Categories
વાચન સમૃદ્ધિ

અલી સરદાર જાફરી

જ. ૨૯ નવેમ્બર, ૧૯૧૩ અ. ૧ ઑગસ્ટ, ૨૦૦૦

ઉર્દૂ ભાષાના જાણીતા લેખક, વિવેચક અલી સૈયદ જાફરીનો જન્મ ઉત્તરપ્રદેશના બલરામપુર શહેરમાં થયો હતો. કૌટુંબિક નામને કારણે સાહિત્યિક વર્તુળોમાં સરદાર જાફરી નામે ઓળખાતા થયા. ૧૯૩૩માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં દાખલ થયા. દરમિયાન માર્ક્સની વિચારસરણી તરફ આકર્ષાયા. ૧૯૩૬માં અંગ્રેજી શાસન વિરુદ્ધ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ યુનિવર્સિટી છોડવી પડી. ત્યારબાદ ૧૯૩૮માં દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અનુસ્નાતક અભ્યાસ લખનૌ યુનિવર્સિટીમાંથી પૂરો કર્યો, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે યુદ્ધવિરોધી કવિતા કર્યા બદલ અટકાયત થવાથી પરીક્ષા આપી શક્યા નહિ અને નજરકેદ થયા. લેખક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ૧૯૩૮માં ટૂંકી વાર્તાઓના સંગ્રહ ‘મંઝીલ’થી થયો. ૧૯૪૪માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરવાઝ’ પ્રગટ થયો. ૧૯૩૬માં પ્રગતિશીલ લેખક સંઘ સ્થપાયો. ૧૯૩૮માં તેની કૉલકાતા પરિષદ વખતે સરદાર જાફરી તેમાં જોડાયા. ૧૯૩૯માં તેઓ સંઘની પત્રિકા ‘નયા અદબ’ના સહસંપાદક બન્યા.

લાલ કિલ્લા, સાબરમતી હરિજન આશ્રમ, તીનમૂર્તિભવન આદિના ધ્વનિપ્રકાશ કાર્યક્રમોનું આલેખન કર્યું. ‘સંત કબીર’, ‘મહંમદ ઇકબાલ’ અને ‘હિન્દુસ્તાન હમારા’ એ દસ્તાવેજી ચિત્રો તથા ‘કહકશાં’ નામે ટીવી શ્રેણી તૈયાર કર્યાં. સૈયદ જાફરી તેમનાં લખાણો તથા તેમાં વ્યક્ત થતા ક્રાંતિપ્રેરક વિચારો માટે  અમુક વર્ગમાં ભારે ચાહના પામ્યા હતા. તેમણે ‘ગુફતગુ નામના સામયિકનું પણ સંપાદન કર્યું હતું. તેમણે લખેલો છેલ્લો સાહિત્ય સંગ્રહ ‘સરહદ’, તે વખતના ભારતના પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈ ૧૯૯૯માં લાહોર બસયાત્રામાં તેમની સાથે લઈ ગયા હતા અને પાકિસ્તાનના તે વખતના વડાપ્રધાન નવાઝ શરીફને ભેટ આપ્યો હતો. તેમનાં જાણીતાં કાવ્યસંગ્રહોમાં ‘પરવાઝ’, ‘કિસકા ખૂન હૈ’, ‘નઈ દુનિયા કો સલામ’, ‘ખૂન કી લકીર’, ‘પથ્થર કી દીવાર’ વગેરેનો સમાવેશ થાય છે. ‘મંઝીલ’, ‘લખનઉ કી પાંચ રાતે’, ‘ઇકબાલ શનાસી’ તેમનાં ગદ્યનાં પુસ્તકો છે. ‘દીવાને ગાલિબ’, ‘દીવાને મીર’, ‘કબીરબાની’, ‘પ્રેમબાની’ તેમનાં સંપાદિત પુસ્તકો છે. તેમનાં કાવ્યોનું જુદી જુદી ભાષાઓમાં ભાષાંતર થયેલ છે.

તેમને અર્પણ થયેલા નોંધપાત્ર પુરસ્કારોમાં જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૯૭), પદ્મશ્રી (૧૯૬૭), જવાહરલાલ નહેરુ ફેલોશિપ (૧૯૭૧), ડી. લિટ્. માનાર્હ ઉપાધિ – અલીગઢ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શિસ્ત

આખા સમાજની સુવિધા અને વ્યવસ્થા જાળવવા માટે ઘડાયેલા નિયમોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની વૃત્તિપ્રવૃત્તિ, જેનો ભંગ એ અશિસ્ત ગણાય છે.

શિસ્તનું સ્વરૂપ ક્ષેત્ર પ્રમાણેનું હોવાનું. લશ્કરમાં શિસ્તનું ચુસ્ત પાલન એ ગુણ ગણાશે, કારણ કે તેમાં જીવન-મરણનો પ્રશ્ન હોય છે. નોકરી, ધંધો, ઉદ્યોગમાં અન્યની સુવિધા, કાળજી અને સન્માન જાળવવા વિવેકપુર:સરનું નિયમપાલન જરૂરી હોય છે. ઘર, શાળા અને મનુષ્યત્વના વિકાસની પ્રવૃત્તિઓમાં શિસ્ત પ્રેમાધારિત અને ગુણવિકાસ તથા સંવાદી જીવન માટે હોય છે.

શિસ્ત ન હોય તો અરાજક્તા ફેલાય. વળી એકલી શિસ્તને જડતાપૂર્વક મહત્ત્વ અપાય તો એ ત્રાસરૂપ બની જાય છે. એટલે કટોકટી, યુદ્ધ કે લશ્કર સિવાયના રોજબરોજના જીવનમાં શિસ્ત સહજ વલણ રૂપે પ્રગટ થાય એ ઇષ્ટ સ્થિતિ છે. જે પ્રજા સ્વેચ્છાએ શિસ્ત જાળવે છે, સૌ માટે ઘડાયેલા નિયમો સ્વેચ્છાએ પાળે છે તે વધુ વિકસિત ગણાય છે. મનુષ્ય એકલો રહેતો હોય તો શિસ્તના પ્રશ્નો ઉદભવતા નથી; પરંતુ મનુષ્ય સમાજમાં  રહે છે, વિવિધ પ્રકારના માનસવાળા લોકો સાથે રહે છે એથી બીજાને અગવડ કે પ્રતિકૂળતા ન થાય તેવો વ્યવહાર કરવા શિસ્ત જરૂરી છે. જીવનનાં તમામ ક્ષેત્રોમાં સ્વૈચ્છિક શિસ્તપાલન હોવું જોઈએ.

ટ્રાફિક સિગ્નલ શિસ્તનો એક ભાગ

શિસ્ત કોઈક વાર વ્યક્તિને પ્રતિકૂળ પણ લાગે; પરંતુ આખો સમાજ એ નિયમનું પાલન કરશે તો દરેક વ્યક્તિને માટે સુવિધાભર્યું, સલામત અને સંવાદી જીવન શક્ય બનશે. વ્યક્તિગત ઇચ્છા અને સામાજિક નિયમો વચ્ચે ઘર્ષણ થાય ત્યારે અશિસ્ત સર્જાય છે. એટલે વિવેક કરવો પડે છે કે કેટલીક વ્યક્તિગત બાબતમાં સ્વાતંત્ર્ય હોય અને સમાજસંબંધિત બાબતોમાં સૌનું નિયમપાલન હોય. સૌએ ટિકિટ લઈને મુસાફરી કરવી, વાજબી કરવેરા ચોકસાઈથી ભરવા, પોતાની જવાબદારીનું નિષ્ઠાથી પાલન કરવું, ટ્રાફિકના નિયમો પાળવા, જાહેર સ્થાનની સ્વચ્છતા જાળવવી, સમયપાલન કરવું –આ સઘળાંનું પાલન થાય તો આખા સમાજને લાભ થાય છે. શિસ્ત બે પ્રકારની ગણી શકાય : (૧) કાયદા કે નિયમો રૂપે નિશ્ચિત થયેલ કામો કે વ્યવહારો. (૨) પ્રણાલી, પરંપરા રૂપે કે ગુણવિકાસ માટે સ્થિર થયેલા વ્યવહારો. જે પ્રજા કાયદા કે નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે તે વિકસિત ગણાય. જે પ્રજા પરંપરા કે પ્રણાલી કે જીવનની ગુણવત્તા જાળવવા અમુક આચારો સ્થિર કરે અને તેનું પાલન કરે એ સમજદાર ગણાય. બાળકોની કાળજી, બહેનોનું સન્માન, વૃદ્ધોનો આદર –એ નિયમો નથી, પરંતુ સમાજના સ્વાસ્થ્ય માટેની શિસ્ત છે. જ્યાં નિયમો કે કાયદા છે ત્યાં હંમેશાં સજા, દંડ કે કેદ જોડાયેલાં હોય છે; કારણ કે એમાં આખા સમાજ માટેના નિયમોની જાળવણી કરવાનો ખ્યાલ હોય છે. એમાં ફરજિયાતપણું હોય છે. વાહન ડાબી બાજુ ચલાવવું, ચાર રસ્તે લાલ બત્તી હોય તો અટકવું – એ નિયમનો ભંગ અરાજકતા સર્જે છે એટલે તેની સાથે દંડ કે સજા જોડાયેલાં હોય છે. પરંતુ આખો સમાજ કેવળ દંડ કે સજાથી જીવી શકે નહિ.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શિસ્ત, પૃ. 300)

રાજશ્રી મહાદેવિયા

મનસુખ સલ્લા

Categories
વાચન સમૃદ્ધિ

જળધોધ-જળપ્રપાત

નદીમાર્ગમાં વહી જતો જળજથ્થો ઉપરથી નીચે તરફ, લંબદિશામાં એકાએક નીચે પડે એવી જલપાતસ્થિતિ. લંબદિશાને બદલે વધુ ઢોળાવની સ્થિતિ રચાય ત્યારે ઘણી ઝડપથી પરંતુ તૂટક તૂટક રીતે જલપાત થવાની ક્રિયાને જળપ્રપાત કહે છે. જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ ઉત્પન્ન થવા માટે ઘણા જુદા જુદા ભૂપૃષ્ઠરચનાત્મક કે ભૂસ્તરીય સંજોગો કારણભૂત હોય છે. નદીના જળવહનમાર્ગમાં ઓછીવત્તી દૃઢતાવાળા જુદા જુદા ખડકસ્તરોનાં પડ વારાફરતી (ઉપર દૃઢ અને નીચે પોચાં) આવેલાં હોય ત્યારે તેમાં થતા ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણને કારણે જળધોધ કે જળપ્રપાત રચાય છે. વધુ જાડાઈવાળા ઉપરના દૃઢ સ્તરો ઓછા ઘસાવાથી અને વધુ જાડાઈવાળા નીચેના પોચા સ્તરો વધુ પડતા ઊર્ધ્વ દિશામાં ઘસાવાથી જળધોધ, તથા આવાં જ લક્ષણોવાળા પણ ઓછી જાડાઈવાળા સ્તરોના ત્રાંસા ઢોળાવમાં ઘસાવાથી જળપ્રપાત તૈયાર થાય છે. જળધોધમાં જોવા મળતી ઊભી ખડક-દીવાલ, ઉપરથી નીચે તરફ, ઘસાતી જાય તો ઊંચાઈ ઘટતી જાય અને ધોધમાંથી પ્રપાત બની જવાની સ્થિતિ રચાય છે. અમેરિકા-કૅનેડાની સરહદ નજીકના જગપ્રખ્યાત નાયગરાના જળધોધની હેઠવાસમાં જળપ્રપાત તૈયાર થયેલા જોવા મળે છે. કૉલોરેડોનાં ભવ્ય કોતરોમાં શ્રેણીબદ્ધ જળપ્રપાત રચાયેલા છે. કૅનેડાના મૉન્ટ્રિયલ પાસે સેન્ટ લૉરેન્સ નદીમાં જળપ્રપાત આવેલા છે.

નદીના વહનમાર્ગમાં આડો સ્તરભંગ પસાર થતો હોય, ઉપરવાસ તરફ સ્તરભંગની ઊર્ધ્વપાત બાજુ હોય તો ભેખડ(કરાડ)ની રચના થાય છે અને તેથી જળજથ્થો એકાએક નીચે પડે છે – જળધોધ બને છે.

ઘણા ઉચ્ચસપાટ પ્રદેશો (plateaus) લાવાના ખડકોના ઉપરાઉપરી થરોથી બનેલા હોય, ઉપરનીચેના થરોનું બંધારણ જુદું જુદું હોય, તો ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણથી, ત્યાં વહેતી નદી જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ સર્જે છે. એ જ પ્રકારના ખડકથરોમાં ઊભા સાંધા (joints) પડેલા હોય, હેઠવાસનો વિભાગ સાંધામાંથી તૂટી પડતાં, નદીમાર્ગમાં ઊંચાઈનો ફેરફાર લાવી મૂકે છે અને ધોધ કે જળપ્રપાતની રચના થાય છે. યુ.એસ.એ.ના ઇડાહો રાજ્યમાં સ્નેક નદીના શોશોન, ટિવન અને અમેરિકન ધોધ; તથા દક્ષિણ આફ્રિકાની ઝામ્બેસી નદીનો વિક્ટોરિયા ધોધ આ પ્રકારના છે.

સામાન્ય રીતે મુખ્ય નદીઓ ઊંડી ખીણો બનાવતી હોય છે, જ્યારે શાખાનદીઓ છીછરી તેમજ ઊંચાઈએ રહેલી ખીણો બનાવે છે. ઊંચાઈએ રહેલી શાખાનદીઓની ખીણો ‘ઝૂલતી ખીણ’ તરીકે ઓળખાય છે. ઝૂલતી ખીણમાંનું ઊંચાઈએથી મુખ્ય નદીમાં પડતું પાણી જળધોધની સ્થિતિ રચે છે.

જળધોધની ઊંચાઈ, સ્વરૂપ અને પડતા પાણીનો જથ્થો સ્થાન અને સંજોગભેદે જુદાં જુદાં હોઈ શકે છે. જળધોધ દુનિયાના બધા જ દેશોની નદીઓમાં, મોટે ભાગે પર્વતપ્રદેશોમાં, ઉચ્ચસપાટ પ્રદેશોમાં જોવા મળે છે. જળપ્રપાત સામાન્ય રીતે જળધોધના ઉપરવાસમાં અને હેઠવાસમાં મળતા હોય છે, તેમ છતાં જળધોધ ન હોય એવી નદીઓમાં પણ જળપ્રપાત હોઈ શકે છે. ભારતમાં જોગનો ધોધ પ્રપાત તરીકે ઓળખાય છે.

જળધોધ અને જળપ્રપાત વહાણવટા માટે બાધારૂપ નીવડે છે. આવી સ્થિતિ હોવા છતાં વહાણવટા માટે કે હોડીઓની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા જળમાર્ગો માટે નહેરોના બાંધકામનું આયોજન, લૉકગેટની વ્યવસ્થા સહિત કર્યું હોય તો જ બંને બાજુના જળસ્તર સમાન કરી શકાય અને હેરફેર શક્ય બને.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા