે. તાજેતરમાં ટ્રૅમ્પની સંખ્યામાં ઘટાડો થયો છે, કારણ કે વધુ અને વધુ બહુરાષ્ટ્રીય ઔદ્યોગિક ગૃહોએ પોતાની જરૂરિયાતને અનુરૂપ વિશિષ્ટ રચનામાં પોતાની માલિકીનાં જહાજનો ઉપયોગ કરવાનું વલણ લેવા માંડ્યું છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮