Categories
વાચન સમૃદ્ધિ

દૂરબીન (Telescope)

દૂરની વસ્તુ નજીક દેખાય તે માટેનું સાધન. દૂરની વસ્તુનું પ્રતિબિંબ મેળવી તેનું આવર્ધન (magnification) કરવાથી આવું બની શકે છે. ફક્ત સુપરિચિત તારાઓ અને ગ્રહોનો જ અભ્યાસ નહિ, પરંતુ અન્ય અનેક અવકાશી પિંડ, જે દૂરબીન વગર જોઈ શકાતા નથી તેમનો અભ્યાસ પણ ખગોળવેત્તા માટે આ સાધનને કારણે શક્ય બન્યો છે, આમ દૂરબીન એ ખગોળવેત્તા માટે એક ઘણું જ ઉપયોગી સાધન છે. દૂરબીન મુખ્યત્વે બે પ્રકારનાં હોય છે : (1) પરાવર્તક (reflecting), (2) વક્રતાકારક (refracting). વક્રતાકારક દૂરબીનની શોધ પ્રથમ થઈ હતી. એક સાદા વક્રતાકારક દૂરબીનની રચનામાં એક નળીને એક છેડે વસ્તુકાચ (object lens) તરીકે ઓળખાતો એક મોટો બહિર્ગોળ (convex) લેન્સ હોય છે. બીજે છેડે નેત્રકાચ (eyepiece) તરીકે ઓળખાતો એક નાનો બહિર્ગોળ લેન્સ હોય છે. વસ્તુ ઉપરથી આવી રહેલાં પ્રકાશકિરણોને વસ્તુકાચ એકત્રિત કરી, નળીમાં તેનું ઊલટું પ્રતિબિંબ (inverted image) ઉત્પન્ન કરે છે, જેને નેત્રકાચ આવર્ધિત કરે છે. વસ્તુકાચ તથા નેત્રકાચ વચ્ચેના અંતરની યોગ્ય ગોઠવણી કરી, સ્પષ્ટ (sharp) પ્રતિબિંબ મેળવવામાં આવે છે, જેને ‘ફોક્સિંગ’ કહે છે. આવાં દૂરબીનમાં વસ્તુનું ઊલટું પ્રતિબિંબ (upside down image) જોવા મળે છે. પણ ખગોળીય વસ્તુઓ જોવા માટે ખગોળવેત્તાને તેનાથી કોઈ તકલીફ થતી નથી. વસ્તુનું પ્રતિબિંબ સીધું (erect) દેખાય તે માટે દૂરબીનમાં એક બીજો લેન્સ ગોઠવવાની આવશ્યકતા રહે છે. આવા દૂરબીનને ભૂમીય દૂરબીન (terrestrial telescope) કહે છે.

વક્રતાકારક દૂરબીનમાં એક મોટો ગેરફાયદો એ છે કે જ્યારે પ્રકાશ લેન્સમાંથી પસાર થાય ત્યારે વિકૃતિ (distortion) ઉદ્ભવે છે. 1663માં જેમ્સ ગ્રેગરીએ લેન્સને બદલે અરીસા વાપરવાનું સૂચન કર્યું. 1668માં સર આઇઝેક ન્યૂટને સૌપ્રથમ સંતોષકારક પરાવર્તક દૂરબીન બનાવ્યું. પરાવર્તક દૂરબીનમાં એક છેડે મોટો અંતર્ગોળ અરીસો (concave mirror) રાખવામાં આવ્યો, જે વસ્તુ ઉપરથી આવતા પ્રકાશને એકત્રિત કરી, નળીને બીજે છેડે રાખેલા સાદા અરીસા ઉપરથી તેને પરાવર્તિત કરે. આ સાદો અરીસો, પ્રકાશને નળીની બાજુમાંથી પરાવર્તિત કરી નેત્રકાચ નજીક પ્રતિબિંબ ઉત્પન્ન કરે છે, જે તેનું આવર્ધન કરે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દૂરબીન/)

Categories
વાચન સમૃદ્ધિ

અનિલ બિશ્વાસ

જ. 7 જુલાઈ,1914 અ. 31 મે, 2003

હિન્દી ફિલ્મસંગીતના ભીષ્મ પિતામહ શ્રી અનિલનું બાળપણ સતત સંઘર્ષમાં વીત્યું હતું. આઝાદીની ચળવળના દિવસો દરમિયાન તેમના હાથમાં કલમ કે વાદ્ય ને બદલે પિસ્તોલ હતી. મૅટ્રિકની પરીક્ષાના પંદર દિવસ પહેલાં જ તેમણે પિતાજી ગુમાવ્યા છતાં તેઓ બે ડિસ્ટિંકશન સાથે ઉત્તીર્ણ થયા. અનેક મુશ્કેલીઓ વેઠી તેઓ કૉલકાતા પહોંચ્યા. હોટલમાં વાસણ માંજી પેટજોગું રળી લેતા. મનોરંજન સરકાર નામના જાદુગર સાથે તેમની ઓળખાણ થઈ અને તેમણે ગીતો ગાવાનું શરૂ કર્યું. તેમની આ શક્તિ ખીલવવામાં તેમનાં માતા યામિની, પંડિત લાલમોહન ગોસ્વામી અને કાઝી નઝરૂલ ઇસ્લામનો મોટો ફાળો રહ્યો. અનિલનાં માતા ભજનો ગાવાની સાથે ઉપશાસ્ત્રીય સંગીત પણ ગાતાં, જેની અસર અનિલ દાના સંગીતમાં જોઈ શકાય છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને પશ્ચિમી સંગીતના સાયુજ્ય થકી અદ્ભુત તરજો રચી. કૉલકાતાના રંગમહલ થિયેટરમાં સંગીતસહાયક અને ગાયક તરીકે કામ કર્યું. 1930થી 1934 સુધી નાટકો માટે સંગીતનિયોજન કર્યું. ખયાલ, ઠૂમરી, દાદરા વગેરે સાથે તેમણે કીર્તન સંગીતમાં નિપુણતા મેળવી. હિન્દુસ્તાન રેકૉર્ડિંગ કંપનીમા તેમણે કુંદનલાલ સહગલ અને એસ. ડી. બર્મન સાથે કામ કર્યું. 1934 પછી તેઓ મુંબઈ આવ્યા અને ઈસ્ટર્ન આર્ટ પ્રોડક્શનમાં જોડાયા. ‘બાલહત્યા’ અને ‘ભારત કી બેટી’ ફિલ્મમાં તેમણે સંગીત આપ્યું. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘ધરમકી દેવી’(1935)માં તેમણે ‘કુછ ભી નહીં ભરોસા’ ગીત ગાયું અને અભિનય પણ કર્યો. ઘણી બધી સ્ટંટ ફિલ્મો સિવાય તેમણે ‘ગ્રામોફોન સિંગર’ (1938), ‘રોટી’ (1942), ‘અલીબાબા’ (1940), બૉમ્બે ટોકીઝની ‘હમારી બાત’ (1943), ‘જ્વાર ભાટા’ (1944), ‘લાડલી’ (1949), ‘આરઝૂ’ (1950) વગેરેમા સફળ સંગીતસંચાલન કર્યું હતું. ‘સીનેમે સુલગતે અરમા’ (તરાના), ‘દૂર હટો એ દુનિયા વાલો’ (કિસ્મત) ગીતો યાદગાર રહ્યાં. 1961માં મુંબઈ છોડ્યા બાદ ઓલ ઇન્ડિયા રેડિયો(દિલ્હી)માં જોડાયા અને પ્રખ્યાત ટીવી સિરિયલ ‘હમલોગ’(1984)માં પાર્શ્વ સંગીત આપ્યું. 1986માં તેમને સંગીત નાટક અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સોનેરી વાળનાં ઝુલ્ફાં

જ્હોન નામનો જુવાન એનાં સોનેરી વાળનાં ઝુલ્ફાં માટે બધે જાણીતો હતો. યુવતીઓને માટે એના આ સોનેરી વાળ આકર્ષણનું કેન્દ્ર હતા અને જ્હોન પણ પોતાની આ ખૂબીથી પૂરેપૂરો પરિચિત હતો. એ જાણતો હતો કે સોનેરી વાળને કારણે એનું મુખ અતિ સોહામણું લાગે છે. જ્હોનની ગરીબ માતા ઘરકામ કરીને એનું અને જ્હોનનું ભરણપોષણ કરતી હતી. એવામાં બન્યું એવું કે જ્હોનની માતા બીમાર પડી. જ્હોન ડૉક્ટર પાસે દવા લેવા ગયો, ત્યારે ડૉક્ટરે આ ગરીબ બાળકને જોઈને પહેલો સવાલ કર્યો, ‘તારામાં મારી દવાનું બિલ ચૂકવવાની ત્રેવડ છે ખરી ને ?’ જ્હોનના ઘરમાં જે કંઈ રકમ હતી, તે માતાની સારવારમાં વપરાઈ ગઈ હતી. જ્હોને ડૉક્ટરને આજીજી કરતાં કહ્યું, ‘સાહેબ, તમે મારી માને સારી કરી દો. દવા આપો, થોડા સમય બાદ પૈસા રળીને બિલ ચૂકવી દઈશ.’ ડૉક્ટરે જ્હોનની વાતને ગણકારી નહીં. જ્હોન નિરાશ થઈને બહાર નીકળ્યો, પણ ત્યાં એને ખ્યાલ આવ્યો કે શેરીના નાકે એક વાળંદની દુકાન છે. એ લાંબા સુંદર વાળ કાપીને વિગ બનાવનારાઓને વેચતો હતો. જ્હોન એની પાસે ગયો. એના બધા વાળ કપાવી નાખ્યા અને વાળંદ પાસેથી મળેલા પૈસાથી ડૉક્ટર પાસે જઈને દવા લીધી. દવા લઈને જ્હોન ઘેર પહોંચ્યો, ત્યારે એની માતાએ જોયું તો દીકરાનો ચહેરો બદલાઈ ગયો હતો. એણે અતિ આઘાત સાથે પૂછ્યું, ‘જ્હોન, તારા વાળ ક્યાં ગયા ? પેલાં સરસ મજાનાં સોનેરી ઝુલ્ફાં ક્યાં ? આ તેં શું કર્યું ?’ દીકરાનો ચહેરો જોઈને માતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી, ત્યારે જ્હોને કહ્યું, ‘મા, રડીશ નહીં. આ દવા પી લે. એનાથી તારી તબિયત સારી થઈ જશે. સોનેરી વાળ તો ફરી પણ ઊગશે, પણ જો મા ગુમાવી દઉં, તો તે કંઈ પાછી મળે ખરી ?’