Categories
વાચન સમૃદ્ધિ

દેલવાડાનાં મંદિરો

સોલંકીકાળ દરમિયાન ગુજરાતના મંદિરસ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતાં છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ શાહે વિ. સં. 1088(ઈ. સ. 1031-32)માં અહીં બંધાવેલું મંદિર ‘વિમલવસહી’ (વિમલવસતિકા) નામે ઓળખાય છે. મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ, નવ ચોકી, રંગમંડપ, દેવકુલિકાઓ, બલાણક, હસ્તિશાલ અને તોરણ વગેરે સ્થાપત્યકીય અંગો આવેલાં છે. એમાં કુલ 117 મંડપો અને 121 સ્તંભો છે. ગર્ભગૃહ અને એની સાથે જોડાયેલ ગૂઢમંડપ (એનાં ઉત્તર-દક્ષિણનાં દ્વારો તથા તેમની સાથે જોડાયેલ ચોકીઓ સિવાય) મંત્રી વિમલના સમયના હોવાનું સ્પષ્ટ થાય છે. ગર્ભગૃહ અને ગૂઢમંડપ બહારથી તદ્દન સાદાં છે અને તેમની ઉપરના આચ્છાદન સાદા ફાસના ઘાટનાં છે. નવચોકી, રંગમંડપ અને દેવકુલિકાઓ સામેની પડાળીના સ્તંભો અને છતોમાં ખૂબ જ સુંદર કોતરણી કરેલી છે. ગર્ભગૃહની દ્વારશાખા પ્રાચીન નથી તેમજ મૂળનાયક-આદિનાથની પ્રતિમા પણ ઈ. સ. 1322ના જીર્ણોદ્ધારના સમયની છે. ગૂઢમંડપ આગળની ષટ્ચોકી(છ ચોકી)ની રચના વિમલના કુટુંબી ચહિલ્લે કરાવી હોય તેમ જણાય છે. આ છ ચોકીનું નવચોકીયા રૂપાંતર કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે રંગમંડપના જીર્ણોદ્ધારના સમયે (ઈ. સ. 1150) કરાવ્યું હોય એમ જણાય છે. આ જ પૃથ્વીપાલે મંદિરની સામે એના પૂર્વજોની સ્મૃતિમાં હસ્તિશાલા રચાવી હોવાનું જાણવા મળે છે. મંદિરની ચોતરફ દેવકુલિકાઓ પણ પૃથ્વીપાલના સમય(ઈ. સ. 1144-1187)માં બંધાઈ હતી. હસ્તિશાલાને ચાર દ્વાર છે.

પૂર્વના દ્વારે બે મોટાં દ્વારપાલનાં શિલ્પો છે અને એને અડીને જ અલંકૃત તોરણ છે. હસ્તિશાલાની અંદર સામે જ અશ્વારુઢ વિમલમંત્રીની છત્રધારી મૂર્તિ છે. હસ્તિશાલાની વચ્ચે આદિનાથનું સમવસરણ છે. મંદિરના ગભારામાં મૂળ નાયક ઋષભદેવની સપરિકર-પંચતીર્થી પ્રતિમા છે. મંદિરમાં ઠેર ઠેર વિમલના વંશજોની મૂર્તિઓ અને અભિલેખો આવેલા છે. અહીંની શિલ્પ સમૃદ્ધિમાં સપરિકર તીર્થંકરની મૂર્તિઓ, ચોવીસીનો પટ્ટ, સમવસરણ, સાધુ-સાધવીઓ, શ્રાવક-શ્રાવિકાઓ, અંબિકા, સોળ વિદ્યાદેવીઓ, ભરત-બાહુબલિ યુદ્ધ, પંચકલ્યાણક, કાલીયમર્દન, નૃસિંહ, સરસ્વતી, લક્ષ્મી, 56 દિક્કુમારિકાઓ વગેરેનો સમાવેશ થાય છે.

(વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દેલવાડાનાં મંદિરો/)

Categories
વાચન સમૃદ્ધિ

જ્યૉર્જિયો કિરિકો

જ. 10 જુલાઈ, 1888, અ. 20 નવેમ્બર, 1978

ઇટાલીના પરાવાસ્તવવાદી ચિત્રકાર કિરિકો જ્યૉર્જિયોનો જન્મ ગ્રીસમાં થયો હતો. બાળપણમાં ઍથેન્સમાં ડ્રૉઇંગની તાલીમ લીધી હતી. થોડા જ સમયમાં પિતાનું અવસાન થતાં માતા અને નાના ભાઈ સાથે કિરિકો પણ જર્મનીમાં મ્યૂનિક જઈ વસ્યો. જર્મનીમાં સ્વિસ રંગદર્શી ચિત્રકાર આર્નૉલ્ડ બોક્લીનનો પ્રભાવ તેની ઉપર પડ્યો. ઉપરાંત જર્મન ફિલસૂફ નિત્શેનું તેણે પઠન કર્યું અને પરિણામે નિત્શેની અસર પણ ઝીલી. આ બંનેની અસર હેઠળ તેણે હવે એવાં ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં જેમાં સન્નાટો છવાઈ ગયો હોય તેવાં નિર્જન અને પ્રાચીન રોમન ખંડેરોમાં એકલદોકલ આધુનિક માનવીની હાજરી હોય કે દૂર ક્ષિતિજે ચાલી જતી રેલવેગાડી જેવી આધુનિક જીવનની હાજરી જણાતી હોય. પોતાનાં આ રંગદર્શી પ્રકારનાં ચિત્રોને તેણે અને તેના ઇટાલિયન ચિત્રકાર મિત્ર કાર્લો કારાએ મૅટાફિઝિકલ પેઇન્ટિન્ગ્ઝ (પિત્તુરા મેતાફિસ્તા – Pittura Metafisca) તરીકે ઓળખાવેલાં. 1908માં કિરિકો મ્યૂનિક છોડી પહેલાં ઇટાલી અને પછી પૅરિસ ગયેલો. પૅરિસમાં તેની ઓળખાણ પિકાસો અને ઍપોલિનેરે સાથે થઈ. 1915માં કિરિકો વળી ફરી ઇટાલી ગયો અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલીના લશ્કરમાં સૈનિક તરીકે ભરતી થયો. રણમોરચે ઘવાતાં તે ફેરારા ખાતે હૉસ્પિટલમાં દાખલ થયો. એ પછીના તેનાં ચિત્રોમાં એકલતાની અને ઘરઝુરાપાની લાગણીનું પ્રમાણ વધતું ગયું; વળી તેમાં ચિત્રિત ખંડેરોથી સર્જાતું વાતાવરણ પણ વધુ ને વધુ ભેંકાર અને ડરામણું બનતું ગયું. પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરાવાસ્તવવાદી ચળવળને જન્મ આપનાર ફ્રેંચ કવિ આન્દ્રે બ્રેતોંએ સ્વીકારેલું કે કિરિકો પરાવાસ્તવવાદના અગ્રયાયી છે. 1930 પછી કિરિકોની કલામાં અચાનક નવો વળાંક આવ્યો. આધુનિકતાનો ત્યાગ કરી તેણે પ્રશિષ્ટ રેનેસાં અને ગ્રેકોરોમન શૈલીમાં ચિત્રસર્જન કરવું શરૂ કર્યું. અનુઆધુનિક દૃષ્ટિએ પણ કિરિકો મહત્ત્વના કલાકાર છે, કેટલાકને મતે તેઓ અનુઆધુનિકતાના અગ્રયાયી છે. પ્રશિષ્ટ રેનેસાંસ-પ્રવાહ તરફ પાછા વળવા છતાં કિરિકોએ પોતાના અગાઉના આધુનિક ચિત્રસર્જનને ફગાવી દીધું નહિ. તેણે ઇટાલિયન ભાષામાં આત્મકથા લખેલી, જેના અંગ્રેજી અનુવાદનું પ્રકાશન 1971માં થયેલું. 1978માં રોમ ખાતે તેમનું અવસાન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

કલા કુરૂપ બની જશે

કારા ડેલીની ઇચ્છા સ્ટેજ પર જઈને દર્શકો વચ્ચે ઝૂમતી ગાયિકા તરીકે નામના મેળવવાની હતી, પરંતુ એની આ તીવ્ર ઇચ્છામાં સહુથી મોટો અવરોધ એનો ચહેરો હતો. એ જાણતી હતી કે ગાયિકાના ગાનની સાથે એના ચહેરાને સ્ટેજ પર દર્શકો એકાગ્ર બનીને જોતા હોય છે, તેથી એ વિચારતી કે એના કદરૂપા ચહેરાને કારણે એ પ્રેક્ષકોને પસંદ નહીં પડે. વળી એથીય વધુ તો એના આગળના દાંત બહાર દેખાતા હતા. આવા બહાર દેખાતા દાંતવાળો ગોળમટોળ ચહેરો જોવો કોને ગમે ? આમ છતાં ગાવાની પ્રબળ ઇચ્છા હોવાથી કારા ડેલીએ સાહસ કરીને સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું, પણ એના દેખાવ વિશે અત્યંત સભાન હતી, તેથી એ પોતાના ઉપરના હોઠને નીચે સુધી ખેંચી લાવવાનો પ્રયત્ન કરતી હતી, જેથી એના આગળના બહાર દેખાતા દાંત થોડા છુપાઈ શકે. પરિણામ એ આવ્યું કે કારા ડેલી ગાવાને બદલે કે દર્શકો પર દૃષ્ટિ રાખવાને બદલે પોતાની કુરૂપતા છુપાવવા પ્રયત્ન કરતી રહી. એક વાર એની ગાયનશૈલીથી પ્રભાવિત થયેલા શ્રોતાએ એને કહ્યું, ‘તું જે છુપાવવા માગે છે, તે હું જાણી ગયો છું. તને તારા હોઠની બહાર આવતા આગળના દાંત દેખાડવા પસંદ નથી, ખરું ને ?’ કારા ડેલીએ એની આ વાતનો સ્વીકાર કર્યો ત્યારે પેલી વ્યક્તિએ કહ્યું, ‘આનાથી શરમાઈને તું ગાઈશ તો ક્યારેય મુક્ત રીતે ગાઈ શકીશ નહીં અને ક્યારેય શ્રોતાઓને રીઝવી શકીશ નહીં. સહેજેય શરમાયા વગર નિરાંતે મોં ખુલ્લું રાખીને, દાંતને છુપાવ્યા વિના ગાઈશ તો સફળ થઈશ.’ દર્શકની આ સલાહ માનીને કારા ડેલીએ ગાતી વખતે તન્મય બનીને માત્ર ગાવાનો જ વિચાર કર્યો. બીજું બધું ભૂલી ગઈ. એટલા ઉત્સાહ અને આનંદથી એ ગાતી હતી કે સમય જતાં એ રેડિયો અને ટેલિવિઝનની અગ્રણી ગાયિકા બની ગઈ !