Categories
વાચન સમૃદ્ધિ

ઇરાક

મધ્યપૂર્વનો લોકશાહી ધરાવતો આરબ દેશ. ભૌગોલિક સ્થાન : તે ૨૯° ૨૦´થી ૩૭° ૩૩´ ઉ. અ. અને ૩૮° ૫૩´થી ૪૮° ૧૬´ પૂ. રે. વચ્ચેનો ૪.૩૮ લાખ ચો.કિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. ઇરાકની વસ્તી ૪.૭૨ કરોડ (૨૦૨૬, આશરે) જેટલી છે. પ્રાચીન સમયમાં યુફ્રેટિસ અને ટાઇગ્રિસ નદી વચ્ચેના ‘મેસોપોટેમિયા’ (‘માસે’ એટલે વચ્ચે અને ‘પોટામિયા’ એટલે નદીઓ) નામે ઓળખાતા આ પ્રદેશમાં ઉચ્ચ કોટિની વિશ્વસંસ્કૃતિ વિકસી હતી. વિશ્વની ચાર મહાન સંસ્કૃતિઓમાં તેની ગણના છે. તે એક સમયે ચંદ્રલેખાના ફળદ્રૂપ પ્રદેશ તરીકે પણ ઓળખાતો હતો. તે ઈરાનના અખાતની વાયવ્યમાં આવેલો છે. ઉત્તરે તુર્કી, ઈશાન અને પૂર્વમાં ઈરાન, અગ્નિકોણમાં ઈરાનનો અખાત, દક્ષિણમાં કુવૈત અને સાઉદી અરેબિયા, પશ્ચિમમાં સીરિયા અને જૉર્ડન આવેલાં છે. તેનું પાટનગર બગદાદ છે. અરબી ભાષામાં ‘ઇરાક’નો અર્થ ‘ઊંડા મૂળવાળો દેશ’ એવો થાય છે. મૂળે આ દેશ ખેતીપ્રધાન છે; પરંતુ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે વિશ્વના ખનિજતેલના મહત્ત્વના ઉત્પાદક દેશ તરીકે જાણીતો છે.

ઇરાકને ભૂપૃષ્ઠની દૃષ્ટિએ ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (૧) કુર્દિસ્તાનનો ઈશાની પહાડી પ્રદેશ, (૨) મેસોપોટેમિયાનો નદીખીણનો પ્રદેશ અને (૩) નૈઋત્યનો રણપ્રદેશ. ઇરાકની મુખ્ય બે નદીઓ યુફ્રેટિસ અને ટાઇગ્રિસ છે. ઇરાક ખેતીપ્રધાન દેશ છે. ખેતીના પાકમાં મુખ્યત્વે જવ ઉગાડવામાં આવે છે. તે સિવાય અહીં ઘઉં, ડાંગર, બાજરી અને મકાઈની ખેતી પણ થાય છે. રોકડિયા પાકમાં કપાસ અને તમાકુની ખેતી થાય છે. પર્વતીય ક્ષેત્રોની તળેટીમાં દ્રાક્ષના બગીચા ઉપરાંત અંજીર, શેતૂર, સફરજન, મોસંબી, નારંગી જેવાં ફળફળાદિની બાગાયતી ખેતી થાય છે. ખજૂર ઇરાકનો સૌથી મહત્ત્વનો પાક છે. ખજૂરના ઉત્પાદનમાં ઇરાક વિશ્વમાં પ્રથમ નંબરે છે. ઇરાકનું મુખ્ય ઉત્પાદન ખનિજતેલ છે. પૂર્વમાં આવેલા કિરકુકમાં ઇરાકનાં વિશાળ તેલક્ષેત્રો છે. ઇરાકનો ઔદ્યોગિક વિકાસ તેને આભારી છે. બગદાદ અને તેની આજુબાજુના પ્રદેશોમાં તેલ-રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સ અને રાસાયણિક ખાતરના ઉદ્યોગો વિકસ્યા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇરાક, પૃ. 161)

Categories
વાચન સમૃદ્ધિ

ઉમા દેવી ખત્રી (ટુનટુન)

જ. 11 જુલાઈ, 1923 અ. 24 નવેમ્બર, 2003

હિન્દી ફિલ્મજગતની ગાયિકા, પ્રથમ હાસ્ય અભિનેત્રી ઉમા દેવી ખત્રીનો જન્મ અમરોહ, ઉત્તરપ્રદેશમાં થયો હતો. ગાયિકા તરીકે ઉમાદેવી તથા અભિનેત્રી તરીકે ટુનટુનના નામથી જાણીતી આ કલાકાર ફિલ્મજગતમાં એક અવિચળ સ્થાન ધરાવે છે. માત્ર અઢી વર્ષની વયે માતા-પિતાની હત્યા અને ચાર વર્ષની વયે એકના એક ભાઈની હત્યા થતાં બાળપણમાં જ તેઓ અનાથ બની ગયાં. સગાસંબંધીઓના ભરોસે ઓશિયાળા ઉછેર સાથે ઉમા દેવી અનેક યાતનાઓ અનુભવતાં રહ્યાં. કુદરતી રીતે સુંદર ગાઈ શકતાં હોવાથી ફિલ્મજગતમાં ગાયિકા તરીકે નસીબ અજમાવવા તેઓ ભાગીને મુંબઈ આવ્યાં. સંગીતકાર નૌશાદના ઘરની બહાર પોતાને ગવડાવવાની વિનમ્ર જીદ લઈને તેઓ દિવસો સુધી બેસી રહ્યાં. એમના ગાયનથી અભિભૂત થઈને 1947માં ફિલ્મ ‘દર્દ’માં નૌશાદે ઉમા દેવી પાસે ‘અફસાના લિખ રહી હૂં દિલે બેકરાર કા’ ગવડાવ્યું અને ઉમા દેવી એક ગાયિકા તરીકે સક્રિય તથા ખ્યાતનામ થવા લાગ્યાં. યાતનામય બાળપણ છતાં સ્વભાવે આનંદી ઉમા દેવીએ પોતાના ભારે શરીર તથા રમૂજી અભિનયને પોતાની શક્તિ બનાવી 1950માં ફિલ્મ ‘બાબુલ’ દ્વારા અભિનયમાં પદાર્પણ કર્યું અને સૌપ્રથમ હાસ્ય અભિનેત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. હાસ્ય અભિનેત્રી તરીકે એક તોફાની નામ વધુ અસરદાર રહેશે એવા અભિપ્રાય સાથે અભિનેતા દિલીપકુમારે ઉમા દેવીને ટુનટુનનું વ્યાવસાયિક નામ આપ્યું. ત્યારબાદ ‘ઢોલક’, ‘દિદાર’, ‘અંબર’, ‘ગુનાહ’, ‘આરપાર’, ‘સી.આઈ.ડી.’થી લઈને 1990માં ‘કસમ ધંધે કી’ ફિલ્મમાં અભિનય કરીને ફિલ્મજગતને તિલાંજલિ આપી. ટુનટુન નામ સાથે એમણે 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો તથા ઉમા દેવીના મૂળ નામ સાથે થોડાં ઘણાં ગીતો ગાયાં પરંતુ એ બધાં જ ગીતો ચિરસ્મરણીય બન્યાં. 1947માં અખ્તર અબ્બાઝ કાઝી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. જેમને ઉમા દેવી જીવનપર્યંત મોહન નામથી સંબોધિત કરતાં હતાં. તેમનું લગ્નજીવન ઘણું સમજદારીભર્યું તથા ખુશહાલ રહ્યું. પતિ મોહન મુંબઈમાં એક્સાઇઝ ડ્યૂટી ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપતા હતા. આ દંપતીને ચાર સંતાનો હતાં. 2003માં લાંબી માંદગી બાદ ઉમા દેવીનું અવસાન થયું.

Categories
સાંપ્રત કાર્યક્રમો

બારીએથી વિશ્વ (પોડકાસ્ટ)

કલમના કસબી અને વિશ્વપ્રવાસી ડૉ. ભારતી રાણે સાથે દીપ્તિ જોષીનો સંવાદ

15 જુલાઈ, 2026, બુધવાર, સાંજના 5-30