Categories
વાચન સમૃદ્ધિ

જેસલમેર

રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે ૨૬° ૫૫´ ઉ. અ. અને ૭૦° ૫૪´ પૂ. રે.. આજુબાજુનો ૩૮,૪૦૧ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ પાકિસ્તાનની સીમા, ઈશાન, પૂર્વ અને દક્ષિણ તરફ અનુક્રમે રાજ્યના બિકાનેર, જોધપુર અને બાડમેર જિલ્લા આવેલા છે. જિલ્લામથક જેસલમેર જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનો ઘણોખરો વિસ્તાર રણથી છવાયેલો છે. રણવિસ્તાર રેતીવાળો, સૂકો અને પાણીની અછતવાળો છે. જેસલમેરની નજીકમાં અંદાજે ૬૦ કિમી.ની ત્રિજ્યામાં નાની-મોટી ડુંગરધારો તથા અસમતળ ખડકાળ મેદાનો આવેલાં છે. રણપ્રદેશમાં જુદા જુદા આકાર અને કદવાળા સ્થિર તેમજ અસ્થિર રેતીના ઢૂવા જોવા મળે છે. ક્યાંક ક્યાંક જોવા મળતી રેતીની ટેકરીઓ છે, જો ત્યાં થોડો પણ વરસાદ પડે તો તે હરિયાળી બની શકે અને ગોચરોમાં ફેરવાઈ શકે એવી શક્યતા છે. આ ટેકરીઓની ઊંચાઈ ૬૦થી ૧૦૦ મીટરની છે, તે બોરડી અને ખીજડાથી આચ્છાદિત છે. પોખરણની આજુબાજુ ગ્રેવલ-મરડિયાના થર પથરાયેલા છે. ઇંદિરા ગાંધી નહેર આ જિલ્લાના ઉત્તર અને પશ્ચિમ ભાગમાંથી પસાર થાય છે. ખેતીને તેનો લાભ મળે છે. અહીં કોઈ કાયમી નદી કે કુદરતી સરોવર નથી, રુપસી ગામ પાસે ભુજઝીલ નામનું એક તળાવ છે. ચોમાસામાં વરસાદ પડે તો નીચાણવાળા ખાડાઓ પાણીથી ભરાય છે, તેનાં પાણી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવાય છે. અહીંની ભૂગર્ભજળસ્તરની સપાટી ૪૦થી ૪૫ મીટર જેટલી ઊંડી છે. ખનિજો : આ જિલ્લામાં મુલતાની માટી, મૃદ, ગેરુ, ચિરોડી, ફોસ્ફોરાઇટ (સુપર ફૉસ્ફેટ ખાતરો માટે) અને ચૂનાખડકો મળે છે. તેલ અને વાયુ પંચ તરફથી તેલખોજ માટે કસોટી શારકામો કરેલાં છે.

જંગલો : જિલ્લાનો માત્ર ૧.૫% જેટલો વિસ્તાર (અંદાજે ૬૦,૦૦૦ હેક્ટર ભૂમિ) જંગલ આચ્છાદિત છે. અહીંની શુષ્ક આબોહવાને કારણે જંગલો આવેલાં નથી, માત્ર જિલ્લાના ઈશાન ભાગમાં ૫૦ ચોકિમી. જેટલા વિસ્તારમાં નાનો પટ્ટો જંગલવાળો છે. અન્ય વનસ્પતિનું આચ્છાદન પણ નહિવત્ છે. અહીં અયનવૃત્તીય કાંટાળાં ઝાંખરાં જોવા મળે છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં બાવળ, ગૂગળ, બડા પીલુ, છોટા પીલુ, રગતરોહિડો, બોરડી, ખીજડા અને થોડા પ્રમાણમાં લીમડા જોવા મળે છે.

જેસલમેરનો કિલ્લો

આબોહવા : અહીંના ઉનાળા-શિયાળાનાં તાપમાન વિષમ રહે છે. વરસાદનું પ્રમાણ તદ્દન ઓછું છે. ઉનાળા-શિયાળાના દિવસ-રાત્રિનાં તાપમાન અનુક્રમે ૪૦ સે. અને ૧૭ સે. તથા ૩૦ સે. અને ૭ સે. જેટલાં રહે છે. ખેતી-પશુપાલન : બાજરો, જુવાર, મગ, મઠ, ચણા અહીંના મુખ્ય પાક છે. થોડા પ્રમાણમાં ઘઉંનું વાવેતર પણ થાય છે. શાકભાજીમાં મૂળા, ડુંગળી, રીંગણ અને કાકડી થાય છે. વરસાદની અછતને કારણે અહીં ખાતરોનો ઉપયોગ થઈ શકતો નથી. ૧૯૬૦ પછી અહીં નળ-કૂવા (ટ્યૂબ-વેલ) બનાવ્યા છે, તેથી તે વિસ્તારોમાં ખાતરો ઉપયોગમાં લેવાતાં થયાં છે. ઉદ્યોગો-વેપાર : આ જિલ્લો ઉદ્યોગોની દૃષ્ટિએ પછાત છે, કુદરતી પરિસ્થિતિ અનુકૂળ નથી. માત્ર ગૃહઉદ્યોગ-કુટિર-ઉદ્યોગ વિકસ્યા છે. બરછટ સુતરાઉ કાપડ, ઊની શાલ, ઊની ધાબળા, ઊંટના વાળની ચટાઈઓ-ગાલીચા, બકરીના વાળની બૅગ વગેરે તૈયાર કરવામાં આવે છે. ગૃહઉદ્યોગો માટે રાજ્ય સરકાર તરફથી ધિરાણ મળી રહે છે. પરિવહન-

પ્રવાસન : આ જિલ્લો રેલમાર્ગો અને સડકમાર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. જેસલમેર જોધપુર સાથે સંકળાયેલું રહે છે. જોધપુર ખાતે હવાઈ મથકની સુવિધા હોવાથી જેસલમેર મુંબઈ, દિલ્હી, જયપુર, ઉદયપુર અને અમદાવાદ જઈ શકાય છે. એ જ રીતે જેસલમેર, જોધપુર, બિકાનેર, જયપુર, ઉદયપુર, દિલ્હી સાથે રાજ્ય ધોરી માર્ગોથી જોડાયેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૫ પસાર થાય છે. વસ્તી-લોકો : ૨૦૨૪ મુજબ જેસલમેરની વસ્તી ૮,૫૧,૦૦૦ (આશરે) જેટલી છે. જેસલમેર અને પોખરણ અહીંનાં મુખ્ય શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેસલમેર, પૃ. ૯૧૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા

Categories
વાચન સમૃદ્ધિ

નગેન્દ્ર સિંહ

જ. ૧૮ માર્ચ, ૧૯૧૪ અ. ૧૧ ડિસેમ્બર, ૧૯૮૮

ભારતીય વકીલ અને પ્રશાસક નગેન્દ્ર સિંહનો જન્મ ડુંગરપુર, રાજસ્થાનમાં રાજપૂત સિસોદિયા રાજપરિવારમાં થયો હતો. ૧૯૮૫થી ૧૯૮૮ સુધી તેમણે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધ્યક્ષ તરીકે કામ કર્યું. તેઓએ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે પોતાની ઓળખ બનાવી. તેમના પિતા વિજય સિંહ ડુંગરપુર રિયાસતના રાજા હતા. માતાનું નામ દેવેન્દ્રકુંવરબા. મોટા ભાઈ લક્ષ્મણ સિંહ ડુંગરપુરના અંતિમ રાજા હતા. સિવિલ સેવામાં જોડાતાં પહેલાં નગેન્દ્ર સિંહે સેન્ટ જોન્સ કૉલેજ કેમ્બ્રિજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ ભારતીય સિવિલ સેવામાં કાર્યરત બન્યા અને પૂર્વી રાજ્યોના ક્ષેત્રીય આયુક્ત બન્યા અને ભારતની સંવિધાન સભાના સભ્ય બન્યા. તેઓ ભારતના રક્ષામંત્રાલયના સંયુક્ત સચિવ તરીકે પરિવહન મહાનિર્દેશક તરીકે તથા સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં વિશેષ સચિવ તરીકે સક્રિય હતા. ૧૯૬૬થી ૧૯૭૨ સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિના સચિવ હતા. તે પછી ૧ ઑક્ટોબર, ૧૯૭૨થી ૬ ફેબ્રુઆરી, ૧૯૭૩ સુધી ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી (કમિશનર) રહ્યા. ૧૯૬૬, ૧૯૬૯ અને ૧૯૭૫માં મળીને ત્રણ વખત તેમને સંયુક્ત રાષ્ટ્રસભામાં ભારતના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૧૯૬૭થી ૧૯૭૨ સુધી ખંડસમય માટે સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વિધિ આયોગમાં કામ કર્યું. તેમને આંતરરાષ્ટ્રીય બાર ઍસોસિયેશનમાં સચિવ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેઓ નેધરલૅન્ડના હેગમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે ગયા અને ફેબ્રુઆરી, ૧૯૮૫થી ફેબ્રુઆરી, ૧૯૮૮ સુધી ત્યાં અધ્યક્ષ બની રહ્યા. તેઓ નિવૃત્તિ બાદ મૃત્યુપર્યંત હેગમાં જ રહ્યા. ૧૯૩૮માં તેમને કામા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ૧૯૭૩માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’થી તેમને સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

બૂટની જોડી

અમેરિકાના અશ્વેત લોકોના નાગરિક હકોની અહિંસક લડતના અગ્રણી નેતા માર્ટિન લ્યૂથર કિંગ (જુનિયર) (ઈ. સ. 1929થી 1968) પર ગાંધીજીનાં લખાણોનો અને એમની અહિંસાની વિચારધારાનો ઘણો પ્રભાવ પડ્યો. એમણે અશ્વેત લોકોના અધિકારો માટે અહિંસક સત્યાગ્રહનું શસ્ત્ર અજમાવ્યું. જાહેર બસમાં રંગભેદ અને અલગતાવાદ આચરવામાં આવતો હતો, એનો એમણે વિરોધ કર્યો અને લાંબા સમય સુધી જાહેર બસવ્યવહારનો બહિષ્કાર પોકારીને માર્ટિન લ્યૂથર કિંગે લડતની આગેવાની લીધી. અમેરિકામાં વિવિધ પ્રદેશોમાં એમણે રંગભેદની નીતિ અને અશ્વેત લોકોના નાગરિક હકો માટે જેહાદ જગાવી. 1963ની 28મી ઑગસ્ટે અઢી લાખથી વધારે લોકોએ અમેરિકાની રંગભેદની નીતિ સામે વૉશિંગ્ટનમાં ઐતિહાસિક કૂચ યોજી. માર્ટિન લ્યૂથર કિંગ ઠેર ઠેર જાહેરસભાઓ ભરીને લોકજાગૃતિ સર્જતા હતા. એક વાર કોઈ સભામાં રંગભેદમાં માનતા એમના વિરોધીએ એમને નિશાન બનાવીને છુટ્ટો બૂટ ફેંક્યો. માર્ટિન લ્યૂથર કિંગને તે વાગ્યો નહીં, પણ એમના પગ પાસે પડ્યો. સભામાં ખળભળાટ મચી ગયો, પરંતુ સ્વસ્થ માર્ટિન લ્યૂથર કિંગે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું ને માર્મિક રીતે કહ્યું, ‘ધન્ય છે એ દેશને કે જે પોતાના સેવકોની નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખે છે. મારા જેવા ખુલ્લા પગે ચાલતા સામાન્ય સેવકની પણ ચિંતા કરે છે. આ સભામાં ઉપસ્થિત એવા કોઈ દયાવાન સજ્જને ઉદારતા દાખવી છે, પરંતુ મને અફસોસ એટલો છે કે માત્ર એક જ બૂટ શા માટે આપ્યો ? બે બૂટ હોત તો વધારે સારું થાત !’ માર્ટિન લ્યૂથર કિંગનું વક્તવ્ય સાંભળીને લોકો સ્તબ્ધ બની ગયા. એમણે હસીને કહ્યું, ‘જે સજ્જને મને એક બૂટ આપવાની ઉદારતા દાખવી, તેમને મારી વિનંતી છે કે તેઓ બીજો બૂટ પણ આપે, તો એમની મહેરબાનીથી મને બૂટની જોડી મળી રહેશે.’ માર્ટિન લ્યૂથરની સ્વસ્થતા અને સહૃદયતાથી પ્રસન્ન એવા શ્રોતાજનોએ ‘લૉંગ લિવ માર્ટિન લ્યૂથર’ના નારા પોકાર્યા.

કુમારપાળ દેસાઈ