Categories
વાચન સમૃદ્ધિ

ઈશ્વર દોષી નથી તમે અંધ છો

જીવનને વ્યર્થ કે નિરર્થક માનનારી વ્યક્તિઓએ જીવનને ભૌતિક ચીજવસ્તુઓના કાંટે જોખ્યું છે. જીવનથી હતાશ થનારી વ્યક્તિએ ફક્ત પ્રાપ્તિને જ જીવનનો માપદંડ માન્યો હોય છે. આવું જીવન  આપવા માટે હતાશ માનવી પ્રતિદિન અને પ્રતિક્ષણ પરમાત્માને દોષિત ગણે છે, પણ આ માનવી જેવો બીજો કોઈ મોટો ગુનેગાર નથી. આ માનવી ઈશ્વરે સાહજિક રીતે આપેલી મૂલ્યવાન કુદરતી ભેટને જોતો નથી. એને પરમાત્માએ કરેલા ઉપકારની કશી જાણ નથી. પરમાત્માએ એને આંખો આપી છે, પરંતુ એ લીલીછમ હરિયાળીથી પોતાની આંખો અને મનને ભરી દેતો નથી. પરમાત્માએ એની આસપાસ પ્રકૃતિનો ભંડાર ઊભો કર્યો છે, પણ પૈસાની પાછળ દોડતો માનવી પ્રકૃતિના આનંદને સાવ ભૂલી ગયો છે. જો પરમાત્માએ લીલીછમ પ્રકૃતિ કે વૃક્ષોની ઘેઘૂર ઘટા જોવાની કિંમત રાખી હોત તો ? તો આ માનવી જરૂર એ જોવાની મોંઘી ટિકિટ લઈને પણ ‘ઍન્જૉય’ કરવા આવતો હોત. પક્ષીનો મધુર કલરવ સાંભળવા એણે કલદાર માંગ્યા હોય તો માનવીએ હોંશે હોંશે ચૂકવ્યા હોત. ઈશ્વરે માનવીને વિનામૂલ્યે આટલું બધું આપીને એની જિંદગીને બહુમૂલ્ય બનાવી છે. પંખીઓનું ગીત, ધવલ ચાંદની, હસતાં ફૂલ કે ઘેઘૂર વૃક્ષોને જોશે તો પરમાત્માના અખંડ વિસ્તારનો સાક્ષાત્ અનુભવ થશે. વિરલ આહલાદની તમને અનુભૂતિ થશે. મંદ મંદ સમીરનો અનુભવ અંતરમાં શાંતિનો સ્પર્શ જગાવશે. હસતી-ખીલેલી કૂંપળો જીવનના આનંદની તાજગી દર્શાવશે. ધીરે ધીરે આમતેમ ડોલતાં વૃક્ષો કોઈ યોગીની મસ્તીનો અનુભવ કરાવશે. ગગનમાં ઊડતાં ઊડતાં મનમોજે કલરવ કરતાં પંખીઓમાં ભક્તિની ભાવધારાનો અનુભવ થશે અને આસપાસ પથરાયેલી હરિયાળી કુદરત આત્માની લીલીછમ જાજમનો ખ્યાલ આપશે.

Categories
વાચન સમૃદ્ધિ

કવિમણિ દેશીગવિનયગમ્ પિલ્લાઈ

જ. ૨૭ જુલાઈ,૧૮૭૬ અ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૪

જાણીતા તમિળ કવિ દેશીગવિનયગમ્ પિલ્લાઈનો જન્મ કન્યાકુમારી જિલ્લાના થેરૂર ગામમાં શિવદનુ પિલ્લાઈ અને આદિલક્ષ્મીને ત્યાં થયો હતો. તેમના પિતાએ તેમનું નામ ‘દેશીગવિનયગમ્’ તેમના પૂજનીય દેવતા ઉપરથી રાખ્યું હતું. નવ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે જ શાળામાં તથા અન્ય સંસ્થાઓ સહિત ૩૬ વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું હતું. બાળકો માટે વ્યવસ્થિત રીતે કવિતા લખનારા પ્રથમ તમિળ કવિ તરીકે કવિમણિને શ્રેય આપવામાં આવે છે. તેમના ૧૯૩૮ના સંગ્રહ ‘મલારુમ્ માલૈયમ્’માં ૨૫થી વધુ બાળગીતો અને સાત કથાત્મક કવિતાઓનો સમાવેશ થાય છે. તેમની સૌથી વધુ લોકપ્રિય કૃતિઓમાંની એક બાળગીત ‘થોટ્ટથિન મેયુધા વેલ્લાઈ પાસુ’ (બગીચામાં ચરતી સફેદ ગાય) છે. તેમની કૃતિઓમાં ભક્તિગીતો, સાહિત્યિક અને ઐતિહાસિક કવિતાઓ, બાળગીતો, પ્રકૃતિ કવિતાઓ, સામાજિક વિષયો અને રાષ્ટ્રવાદી છંદો સહિત વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. પિલ્લઈએ એડવિન આર્નોલ્ડની ‘લાઇટ ઑવ્ એશિયા’નું તમિળ ભાષામાં રૂપાંતર કર્યું હતું. તેમણે ફારસી કવિ ઓમર ખય્યામનાં કાવ્યોનો તમિળમાં અનુવાદ કર્યો હતો. કવિમણિ એક સક્રિય સંશોધક પણ હતા, જેમણે તમિળ સાહિત્ય અને ઐતિહાસિક અભ્યાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે મદ્રાસ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા તમિળ લૅક્સિકન પ્રોજેક્ટ માટે સમીક્ષક તરીકે સેવા આપી હતી. તેમણે કંબારામાયણમ્ દિવાકરમ્ અને નવનીતા પાટિયાલ જેવાં કાર્યો માટે હસ્તપ્રતોનું પણ સંકલન કર્યું હતું. તેમના પુસ્તક ‘ગંધલૂર સાલાઈ’ને એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક અભ્યાસ માનવામાં આવે છે. ૧૯૪૦માં ચેન્નાઈની પચૈયપ્પા કૉલેજમાં તમિળ વિદ્વાન તમિલવેલ ઉમા મહેશ્વર પિલ્લઈ દ્વારા તેમને ‘કવિમણિ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. ૧૯૫૪માં થેરૂરમાં તેમનું એક સ્મારક બનાવવામાં આવ્યું હતું. ૨૦૦૫માં ભારત સરકારે તેમના માનમાં એક સ્મારક ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ટોંગા

દક્ષિણ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની પશ્ચિમે આવેલો ૧૭૦ ટાપુઓનો બનેલો દેશ. ભૌગોલિક સ્થાન : ૨૦° દ. અ. અને ૧૭૫° પ. રે. આ ટાપુઓ ૧૫° દ. અ. થી ૨૩° ૩૦´ દ. અ. અને ૧૭૩° થી ૧૭૭° પ. રે. વચ્ચે આવેલા છે. તે ફિજીથી પૂર્વમાં ૬૪૦ કિમી. અને ઑસ્ટ્રેલિયાના સિડની  શહેરથી ઈશાન ખૂણે ૩૦૦૦ કિમી. દૂર છે. તેનું ક્ષેત્રફળ ૭૪૮ ચોકિમી. છે. પશ્ચિમ તરફના ટાપુઓ જ્વાળામુખીને કારણે ઉદભવ્યા છે, જ્યારે પૂર્વ તરફના ટાપુઓ ચૂનાના ખડકોવાળા છે. દક્ષિણમાં ટોંગા ટાપુ, ઉત્તરમાં વાવઉ જૂથ અને મધ્યમાં હાપાઈ જૂથના ટાપુઓ છે. ટોંગા સૌથી મોટો ટાપુ છે. મૃત જ્વાળામુખી કાઓ ૧૦૩૩ મી. ઊંચો છે. કેટલાક જ્વાળામુખી પર્વતો સમુદ્રમાં ડૂબેલા છે. ટોકુઆ ટાપુ ઉપરનો જ્વાળામુખી તથા અન્ય જ્વાળામુખી પર્વતો અવારનવાર ભભૂકી ઊઠે છે. ચૂનાના ખડકો તથા લાવામિશ્રિત જમીન ફળદ્રૂપ છે, જ્યારે પરવાળાના ટાપુઓની જમીન પ્રમાણમાં ઓછી ફળદ્રૂપ છે. ઉત્તરના ટાપુઓનું સરેરાશ તાપમાન ૨૩° સે. અને દક્ષિણના ટાપુઓનું સરેરાશ તાપમાન ૨૭° સે. રહે છે. સમુદ્રની અસરને કારણે ઠંડી ઓછી પડે છે. વાવઉ ટાપુમાં સૌથી વધારે વરસાદ ૨૨૮૬ મિમી. અને ટોંગા ટાપુ ખાતે ૧૭૦૨ મિમી. વરસાદ પડે છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આ ટાપુઓ ‘હરિકેન’ તરીકે ઓળખાતા વાવાઝોડાનો ભોગ બને છે.

ટોંગા ટાપુ

નારિયેળ અને તાડનાં વૃક્ષો દરિયાકિનારાના મેદાનમાં જોવા મળે છે. તરબૂચ, બ્રેડફ્રૂટ, વનિલાની શિંગો અને કેળાં અન્ય પાક છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ઉપરાંત લોકો ડુક્કર, મરઘાં અને ઢોર ઉછેરે છે. તેલની મિલો અને હસ્તકારીગરીની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ છે. દર વરસે અહીં પ્રવાસીઓ આવે છે. ૨૦૨૪માં ટોંગોની વસ્તી ૧.૦૫ (આશરે) લાખ હતી. દર ચોકિમી.દીઠ વસ્તીની  ઘનતા ૧૩૧ છે. કુલ વસ્તીના ૭૯% લોકો ગ્રામવિસ્તારમાં અને ૨૧% લોકો શહેરોમાં વસતા હતા. નુકુ અલાફો તેનું પાટનગર છે અને કુલ વસ્તીના બે-તૃતીયાંશ લોકો અહીં વસે છે. ૩૬ ટાપુઓમાં કાયમી વસ્તી છે. ટોંગાના લોકો પોલીનેશિયન જાતિના છે. મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેમની ટોંગન ભાષા સામોઅન ભાષા ઉપરથી ઊતરી આવી છે. ૯૦%થી ૯૫% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. આ ટાપુના લોકોનો વેપાર મુખ્યત્વે નેધરલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સાથે છે. સ્થાનિક પેદાશ અને હસ્તકારીગરીની વસ્તુઓની નિકાસ થાય છે. દેશનું ચલણ ‘પાંગા’ છે. ૧૯૦૦–૧૯૭૦ દરમિયાન આ ટાપુ ઇંગ્લૅન્ડનું રક્ષિત રાજ્ય હતું. ટુપૌ વંશનું શાસન (રાજાશાહી) ૧૦૦૦  વર્ષ જેટલું જૂનું છે. રાજા અને પ્રિવી કાઉન્સિલ દેશનો વહીવટ ચલાવે છે. અહીં બંધારણીય રાજાશાહી છે. ૪-૬-૧૯૭૦થી આ દેશ સ્વતંત્ર થયો છે. આ ટાપુની પ્રથમ મુલાકાત લેનાર ડચ વહાણવટી જેકબ લે મૈર હતો (૧૬૧૬). ૧૬૪૩માં એબલ ટાસ્માને અને ૧૭૭૩માં અંગ્રેજ વહાણવટી કૅપ્ટન કૂકે આ ટાપુઓની મુલાકાત લીધી હતી. આ ટાપુ રાજ્ય રાષ્ટ્રકુટુંબ(Commonwealth of Nations)માં જોડાયેલ છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮