Categories
વાચન સમૃદ્ધિ

બેન રૉય મોટલસન

જ. 9 જુલાઈ, 1926 અ. 13 મે, 2022

પ્રસિદ્ધ અમેરિકી-ડેનિશ પરમાણુ ભૌતિક વિજ્ઞાની (Nuclear Physicist) બેન રૉય મોટલસનનો જન્મ અમેરિકામાં શિકાગોમાં થયો હતો. તેમણે પરમાણુ નાભિક(Atomic Nuclei)ની આંતરિક રચના તથા જટિલ આકાર(complex structure)ને લગતા સિદ્ધાંતોને વિકસિત કરવા માટે પાયાનું (pioneer) કામ કર્યું. તેમના પિતા ગુડમેન મોટલસન ઇજનેર હતા. તેમનો પરિવાર યહૂદી હતો. ઇલિનૉય(Illinois)સ્થિત લાયન્સ ટાઉનશિપ હાઈસ્કૂલમાં શિક્ષણ લીધા બાદ તેઓ સંયુક્ત રાજ્ય નૌસેનામાં જોડાઈ ગયા. ત્યાંથી તેમને પર્ડ્યૂ (Purdue) વિશ્વવિદ્યાલયમાં વધુ તાલીમ અને અભ્યાસ માટે મોકલવામાં આવ્યા. 1947માં તેમને સ્નાતકની પદવી પ્રાપ્ત થઈ. ત્યારબાદ 1950માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલય પરમાણુ ભૌતિકીમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. હાર્વર્ડમાંથી ફેલોશિપ મેળવી તેઓ કોપનહેગન યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિક સંસ્થાનમાં જોડાયા. ત્યારબાદ નીલ્સ બોહર સંસ્થામાં કાર્યરત બન્યા અને ડેન્માર્કમાં જ રહી ગયા. તેમણે નોર્ડિક ઇન્સ્ટિટ્યૂટ ફોર થિયૉરિટિકલ ફિઝિક્સ(Nordita)માં પ્રોફેસર તરીકે કામગીરી બજાવી તે પછી તેઓ કૅલિફૉર્નિયાની બર્કલે યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર બન્યા અને ત્યાં અનેક સંશોધનો કર્યાં. તેમણે આગે બોહર સાથે મળીને અનેક શોધપત્રો પ્રકાશિત કર્યાં જેમાં સૈદ્ધાંતિક મૉડલોની તુલના પ્રાયોગિક અંકો સાથે કરવામાં આવી. બેન મોટલસન પોતે ડેનિશ અને અમેરિકા એમ બંને દેશોની નાગરિકતા ધરાવતા હતા. પરમાણુ ભૌતિકી ક્ષેત્રે અદ્ભુત સંશોધન બદલ તેમને 1975નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર તેમને ભૌતિકવિજ્ઞાનીઓ આગે બોહર (Aage Bohr) અને જેમ્સ રેનવૉટર (James Rainwoter) સાથે સંયુક્ત રૂપે આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને અનેક ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે 1969માં એટમ્સ ફોર પીસ ઍવૉર્ડ, 1974માં જૉન પ્રાઇસ વેદરિલ મેડલ અને 1980માં મારિયન સ્મોલુચોવ્સ્કી મેડલનો સમાવેશ થાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઇન્ડોનેશિયા

મલેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. તે ૬° ઉ. અ.થી ૧૧° દ. અ. અને ૯૫° પૂ. રે.થી ૧૪૧° પૂ. રે. વચ્ચેનો ૧૯.૯૧ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પાપુઆ ન્યૂ ગીનીઆ, પૂર્વ તિમોર અને મલેશિયાના પૂર્વ ભાગ સાથે જમીન સરહદો ધરાવે છે. જ્યારે સિંગાપોર, વિયેટનામ, થાઇલૅન્ડ, ફિલિપિન્સ, ઑસ્ટ્રેલિયા, પલાઉ અને ભારત (આંદામાન નિકોબાર ટાપુઓ) સાથે મેરીટાઇમ સરહદો ધરાવે છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. ઇન્ડોનેશિયાના નાનામોટા ૧૭,૫૦૪ ટાપુઓ વિષુવવૃત્ત આસપાસ ચાપ-આકારે વિસ્તરેલા છે. આમાંથી ૬,૦૦૦ ટાપુઓ પર જ માનવવસવાટ નથી. તે વિશ્વનો ચોથા ક્રમનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.

ઇન્ડોનેશિયામાં લગભગ ૧૫૦ જ્વાળામુખીઓ છે. તેમાં ૭૬ જેટલા આજે પણ સક્રિય છે, તેમાં ક્રાકાટોઆ મુખ્ય છે. ઇન્ડોનેશિયાના ભૂમિવિસ્તારના ૬૫% ભાગ ઉપર જંગલો છવાયેલાં છે. આ જંગલોમાં મેહૉગની, સાગ, યુકેલિપ્ટસ, નેતર, રબર, તાડ, સિંકોના, અબનૂસ, રોઝવૂડ, વાંસ વગેરે જેવાં મુખ્ય વૃક્ષો થાય છે. અહીં સુમાત્રા, જાવા અને અન્ય ટાપુઓનાં પંકભૂમિનાં ક્ષેત્રોમાં ચેર(mangroe)નાં જંગલો જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં હાથી, વાઘ, વાંદરાં, ગેંડા, ઉરાંગઉટાંગ, અજગર, મગર, મહાકાય કાચિંડા, વિવિધરંગી પક્ષીઓ અને જંતુઓ જોવા મળે છે. ઇન્ડોનેશિયામાં લાવારસની કાળી જમીન ખૂબ ફળદ્રૂપ છે. અહીંના મુખ્ય પાક ડાંગર, શેરડી, રબર, નાળિયેર, કૉફી, જાયફળ, સોપારી, મરી, ચા, સિંકોના, તાડ અને તમાકુ છે. અહીં બાગાયતી ખેતીનું મહત્ત્વ વધુ છે. કાપડ ઉપરનું બાટિકકામ અહીંનો ખૂબ મહત્ત્વનો ગૃહ-ઉદ્યોગ છે. ઇન્ડોનેશિયાની વસ્તી આશરે ૨૮ કરોડ ૯૦ લાખ (૨૦૨૬, મુજબ) જેટલી છે. ઇન્ડોનેશિયાના મોટા ભાગના લોકો મલય જાતિના છે. ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા છે. તે સિવાય જાવા, સુમાત્રા, બોર્નિયો, સેલિબિસ અને બાલી અગત્યના ટાપુઓ છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇન્ડોનેશિયા, પૃ. 157)

Categories
વાચન સમૃદ્ધિ

ગિરિરાજ કિશોર

જ. 8 જુલાઈ, 1937 અ. 9 ફેબ્રુઆરી, 2020

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક ગિરિરાજ કિશોરનો જન્મ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરમાં થયો હતો. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. અને એમ.એ.ની ડિગ્રી મેળવી. પછી ઉત્તરપ્રદેશ સરકારમાં જુદાં જુદાં પદ પર કાર્ય કર્યું. તેઓ 1964થી 1966 સુધી અલાહાબાદમાં રહ્યા અને લેખનકાર્ય કર્યું હતું. તેમણે 1966થી 1975 સુધી કાનપુર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર અને 1975થી 1983 સુધી રજિસ્ટ્રાર તરીકે કાર્ય કર્યું હતું. 1983થી 1997 સુધી તેમણે કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં સર્જનાત્મક લેખન તથા પ્રકાશન કેન્દ્રના અધ્યક્ષ તરીકે સેવા આપી. તેમણે હિન્દી સામયિક ‘આકાર’ના સંપાદક તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમણે નવલકથા, નવલિકા, નાટક અને નિબંધક્ષેત્રે સર્જન કર્યું. ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના અનુભવો પર આધારિત નવલકથા ‘પહલા ગિરમિટિયા’થી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. ‘લોગ’, ‘ચિડિયાઘર’, ‘યાત્રાએં’, ‘જુગલબંધી’, ‘ઢાઈ ઘર’ નવલકથાઓ; ‘વલ્દ રોજી’, ‘યહ દેહ કિસકી હૈ’, ‘નીમ કે ફૂલ’, ‘પેપરવેટ’ નવલિકા સંગ્રહો; ‘ચહેરે-ચહેરે કિસકે ચહેરે’, ‘પ્રજા હી રહને દો’, ‘જુર્મ આયદ’, ‘પાગલ ઘર’ નાટકો તથા ‘સંવાદસેતુ’, ‘લિખને કા તર્ક’, ‘સરોકાર’ નિબંધસંગ્રહો વગેરે તેમની જાણીતી રચનાઓ છે. તેઓ સાહિત્ય અકાદમીની કાર્યકારી સમિતિ અને ભારત સરકારના રેલવે બોર્ડના સભ્ય હતા. તેમના સમૃદ્ધ સાહિત્યસર્જન માટે તેમને અનેક માન-સન્માનો પ્રાપ્ત થયાં હતાં. 2002માં છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટીએ તેમને માનદ પીએચ.ડી.ની પદવી આપી હતી. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર, વ્યાસ સન્માન, મહાત્મા ગાંધી સન્માન, ભારતેન્દ્ર સન્માન, બીરસિંહ દેવજી સન્માન, સાહિત્યભૂષણ, શતદલ સન્માન વગેરે પ્રાપ્ત થયાં હતાં. ભારત સરકારે 2007માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા. કાનપુરના સિવિલ લાઇન્સ વિસ્તારમાંના માર્ગનું તેમના નામ પરથી ‘પદ્મશ્રી ગિરિરાજ કિશોર માર્ગ’ નામાભિધાન કરવામાં આવ્યું છે.