Categories
વાચન સમૃદ્ધિ

રજનીકુમાર પંડ્યા

જ. 6 જુલાઈ, 1938 અ. 15 માર્ચ, 2025

ગુજરાતી પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનો જન્મ જેતપુરમાં થયો હતો. બાળપણ બીલખામાં વિતાવ્યું. પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં લીધું હતું. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1959માં બી.કૉમ. અને 1966માં બી.એ.ની પદવી મેળવી હતી. 1959-1966 સુધી સરકારી ઑડિટર તરીકે અને 1966-89 દરમિયાન બૅન્ક-મૅનેજર તરીકે કામ કર્યું હતું. ‘ઝબકાર’, ‘મનબિલોરી’ તથા ‘ગુલમહોર’ તેમની લોકપ્રિય કટારો હતી. ‘ખલેલ’, ‘આત્માની અદાલત’ વાર્તાસંગ્રહ અને ‘કોઈ પૂછે તો કહેજો’, ‘ચંદ્રદાહ’, ‘પરભવના પિતરાઈ’, ‘અવતાર’, ‘કુંતી’ (ભાગ 1-2) તેમની જાણીતી નવલકથાઓ છે. તેમણે સાત નવલકથાઓ આપી, જેમાંથી અડધાથી વધુ પરથી ટીવી ધારાવાહિક કે નાટક બન્યાં છે. ‘કુંતી’ પરથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બે હિન્દી ધારાવાહિકો બની. ‘અવતાર’ પરથી અરવિંદ જોષીએ ‘આયના તૂટે તો બને આભલાં’ નાટક બનાવ્યું હતું. ‘પરભવના પિતરાઈ’ પરથી ટેલિફિલ્મ બની હતી. તેમની વાર્તા ‘આકાશમાં છબી’ પરથી WHO માટે ટેલિફિલ્મ બની હતી. તેમની નવલિકાઓ પરથી અમદાવાદ દૂરદર્શને ‘ભાત ભાત કે લોગ’ના ઘણા એપિસોડ બનાવ્યા હતા. તેમને કવિ પ્રદીપ અને ગાયક જગમોહન સાથે ગાઢ સંબંધ હતો. ‘આપકી પરછાંઈયાં’ કલાકારો સાથેનાં સંસ્મરણો આધારિત છે. તેમણે જ્યુથીકા રૉય અને ‘રુસ્વા’ મઝલૂમીની ડૉક્યુમેન્ટરીનું નિર્માણ તેમજ ઉપેન્દ્ર ત્રિવેદીનું બહુરંગી તસવીરો સહિત આત્મકથન અને અન્ય આલેખ સંપાદિત કર્યું હતું. બંધ પડેલ સામયિક ‘વીસમી સદી’નું ડિજિટલાઇઝેશન કરવામાં ફાળો આપ્યો હતો. તેમણે ‘મેઘદૂત’ના ગુજરાતી સમશ્લોકી અનુવાદને સાંગીતિક સ્વરૂપ આપ્યું હતું. તેમની કૃતિઓ હિન્દી, અંગ્રેજી, સીંધી, મરાઠી, તમિલ અને જર્મન વગેરે ભાષાઓમાં અનૂદિત થઈ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કારો, સરોજ પાઠક ઍવૉર્ડ, ધૂમકેતુ ઍવૉર્ડ, સવિતા વાર્તાસ્પર્ધામાં બે સુવર્ણચંદ્રકો, કુમાર સુવર્ણચંદ્રક, હરિ ઓમ આશ્રમ ઍવૉર્ડ, ગ્રામપત્રકારત્વ માટે રાજ્ય સરકારનો ઍવૉર્ડ તથા સ્ટેટ્સમૅન ઍવૉર્ડ, દૈનિક અખબાર સંઘ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઇટાલી

દક્ષિણ યુરોપનું આલ્પ્સ ગિરિમાળાથી ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તરેલું રાષ્ટ્ર. તે ૩૬°થી ૪૭° ઉ. અ. અને ૭°થી ૧૯° પૂ. રે. વચ્ચેનો ૩.૦૧ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાષ્ટ્રનો ઉત્તરનો ભાગ વધુ પહોળો, જ્યારે દક્ષિણનો ભાગ સાંકડો છે. તેની પશ્ચિમે લિગ્યુરિયન સમુદ્ર, ટાયર્હેનિયન સમુદ્ર અને ફ્રાન્સ; પૂર્વે એડ્રિયાટિક સમુદ્ર અને ઉત્તરે સ્વિટ્ઝર્લૅન્ડ, સ્લોવેનિયા અને ક્રોએશિયા; ઈશાન-પૂર્વમાં ઑસ્ટ્રિયા અને દક્ષિણે આયોનિયન સમુદ્ર છે. ઇટાલી યુરોપમાંના તેના ભૌગોલિક સ્થાનને કારણે પૂર્વ-પશ્ચિમના દરિયાઈ માર્ગો પર પ્રભુત્વ ધરાવે છે. રોમન સામ્રાજ્યના સમયથી પ્રચલિત આ દેશનું નામ ‘ઇટાલી’ છે. લૅટિન ભાષાના આ શબ્દનો અર્થ ‘વાછરડું’ થાય છે, જે દેશના પ્રતીક રૂપે વપરાય છે. તેના વીસ વહીવટી વિભાગો છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ ઉત્તર, મધ્ય, દક્ષિણ અને ટાપુઓ એવા ભાગ છે. ઇટાલીના દ્વીપસમૂહમાં સાર્ડિનિયા, સિસિલી અને સમુદ્રકિનારા નજીકના નાના ટાપુઓનો સમાવેશ થાય છે. ખેતી માટે સૌથી ફળદ્રૂપ ગણાતી કાંપની જમીન ઇટાલીના ઉત્તર ભાગમાં આવેલી પો નદીની ખીણ તેમ જ દ્વીપકલ્પની અન્ય નદીઓની ખીણો છે.

આ દેશની કુલ વસ્તી ૫.૯૩ કરોડ (૨૦૨૬) જેટલી છે. ત્યાંના મોટા ભાગના લોકો મૂળ ઇટાલીના છે. તેઓ ઇટાલિયન, ફ્રેન્ચ, જર્મન અને સ્લોવેન ભાષા બોલે છે. મોટા ભાગના લોકોએ રોમન કૅથલિક ધર્મ સ્વીકાર્યો છે. પોપ રોમન કૅથલિક પંથના ધર્મગુરુ છે અને તે રોમના વૅટિકન શહેરમાં રહે છે. રોમ અહીંનું પાટનગર છે. મિલાન, નેપલ્સ, લૉરેન્સ, વેનિસ મુખ્ય શહેરો છે. પશ્ચિમની કલાનું મુખ્ય ધામ યુરોપ છે. યુરોપમાં પણ ઇટાલી તેનું કેન્દ્ર છે. લૉરેન્સ એ માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચીની કર્મભૂમિ છે. માત્ર આ એક જ શહેરમાં પચાસ જેટલી આર્ટ-ગૅલરીઓ, મ્યુઝિયમો, પીઝાનો ઢળતો મિનારો તથા કૉલોઝિયમ જોવા લાયક સ્થળો છે. પૅટ્રાર્ક, બોકોશિયો અને દાન્તે જેવા સાહિત્યસ્વામીઓ તથા લિયૉનાર્દો દ વિન્ચી, રાફેલ અને માઇકલૅન્જેલો જેવા ચિત્રકારો અને શિલ્પીઓએ અને તેમની અમરકૃતિઓએ ઇટાલીને જગવિખ્યાત બનાવ્યું. વેનિસ જેવું નગર દુનિયાભરમાં ક્યાંય નથી. સંપૂર્ણ રીતે પાણીમાં તરતું નગર છે. ત્યાં નથી રસ્તો કે નથી વાહનો. બધો જ વ્યવહાર હોડી દ્વારા થાય છે. સહેલાણીઓ ગૉન્ડોલા નામની હોડીઓમાં ફરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇટાલી, પૃ. 151)

Categories
વાચન સમૃદ્ધિ

રાવુરી ભારદ્વાજ

જ. 5 જુલાઈ, 1927 અ. 18 ઑક્ટોબર, 2013

જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા, તેલુગુ નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર, કવિ અને વિવેચક રાવુરી ભારદ્વાજનો જન્મ કૃષ્ણા જિલ્લાના મોગુલુરુ ગામમાં થયો હતો. તેમણે ગુંટૂર જિલ્લાના પોતાના વતન તાડીકોન્ડા ગામમાં સાતમા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ નાની-મોટી નોકરી કરી અને ઑલ ઇન્ડિયા રેડિયોમાં પણ કામ કર્યું હતું. ચૌદ વર્ષની ઉંમરે ઘર છોડી તેઓ ગામના બીજા લોકો સાથે રહેવા લાગ્યા અને ક્યારેક ખેત-મજૂર તરીકે તો ક્યારેક કોઈ બાંધકામ કરતી જગ્યાએ મજૂર તરીકે કામ કરવા લાગ્યા. આ બધા અનુભવો તેમણે પોતાની વાર્તાઓમાં પણ વણી લીધા. તેમણે વધુ અભ્યાસ ન કર્યો હોવા છતાં તેમણે કરેલી રચનાઓ બી.એ., એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતી. તેમને વિશિષ્ટ પ્રદાન બદલ આંધ્ર, નાગાર્જુન, વિજ્ઞાન અને જવાહરલાલ નહેરુ ટૅક્નૉલૉજિકલ યુનિવર્સિટીઓ તરફથી માનદ ડૉક્ટરેટ ઉપાધિ પણ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમને 1968માં સ્થાપના સમયના ‘ધ ગોપીચંદ લિટરરી ઍવૉર્ડ’ વિજેતા તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું.  તેમને બે વખત રાજ્ય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને 1983માં કેન્દ્ર સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. તેમને 1987માં ધ રાજલક્ષ્મી ઍવૉર્ડ  અને 2009માં લોક નાયક ફાઉન્ડેશનનો સાહિત્ય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવેલા. વળી સૌથી શિરમોર એવો દેશનો સૌથી શ્રેષ્ઠ ગણાતો જ્ઞાનપીઠ ઍવૉર્ડ 2012માં અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે 37 ટૂંકી વાર્તાઓ, 17 નવલકથાઓ, ચાર  નાટકો અને પાંચ રેડિયો માટે વાચિક-નાટકો લખ્યાં છે. બાળ-સાહિત્યમાં પણ તેમનું પ્રદાન છે. ‘પાકુડુ રાલ્લુ’ અને બીજી રચના ‘જીવન સમારમ’ વધુ જાણીતી છે. તેમની ટૂંકી વાર્તાઓ વિવિધ કેન્દ્રીય ભાષાઓમાં તથા અંગ્રેજીમાં અનૂદિત થયેલ છે. પાત્રચિત્રણની પ્રમાણભૂતતા અને પ્રભાવક શૈલીથી તેમનાં રેખાચિત્રો તેલુગુમાં મહત્ત્વનું પ્રદાન ગણાય છે.