Categories
વાચન સમૃદ્ધિ

જગત જાકારો આપે ત્યારે મૈત્રી

માત્ર આવકારો આપે ==============================

મૈત્રી ત્યારે જ ટકે કે જ્યારે એમાં વિચારો કે દલીલોની ચડઊતર થતી હોય. સંબંધો ત્યારે જ દૃઢ થાય કે જ્યારે એકબીજા સાથે વિચારવિમર્શ થતો હોય અને એમાંથી કશુંક તારણ મેળવાતું હોય. મૈત્રી એટલે માત્ર સંબંધ બાંધવો એટલું નથી. એ તો એનું પહેલું પગથિયું છે. એ પછી એનું બીજું પગથિયું છે તે સંબંધને મજબૂત કરવો અને ત્રીજું પગથિયું છે મૈત્રીને સાતત્યપૂર્ણ રીતે જાળવવી. સંબંધ બાંધવામાં વ્યક્તિઓ અતિ ઉત્સાહી હોય છે. મૈત્રી બાંધતી વેળાએ એ ઝાઝો વિચાર કરતી નથી. ક્યાંક મળવાનું બને, હોટેલ કે સિનેમામાં જવાનું થાય અને મૈત્રી બંધાઈ જાય, પરંતુ આવી મૈત્રી ક્ષણભંગુર એ માટે હોય છે કે એની પાછળ વિચાર કે સમજનો કોઈ મજબૂત પાયો હોતો નથી. આથી મૈત્રી બાંધવા કરતાં પણ મૈત્રીની ઇમારતનું ઘડતર કરવું મહત્ત્વનું છે અને એ ઘડતર કરવા માટે વિચારોનું મુક્ત આદાનપ્રદાન આવશ્યક છે. મિત્રને સાચી વાત કહેવાની હિંમત તો હોય, પરંતુ એથીય વધુ એને દુ:ખ પહોંચાડે એવી કડવી વાત કરવાનો છોછ રાખવો જોઈએ નહીં, કારણ કે મૈત્રીના આ ચણતરમાં ઘણી મહેનત કરવી પડે છે. વળી મૈત્રીને જાળવવાનું કામ ઘણું કપરું છે. ક્યારેક પ્રારંભમાં કોઈ આકર્ષણને કારણે મૈત્રી બંધાઈ જાય, પરંતુ એ પાછી થોડાક સમયમાં ભુલાઈ જતી હોય છે. જ્યારે સાચી મૈત્રી એ સાતત્યપૂર્ણ હોય છે અને તે જીવનભર ટકનારી હોય છે. દુનિયા આખી જાકારો આપે ત્યારે મૈત્રી એને આવકારો આપે છે. આંખ જેમ જગતને બતાવતી હોય છે, હાથ જેમ શરીરનું પ્રિય કરે છે એવી સાહજિકતા મૈત્રીમાં હોવી જોઈએ અને એવી મૈત્રી વ્યક્તિને માટે જીવનમાં આનંદ અને ઔષધ બંને બની રહે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કિશોરીલાલ ગોસ્વામી

જ. ૧૫ ફેબ્રુઆરી, ૧૮૬૫ અ. ૨૯ મે, ૧૯૩૩

હિંદી સાહિત્યના પ્રતિભાશાળી સર્જક કિશોરીલાલ ગોસ્વામીનો જન્મ બનારસમાં થયો હતો. તેમનું સમગ્ર શિક્ષણ કાશીમાં થયું હતું. હિંદી સાહિત્યમાં તેમની ગણના પ્રથમ મૌલિક વાર્તાકાર તરીકે થાય છે. તેઓ ઐતિહાસિક ભાવનાવાળી અને વાસ્તવિક નવલકથાઓના સર્જક હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને ગૌરવ હતું. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રનાં ગુરુ કૃષ્ણા ચૈતન્ય કિશોરીલાલનાં માતામહ થાય, તેથી ભારતેન્દુ સાથેના સાહિત્યકારો સાથે તેમને ગાઢ સંપર્ક હતો. તેમણે સામાજિક, રહસ્યપ્રધાન તેમજ જાસૂસી નવલકથાઓ પણ લખી હતી. તેમણે કુલ ૬૫ નવલકથાઓ, ૩ વાર્તાસંગ્રહો આપ્યાં છે. તેઓ સરસ્વતી મૅગેઝિનના સંપાદકમંડળમાં રહ્યા હતા અને ‘ઉપન્યાસ’નું સંપાદન પણ સંભાળ્યું હતું. જેમાં તેમની મોટા ભાગની નવલકથાઓ પ્રગટ થઈ હતી. ‘ચૌપાટ ચપટ’ અને ‘મયંકમંજરી’ તેમનાં શૃંગારિક નાટકો છે, જ્યારે ‘બાલપ્રભાકર ચંદ્રિકા’, ‘ઇન્દુમતી’ અને ‘ગુલબહાર’ તેમના વાર્તાસંગ્રહો છે. તેમની વાસ્તવલક્ષી નવલકથાઓમાં ‘પ્રણયિની પરિણય’, ‘ત્રિવેણી’, ‘સ્વર્ગીય કુસુમ’, ‘લીલાવતી’, ‘ચપલા’, ‘ચંદ્રિકા વાજડાઉં ચંપાકલિ’, ‘ચંદ્રાવલિ’, ‘તરુણ તપસ્વિની’, ‘ઇન્દુમતી વનવિહંગિની’, ‘પુનર્જન્મ’, ‘માધવી માધવ’ અને ‘અંગુડી કા નગીના’નો સમાવેશ થાય છે. ‘હૃદય હરિણી’, ‘લવંગલતા’, ‘ગુલબહાર કા આદર્શ ભારતી પ્રેમ’, ‘કનકકુસુમ’, ‘હિરાબાઈ’, ‘સુલતાના’, ‘મલ્લિકાદેવી’, ‘લખનઉ કી કબ્ર’ વગેરે તેમની ઐતિહાસિક ભાવનાપ્રધાન નવલકથાઓ છે. તેમની રહસ્યપ્રધાન નવલકથાઓમાં ‘નૌલખા હાર’ અને ‘ખૂની ઓરત કા સાત ખૂન’નો સમાવેશ થાય છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જૂઈ (ચમેલી)

: દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની ક્ષુપીય આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum aurieulatum Vahl. (સં. સુરપ્રિયા, ઉપજાતિ, જૂથિકા; હિં. ચમેલી, જૂઈ, જુહી; બં. ચામિલી; મ. ચમેલી; ક. મોગરાચા ભેદુ, કાદાર મલ્લિગે; તે. અડવિમોલ્લા, એટ્ટડવિમોલ્લા; તા. ઉસિમલ્લિગે) છે. તે ડેક્કન દ્વીપકલ્પ (peninsula) અને દક્ષિણ તરફ ત્રાવણકોર સુધી થાય છે. તે રોમિલ (pubescent) કે દીર્ઘરોમી હોય છે. તેનાં પર્ણો મોટે ભાગે સાદાં, અથવા કેટલીક વાર ત્રિપંજાકાર (trifoliate) હોય છે. નીચેની બે પર્ણિકાઓ નાની અથવા સૂક્ષ્મ કર્ણાકાર (auriculate) હોય છે અથવા તે ગેરહાજર હોય છે. પુષ્પો સફેદ, મીઠી સુવાસવાળાં, સંયુક્ત રોમિલ અક્ષ પર દ્વિશાખી (biparous) પરિચિત સ્વરૂપે શિથિલ રીતે ગોઠવાયેલાં હોય છે. દલપુંજ ૫-૮ ઉપવલયી (elliptic) દલપત્રોનો બનેલો હોય છે. જૂઈનું વાવેતર સમગ્ર ભારતમાં થતું હોવા છતાં તે ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં થાય છે.

જૂઈની પુષ્પ સહિતની શાખા

તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા નવેમ્બર-જાન્યુઆરીમાં કરવામાં આવે છે. પુષ્પનિર્માણ ચોમાસામાં ઑગસ્ટની શરૂઆતમાં થાય છે. પુષ્પ નાનાં અને વજનમાં હલકાં (૨૬,૦૦૦ પુષ્પો/કિગ્રા.) હોય છે. તેનું સરેરાશ ઉત્પાદન ૯૧-૧૮૫ કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. જૂઈ કજ્જલી ફૂગ(sooty mould)થી સંવેદી છે. આ રોગ Meliola jasminicola દ્વારા થાય છે. જૂઈનાં પુષ્પોનો ઉપયોગ પૂજામાં અને ગજરા, વેણી કે હાર બનાવવામાં તથા સુગંધિત કેશતેલ અને અત્તર બનાવવામાં થાય છે. તેના ઉત્પાદનની પદ્ધતિઓ જાઈમાં દર્શાવ્યા મુજબની છે. તેનું અત્તર ઘેરા લાલ રંગનું, સુગંધ તાજાં પુષ્પો જેવી તથા જૅસ્મિનમની બીજી જાતિઓ કરતાં વધારે આનંદદાયી હોય છે. તે ઍસ્ટર (બેન્ઝાઇલ એસિટેટ તરીકે), ૩૫.૭%, આલ્કોહૉલ (લિનેલૂલ તરીકે) ૪૩.૮૧%, ઇન્ડોલ ૨.૮૨% અને મિથાઇલ ઍન્થ્રેનિલેટ ૬.૧% ધરાવે છે. જૂઈ બે પ્રકારની થાય છે : સફેદ પુષ્પોવાળી (યૂથિકા) અને પીળાં પુષ્પોવાળી (હેમયૂથિકા). આ ઉપરાંત, શ્રીપદેજીએ નિઘંટુમાં નીલા રંગની (નીલયૂથિકા) અને મેચક રંગની (મેચક યૂથિકા) જૂઈ વર્ણવી છે. આયુર્વેદ અનુસાર જૂઈ કડવી, શીતળ, લઘુ, સ્વાદુ, તીખી, હૃદ્ય, મધુર, તૂટી અને સુગંધી હોય છે. તે વાયુ તથા કફ કરનારી અને પિત્ત, તૃષા, દાહ, ત્વગ્દોષ, મૂત્રાશ્મરી, દંતરોગ, વ્રણ, શિરોરોગ, સુખરોગ,  નવજ્વર અને વિષનો નાશ કરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બળદેવભાઈ પટેલ