Categories
વાચન સમૃદ્ધિ

દિલનો અવાજ

અમેરિકાના એલાબામા રાજ્યના મોબીલે શહેરમાં જન્મેલા (૨૦૧૧) ટિમ કૂકના પિતા ડોનાલ્ડ બંદર પર કામ કરતા હતા અને માતા ગેરાલ્ડીન ફાર્મસીમાં નોકરી કરતાં હતાં. ઍપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કૂક વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીના સી.ઈ.ઓ. હોવા છતાં જીવનના નિર્ણયો લેવામાં સદૈવ પોતાના દિલના અવાજને મહત્ત્વ આપે છે. ઓબર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ૧૯૮૨માં તેઓ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં ગ્રૅજ્યુએટ થયા. સ્વાભાવિક રીતે જ સહુએ એમને એન્જિનિયરિંગના ક્ષેત્રે જઈને કારકિર્દી બનાવવાનું કહ્યું, પણ ટિમ કૂકને એન્જિનિયર બનવાને બદલે બિઝનેસમૅન થવાની તીવ્ર ઇચ્છા હતી. આથી એમણે એમ.બી.એ. થવાનો નિર્ણય લીધો અને ૧૯૮૮માં ડ્યૂક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને એ એમ.બી.એ. થયા. એ પછી બાર વર્ષ એમણે વિખ્યાત આઈ.બી.એમ. કંપનીમાં કામ કર્યું, પણ એમના દિલને લાગ્યું કે ઘણું થયું, હવે કોઈ નવી કંપનીમાં જવું જોઈએ. આથી કૉમ્પેક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો મેળવ્યો અને હજી આ કંપનીમાં છ મહિના વિતાવ્યા હતા ત્યાં જ એક વિશિષ્ટ ઘટના બની. ઍપલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ સાથે મળવાનું બન્યું. બંને વચ્ચે પાંચેક મિનિટ વાતચીત થઈ, પણ ટિમ કૂકને સ્ટીવ જોબ્સની સાથે કામ કરવું એટલું બધું પસંદ પડ્યું કે આ પાંચેક મિનિટની વાતચીતમાં એમના દિલમાંથી અવાજ આવ્યો અને એમણે ઍપલ કંપનીમાં કામ કરવાનું સ્વીકાર્યું. આજે ટિમ કૂક કહે છે કે આ દિલના અવાજને અનુસરીને કોમ્પેક કંપનીમાંથી ઍપલ કંપનીમાં આવ્યો, તે મેં મારા જીવનમાં લીધેલો શ્રેષ્ઠ નિર્ણય છે. આને કારણે મને સર્જનાત્મક જિનિયસ સાથે કામ કરવાની તક મળી અને અમેરિકાની આ મહાન કંપનીને આગળ વધારનારી એક્ઝિક્યુટિવ ટીમમાં સ્થાન મળ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

રામ પ્રસાદ બિસ્મિલ

જ. ૧૧ જૂન, ૧૮૯૭ અ. ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭

ભારતીય ક્રાંતિકારી, સ્વાતંત્ર્યસેનાની અને દેશભક્ત કવિ તરીકે જાણીતા રામ પ્રસાદનો જન્મ ઉત્તરપ્રદેશમાં આવેલા શાહજહાંપુર નગરમાં થયો હતો. તેમના પિતા મુરલીધર શાહજહાંપુર નગરપાલિકામાં કામ કરતા હતા. બિસ્મિલને હિન્દી ભાષા તેમના પિતા પાસેથી શીખવા મળી હતી, જ્યારે ઉર્દૂ ભાષાનું જ્ઞાન તેમણે મૌલવી પાસેથી મેળવ્યું હતું. રામ, અજ્ઞાત અને બિસ્મિલ ઉપનામથી તેમણે હિન્દી અને ઉર્દૂમાં કવિતાઓ લખી હતી જે પૈકી તેઓ ‘બિસ્મિલ’ તરીકે વધુ જાણીતા બન્યા હતા.

રામ પ્રસાદ બિસ્મિલે ૧૮ વર્ષની વિદ્યાર્થીવયે ક્રાંતિકારી, લાલા હરદયાળના સહયોગી તથા વિદ્વાન એવા પરમાનંદની મોતની સજા વિશે સાંભળ્યું હતું. આ સમયગાળા દરમિયાન તેઓ નિયમિત રીતે આર્ય સમાજના મંદિરે જતા હોવાથી ત્યાં તેમની મુલાકાત પરમાનંદના મિત્ર સોમદેવ સાથે થઈ. મોતની સજા વિશે સાંભળ્યા બાદ તેમણે હિંદી ભાષામાં રચેલી કવિતા ‘મેરા જન્મ’ સોમદેવને વંચાવી. આ કાવ્ય સમગ્ર ભારત પરથી બ્રિટિશ નિયંત્રણ હટાવવાની પ્રતિબદ્ધતા દર્શાવતું હતું. ભગતસિંહે પણ તેમની હિંદી અને ઉર્દૂ કવિ તરીકે પ્રશંસા કરી હતી. બિસ્મિલે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને ક્રાંતિકારી સંગઠન હિન્દુસ્તાન રિપબ્લિક ઍસોસિયેશનની સ્થાપના કરી હતી જે પાછળથી હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક ઍસોસિયેશન એવા નામથી જાણીતું થયું હતું. આ સંગઠનનો મુખ્ય હેતુ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા ભારતને સ્વરાજ અપાવવાનો હતો. સંગઠન માટે ફાળો મુખ્યત્વે સરકારી ખજાનાની લૂંટ કરીને મેળવવામાં આવતો હતો. ૯ ઑગસ્ટ, ૧૯૨૫ના દિવસે થયેલ કાકોરી કાંડ સંદર્ભે તેમના પર કેસ ચાલ્યો અને કેસની સુનાવણી બાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખાન, ઠાકુર રોહનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિડી સહિત તમામને ફાંસીની સજા થઈ હતી અને ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ ગોરખપુરની જેલમાં તેમને ફાંસી આપી દેવામાં આવી હતી. તેમની યાદમાં અનેક સ્મારક અને ટપાલટિકિટ બહાર પાડવામાં આવી છે.

Categories
વાચન સમૃદ્ધિ

સિડની

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર.

ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. તે ૩૩° ૫૨´ દ. અ. અને ૧૫૧° ૧૩´ પૂ. રે.ની આજુબાજુનો ૧૨,૧૪૫ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક મહાસાગર, દક્ષિણ તરફ વોરોનોરા ઉચ્ચપ્રદેશ, પશ્ચિમ તરફ બ્લૂ માઉન્ટન્સ તથા ઉત્તર તરફ હોસબરી નદી આવેલાં છે. સિડનીની વસ્તી આશરે ૫૫,૫૭,૨૩૩ (૨૦૨૪) જેટલી છે.

સિડની શહેર

તે ઑસ્ટ્રેલિયાના અગ્નિકાંઠા પર પૉર્ટ જેક્સન બંદરની આજુબાજુ વસેલું છે. તેમાં સિડની હાર્બર-(બારા)નો સમાવેશ થઈ જાય છે, તેથી આ શહેરને ‘હાર્બર સિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના લાંબા દરિયાકિનારા પરના ઘણા કંઠાર-રેતપટ અને હાર્બર બ્રિજ તેમ જ સિડની ઑપેરા હાઉસ જેવાં સ્થાપત્યોથી તેની વિશિષ્ટ ઓળખ ઊભી થયેલી છે. ભૌગોલિક દૃષ્ટિએ, શહેર બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું છે : ૧. કુમ્બરલૅન્ડ મેદાન. તે બારાંની દક્ષિણ અને પશ્ચિમ તરફનો વિસ્તાર આવરી લે છે. ૨. હૉનર્ર્સ્બી ઉચ્ચપ્રદેશ. તે બારાંની ઉત્તર તરફ ખીણોથી ભેદાયેલો અને રેતીખડકથી બનેલો છે. આ શહેરમાં જૂનામાં જૂનું મકાન ‘કૅડમૅન્સ કૉટેજ’ છે. તે ૧૮૧૬માં બાંધવામાં આવ્યું હતું. મૅક્વેરી શેરી નજીક હાઈડ પાર્ક બૅરેક્સ તથા સેન્ટ જેમ્સ ચર્ચ આવેલાં છે. ૧૭૦ મીટર ઊંચો ઑસ્ટ્રેલિયા સ્ક્વેર ટાવર, ૧૯૮ મીટર ઊંચું AMP સેન્ટર, ૨૪૪ મીટર ઊંચું MLC સેન્ટર તથા ૩૦૫ મીટર ઊંચી સેન્ટર પૉઇન્ટ જેવી ગગનચુંબી ઇમારતો પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે. સમગ્ર સિડની વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. આ પૈકી કેટલાક એકમોમાં હળવી કે ભારે ઇજનેરી યંત્રસામગ્રીનું તથા મોટરગાડીઓનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત કાપડ, ખાદ્યસામગ્રી, પીણાં અને તમાકુની પેદાશો બનાવવાનાં કારખાનાં પણ આવેલાં છે. પારામત્તા નદીમુખ સુધીના ભાગમાં રબરની પેદાશો, રેલવે-વર્કશૉપ, વાહનોના એકમો તથા વીજળીનાં તેમ જ ઇજનેરી કારખાનાં આવેલાં છે. સિડનીમાં પાંચ યુનિવર્સિટીઓ છે. તેમાં યુનિવર્સિટી ઑવ્ સિડની (૧૮૫૦) જૂનામાં જૂની છે. સિડની ખાતે ત્રણ સંગ્રહાલયો તથા કલાવીથિકાઓ આવેલાં છે. મનોરંજન માટે સિડની સિમ્ફની ઑરકેસ્ટ્રા, ઑસ્ટ્રેલિયન ઑપેરા કંપની અને ઑસ્ટ્રેલિયન બૅલે કંપની જાણીતાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિડની, પૃ. ૧૯૪)