Categories
વાચન સમૃદ્ધિ

જગન્નાથ શંકરશેઠ મુરકુટે

જ. 10 ફેબ્રુઆરી, 1803 અ. 31 જુલાઈ, 1865

ભારતીય પરોપકારી શિક્ષાવિદ અને સમાજસેવક જગન્નાથ મુરકુટેનો જન્મ મુરબાદમાં ધનિક મરાઠી પરિવારમાં થયો હતો. પિતા શંકરશેઠ સુવર્ણકાર હતા અને તેઓ શંકરશેઠ તરીકે ઓળખાતા. જગન્નાથ પોતે નાના શેઠ તરીકે જાણીતા થયા હતા. પાંચ વર્ષની વયે માતાનું અવસાન થયું અને 18 વર્ષની વયે પિતા ગુમાવ્યા. તેઓ તેમનો પારંપરિક વ્યવસાય છોડીને મુંબઈમાં આવી વસ્યા. અહીં તેમણે પારસી અને અફઘાની વેપારીઓ સાથે વ્યવસાય કર્યો અને મુંબઈના વિકાસ અને શિક્ષણક્ષેત્રે અત્યંત મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે અનેક શાળાઓની સ્થાપના કરી. એ માટે તેમણે સ્કૂલ સોસાયટી અને નેટિવ સ્કૂલ ઑફ મુંબઈની સ્થાપના કરી. 1856માં તેમના દ્વારા સ્થાપિત મુંબઈ વિશ્વવિદ્યાલયની સૌથી પ્રાચીન કૉલેજમાંથી એક તે ઍલ્ફિન્સ્ટન કૉલેજ છે, જેમાં પ્રસિદ્ધ શિક્ષણશાસ્ત્રી, સમાજસેવક અને નેતા, દાદાભાઈ નવરોજી, મહાદેવ રાનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, બાલગંગાધર ટિળક જેવા મહાનુભાવોએ શિક્ષણ પ્રાપ્ત કર્યું.

તેમણે દક્ષિણ મુંબઈના ગિરગાંવમાં સ્થપાયેલી સ્ટુડન્ટ લાઇબ્રેરી માટે આર્થિક સહાય કરી. હિન્દુ સમાજનો ભારે વિરોધ હોવા છતાં તેમણે મહિલાઓ માટેની શાળાની સ્થાપના માટે વિપુલ ધનરાશિ અર્પણ કરી. પોતાની શાળાઓમાં તેમણે અંગ્રેજી સાથે સંસ્કૃત લાઇબ્રેરી પણ સ્થાપી. 26 ઑગસ્ટ, 1852માં તેમણે બૉમ્બે ઍસોસિયેશનના નામે રાજનીતિક દળની સ્થાપના કરી જેમાં તત્કાલીન મુંબઈની એક પ્રસિદ્ધ વ્યક્તિ સભ્ય બની હતી. ગિરગાંવમાં નાના ચોક પાસે ભવાની – શંકરમંદિર અને રામમંદિર જગન્નાથ મુરકુટેની જ દેણ છે. પ્રાચીન મુંબઈનાં અનેક ક્ષેત્રે આજે પણ તેમનાં સ્થાપત્યો મુંબઈના વિકાસ અને મહત્ત્વપૂર્ણ યોગદાનનાં સાક્ષી છે. તત્કાલીન બ્રિટિશ રાજને પણ તેમણે મુંબઈનાં અનેક વિકાસકાર્યો માટે આર્થિક સહાયતા પ્રદાન કરી છે. જગન્નાથ મુરકુટેને મુંબઈના ‘આદ્ય શિલ્પકાર’ માનવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચર્ચાનો ચોતરો

સાયમન ઍન્ડ શુસ્ટર નામની પ્રકાશન સંસ્થાના અધ્યક્ષ અને એ પછી અમેરિકાની પૉકેટ બુક્સ કંપનીના પ્રેસિડેન્ટ બનેલા લીઓન શિમકિનની કાર્યપદ્ધતિ એવી હતી કે રોજ સવારે પોતાના કર્મચારીઓને એકઠા કરીને એમની સાથે ઘણી લાંબી ચર્ચા કરતા. દરેક કર્મચારી પોતાની સમસ્યાની લંબાણભરી વાત કરતા અને એ પછી એ વાતમાં બીજી વાતો નીકળતી. એક વ્યક્તિ એક સૂચન આપે, તો બીજી વ્યક્તિ બીજું સૂચન આપે. જ્યારે ત્રીજી વ્યક્તિ એ બંનેને ખોટા ઠેરવવા પ્રયત્ન કરે અને ચોથી વ્યક્તિ સાવ જુદી જ વાત કરે. પરિણામે મૂળ પ્રશ્નો અને સમસ્યાઓ બાજુ પર રહી જતાં અને કલાકો સુધી ચર્ચા ચાલવા છતાં કશું નક્કર કામ થતું નહોતું.  લીઓન શિમકિન આવી લાંબી ચાલેલી એક મિટિંગ પૂરી કરે, ત્યાં એમને બીજે કૉન્ફરન્સમાં જવાનો સમય થઈ જતો. ચર્ચા અધૂરી રહેતી અને આખો દિવસ આમ મિટિંગોમાં વ્યતીત થઈ જતો. પંદરેક વર્ષ સુધી આવી પરિસ્થિતિ રહ્યા પછી એક દિવસ શિમકિને વિચાર્યું કે એમની જિંદગીનો મોટા ભાગનો સમય તો ચર્ચા-વિચારણા અને સભામાં જ પૂરો થઈ જાય છે. આને બદલે કોઈ બીજો ઉપાય કરવો જોઈએ. એમણે પોતાની જૂની રીત બંધ કરી. બધા કર્મચારીઓને બોલાવીને એક સાથે ચર્ચા કરવાને બદલે એમણે કાર્યકરોને કહ્યું કે, હવે તમે આવો ત્યારે સ્પષ્ટ રૂપે લખીને આવજો કે તમારી સમસ્યા કેમ ઉદ્ભવી છે ? એના ઉકેલની કઈ શક્યતાઓ છે ? અને એનો તમે કયો ઉકેલ આપવા માંગો છો ? આ પદ્ધતિને પરિણામે લીઓન શિમકિનની જિંદગી બદલાઈ ગઈ. પહેલાં લોકો એક ને એક વાતો વારંવાર કરતા, સભામાં અંગત મંતવ્યોને આમતેમ ઉછાળતા. એને બદલે એમની પાસેથી જ વિશ્લેષણ મળતાં લીઓન શિમકિનનો ઝાઝો સમય ચર્ચામાં બરબાદ થતો અટકી ગયો અને સમસ્યા જાણીને એના ઉકેલનો રસ્તો શોધવા પર ધ્યાન આપવા લાગ્યા. અભિગમ બદલાતાં લીઓન શિમકિનની જિંદગી બદલાઈ ગઈ.

Categories
વાચન સમૃદ્ધિ

સુભદ્રાબહેન શ્રોફ

જ. 9 ફેબ્રુઆરી, 1915, અ. 26 માર્ચ, 2006

ગુજરાતનાં સ્વાતંત્ર્યસેનાની અને કન્યાકેળવણીના પાયાનાં કાર્યકર સુભદ્રાબહેન શ્રોફનો જન્મ સૌરાષ્ટ્રના જેતલસર ગામમાં થયો હતો. પિતા ચીમનલાલ શ્રોફ વડોદરાના કલાભવનના પ્રિન્સિપાલ હતા. સુભદ્રાબહેને મૅટ્રિક સુધીનું શિક્ષણ વડોદરામાં લીધું હતું. 1936માં તેઓ અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયાં. એ પછી તેઓ નડિયાદના વિઠ્ઠલ કન્યા-વિદ્યાલયમાં જોડાયાં, પરંતુ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે સંસ્થામાંથી રાજીનામું આપ્યું અને સ્વાતંત્ર્યસેનાનીઓની ટુકડીમાં જોડાયાં. ખેડા જિલ્લાના નાના ગામમાં ભાષણ આપીને સ્વાતંત્ર્યની લડતનો પ્રચાર કરતાં સુભદ્રાબહેન પકડાયાં. તેમને ત્રણ માસની જેલની સજા થઈ. જેલવાસ દરમિયાન સુભદ્રાબહેનનાં માતુશ્રી બીમાર પડ્યાંના સમાચાર આવ્યા. પોતે પેરોલ પર છૂટી શકે, પરંતુ એ માટે કોઈ પણ ચળવળમાં ભાગ નહીં લેવાની લેખિત બાંયધરી આપવી પડે. એ એમને મંજૂર ન હતું. સુભદ્રાબહેન જેલમાં જ રહ્યાં. તેમનાં માતુશ્રી અવસાન પામ્યાં. દુ:ખદ પ્રસંગે પણ મક્કમતાથી તેમણે જેલવાસ પૂરો કર્યો હતો. ત્યાર પછી તેઓ વડોદરા અને મુંબઈમાં રાષ્ટ્રીય શાળામાં જોડાયાં. દરબાર ગોપાળદાસે, સુભદ્રાબહેન શ્રોફ અને સુમતિબહેન વૈદ્યને રાજકોટમાં કન્યાકેળવણી માટેની સંસ્થા શરૂ કરવાનું આમંત્રણ આપ્યું. 1946ની 9મી જૂને દરબારસાહેબ, ભક્તિબા અને ઢેબરભાઈના પ્રયત્નોથી, નારણદાસભાઈ ગાંધીના સહયોગથી રાષ્ટ્રીય શાળાના મકાનમાં શ્રી વલ્લભ કન્યા વિદ્યાલયની શરૂઆત શ્રી શામળજીભાઈ વિરાણીના પુત્રોની નાણાકીય સહાયથી થઈ. શરૂઆતમાં 11 ધોરણ સુધીની શાળા અને છાત્રાલય શરૂ કરવામાં આવ્યાં હતાં. એ પછી બાળમંદિર, પ્રાથમિક શાળા, પ્રી-પીટીસી, ઉચ્ચતર માધ્યમિક, વ્યક્તિત્વ વિકાસ-કેન્દ્ર અને લોકવિજ્ઞાન-કેન્દ્ર જુદા જુદા સમયે શરૂ કરવામાં આવ્યાં. તેઓએ 1946થી 1966 સુધી સતત 20 વર્ષ આ સંસ્થાના આચાર્યપદે રહી 50 વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. 1964માં સંસ્થાનાં નિયામક બન્યાં તથા 24 વર્ષ કાર્યરત રહ્યાં. 1965માં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત સરકારના મહિલા ઉદ્યોગ, પાઠ્યપુસ્તક, પ્રૌઢશિક્ષણ સહિત અનેક મહત્ત્વની સમિતિઓમાં વર્ષો સુધી સક્રિય સભ્ય રહ્યાં હતાં.