Categories
વાચન સમૃદ્ધિ

ટૉરન્ટો

કૅનેડાનું મોટામાં મોટું શહેર અને ઑન્ટેરિયો રાજ્યની રાજધાની. ભૌગોલિક સ્થાન : ૪૩° ૩૯´ ઉ. અ. અને ૭૫° ૨૩´ પ. રે.. તે ઑન્ટેરિયો સરોવરના વાયવ્ય કિનારે આવેલું છે. તે કૅનેડાનું મુખ્ય ઔદ્યોગિક અને વ્યાપારિક કેન્દ્ર તેમજ મહત્ત્વનું બંદર છે. શહેરની વસ્તી ૨૭.૯૫ લાખ (૨૦૨૧) તથા મહાનગરની વસ્તી ૬૨.૦૨ લાખ (૨૦૨૧) છે. તેના બંદર દ્વારા મુખ્યત્વે અનાજ, માંસ અને પશુઓનો વ્યાપાર કરવામાં  આવે છે. ટૉરન્ટો બંદર ઉપર વર્ષે સરેરાશ ૧.૮૦ લાખ મેટ્રિક ટન માલની હેરફેર થાય છે. તે ઑન્ટેરિયો સરોવરને કિનારે આવેલું હોવાથી તેની આબોહવા પર આગવી અસર થાય છે. શિયાળાનું તાપમાન વારંવાર ૦° સે.થી પણ નીચું જાય છે; પરંતુ જાન્યુઆરી અને ફેબ્રુઆરી ઠંડામાં ઠંડા મહિના હોય છે. ત્યાં ભારે હિમવર્ષા ભાગ્યે જ થાય છે. જુલાઈ–ઑગસ્ટ ભેજવાળા મહિના હોય છે. તેમાં તાપમાન ૩૦° સે.ની આસપાસ રહે છે.

ટૉરન્ટો શહેર

કૅનેડાના સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળા રાજ્યની આ રાજધાની હોવાને લીધે તેનું અર્થતંત્ર વૈવિધ્યપૂર્ણ છે. અહીં ખનિજો, ઇમારતી લાકડું, પાણી, જળવિદ્યુત અને ખેતપેદાશો જેવી સંપત્તિ વિપુલ પ્રમાણમાં મળે છે. વીજળીનાં સાધનો, લોખંડ-પોલાદ, હવાઈ જહાજ, ખેતીનાં સાધનો, ખાદ્ય પદાર્થો પર પ્રક્રમણ, મુદ્રણ અને પ્રકાશન, કાગળ, રબરની બનાવટો વગેરે વિવિધ ઉદ્યોગો આ નગરમાં વિકસ્યા છે. અહીં ૫,૭૦૦ જેટલાં કારખાનાં છે, જે વાર્ષિક સરેરાશ ૭ અબજ યુ.એસ. ડૉલરનો માલ ઉત્પન્ન કરે છે. તેનું શૅરબજાર ઉત્તર અમેરિકાનું ચોથા નંબરનું મોટું શૅરબજાર ગણાય છે. અહીંનો મધ્યસ્થ બજારવિસ્તાર સરોવરની નજીક છે. વિશ્વની ઊંચામાં ઊંચી ઇમારતોમાંથી ત્રણ અહીં આવેલી છે. વિશ્વમાં ઊંચા ગણાતા ટાવર પૈકીનો એક સી.એન. ટાવર (ઊંચાઈ ૫૩૩ મી.) આ વિસ્તારમાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાંથી સ્થળાંતર કરી આવેલા લોકોએ તેને ઉત્તર અમેરિકાનું ગીચ વસ્તીવાળું નગર બનાવ્યું છે. અહીંની કુલ વસ્તી પૈકીની 2/3 વસ્તી ભૂતકાળમાં ઇંગ્લૅન્ડથી સ્થળાંતર કરી આવેલી પ્રજાની વારસદાર છે. ઉપરાંત ઇટાલિયન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ચીની અને ગ્રીક લોકો પણ અહીં ઠીક ઠીક પ્રમાણમાં વસ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધસામગ્રીની વધેલી માગને લીધે ટૉરન્ટોનું ઔદ્યોગિક વિસ્તરણ થયું હતું. અહીં અનેક જોવાલાયક સ્થળો અને પ્રવાસન-કેન્દ્રો વિકસ્યાં છે, જેમાં રૉયલ ઑન્ટારિયો સંગ્રહાલયમાં ચીની કળાના ઉત્તમ નમૂના છે. નગરમાં ૮૨૭ જેટલી ખાનગી કલા-દીર્ઘાઓ (art galleries) આવેલી છે. કૅનેડિયન રાષ્ટ્રીય પ્રદર્શન અહીં કાયમી સંગ્રહાલય છે. હેલી બ્યુરટન હાઈલૅન્ડ, જ્યૉર્જિન ખાડી અને શિકાર-મચ્છીમારી તેમજ કૅમ્પિંગની સુવિધાવાળાં નાનાંમોટાં ઘણાં પ્રવાસન-કેન્દ્રો અહીં આવેલાં છે. વિશ્વ-વિખ્યાત નાયગરા ધોધ અહીંથી ૧૨૮ કિમી. દૂર છે. ૧૭૦૦માં ફ્રેન્ચોએ ટૉરન્ટોને પોતાનું વેપારી મથક બનાવ્યું હતું. ૧૭૮૭માં અંગ્રેજોએ તેનો કબજો મેળવ્યો. ૧૭૯૩માં જ્હૉન સીમકૉકે અહીં બ્રિટિશ સંસ્થાનની વસાહત સ્થાપી અને ડ્યૂક ઑવ્ યૉર્ક પરથી તેને ‘યૉર્ક’ નામ આપ્યું. હાલનું ‘ટૉરન્ટો’ નામ તેને ૧૮૩૪માં આપવામાં આવ્યું.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડી

જ. ૩૦ જુલાઈ, ૧૮૮૬ અ. ૨૨ જુલાઈ, ૧૯૬૮

એક સુવિખ્યાત ડૉક્ટર, સમાજસેવિકા તથા ભારતની મદ્રાસ વિધાનસભામાં પ્રથમ મહિલાઉપાધ્યક્ષ હોવાનું ગૌરવ ધરાવતાં ડૉ. મુત્તુલક્ષ્મી રેડ્ડીનો જન્મ તમિળનાડુના પુદુકોટ્ટાઈ રજવાડામાં થયો હતો. પિતા એસ. નારાયણસ્વામી મહારાજ કૉલેજના પ્રિન્સિપાલ હતા. માતાનું નામ ચંદ્રામાલા હતું. તે જમાનામાં છોકરીઓને શાળામાં ભણવા માટે મોકલતા નહિ, પણ પિતા નારાયણસ્વામીએ આ માન્યતાનો ભંગ કરીને મુત્તુલક્ષ્મીને શાળામાં દાખલ કરી. ૧૯૦૩માં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારી તે એકમાત્ર છોકરી હતી. પુદુકોટ્ટાઈના મહારાજની દરમિયાનગીરીને કારણે તેમને વિરોધની વચ્ચે કૉલેજમાં પ્રવેશ મળ્યો. રાજાએ સ્કૉલરશિપ પણ આપી. આમ મહારાજા કૉલેજમાં પ્રવેશ મેળવનારાં તેઓ સર્વપ્રથમ મહિલા બન્યાં. પ્રથમ વર્ગમાં કૉલેજ પાસ કરીને તેમણે મદ્રાસ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. સર્જરીમાં ૧૦૦ માર્ક્સ મેળવી ડૉક્ટર બન્યાં. મહિલા અને બાળકોની સરકારી હૉસ્પિટલમાં હાઉસ સર્જન તરીકે નિમણૂક પામ્યાં. તેઓ ગાંધીજી અને ડૉ. એની બેસન્ટથી ખૂબ પ્રભાવિત હતાં. સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યાં પછી તેઓ સમાજસેવાના કાર્યમાં જોડાઈ ગયાં. ગરીબ સ્ત્રીઓ અને બાળકો માટે તેમણે સેવા કરી હતી. ૧૯૩૦માં તેમના દ્વારા સ્થાપના કરાયેલ ‘અવ્વાઈહોમ’માં આજે પણ તરછોડાયેલી સ્ત્રીઓ અને બાળકોને શરણ પૂરું પાડવામાં આવે છે. કન્યાકેળવણી તથા બાળકેળવણીક્ષેત્રે તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. ૧૯૨૭માં તેમણે બાળકો માટે ભારતની પહેલી હૉસ્પિટલ ખોલી. શાળાનાં બાળકોમાં ફરજિયાત સ્વાસ્થ્ય ચકાસણી, બાળકલ્યાણ કેન્દ્રની સ્થાપના અને આરોગ્યખાતામાં અલગ મહિલાડાયરેક્ટરની નિમણૂક, ગરીબ છોકરીઓ માટે ફીમાં રાહત તથા રહેવા માટે છાત્રાલયની સગવડ જેવાં પ્રજાકલ્યાણનાં કાર્યો તેમણે હાથ ધર્યાં. દેવદાસીની પ્રથા પર પ્રતિબંધ લાવતો કાયદો પસાર કરાવ્યો. સ્ત્રીઓની વિવિધ સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલાં હતાં. ૧૯૩૧થી ૧૯૪૦ સુધી તેઓ ‘સ્ત્રી ધર્મ’ સામયિકના તંત્રીપદે રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી સંસ્થા ‘અડિયાર કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના તેમણે ૧૯૫૨માં કરી હતી. ૧૯૫૬માં ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માન્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

ચમકતી ખુશમિજાજી

અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સમાજના પ્રશ્નો ઉકેલતા સમાજના અગ્રણીને કોઈએ પૂછ્યું, ‘તમે જાતજાતના લોકો સાથે ચર્ચા-વિચારણા કરો છો, તુંડે તુંડે મતિ: ભિન્ન-ને કારણે કેટલાયની સાથે કલાકો સુધી માથાકૂટ કરો છો. આટલું બધું થાય છે છતાં તમે કેમ હંમેશાં ખુશમિજાજ દેખાવ છો ?’ અગ્રણીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. લુચ્ચા, નાદાન, બેવકૂફ, કુટિલ અને દાવપેચ લડાવનારા ઘણા લોકો અહીં આવે છે. ઘણી વાર એમની ધૃષ્ટતા કે ક્રૂરતાને નમ્રતાનો અંચળો ઓઢાડે છે, પરંતુ એ બધાને જોતો રહું છું. માનવ-સ્વભાવને જાણતો હોવાથી એમની વાતોથી હું ઉશ્કેરાતો નથી, બલ્કે એમને માણું છું. એમની તરકીબો જોઈને મનોમન હસું છું. આવી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવતા સામાજિક અન્યાયોથી હૃદયમાં અત્યંત દુ:ખી પણ થાઉં છું.’ એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો, ‘એ તો બરાબર, પણ આટલી વ્યથા અને પરેશાની વચ્ચે ચહેરા પર આવું હાસ્ય રાખવું, સદાય ખુશમિજાજ રહેવું, માનવમનની કુટિલતાઓ જોવા છતાં મનને ક્રોધિત થવા દેવું નહીં. આ અશક્ય કઈ રીતે શક્ય બનાવો છો ? એની પાછળનું રહસ્ય શું?’ અગ્રણીએ કહ્યું, ‘પ્રાત:કાળે જાગ્રત થાઉં ત્યારે મનમાં એક વિચાર કરું છું કે આજે મારો દિવસ કઈ રીતે પસાર કરવો છે ? ઘોર નિરાશાથી કે ચમકતી ખુશમિજાજીથી ? પછી હું નક્કી કરું છું કે આ બંને વિકલ્પોમાંથી બુદ્ધિમાન માણસે ખુશમિજાજી જ પસંદ કરવી જોઈએ, એટલે હું દિવસભર ખુશમિજાજ રહેવાનું નક્કી કરું છું. અને બસ, પછી તો એ ખુશમિજાજી મારી આસપાસના વાતાવરણમાં ભરી દઉં છું. મારી વિકલ્પની પસંદગી સતત યાદ રાખું છું. એમ કરીને હું નિરાશાને નજીક આવવા દેતો નથી. આ છે મારી આનંદમસ્તીનું રહસ્ય.’